સમરકંદ (Samarkand) : ઉઝબેકિસ્તાનનો પ્રદેશ તથા તે જ નામ ધરાવતું શહેર. ભૌગોલિક સ્થાન : તે 39° 40´ ઉ. અ. અને 66° 48´ પૂ. રે. વચ્ચેનો 16,400 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે દક્ષિણ કઝાખસ્તાન અને ક્રાઈ, પૂર્વે તાશ્કંદ, અગ્નિ તરફ રશિયાનું ટડઝિક, દક્ષિણે સૂરખાન દરિયા પ્રદેશ તથા પશ્ચિમે બુખારાનો પ્રદેશ આવેલા છે.

ભૂપૃષ્ઠ : સમરકંદનું મોટાભાગનું ભૂપૃષ્ઠ રેતાળ રણભૂમિથી બનેલું છે, તેથી ભૂમિ અસમતળ છે. તે ખંડના અંતરિયાળમાં દરિયાથી દૂર આવેલું હોવાથી તાપમાન બારે માસ ઊંચું રહે છે, ભેજનું પ્રમાણ નહિવત્ છે. મધ્ય એશિયાનો ઝેરવશાન ખીણપ્રદેશનો રણદ્વીપ આ પ્રદેશ માટે હૃદય સમાન ગણાય છે.

સમરકંદ

સદીઓથી ઝેરવશાન નદી આમુ દરિયા પાસેથી વહે છે, તે ક્યારેય સુકાઈ નથી, પરિણામે તેનાં પાણીનો ઉપયોગ સિંચાઈમાં સૌથી વધુ થાય છે. તેને પાણીનો પુરવઠો પામીરની હિમનદીના ગલનથી મળતો રહે છે. આથી તેના પ્રવહન-પથની આજુબાજુ ફળદ્રૂપ મેદાનો રચાયાં છે. અહીં ભૂગર્ભજળની સપાટી ઊંચાઈના સ્તરે રહેતી હોવાથી તેમજ નહેરો દ્વારા પાણીનો પુરવઠો મળતો રહેતો હોવાથી અહીંના પ્રદેશમાં આલ્ફા-આલ્ફા ઘાસ, કપાસ, ડાંગર, શર્કરાકંદ (sugarbeet), શાકભાજી, તરબૂચ, દ્રાક્ષ, જરદાળુ અને શેતૂરનાં વૃક્ષોનું પ્રમાણ વિશેષ રહે છે. આ પ્રાંતની વસ્તી 23,22,000 (1994) છે.

તીમૂરની કબર, સમરકંદ

શહેર : સમરકંદ શહેર 39° 40´ ઉ. અ. અને 66° 48´ પૂ. રે. પર ઝેરવશાન નદીના ખીણપ્રદેશમાં વસેલું છે. સમુદ્રસપાટીથી તેની ઊંચાઈ 710 મીટર છે. તેની પશ્ચિમે તિયેનશાન પર્વત તથા બાકી ત્રણ બાજુઓ પર હિમાચ્છાદિત પર્વતો આવેલા છે. શહેરથી પૂર્વ તરફ આશરે 100 કિમી.ને અંતરે તઝાકિસ્તાનની સીમા છે. આ કારણે તે સીમાવર્તી શહેર તરીકે ઓળખાય છે અને તેથી તેનું વ્યૂહાત્મક મહત્ત્વ ઘણું છે.

