સમઉત્પાદનરેખા : ઉત્પાદનના કોઈ પણ બે ચલ અથવા ફેરફારક્ષમ સાધનોનાં જુદાં જુદાં સંયોજનો એકસરખું ઉત્પાદન આપતાં હોય તો તે સંયોજનોને જોડતી રેખા. તે ઉત્પાદન-વિધેયનો ભાગ ગણવામાં આવે છે. તેને નિયોજકની અથવા પેઢીની સમતૃપ્તિરેખા તરીકે પણ ઓળખવામાં આવે છે. આનો અર્થ એ થાય કે જ્યાં સુધી સાધનોના મળતરનો જથ્થો સ્થિર રહેતો હોય ત્યાં સુધી ઉત્પાદનના કામે લગાડવામાં આવેલાં બે ચલ સાધનોનાં સંયોજનો બદલી શકાય. બીજી રીતે કહીએ તો જ્યાં સુધી વસ્તુના ઉત્પાદનનું કદ સ્થિર રહેતું હોય ત્યાં સુધી કોઈ પણ બે ચલ સાધનોના એકમો વચ્ચે અવેજીકરણ કરી શકાય. સાધનોના અવેજીકરણ છતાં જ્યાં સુધી ઉત્પાદન સ્થિર રહેતું હોય ત્યાં સુધી નિયોજક તે સાધનોના બદલાતા પ્રમાણ વચ્ચે તટસ્થ રહેશે અને એટલા માટે જ સમઉત્પાદનરેખાને નિયોજક કે પેઢીની સમતૃપ્તિ-રેખા પણ કહેવામાં આવે છે. આ હકીકત નીચેના દૃષ્ટાંત દ્વારા સમજાવવામાં આવી છે.

ધારો કે કોઈ પેઢી ‘X’ વસ્તુનું ઉત્પાદન કરવા માગે છે. તે વસ્તુના કેટલા એકમોનું ઉત્પાદન કરવું તેનો આધાર જે તે સમયે તે વસ્તુની બજારમાંગ કેટલી છે તેના પર રહેશે. ધારો કે કોઈ એક સમયે તે વસ્તુની માંગ 100 એકમો જેટલી છે. હવે ધારો કે તે વસ્તુના 100 એકમોનું ઉત્પાદન મૂડી અને શ્રમના અમુક એકમોનાં જુદાં જુદાં સંયોજનોથી કરી શકાય તેમ છે. (અહીં ધારણા એ છે કે મૂડી અને શ્રમ વચ્ચે અવેજીકરણ થઈ શકે છે.) આ વિગતોને આધારે 100 એકમો આપતા મૂડી અને શ્રમનાં જુદાં જુદાં સંયોજનો નીચેના કોષ્ટકમાં દર્શાવવામાં આવ્યાં છે :

સંયોજનનો ક્રમ મૂડીના એકમો શ્રમના એકમો કુલ ઉત્પાદન
1 8 + 2 100
2 4 + 4 100
3 2 + 8 100

ઉપર દર્શાવેલ કોષ્ટક બતાવે છે કે બે ચલ સાધનો મૂડી અને શ્રમના એકમો વચ્ચે અવેજીકરણ થતું હોય તોપણ કુલ ઉત્પાદન સ્થિર એટલે કે યથાવત્ રહે છે. એક બાજુ મૂડીના એકમો ઘટતા હોય ત્યારે શ્રમના એકમોમાં વધારો થતો જાય છે. શરૂઆતમાં મૂડીના આઠ એકમો સાથે શ્રમના બે એકમો, બીજા તબક્કામાં મૂડીના 4 એકમો સાથે શ્રમના 4 એકમો અને છેલ્લે મૂડીના બે એકમો સાથે શ્રમના 8 એકમો – આ ત્રણેય સંયોજનોના પરિણામે ત્રણેય તબક્કામાં કુલ મળતર કે ઉત્પાદન 100 એકમો જ રહે છે.

આમ સાધન-સંયોજનો ભલે બદલાય, છતાં કુલ ઉત્પાદન સ્થિર જ રહે છે. જ્યારે આ હકીકત આલેખમાં ઉતારવામાં આવે અને જ્યારે જુદાં જુદાં સંયોજનોને રેખા દ્વારા જોડવામાં આવે ત્યારે પ્રાપ્ત થતી રેખાને સમઉત્પાદનરેખા કહેવામાં આવે છે. આકૃતિ 1માં તે બતાવવામાં આવેલ છે.

સમઉત્પાદનરેખાનો નકશો : ધારો કે બજારમાં તે વસ્તુની માંગમાં વધઘટ થાય તો નિયોજકને વસ્તુનો બદલાતો અપેક્ષિત જથ્થો નવી પરિસ્થિતિમાં પ્રાપ્ત કરવા માટે ઉત્પાદનનાં સાધનોમાં એટલે કે મૂડી અને શ્રમના એકમોમાં પણ વધઘટ કરવી પડે અને તે પરિસ્થિતિમાં આલેખ પર એક કરતાં વધારે સમખર્ચ રેખાઓ પ્રાપ્ત થાય, જે આલેખને પછી સમઉત્પાદનરેખાનો નકશો કહેવામાં આવે છે. આવો નકશો આકૃતિ 2માં દર્શાવવામાં આવેલ છે.

સમઉત્પાદનરેખાનાં લક્ષણો : સમઉત્પાદનરેખાનાં પાંચ મુખ્ય લક્ષણો હોય છે : (1) તે ઉપરથી એટલે કે ઊર્ધ્વ ધરી OY પરથી નીચે એટલે કે સમાંતર ધરી OX પર ઢળતી હોય છે. (2) સમઉત્પાદનરેખાનો ઢાળ ઋણ હોય છે, કારણ કે જ્યારે ઉત્પાદનના એક સાધનના એકમો ઘટતા હોય ત્યારે બીજા સાધનના એકમોમાં વધારો થયા કરે છે. (3) સમઉત્પાદનરેખા તેના ઉદ્ગમબિંદુથી બહિર્ગોળ આકારની હોય છે, અને (4) કોઈ પણ બે અથવા તેનાથી વધુ સમઉત્પાદનરેખાઓ એકબીજીને છેદતી નથી, જોકે આનો અર્થ એ પણ નથી કે બધી જ સમઉત્પાદનરેખાઓ એકબીજીને સમાંતર હોય છે. (5) નીચેની સમઉત્પાદનરેખા કરતાં ઉપરની સમઉત્પાદન રેખા ચઢિયાતી હોય છે.

નિયોજકને આપેલ સંજોગોમાં ઇષ્ટતમ એટલે કે ઓછામાં ઓછા ખર્ચનુ સંયોજન પ્રાપ્ત કરવાની પ્રક્રિયામાં સમખર્ચરેખાની સાથે સમઉત્પાદનરેખા મહત્ત્વનો ભાગ ભજવે છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે