સમાજમિતિ (sociometry) : સમાજશાસ્ત્રની એક સંશોધનપ્રવૃત્તિ. જે. એલ. મોરેનો(1934)એ સર્વપ્રથમ આ પદ્ધતિની વાત કરી ત્યારબાદ સુધારા-વધારા સાથે સામાજિક જૂથ અને સામાજિક સંબંધોના સંશોધનમાં આ પદ્ધતિ પ્રયોજાતી રહી છે. ફ્રાન્સના મત મુજબ ‘‘કોઈ એક જૂથના સભ્યો વચ્ચેનાં આકર્ષણ અને અપાકર્ષણના માપન દ્વારા જૂથના સભ્યોની પસંદગી, પ્રત્યાયન અને આંતરક્રિયાની તરાહ’’ જાણવા માટે આ પદ્ધતિ મહત્ત્વની છે. હેલન જેનિંગ્સના મત મુજબ ‘‘કોઈ એક જૂથના સભ્યો વચ્ચે નિશ્ચિત સમયે અસ્તિત્વ ધરાવતા સંબંધોના માળખાને સરળતાથી અને આલેખ દ્વારા રજૂ કરવા માટેની પદ્ધતિ’’ એટલે સમાજમિતિ. આ પદ્ધતિનો ઉપયોગ અનૌપચારિક જૂથ, વર્ગખંડ, જેલ (કેદી જૂથ), ઉદ્યોગ, ઔપચારિક સંગઠન વગેરે વૈવિધ્યપૂર્ણ જૂથોમાં સંશોધનો માટે થયો છે.
આ પદ્ધતિની કાર્યવિધિ આ પ્રમાણે છે : 1. જે તે જૂથના કદને (સભ્યસંખ્યાને) ધ્યાનમાં રાખીને તેના સભ્યોને પસંદગી(અથવા નાપસંદગી)ની સંખ્યા આપવામાં આવે છે.
2. પસંદગી નિરપેક્ષ નથી હોતી. પૂર્વનિશ્ચિત માનદંડો(જેમ કે, લગ્ન, મૈત્રી, સહપઠન વગેરે)ને ધ્યાનમાં રાખીને, પુછાયેલા પ્રશ્નને આધારે પસંદગી કરવાની હોય છે.
3. દરેક પસંદગીને ક્રમ કે સ્તર (જેમ કે, 1 અથવા 2 અથવા 3) આપવાનો હોય છે.
4. આ પસંદગી જૂથ-સભ્ય(વ્યક્તિ)ની, પ્રત્યાયનની અથવા અસર-(જેમ કે નેતૃત્વ)ની એમ ત્રણ પ્રકારની હોઈ શકે.
5. આ પસંદગી કોઈ એક નિશ્ચિત સમયસંદર્ભમાં થાય છે. અન્ય સમયે આ કસોટી એક જ જૂથના તે સભ્યોને ફરીથી પસંદગી કરવાનું કહેવાતાં તેમાં બદલાવ આવી શકે છે, કારણ કે જૂથના સભ્યોના સંબંધોમાં (પસંદગી-નાપસંદગીમાં) સમય સાથે બદલાવ આવતો હોય છે.
ધારો કે કોઈ એક શાળાની સમિતિ પર ત્રણ સભ્યો પસંદ કરવાના હોય, તો વર્ગજૂથના સભ્યો પોતાનામાંથી કોને પસંદ કરે છે તે નીચે મુજબની મિતિ (કોષ્ટક) પરથી જાણી શકાય :
ઉપર દર્શાવેલ સમાજમિતિના સહેલા ઉદાહરણ પરથી જાણી શકાય છે કે આ પદ્ધતિ દ્વારા એક જૂથના બે સભ્યો (જોડકાં) વચ્ચેના સંબંધોને સ્પષ્ટ રીતે સમજી શકાય છે. આ ઉપરાંત કઈ વ્યક્તિ સૌથી વધુ પસંદગી પામે છે – નેતૃત્વનાં લક્ષણો ધરાવે છે તથા કઈ વ્યક્તિ એકલી (‘એલિયેનેટેડ’) પડી જાય છે વગેરે બાબતો જાણી શકાય છે. જેમ કોણ કોને પસંદ કરે છે તે જાણી શકાય તેમ કોણ કોને ધિક્કારે છે તે પણ જાણી શકાય છે.
