સમકાલીન (1984થી 2005) : ગુજરાતી અખબાર, મુંબઈ. સ્થાપક-તંત્રી : હસમુખ ગાંધી. પ્રારંભ : 14-1-1984. લગભગ 20 વર્ષ ચાલ્યા બાદ ‘સમકાલીન’ 7-8-2005ના રોજ બંધ પડ્યું. ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ જૂથના આ ગુજરાતી અખબારનો પ્રારંભ ભારે રોમાંચક અને ઉત્સાહજનક હતો. ’80ના દાયકામાં મુંબઈમાં 30 લાખ જેટલા ગુજરાતીઓ હતા. એક માન્યતા પ્રમાણે ગુજરાતના મુખ્ય શહેર અમદાવાદ અને મુંબઈમાં ગુજરાતીઓની વસ્તી લગભગ એક સમાન રહેતી હોય છે. અર્થાત્ હાલ (2006માં) અમદાવાદની વસ્તી જો 45,00,000 હોય તો મુંબઈમાં પણ 45 લાખ ગુજરાતીઓ હશે તેવું કહેવામાં અતિશયોક્તિ નથી. બે દાયકા પહેલાં મુંબઈમાં આટલી મોટી ગુજરાતી વસ્તી વચ્ચે માત્ર એક છાપું હતું : ‘મુંબઈ સમાચાર’. જન્મભૂમિ જૂથનાં ‘જન્મભૂમિ’ તથા ‘જન્મભૂમિ પ્રવાસી’ અખબારો હતાં ખરાં, પરંતુ આમ-વાચકોમાં તેનો ફેલાવો અને અસર નહિવત્ હતાં. આથી ‘એક્સપ્રેસ’ જૂથે ગુજરાતી અખબાર શરૂ કરવાનો નિર્ણય કર્યો અને ‘સમકાલીન’નો પ્રારંભ થયો.

વાસ્તવમાં ‘એક્સપ્રેસ’ જૂથે છેક 1973-74ના ગાળામાં ગુજરાતી અખબાર શરૂ કરવાની કામગીરી શરૂ કરી દીધી હતી, તે માટે થોડાઘણા સ્ટાફની નિમણૂક પણ થઈ હતી; પરંતુ વહીવટી કારણોસર પછીથી તે સમયે છાપું શરૂ થઈ શક્યું નહોતું. છેવટે તે શક્ય બન્યું જાન્યુઆરી, 1984માં. આ અખબારનું નામ ‘સમકાલીન’ રાખવામાં આવ્યું તે પહેલાં ‘ગુજરાત એક્સપ્રેસ’ સહિત બીજાં ઘણાં નામોની વિચારણા થઈ હતી, પરંતુ જૂથના માલિક રામનાથ ગોએન્કાને તે નામો પસંદ પડ્યાં નહોતાં. આ પછી યશવંત દોશીએ સૂચવેલાં થોડાં નામોમાંથી ‘સમકાલીન’ નામની પસંદગી કરવામાં આવી હતી.

ગુજરાતી પત્રકારત્વ સાથે સંકળાયેલા લોકો માટે ‘સમકાલીન’ અને તેના સ્થાપક-તંત્રી હસમુખ ગાંધી જાણે એકબીજાના પર્યાય બની ગયાં હતાં. ‘સમકાલીન’ના પ્રારંભ સાથે જ હસમુખ ગાંધીએ ગુજરાતી પત્રકારત્વને એક નવી જ આહ્લાદક દિશા આપી. સમાચાર-સંપાદનથી માંડીને મથાળાની શૈલી તથા લેઆઉટ માત્ર મુંબઈના જ નહિ પણ તળ ગુજરાતના ગુજરાતી વાચકોને પણ સ્પર્શી ગયાં. ગુજરાતી અખબારોની સામાન્ય પરંપરા એવી રહી છે કે સ્થાનિક સ્તરે કોઈ અસાધારણ ઘટના હોય તો જ તેને પહેલા પાને સ્થાન મળે, અન્યથા પહેલા પાને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચારો હોય, જ્યારે સ્થાનિક સમાચાર છેલ્લા પાને હોય; પરંતુ હસમુખ ગાંધીના સમયગાળામાં ‘સમકાલીન’માં આ પ્રથા બદલવામાં આવી અને સ્થાનિક સમાચારોને પહેલા પાને યોગ્ય સ્થાન મળ્યું. ટૂંકમાં, ‘સમકાલીન’ મારફત ગુજરાતી પત્રકારત્વને એક નવી દિશા મળી અને પત્રકારો, અભ્યાસુઓ અને રાજકારણીઓ ઉપરાંત સામાન્ય વાચકોમાં પણ ખાસો રસ જાગ્યો. એ સમયે તે ‘એડિટર્સ પેપર’ તરીકે પણ ઓળખાયું.

