સમાજકાર્ય (social work) : સમાજ અને કલ્યાણપ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી વિવિધ સેવાઓ. ‘સમાજકાર્ય’ એ શીર્ષક નીચે આવરી લેવામાં આવતી પ્રવૃત્તિને સમજવા માટે ચાર બાબતો વિશે સ્પષ્ટ થવું જોઈએ : (1) એ પ્રવૃત્તિ કોના દ્વારા હાથ ધરવામાં આવે છે ? (2) કોના માટે એ પ્રવૃત્તિ કરવામાં આવે છે ? (3) તેનું સ્વરૂપ શું છે ? અને (4) તેનું પ્રયોજન શું છે ?

સામાજિક કાર્યનો ઉદ્દેશ જરૂરતમંદ લોકોને સહાયભૂત થવાનો હોય છે. સહાયની જરૂર છે કે કેમ તે જાણવા માટે પરિસ્થિતિ તેમજ વ્યક્તિ વિશે જ્ઞાન હોવું જોઈએ. જે પરિબળો કે પરિસ્થિતિને કારણે વ્યક્તિ પોતાની સ્થિતિને સુધારવા માટે કે આપત્તિમાં ટકી રહેવા માટે અસમર્થ બની જાય છે તેને સમજી લેવી પડે. વ્યક્તિની કેટલીક અસમર્થતાઓ એક યા બીજા પ્રકારની અપંગતામાંથી ઉદ્ભવે છે. આંધળાપણું તેનું એક દેખીતું ઉદાહરણ છે. સ્ત્રીની પણ સ્વીકારાયેલી અસમર્થતા છે.

મોટાભાગની અસમર્થતાઓ સામાજિક પરિસ્થિતિની પેદાશ હોય છે. સમાજમાં આવતાં પરિવર્તનો કેટલીક વ્યક્તિઓને કે કેટલાંક જૂથોને અસહાય પરિસ્થિતિમાં ધકેલી દે છે, જેઓ પૂર્વે સારી રીતે ગોઠવાયેલાં હોય છે. ઝડપથી બદલાતા જતા સમાજમાં અસમર્થ બનતાં નવાં નવાં જૂથોને ઓળખવાં પડે. અલબત્ત, પરિવર્તનને કારણે પૂર્વેનાં કેટલાંક અસમર્થ જૂથો સામર્થ્ય પ્રાપ્ત કરે એ પણ શક્ય છે.

પરંપરાગત સમાજમાં લોકોનાં વિવિધ જૂથોની અસહાયતા કે લાચારી માટે એ જૂથોની વ્યક્તિઓને જ જવાબદાર લેખવામાં આવતી હતી. એ માટે વ્યક્તિઓની અણઆવડત, તેમની કુટેવો, તેમનાં ભાગ્ય વગેરેને કારણભૂત લેખવામાં આવતાં હતાં. આવી વ્યક્તિઓને રાહત આપવાના ઉદ્દેશથી તેમને મદદ કરવામાં આવતી હતી. એ મદદ મુખ્યત્વે દયાભાવથી કરવામાં આવતી હતી. એવી લાચાર વ્યક્તિઓ કે લાચાર જૂથોને તેમની સ્થિતિમાંથી કાયમ માટે બહાર લાવી શકાય એવું એ સમાજોમાં માનવામાં આવતું ન હતું. સહાય આપવાનું કાર્ય વ્યક્તિ પોતાના ઉમંગથી કરતી હતી એ અર્થમાં તે એક વ્યક્તિગત પ્રયાસ રહેતો. સમાજની એકંદર પરિસ્થિતિને સુધારવા માટેના એક સામૂહિક પ્રયાસ રૂપે સમાજકાર્ય કરવામાં આવતું ન હતું. એ સમાજકાર્યનું સ્વરૂપ સરળ હતું. જરૂરતમંદ વ્યક્તિઓને કામચલાઉ ધોરણે ખપ-પૂરતી ભૌતિક ચીજોની સહાય આપવામાં આવતી હતી. એ સહાય ચાલુ રહેશે એવી કોઈ ખાતરી રહેતી ન હતી. સામાન્ય રીતે પરંપરાગત સમાજમાં વ્યક્તિની જરૂરિયાતો કુટુંબમાં સંતોષાતી હતી. જે વ્યક્તિઓની જરૂરિયાત કુટુંબો દ્વારા ન સંતોષાય તેમને જ દયાદાનના રૂપમાં સહાય કરવાના પ્રયાસો વ્યક્તિગત ધોરણે કરવામાં આવતા હતા.

પશ્ચિમના દેશોમાં ઔદ્યોગિકીકરણ પછી બદલાયેલા સામાજિક-આર્થિક માળખામાં જેઓ સામાજિક પરિવર્તનોનો ભોગ બન્યા તેમના માટે ખાસ સામાજિક પ્રબંધો કરવાની જરૂરિયાત ઊભી થઈ; દા.ત., ગ્રામીણ વસ્તી નગરોમાં સ્થળાંતર કરતાં તેમાંથી કેટલાક પ્રશ્નો ઊભા થયા. કૌટુંબિક સંબંધો અને જવાબદારીઓનું સંકોચન થતાં જુદા સ્વરૂપના પ્રશ્નો ઊભા થયા. આ સ્થિતિમાં રાજ્યની જવાબદારી વિશે વિચારણા શરૂ થઈ. રાષ્ટ્રની વધતી જતી સંપત્તિની વધુ ન્યાયી કે સમાન વહેંચણી કરવા માટેની વિચારણા અને માગણી ચિંતકો અને સમાજસુધારકોએ કરી. આ માટે શિક્ષણ, આરોગ્ય, વસવાટ જેવી સેવાઓ વિસ્તારવા પર ભાર મૂકવામાં આવ્યો. 19મી સદીમાં ઔદ્યોગિક કામદારોના કલ્યાણ અને રક્ષણ માટે રાજ્યની ભૂમિકા વિસ્તરી. એ સાથે સમાજસેવા માટે રચાયેલાં સ્વૈચ્છિક સંગઠનો પણ મોટી સંખ્યામાં રચાયાં.

ઔદ્યોગિક સમાજોમાં સમાજકાર્ય કે સમાજસેવાનો અભિગમ 19મી સદીમાં બદલાયો. હવે જરૂરતમંદ વ્યક્તિઓને રાહત આપવા માટે નહિ, પણ તેમને પોતાના પગ પર ઊભી રાખવા માટેના પ્રયાસો પર ભાર મૂકવામાં આવ્યો. એ માટે વૈજ્ઞાનિક અભિગમ અપનાવવા પર પણ ભાર મૂકવામાં આવ્યો અને ચોક્કસ કામગીરી સારી રીતે કરવા માટે કાર્યકરો કે કર્મચારીઓને તાલીમ આપવાની વ્યવસ્થા પણ કરવામાં આવી.

આધુનિક સમાજકાર્યને હવે ચોક્કસ અર્થમાં સમજવામાં આવે છે. પશ્ચિમના કેટલાક દેશોમાં હવે તે વિવિધ સામાજિક પ્રવૃત્તિઓનો શંભુમેળો રહ્યો નથી, પણ તેને એક વ્યવસાય (profession) તરીકે જોવામાં આવે છે. સમાજનાં કેટલાંક જૂથો કે વ્યક્તિઓની કલ્યાણપ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી સેવાઓનાં બધાં પાસાંને આજે સમાજકાર્ય તરીકે જોવામાં આવે છે. વિવિધ એજન્સીઓ દ્વારા લોકોને જે અનેકવિધ સેવાઓ પૂરી પાડવામાં આવે છે તે પાત્રતા ધરાવતી વ્યક્તિઓ સુધી પહોંચે અને એ લોકો તેનો સારી રીતે ઉપયોગ કરી શકે તે જોવાની કામગીરી સમાજકાર્યની છે. તેનો ઉદ્દેશ વ્યક્તિઓ અને જૂથો સમાજમાં સારી રીતે સામેલ થઈને પોતાની અને સમાજની સ્થિતિ સુધારી શકે તે જોવાનો છે. અલબત્ત, સમાજકાર્ય એક વ્યવસાય છે એવા દાવાને બધા સ્વીકારતા નથી. જોકે સમાજકાર્ય સાથે સંકળાયેલા સહુ કોઈ આજે એ સહજ રીતે સ્વીકારે છે કે સામાજિક પરિસ્થિતિને કારણે અસહાય કે લાચાર બનેલી વ્યક્તિઓને જે સહાય કરવાની છે તે દયાદાનથી પ્રેરાઈને કરવાની નથી, પરંતુ વ્યક્તિનો એ અધિકાર છે એ સ્વીકારીને કરવાની છે.

ભારતીય સમાજમાં કુટુંબ, જ્ઞાતિ અને ગ્રામસમુદાય જરૂરતમંદ લોકોને સહાય કરતાં હતાં અને આપત્તિમાં ટેકો કરતાં હતાં. આ સામાજિક પ્રથામાં શારીરિક અને માનસિક રીતે અપંગો, વૃદ્ધો અને બાળકો, વિધવાઓ અને અનાથ બાળકોને સંબંધોના આધાર પર આર્થિક સલામતી પૂરી પાડવામાં આવતી હતી. આ સમાજમાં વ્યક્તિની કોઈ આગવી ઓળખ હતી જ નહિ. તે કુટુંબનો એક ઘટકમાત્ર હતી. જે થોડી વ્યક્તિઓની જરૂરિયાતો સંયુક્ત કુટુંબ કે જ્ઞાતિ દ્વારા સંતોષાતી ન હતી તેમને દયાદાન પર આધાર રાખવો પડતો.

