સમખર્ચરેખા : ઉત્પાદનનાં કોઈ પણ બે સાધનો જેમની વચ્ચે અવેજીકરણ શક્ય છે તેવાં સાધનોનાં જુદાં જુદાં સંયોજનો દર્શાવતી રેખા. વ્યાખ્યા પરથી સ્પષ્ટ છે કે સમખર્ચ-રેખા ઉત્પાદનની પ્રક્રિયા સાથે સંબંધ ધરાવે છે અને તે એવી મુખ્ય ધારણાઓ પર રચાયેલી છે કે પેઢી ઉત્પાદનનાં બે જ સાધનો વડે ઉત્પાદન કરવા ધારે છે અને તે બે ઉત્પાદનનાં સાધનો વચ્ચે, કુલ ખર્ચ પર અસર કર્યા વિના, અવેજીકરણ શક્ય હોય છે. બીજી રીતે કહીએ તો જેમની વચ્ચે અવેજીકરણ થઈ શકે તેવા ઉત્પાદનનાં આપેલ કે નિશ્ચિત કે પૂર્વ-નિર્ધારિત સાધનો તેમજ પૂર્વનિર્ધારિત ઉત્પાદન-ખર્ચ(outlay)ની મર્યાદામાં રહીને ઉત્પાદનની કોઈ પણ પેઢી મુક્ત બજારમાં તે બે સાધનોનાં પ્રવર્તમાન ભાવે જેટલાં જુદાં જુદાં સંયોજનો પ્રાપ્ત કરી શકે છે તે બધાં જ સંયોજનોને જોડતી રેખાને સમખર્ચ-રેખા કહેવામાં આવે છે. પેઢીની સમખર્ચ-રેખા તથા ઉપભોક્તાની કિંમતરેખા (price line or budget line)  બંને વચ્ચે ઘણું સામ્ય છે. તફાવત આટલો જ કે સમખર્ચ-રેખામાં ઉત્પાદનનાં વિકલ્પાર્થી બે સાધનોની પસંદગી કરવાની હોય છે, જ્યારે ઉપભોક્તાની કિંમતરેખામાં ઉપભોક્તાની બે વિકલ્પાર્થી વપરાશી ચીજવસ્તુઓની પસંદગી કરવાની હોય છે. પેઢીની સમતુલાનું બિંદુ શોધવામાં એટલે કે ન્યૂનતમ ખર્ચ-સંયોજન પ્રાપ્ત કરવામાં સમખર્ચ-રેખાનું સ્થાન અને તેનો ઢાળ મહત્ત્વનો ભાગ ભજવે છે, જ્યારે ઉપભોક્તાની સમતુલાનું બિંદુ શોધવામાં કિંમતરેખાનું સ્થાન અને તેનો ઢોળાવ મહત્ત્વની ભૂમિકા ભજવતાં હોય છે. સમખર્ચ-રેખા અને કિંમતરેખાનાં લક્ષણોમાં પણ ઘણું સામ્ય હોય છે જે દેખીતું છે. બંનેમાં સમતુલાનો આધાર સમાન શરતોને અધીન હોય છે; જેવી કે બજારમાં ઉત્પાદનનાં સાધનો અથવા વપરાશી ચીજવસ્તુઓ ઉપલબ્ધ છે, કિંમતો સ્થિર છે અને તે મુક્ત રીતે નિર્ધારિત થયેલી છે અને પેઢીનું કે ઉપભોક્તાનું વર્તન તર્કસંગત છે. નીચેના કાલ્પનિક દાખલા વડે સમખર્ચ-રેખાનો આકાર, તેનાં સ્થાન અને ઢોળાવ સમજી શકાશે.

આપેલ વિગતો : (1) પેઢી ‘X’ વસ્તુના કેટલાક એકમોનું ઉત્પાદન કરવા માગે છે; (2) પેઢી ઉત્પાદનની પ્રક્રિયામાં બે સાધનોનો ઉપયોગ કરવા માગે છે; મૂડી અને શ્રમ જેમની વચ્ચે અપૂર્ણ અવેજીકરણ સંભવ છે; (3) પેઢી ઉત્પાદનપ્રક્રિયા પર રૂ. 100 જેટલી રકમ ખર્ચવા તૈયાર છે. આને ફાળવેલ ખર્ચ (outlay) કહેવાય; (4) મૂડીના એક એકમની કિંમત બજારમાં રૂ. 10 છે તથા શ્રમના એક એકમ માટે પેઢીને રૂ. 5નો ખર્ચ કરવાનો થાય છે.

