સમરાઇચ્ચકહા : ઈ. સ.ની આઠમી શતાબ્દીમાં થઈ ગયેલા યાકિની મહત્તરાના પુત્ર હરિભદ્રસૂરિ કૃત કથા. આ ‘સમરાઇચ્ચકહા’ યા ‘સમરાદિત્યકથા’માં ઉજ્જૈનના રાજા સમરાદિત્ય અને પ્રતિનાયક ગિરિસેન એ બે જીવોના પરસ્પર સંબંધોના નવ જન્માન્તરોની કથા વર્ણવવામાં આવી છે.

ગ્રંથની ઉત્થાનિકામાં મંગલાચરણ પછી લેખકે ત્રણ પ્રકારની કથાવસ્તુને ચાર પ્રકારની કથાઓ દ્વારા પ્રસ્થાપિત કરવાની વાત કરી છે. આ કથાને લેખકે દિવ્યમાનુષ વસ્તુવાળી ધર્મકથા કહી છે અને પૂર્વાચાર્યો દ્વારા કથિત આઠ ગાથાઓ ઉદ્ધૃત કરી છે. તેમાં નાયક, પ્રતિનાયક, તેમનો પરસ્પર સંબંધ, તેમનાં નિવાસો, નગરો અને તેમનાં મૃત્યુ પછી પ્રાપ્ત સ્વર્ગ-નરકનાં નામ જણાવવામાં આવ્યાં છે. અંતિમ ભવમાં નાયક સમરાદિત્ય મોક્ષ પ્રાપ્ત કરે છે અને પ્રતિનાયક ગિરિસેન અનન્ત સંસાર-ભ્રમણને પામે છે.

પ્રથમ ભવમાં નાયક-પ્રતિનાયક વચ્ચે પરસ્પર વેરનું કારણ એવું આપવામાં આવ્યું છે કે રાજપુરુષ ગુણસેન પુરોહિત પુત્ર બ્રાહ્મણ અગ્નિશર્માનો ઉપહાસ કર્યા કરતો, જેથી વિરક્ત થઈ તેણે દીક્ષા લઈ લીધી અને માસોપવાસ સંયમનું પાલન કર્યું. રાજા ગુણસેને ત્રણ વાર તેને આહાર માટે નિમંત્રણ આપ્યું; પરંતુ ત્રણેય વાર વિશેષ કારણોને લીધે તેને આહાર વગર નિરાશ થઈ પાછા જવું પડ્યું. તેને એમ લાગ્યું કે રાજાએ આ રીતે નિમંત્રણ આપ્યા પછી વેરભાવથી ભોજનથી વંચિત રાખ્યો છે. તે ‘નિયાણું’ બાંધે છે અને પછીના આઠ ભવોમાં ગુણસેન ઉપર વેરનો બદલો લે છે અને અંતે શુભ કર્મોનો બંધ થાય છે.

પ્રતિભાશાળી લેખકે આ નવ ભવોનું વર્ણન ખૂબ રોચક રીતે કર્યું છે. તેમાં કથા-પ્રસંગો, પ્રાકૃતિક વર્ણનો તેમજ ભાવચિત્રણ દ્વારા કથાને શ્રેષ્ઠ રચનાનું ગૌરવ અપાવ્યું છે. મૂળકથા સાથે કેટલીક અવાંતર કથાઓનો સમાવેશ થયો છે. વસન્ત-વર્ણન, વિવાહ-મંડપ, કન્યાનાં પ્રસાધન અને તત્કાલીન લગ્નના રીત-રિવાજોનું લેખકે સુંદર વર્ણન કર્યું છે. ધનલોભનું પરિણામ, નિરપરાધીને શિક્ષા, ભોજનમાં વિષનો પ્રયોગ, કારાગૃહ આદિનું પ્રભાવોત્પાદક શૈલીમાં ચિત્રણ થયું છે. અંતે નિર્વેદ, વૈરાગ્ય, સંસારની અસારતા, કર્મોની વિચિત્રતા અને મનની પરિણતિ આદિનો ઉપદેશ જોવા મળે છે. હવામાં લટકતા માણસ તથા સર્પ અને દેડકાનાં દૃષ્ટાન્ત દ્વારા લેખકે જીવનની ક્ષણભંગુરતાનું પ્રતિપાદન કર્યું છે. સમુદ્રયાત્રા પ્રસંગે ચીનદ્વીપ અને સુવર્ણદ્વીપનો ઉલ્લેખ થયો છે. એથી ખ્યાલ આવે છે કે ભારતના વ્યાપારીઓ માલ લઈને ચીન, બર્મા આદિ દેશોમાં જતા અને ત્યાંથી માલ લાવીને દેશમાં વેચતા.

‘સમરાઇચ્ચકહા’ જૈન મહારાષ્ટ્રી પ્રાકૃતમાં લખાઈ છે, કેટલેક સ્થળે શૌરસેનીનો પ્રભાવ પણ જણાય છે. તેનો પદ્યભાગ આર્યા છંદમાં છે. દ્વિપદી, વિપુલા આદિ છંદોનો પ્રયોગ જોવા મળે છે. ભાષા પ્રાય: સરળ અને પ્રવાહી છે. કેટલેક સ્થળે વર્ણનોમાં લાંબા સમાસ અને ઉપમા આદિ અલંકારોનો પ્રયોગ જોવા મળે છે, જે પરથી લેખકના કાવ્ય-કૌશલ્યનો ખ્યાલ આવે છે. તેનાં વર્ણનો બાણભટ્ટની ‘કાદંબરી’ની યાદ આપે છે. તેની ઉપર શ્રીહર્ષની ‘રત્નાવલી’નો પ્રભાવ છે.

‘સમરાઇચ્ચકહા’ના કર્તા હરિભદ્રસૂરિ જૈન સાહિત્યમાં પાદલિપ્ત, બપ્પિભટ્ટ જેવા આચાર્યોની જેમ ખૂબ આદર પામ્યા છે. સિદ્ધર્ષિ અને ઉદ્યોતનસૂરિએ પણ તેમના પ્રભાવનો સ્વીકાર કર્યો છે. ચિતોડનિવાસી તેઓ સંસ્કૃત અને પ્રાકૃતના મોટા વિદ્વાન હતા. તેમણે આગમગ્રંથો પર ટીકાઓ પણ લખી છે.

ડૉ. હર્મન યાકોબીની પ્રસ્તાવના સાથે એશિયાટિક સોસાયટી ઑવ્ બંગાળ, કોલકાતાથી ઈ. સ. 1926માં તથા સંસ્કૃત છાયા સાથે પં. ભગવાનદાસ દ્વારા બે ભાગમાં ઈ. સ. 1938 અને 1942માં અમદાવાદથી આનું પ્રકાશન થયું છે.

કાનજીભાઈ પટેલ