સમભાવ : ગુજરાતી અખબાર. પ્રારંભ : 12 માર્ચ 1986. પીઢ પત્રકાર ભૂપત વડોદરિયાના તંત્રીપદ હેઠળ 1980ના દાયકાના ઉત્તરાર્ધમાં શરૂ થયેલું આ અખબાર હાલ (2005-06) આમ તો ‘મેટ્રો સમભાવ’ના નામથી ઓળખાય છે. એક નાના દૈનિકથી પ્રારંભ કરનાર આ સમાચાર-પત્ર 20 વર્ષના ગાળામાં એક મોટા અખબારી જૂથ તરીકે પ્રસ્થાપિત થયું છે. ‘સમભાવ મીડિયા જૂથ’ તરીકે પ્રચલિત આ જૂથ હાલ ‘મેટ્રો સમભાવ’ (બપોરે પ્રકાશિત થતું ટેબ્લોઇડ), ‘અભિયાન’ (અઠવાડિક), ‘લોકસત્તા-જનસત્તા’ (અમદાવાદ, વડોદરા, રાજકોટથી પ્રકાશિત થતું દૈનિક), ‘એશિયન એજ’ (અંગ્રેજી દૈનિક) જેવાં અખબાર-સામયિકનું પ્રકાશન કરે છે. તા. 1 ફેબ્રુઆરી 2006થી સમભાવ દ્વારા પ્રકાશિત ‘એશિયન એજ’ની અમદાવાદ આવૃત્તિનું પ્રકાશન બંધ થયું છે.

1986માં ‘સમભાવ’નો પ્રારંભ થયો ત્યારે તેને કોઈ રાજકારણી કે રાજકીય પક્ષનું સમર્થન છે તેવી છાપ ઊભી થઈ હતી; પરંતુ આ બાબતે ભૂપત વડોદરિયાના કહેવા પ્રમાણે, ‘‘રાજ્યના તત્કાલીન મુખ્ય પ્રધાન શ્રી માધવસિંહ સોલંકીની સલાહ બાદ, મેં રિલાયન્સ જૂથના સ્થાપક શ્રી ધીરુભાઈ અંબાણીનો સંપર્ક સાધ્યો હતો અને એક વર્ષ સુધી રિલાયન્સ જૂથની જાહેરખબર છાપવાની શરતે તેમની પાસેથી અખબાર શરૂ કરવા માટે પાંચ લાખ રૂપિયા એડવાન્સ લીધા હતા. આ સિવાય અન્ય કેટલાક મિત્રો તેમજ સગાં-સંબંધીઓની યથાયોગ્ય મદદથી અખબાર શરૂ કર્યું હતું.’’ પ્રારંભમાં ‘સમભાવ’ લાલ દરવાજા પાસે ગન હાઉસ નામના મકાનમાં ચાલતું. તે ભાડાનું મકાન હતું અને 14 વર્ષના ગાળા પછી બોડકદેવ વિસ્તારમાં પોતાના મકાનમાં આ અખબારનું પ્રકાશન શરૂ થયું. શ્રી વડોદરિયા પોતે વ્યવસાયી પત્રકાર હોવા છતાં માલિક પોતે તંત્રી ન હોવા જોઈએ તેવા સિદ્ધાંતને ખાતર કાર્યકારી તંત્રીની નિયુક્તિ કરતા. આમ દિગંત ઓઝા, દિવ્યેશ ત્રિવેદી, હરિ દેસાઈ, ઈશ્વર પંચોલી તેમજ તરુણ દત્તાણી જેવા પત્રકારો આ અખબારમાં કાર્યકારી તંત્રીપદે રહી ચૂક્યા છે. શ્રી વાસુદેવ મહેતાએ પણ અત્યંત ટૂંકા ગાળા માટે ‘સમભાવ’ના કાર્યકારી તંત્રીપદે કામગીરી સંભાળી હતી.

લગભગ 19 વર્ષ સુધી એક પરંપરાગત દૈનિક તરીકે પ્રકાશિત થયા બાદ ‘સમભાવ જૂથે’ તેને બપોરના અખબારમાં રૂપાંતરિત કરવાનું વિચાર્યું અને 12 માર્ચ, 2005ના રોજ દૈનિક ‘સમભાવ’નું પ્રકાશન બંધ કરીને તેને સ્થાને ‘મેટ્રો સમભાવ’ નામે બપોરના અખબારનો પ્રારંભ કર્યો. ‘સમભાવ’ દૈનિક એક પૂરા કદનું અખબાર હતું, જ્યારે ‘મેટ્રો સમભાવ’ ટેબ્લોઇડ કદમાં પ્રકાશિત થાય છે.

અલકેશ પટેલ