27-2-1995ના રોજ હસમુખ ગાંધીએ ‘સમકાલીન’માંથી રાજીનામું આપ્યું ત્યારે આ અખબારનો ફેલાવો 50,000 નકલ સુધી પહોંચી ગયો હતો. શ્રી ગાંધી પછી હરિ દેસાઈ તથા જનક શાહે ‘સમકાલીન’માં તંત્રી તરીકે જવાબદારી સંભાળી, પરંતુ આ ગાળામાં અનેક કારણોસર એક સમયના આ ‘ટ્રેન્ડ-સેટર’ અખબારનો ફેલાવો સતત ઘટતો ગયો અને છેવટે ઑગસ્ટ, 2005ના છેલ્લા અંક બાદ 7 ઑગસ્ટથી ‘સમકાલીન’ સત્તાવાર રીતે બંધ કરવામાં આવ્યું.

જૂન 1995માં મુંબઈ ગુજરાતી પત્રકાર સંઘના એક પરિસંવાદમાં સૌરભ શાહે ‘મુંબઈનાં ગુજરાતી દૈનિકો : એક તુલનાત્મક અભ્યાસ’માં યોગ્ય રીતે નોંધ લીધી હતી કે, ‘‘… શૈલીની બાબતમાં આ દૈનિકે જે ચીલો પાડ્યો છે એની નોંધ સૌકોઈએ લીધી છે. વાચકોએ આ શૈલીનાં વખાણ કર્યાં છે અને કેટલાક વર્ગે ટીકા પણ કરી છે; પરંતુ સર્વત્ર એની નોંધ જરૂર લેવાઈ છે… કેટલાક અપવાદોને કારણે ‘સમકાલીને’ છેલ્લાં દસ વર્ષમાં જે પત્રકારત્વ કર્યું છે તેને સેન્સેશનલિઝમમાં કે પીળા પત્રકારત્વમાં ખપાવી દેવાની દલીલ થઈ રહી હોય તો તેવી દલીલમાં બિલકુલ વજૂદ નથી, કારણ કે આ બધાંથી ઉપર ઊઠીને ‘સમકાલીને’ જાહેર જીવનમાં નીતિમૂલ્યોની પુન:સ્થાપના માટે જે જુસ્સાદાર અભિગમ રાખ્યો છે તેવો અભિગમ અસરકારક રીતે અન્ય કોઈ ગુજરાતી વર્તમાનપત્રમાં હજુ સુધી જોવા મળ્યો નથી… સમસ્યા સ્થાનિક હોય કે રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરની, ‘સમકાલીને’ એ વિશેનો પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવામાં ક્યારેય શબ્દો ચોર્યા નથી. જ્યારે દુનિયા આખી રાહ જોઈને બેઠી હોય કે બીજો બોલે પછી હું મારો મત પ્રગટ કરું ત્યારે એકલા પડી જવાનું જોખમ વહોરીને પણ પોતાનો મત બુલંદ અવાજે પ્રગટ કરવાનું કામ દેખાય છે એ કરતાં પણ અનેકગણું અઘરું છે.’’

અલકેશ પટેલ