અર્થતંત્ર : આ શહેરની આજુબાજુના વિસ્તારમાં ખાટાં અને સૂકાં ફળો, ડાંગર, ઘઉં, મકાઈ, તમાકુ અને કપાસની ખેતી વધુ થતી હોવાથી તે ખેતપેદાશોનું મુખ્ય વેપારી મથક બની રહેલું છે. તદુપરાંત અહીં ચામડાં કમાવાના; રેશમી કાપડ, દારૂ, પરિવહન અને ખેતીનાં સાધનોના, ધાતુકામના, ચિનાઈ માટીનાં વાસણો બનાવવાના તથા રાસાયણિક ખાતરોના એકમો આવેલા છે. આ શહેર વણજારમાર્ગ પર આવેલું હોવાથી તે વ્યાપારી મથક બન્યું છે. વળી તે ટ્રાન્સ-કાસ્પિયન તથા તુર્કસ્તાન-સાઇબીરિયન રેલમાર્ગો પર આવેલું હોવાથી મધ્ય એશિયાનું મહત્ત્વનું શહેર ગણાય છે. તે રાજ્યનાં નાનાં-મોટાં શહેરો સાથે પાકા રસ્તાઓથી સંકળાયેલું છે.

પ્રવાસન : સમરકંદ મધ્ય એશિયાનાં પ્રાચીન શહેરો પૈકીનું એક છે. ઓગણીસમી સદીમાં આવેલા વિનાશક ભૂકંપથી અહીંનાં ઘણાં પ્રાચીન સ્થાપત્યો નુકસાન પામ્યાં છે. અહીં રિગિસ્તાન નામનો એક વિશાળ ચોક છે, જે મધ્યકાળનું મહત્ત્વનું શૈક્ષણિક કેન્દ્ર હતો. આ ઉપરાંત અહીં ‘બીબી ખાનોમ’ નામે એક કૉલેજ છે. તૈમૂર (તામરલેન) અને તેની પત્નીઓની તથા બહેનોની કબર તેમજ ગુરુ અમીર અને શાહ ઝિન્દેહ(Shah Zindeh)ની કબરો અહીંનાં મુખ્ય આકર્ષણો છે.

ઇતિહાસ : મધ્ય એશિયાનાં સૌથી જૂનાં શહેરોમાંનું સમરકંદ, ઈ. પૂ. 4થી સદીમાં મરકન્ડા (Marcanda) નામથી જાણીતું હતું. ઈ. પૂ. 329માં ઍલેક્ઝાંડરે (સિકંદર) તે જીતી લીધું હતું. ત્યારબાદ તે શહેર પર ઈ. સ. 6ઠ્ઠી સદીમાં મધ્ય એશિયાના તુર્કો, 8મી સદીમાં અરબો, 9-10મી સદીમાં ઈરાનના સામાનિડો અને 11-13મી સદીમાં જુદા જુદા તુર્ક લોકો શાસન કરતા હતા. ઈ. સ. 1220માં મૉંગોલ વિજેતા ચંગીઝખાને તેનો નાશ કર્યો. ઈ. સ. 1365માં મૉંગોલ શાસકો સામે ત્યાંના લોકોએ બળવો કર્યો ત્યારબાદ, 1369માં તૈમૂર સમરકંદમાં પાટનગર રાખીને ગાદીએ બેઠો. તૈમૂરે ત્યાં બીબી ખાનોમની સાર્વજનિક મસ્જિદ તથા તેની પોતાની કબર બંધાવી. તૈમૂરે સમરકંદને મધ્ય એશિયાનું વેપાર-રોજગાર અને સંસ્કૃતિનું કેન્દ્ર બનાવ્યું.

ઈ. સ. 1500માં ઉઝબેક લોકોએ સમરકંદ જીતીને બુખારાના ખાનની સત્તા હેઠળ આણ્યું. ઈ. સ. 1720થી 1770ના દાયકા સુધી ત્યાં ખાસ વસ્તી ન હતી. ઈ. સ. 1887માં તે રશિયાના સામ્રાજ્યના એક પ્રાંતનું પાટનગર બન્યું. તે રેલવે તથા રસ્તા સાથે જોડાયા પછી તેના વેપાર-રોજગાર વધ્યા. ઈ. સ. 1924થી 1930 સુધી તે ઉઝબેક સોવિયેત સમાજવાદી પ્રજાસત્તાકનું પાટનગર અને 1938થી તે પ્રાંતનું વહીવટી મથક બન્યું.

નીતિન કોઠારી

જયકુમાર ર. શુક્લ