ઉપરની વિગતોને આધારે ગણતરી કરીએ તો પેઢી મૂડી અને શ્રમનાં છ જેટલાં સંયોજનો પ્રાપ્ત કરી શકશે, જે આ પ્રમાણે છે :

મૂડી અને શ્રમનાં શક્ય સંયોજનો

સંયોજનોનો ક્રમ મૂડીના એકમો શ્રમના એકમો કુલ ખર્ચ (રૂ.)
1. 10 + શૂન્ય 100
2. 8 +  4 100
3. 6 +  8 100
4. 4 + 12 100
5. 2 + 16 100
6. શૂન્ય + 20 100

ઉપરની વિગતો તપાસતાં જણાશે કે મૂડી અને શ્રમના એકમોના અવેજીકરણ દરમિયાન અવેજીકરણનો દર યથાવત્ રહે છે અને તે દર છે 1 : 2, જેનો અર્થ એ થાય કે પેઢી મૂડીનું 01 એકમ ઘટાડશે તો તેને શ્રમના 02 એકમો રોકવા પડશે, એટલે કે શ્રમના એકમો કરતાં મૂડીના દરેક એકમની ઉત્પાદનક્ષમતા બમણી છે.

ઉપરનાં છ સંયોજનો આલેખ પર દર્શાવીએ તો નીચેની આકૃતિ પ્રાપ્ત થશે.

આકૃતિ : (1) સમાંતર ધરી OX પર શ્રમના એકમો દર્શાવવામાં આવ્યા છે; (2) ઊર્ધ્વ કે લંબ ધરી OY પર મૂડીના એકમો દર્શાવવામાં આવ્યા છે; (3) ઉપરના કોષ્ટક પરથી સ્પષ્ટ થાય છે કે પેઢી માત્ર મૂડીના એકમો ખરીદવા માગે તો તે વધુમાં વધુ 10 એકમો ખરીદી શકશે કારણ કે ફાળવેલ રકમ રૂ. 100માં મૂડીના 10 એકમો મળી શકશે [મૂડીના એક એકમની કિંમત રૂ. 10 છે (10 x 10 = 100)]; (4) જો પેઢી માત્ર શ્રમના એકમો ખરીદવા માગે તો તે શ્રમના વધુમાં વધુ 20 એકમો (5 x 20 = 100); (5) મૂડીના 10 એકમો દર્શાવતા બિંદુને શ્રમના 20 એકમો દર્શાવતા બિંદુ સાથે જોડીએ તો જે સીધી રેખા પ્રાપ્ત થશે તે સમખર્ચ-રેખા.

શ્રમખર્ચરેખાનાં લક્ષણો : (1) તે ઉપરથી નીચે એટલે કે લંબરેખાના બિંદુ પરથી સમાંતર રેખાના બિંદુ પર ઢળતી હોય છે; (2) મૂડી અને શ્રમ વચ્ચે ઋણ સંબંધ હોય છે અને તેથી મૂડીના એકમો ઘટે તો શ્રમના એકમો વધશે અને શ્રમના એકમો ઘટે તો મૂડીના એકમો વધશે, કારણ કે ફાળવેલ રકમ (outlay) સ્થિર છે; (3) સમખર્ચ-રેખા સુરેખ આકારની (linear) હોય છે, કારણ કે મૂડી અને શ્રમ વચ્ચેનો અવેજીનો દર સ્થિર હોય છે, જે આપણા દાખલામાં 1 : 2 છે; (4) ફાળવેલ રકમ વધે અને અન્ય પરિબળો યથાવત્ રહે તો સમખર્ચ-રેખા ઉપર તરફ પ્રયાણ કરશે, પરંતુ જો તેમાં ઘટાડો થાય તો તે નીચે તરફ પ્રયાણ કરશે; (5) મૂડી અને શ્રમ આ બેમાંથી કોઈ એક સાધનની કિંમત યથાવત્ રહે અને બીજા સાધનની કિંમતમાં વધઘટ થાય તો સમખર્ચ-રેખાનો ઢાળ બદલાશે, છતાં તે સુરેખ આકારની જ રહેશે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે