સમભાર રેખાઓ (isobars) : પૃથ્વીની સપાટી પર હવાના દબાણનું નકશા પર વિતરણ દર્શાવતી રેખાઓ. સમુદ્રસપાટીએ હવાનું એકસરખું દબાણ ધરાવતાં સ્થળોને નકશા પર સળંગ રેખાઓ દ્વારા જોડતી કાલ્પનિક રેખાઓને સમભાર રેખાઓ કહે છે. સ્થળ ગમે તે ઊંચાઈએ હોય, પરંતુ અહીં હવાના દબાણની ગણતરી સમુદ્રસપાટીને હિસાબે થાય છે; અર્થાત્ સમુદ્રસપાટીથી સ્થળની ઊંચાઈ મુજબ દબાણમાં જે તફાવત આવે તે, સ્થળના દબાણના વાસ્તવિક આંકમાં ઉમેર્યા પછી જ એકસરખા દબાણવાળાં સ્થળોને સમભાર રેખાઓ દ્વારા જોડવામાં આવે છે. ઉદાહરણ લેતાં, કોઈ એક સ્થળ 300 મીટરની ઊંચાઈએ આવેલું છે. તેનું વાસ્તવિક દબાણ 500 મિલિબાર છે, તો એ સ્થળનું હવાનું દબાણ સમુદ્રસપાટીએ 500 + 30 = 530 મિલિબાર થાય (દર 10 મીટર નીચે ઊતરતાં 1 મિલિબાર દબાણ વધે એ હિસાબે). આ રીતે જોતાં નકશા પર દોરેલી ભૂમિભાગની સમભાર રેખાઓ વાસ્તવિક દબાણ દર્શાવતી હોતી નથી, તેથી જે તે સ્થળોનું સાચું દબાણ જાણવા સમભારરેખાઓ દર્શાવતા નકશાઓની સાથે તે સ્થળોના ઊંચાઈ(સમોચ્ચવૃત્ત)ના નકશાઓ પણ રાખવામાં આવે છે.

રોજેરોજ બહાર પડતા હવામાન-નકશાઓમાં દબાણનું વિતરણ સમભાર રેખાઓ દ્વારા દર્શાવાય છે; તેને આધારે વાતાવરણનાં ઘટકોવરસાદ, વાવાઝોડુંની પરિસ્થિતિની જાણકારી મળી રહે છે, તેનાં અર્થઘટન કરીને હવામાનની આગાહી પણ કરી શકાય છે. સામાન્ય રીતે પૃથ્વીની સપાટી પરના હવાના દબાણનો અભ્યાસ કરવા માટે જાન્યુઆરી અને જુલાઈની સમભાર રેખાઓના નકશાઓનો આધાર લેવાય છે, તેના પરથી હવાના દબાણનું ક્ષિતિજ-વિતરણ કેવું છે તેની સમજ મળી રહે છે.

આકૃતિ 1 : જાન્યુઆરી માસની સમભાર રેખાઓ

નકશાઓમાં સમભાર રેખાઓના વિતરણની કેટલીક વિશિષ્ટતાઓ જોવા મળે છે.

(અ) જાન્યુઆરી માસની સમભાર રેખાઓના નકશામાં : (1) રેખાઓ પૂર્વ-પશ્ચિમ લંબાયેલી હોય છે, પરંતુ જ્યાં ભૂમિખંડો અને સમુદ્રો છે ત્યાં તે ગોળાકાર કે અંડાકાર જોવા મળે છે, તે હલકાં અથવા ભારે દબાણ દર્શાવે છે. (2) ભૂમિપ્રદેશો પર તે વધુ વળાંકો દર્શાવે છે, જ્યારે જળપ્રદેશો પર તે પ્રમાણમાં સીધી અને સરળ હોય છે. (3) દક્ષિણ ગોળાર્ધમાં જળવિસ્તાર વધુ હોવાથી પૂર્વપશ્ચિમ અને અન્યોન્ય સમાંતર હોય છે. (4) ઉત્તર ગોળાર્ધમાં ભૂમિખંડોના અંતરિયાળ ભાગોમાં તથા દક્ષિણ ગોળાર્ધમાં મહાસાગરોના ભૂમિખંડોના પશ્ચિમ કિનારા તરફ ભારે દબાણ જોવા મળે છે. (5) ઉત્તર ગોળાર્ધમાં હવાનાં હલકાં દબાણ આઇસલૅન્ડ અને ઍલ્યુશિયન ટાપુઓ પાસે સંકેન્દ્રિત થયેલાં જોવા મળે છે; જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં તે ભૂમિખંડો પર હોય છે. (6) ઉત્તર ગોળાર્ધમાં સૌથી ઓછું દબાણ 996 મિલિબાર અને સૌથી ભારે દબાણ 1032 મિલિબાર જોવા મળે છે.

આકૃતિ 2 : જુલાઈ માસની સમભાર રેખાઓ

(આ) જુલાઈ માસની સમભાર રેખાઓના નકશામાં : (1) દક્ષિણ ગોળાર્ધમાં તે અક્ષાંશોને લગભગ સમાંતર રહે છે; ઉત્તર ગોળાર્ધમાં તે વાંકીચૂકી તથા ગોળાકારે જોવા મળે છે. (2) ઉત્તર ગોળાર્ધમાં ઉનાળાની ઋતુમાં ભૂમિખંડો પર હવાનાં હલકાં દબાણો જોવા મળે છે, જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં ભૂમિપ્રમાણ ઓછું હોવાથી ત્યાં હલકાં દબાણનાં ક્ષેત્રો ઓછાં હોય છે. (3) ઉત્તર ગોળાર્ધમાં ભારે દબાણો યુરોપ-અમેરિકાની પશ્ચિમે મહાસાગરો પર જોવા મળે છે; દક્ષિણ ગોળાર્ધમાં ભારે દબાણો ભૂમિખંડો અને મહાસાગરો પર હોય છે. આશરે 20#થી 40# દ. અક્ષાંશવૃત્તો વચ્ચે ભારે દબાણ એક પટ્ટા સ્વરૂપે જોવા મળે છે. (4) સૌથી હલકું દબાણ 1002 મિલિબાર દ. ગોળાર્ધમાં અને સૌથી ભારે દબાણ 1026 મિલિબાર ઉત્તર ગોળાર્ધમાં જોવાં મળે છે.

કોઈ પણ પ્રદેશની ઋતુ મુજબની હવામાન-પરિસ્થિતિ સમજવા જાન્યુઆરી અને જુલાઈ માસની સમભાર રેખાઓના નકશાઓનો ઉપયોગ કરવામાં આવે છે.

ગિરીશભાઈ પંડ્યા