ઓગણીસમી સદીમાં પશ્ચિમની ઉદારમતવાદી વિચારણા અને સંસ્થાઓની તથા ખ્રિસ્તી મિશનરીઓની પ્રવૃત્તિઓએ ભારતના સમાજ પર પ્રભાવ પાડ્યો. સામાજિક કુરિવાજો અને પરંપરાઓ તથા કચડાયેલાં જૂથો વિશે શિક્ષિત લોકો સભાન બન્યા. સામાજિક અને રાજકીય સમાનતા પર ભાર મૂકતી સમાજસુધારાની પ્રવૃત્તિઓ  ચળવળોનો તેમાંથી ઉદ્ભવ થયો. સુધારકોએ શરૂઆતમાં સ્ત્રીઓના પ્રશ્નો પર અને પાછળથી એટલે કે 19મી સદીના અંત ભાગમાં, જ્ઞાતિપ્રથાની અસમાનતા પર તેમનું ધ્યાન કેન્દ્રિત કર્યું. મોટાભાગના સુધારકો કાયદાની ભૂમિકા ધરાવતા હોવાથી તેઓ વ્યક્તિના વ્યક્તિ તરીકેના અધિકારો વિશે સભાન હતા. તેથી સમાજસુધારાની પ્રવૃત્તિ ધાર્મિક મૂલ્યો કે નીતિમત્તા સાથે સંકળાયેલી ન હતી. તેમણે સમાજસુધારા માટે કાનૂની પગલાં પર ભાર મૂક્યો, પણ તેની સાથે સમૂહમાધ્યમો અને જાહેર વ્યાખ્યાનો દ્વારા લોકમત કેળવવાનો પણ પ્રયાસ કર્યો. પશ્ચિમના દેશોમાં સામાજિક સુધારાની પ્રવૃત્તિ મહત્ત્વનાં આર્થિક પરિવર્તનો સાથે તેમજ લોકોને જવાબદાર બનતી જતી રાજકીય પ્રથા સાથે સંકળાયેલી હતી, ભારતમાં તો તે કેવળ પશ્ચિમના સંપર્કમાંથી ઉદ્ભવી હતી. દરમિયાન 19મી સદીના છેલ્લા દોઢેક દસકા દરમિયાન રાજકીય આંદોલનની ભૂમિકા સર્જાતાં સામાજિક સુધારાની પ્રવૃત્તિ ગૌણ બની. 20મી સદીમાં ગાંધીજીએ રાજકીય આંદોલનને સમાજસુધારણાના આંદોલન સાથે સાંકળી લઈને સમાજસુધારાની પ્રવૃત્તિને વેગ આપ્યો.

સમાજસુધારકોએ સમાજકાર્યના ક્ષેત્રમાં વિચાર તેમજ કૃતિ(action)ના સ્તરે બહુ મોટું પ્રદાન આપ્યું. સમાજસુધારકોએ રાષ્ટ્રીય ધોરણે વિચારણાની પરંપરા પાડી, સમાજના પ્રશ્નોની વૈજ્ઞાનિક ઢબે આલોચના કરી અને ઉકેલવા જેવા પ્રશ્નો અંગે લોકોમાં સભાનતા જગાવી. તેમણે કેટલીક સેવાઓ સંસ્થા-સંગઠન દ્વારા પૂરી પાડવાની પ્રથા પાડી; દા.ત., તેમણે અનાથાશ્રમો ખોલ્યા, વિધવાઓ અને વૃદ્ધો માટે આશ્રમો સ્થાપ્યા અને શારીરિક રીતે અપંગ લોકોને સહાય કરવા માટે સંસ્થાઓ રચી. એકંદરે ભારતમાં સમાજસુધારકોની પ્રવૃત્તિઓનો વ્યાપ મોટો હતો.