તેમ છતાં સમાજમિતિ-પદ્ધતિની મર્યાદાઓ ઘણી છે. બહુ મોટા અને ઔપચારિક – જ્યાં વ્યક્તિગત સંબંધ ન હોય તેવા જૂથને કે સમુદાયને આ પદ્ધતિ લાગુ પાડી શકાતી નથી. વળી આ પદ્ધતિથી જૂથની ગત્યાત્મકતા જાણી શકાતી નથી. એવી જ રીતે એકીસાથે અનેક પારિવર્ત્યો (‘વેરિયેબલ્સ’) અને તેમના આંતરસંબંધો વિશે માહિતી મેળવી શકાતી નથી. આમ હોવાથી અન્ય માપનપદ્ધતિઓના પ્રમાણમાં સમાજમિતિનો ઉપયોગ આ રહ્યો છે.
સમાજમિતિ-પદ્ધતિને આલેખના સ્વરૂપમાં રજૂ કરવાને બદલે લેખચિત્ર(gram)ના સ્વરૂપમાં રજૂ કરવાનો ચાલ પણ વિકસ્યો છે. આ પદ્ધતિને સમાજલેખચિત્ર (sociogram) કહેવાય છે, જે સમાજમિતિનું જ અન્ય સ્વરૂપ છે. લેખચિત્ર દ્વારા જે તે જૂથના સભ્યોનું પરસ્પરનું નેટવર્કિંગ (જાળગૂંથણી) તથા પેટાજૂથ (ક્લીક) જાણી શકાય છે. જૂથના સભ્યોની પસંદગીને પ્રથમ મિતિ(મેટ્રિક્સ)માં દર્શાવ્યા બાદ લેખચિત્ર(ગ્રામ)માં નીચે મુજબ દર્શાવી શકાય :
અગાઉ દર્શાવેલ મિતિ અને ઉપર દર્શાવેલ લેખચિત્રમાં એક વર્ગજૂથના વિદ્યાર્થીઓને તેમને ‘‘શાળાસમિતિમાં કોની સાથે કામ કરવું ગમશે ?’’ તેવો પ્રશ્ન પૂછી ત્રણ પસંદગી દર્શાવવાનું કહેવામાં આવ્યું હતું. આના જે જવાબો આવ્યા તેની રજૂઆત બંનેમાં જુદી રીતે થયેલી દેખાય છે. પ્રથમ (મિતિ)માં કોષ્ટકથી રજૂઆત કરી છે, જ્યારે ઉપરના લેખચિત્રમાં જાળગૂંથણી(નેટવર્કિંગ)થી રજૂઆત કરી છે.
સંશોધનશાસ્ત્ર(મેથડૉલૉજી)ના દૃષ્ટિબિંદુથી જોતાં આ પદ્ધતિના ત્રણ મુદ્દા ચકાસવા પડે :
1. સાતત્ય (continuum) : આ પ્રકારની સામાજિક અંતરમાપન-પદ્ધતિમાં સાતત્યને પસંદગી માટેની ઉદ્દીપક પરિસ્થિતિના સંદર્ભમાં જોઈ શકાય. અહીં સાતત્ય પ્રથમ, દ્વિતીય અને તૃતીય – એમ ત્રણ પસંદગીના સંદર્ભમાં છે. અન્ય કોઈ પરિસ્થિતિમાં સ્વીકૃત-અસ્વીકૃત એવું સાતત્ય હોઈ શકે. પસંદગીના સાતત્યને સૌથી વધુ પસંદ, પસંદ, ચાલે, પસંદ નહિ અને સદંતર પસંદ નહિ એવાં પંચબિંદુ સાતત્ય પર પણ માપી શકાય.
2. વિશ્વસનીયતા (reliability) : આ પ્રકારની માપન-પદ્ધતિ કસોટી-પુન:કસોટી (ટેસ્ટ-રીટેસ્ટ) સ્થિતિ માટે વધુ અનુકૂળ છે. જેનિંગ્સ દર્શાવે છે કે ઉદ્દીપક પરિસ્થિતિ સમાન રહે તો પસંદગી ખાસ બદલાતી નથી. આથી આ પદ્ધતિ વિશ્વસનીય ગણી શકાય.
3. આધારભૂતતા (validity) : જે માપવું હોય તે જ માપે, અન્ય નહિ, તે રીતે જોતાં જૂથના સભ્યોમાં સ્વીકૃતિ-અસ્વીકૃતિ માપવા માટે આ પદ્ધતિ આધારભૂત ગણાય.
વિદ્યુત જોષી