ભારતમાં સમાજકાર્યની આધુનિક વિભાવનાનું એક મોટું ઉદાહરણ 1905માં ગોપાળકૃષ્ણ ગોખલે દ્વારા સ્થાપવામાં આવેલી ‘સર્વન્ટ્સ ઑવ્ ઇન્ડિયા સોસાયટી’ હતું. એમાં સેવકોની કાળજીપૂર્વક પસંદગી ગોખલે પોતે કરતા. સેવક થનારે જીવનભર એ કારકિર્દી સ્વીકારવાની હતી, પાંચ વર્ષની તાલીમ અને અભ્યાસ પછી વ્યક્તિને ક્ષેત્રકાર્ય માટે મોકલવામાં આવતી હતી. સેવક સ્નાતક હોવો જ જોઈએ. આ રીતે સેવકો તરીકે જોડાયેલી વ્યક્તિઓની સંખ્યા બહુ ઓછી હતી, પરંતુ તેમણે સ્ત્રીકલ્યાણ, શિક્ષણ, ગ્રામીણ ક્ષેત્રે સહકારી પ્રવૃત્તિ, મજૂર-પ્રવૃત્તિ, પછાત વર્ગો – ખાસ કરીને આદિવાસીઓ માટેની કલ્યાણપ્રવૃત્તિ, દુષ્કાળરાહત વગેરેમાં વિશિષ્ટ કામગીરી કરી બતાવી હતી. સમાજકાર્ય માટે તાલીમ પામેલા કાર્યકરો જોઈએ. કાર્યકરોના પક્ષે કેવળ ભાવના પૂરતી નથી, તેમની પાસે તાલીમ પણ હોવી જોઈએ એ મુદ્દો ગોખલેએ સ્વીકાર્યો હતો.

ભારતમાં બિનસાંપ્રદાયિક ધોરણે ચાલેલા સમાજકાર્ય(secular social work)નો એક મહત્ત્વનો પ્રવાહ ગાંધીવિચાર સાથે સંકળાયેલો છે. વ્યાવસાયિક સમાજકાર્યકરોની જેમ ગાંધીવાદી સમાજસેવકોએ પણ પૂરા સમય માટે સમાજકાર્ય સ્વીકાર્યું હતું. તેઓ સરકારી કાર્યક્રમોના માળખાની બહાર કામ કરતા હતા. એ કામગીરી તેઓ વિવિધ ગાંધીવાદી સંસ્થાઓના સેવકો કે કર્મચારીઓ તરીકે કરતા હતા. તેમનું સમાજકાર્ય મુખ્યત્વે ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોમાં થયું છે. તેમણે તેમના કાર્યક્ષેત્રમાં ખેતીસુધારણા, ગ્રામોદ્યોગોની સુધારણા, ગ્રામીણ સ્વાસ્થ્ય અને શિક્ષણને આવરી લીધાં છે. ગાંધીપ્રેરિત રચનાત્મક કાર્ય દ્વારા સર્વોદય-સમાજ રચવાનું તેમનું લક્ષ્ય હોય છે. તેમણે જે બીજી પ્રવૃત્તિઓ કરી છે તે આ પ્રમાણે છે : જમીનવિહોણા મજૂરો વચ્ચે જમીનની વહેંચણી, ખેતમજૂરોને સંગઠિત કરવાના પ્રયાસો, સહકારી સંસ્થાઓની સ્થાપના, પૂર્વેના ડાકુઓનું પુનર્વસન, રક્તપિત્તથી પીડાયેલા દર્દીઓનું પુનર્વસન વગેરે. સામાન્ય રીતે ગાંધીવાદી સંસ્થાઓમાં કામ કરતા સમાજકાર્યકરો ઓછું વેતન સ્વીકારીને સાદું જીવન ગુજારતા હોય છે. તેથી ગ્રામસમુદાયને તે સ્વીકાર્ય બનતા હોય છે. વ્યાવસાયિક સમાજકાર્યકરોની જેમ ગાંધીવાદી કાર્યકરો પણ તાલીમનું મહત્ત્વ સ્વીકારે છે. એમને અપાતી તાલીમ મુખ્યત્વે વ્યવહારોપયોગી હોય છે.

દેશમાં સ્વૈચ્છિક ધોરણે હાથ ધરવામાં આવતા સામાજિક કાર્યનો મોટો ભાગ આકસ્મિક આપત્તિઓ સાથે સંકળાયેલો માલૂમ પડે છે; દા.ત., દુષ્કાળ અને પૂરને કારણે જે વિનાશ સર્જાય તેમાં સપડાયેલા અને સહન કરનાર લોકો માટે સ્વૈચ્છિક સંગઠનો દોડી જતાં હોય છે. એ સમાજકાર્ય મુખ્યત્વે રાહતકાર્યના સ્વરૂપનું હોય છે. આ સ્વૈચ્છિક સમાજકાર્યકરો લોકો પાસેથી નાણાં અને વસ્તુઓ ઉઘરાવીને જરૂરતમંદ લોકોને વહેંચતા હોય છે. આ સ્વૈચ્છિક પ્રયાસોના એક ભાગરૂપે સ્વાસ્થ્યસેવા પૂરી પાડવામાં આવતી હોય છે. આ પ્રકારની સેવાઓ મુખ્યત્વે રાજકીય પક્ષોની યુવાપાંખ દ્વારા અને ધાર્મિક-સાંસ્કૃતિક સંગઠનો દ્વારા પૂરી પાડવામાં આવતી હોય છે. રાહત-કામગીરી પૂરી થતાં એ સમાજકાર્યને સમેટી લેવામાં આવે છે.

હર્ષિદા દવે