સભા અને સમિતિ – 2 : પ્રાચીન કાળમાં આ નામ ધરાવતી અસ્થાયી સંસ્થાઓ. આ બંને શબ્દોના અર્થ અને સ્વરૂપ સંબંધે ભારે મતભેદ અભ્યાસીઓમાં પ્રવર્તે છે. ઋગ્વેદ અને અથર્વવેદના સાહિત્યમાં તેના ઉલ્લેખ હોવા છતાં તેના સ્વરૂપ અને કાર્યક્ષેત્ર અંગે ચોક્કસ વિગતો ઉપલબ્ધ નથી. તેને રાજકીય સંસ્થાઓ તરીકે ઓળખાવવાનો પ્રયાસ જોખમી છે. વિદ્વાનો આ અંગે વિવિધ દૃષ્ટિબિંદુઓ અને અર્થ ધરાવે છે. સમિતિ કે/અને સભામાં કેટલા અને કેવા સભ્યો હતા ? ક્યારે તેની બેઠકો યોજાતી તેમજ કાર્યવહીના નિયમો શા હતા ? આ પ્રશ્નો લગભગ અનુત્તર રહે છે. તે કોઈ રાજ્યતંત્ર અંતર્ગત ચૂંટાયેલા પ્રતિનિધિઓની સભા હતી કે કેમ તે મહત્ત્વપૂર્ણ પ્રશ્ન છે.
ઋગ્વેદમાં ઉલ્લેખાયેલ ‘સમિતિ’નો અર્થ સભા યા સભાસ્થળ જેવો લાગે છે તેમજ તે ન્યાયાલયના સંદર્ભમાં વપરાયો છે. વધુમાં તે શબ્દ ધર્મસ્થાનના તેમજ ‘પૂગ’ના સંદર્ભમાં વપરાયો છે. (પૂગ એટલે એક જ ગામ યા વિસ્તારમાં રહેનાર વિભિન્ન જાતિ અને વિભિન્ન કાર્યો કરનાર સમુદાય.) અથર્વવેદમાં એક સ્થાને ‘સભા’ અને ‘સમિતિ’નો ઉલ્લેખ પ્રજાપતિની બે પુત્રીઓ તરીકે મળે છે, જ્યારે અન્ય સ્થળોએ ‘સમિતિ’નો ઉલ્લેખ સંસ્થા તરીકેનો જણાય છે. છાન્દોગ્યોપનિષદમાં એક ઘટક તરીકે સભા-સમિતિના ઉલ્લેખ મળે છે.
વૈદિક કાળમાં સભા-સમિતિની રચના કેવી રીતે થતી હતી તે જણાવવું શક્ય નથી; પરંતુ એમ કહી શકાય કે એ અસ્થાયી સ્વરૂપની એક જનસભા હતી; જ્યાં રાજા, વિદ્વાનો અને અન્ય લોકો જતા તથા તેમાં હાજર રહેતા હતા; પરંતુ તેને ચૂંટાયેલી સંસ્થા તરીકે ઓળખાવવી તે ડૉ. વામન પાંડુરંગ કાણેના મતે ‘અત્યંત સંદેહાત્મક’ છે.
ઉત્તર વૈદિક સાહિત્યમાં સભા ગ્રામીણ સંસ્થાનું સ્વરૂપ ધરાવતી હતી. તે ગામના વહીવટ અને ન્યાયનું કાર્ય કરતી. ‘શતપથ બ્રાહ્મણ’ અનુસાર રાજા તેમાં ક્યારેક હાજર રહેતો. પરંતુ તે પછીના સાહિત્યમાં તેના ઉલ્લેખ મળતા ન હોવાથી કેટલાક અભ્યાસીઓ માને છે કે સભાસમિતિ સમયાનુસાર બદલાતાં કે ચડઊતર પ્રભાવ સાથે અર્થહીન બની ગયાં હોવાં જોઈએ. હિલબ્રાન્ડ જેવાના મતે બંને શબ્દો એક જ સંસ્થાનાં બે નામો છે. ‘સભા’ શબ્દ ખાનગી મંડળ, રાજાની સલાહકાર સંસ્થા અને ન્યાયસભા – એમ વિવિધ અર્થોમાં પ્રયોજાયેલો જણાય છે. ડૉ. સાલેતોરનું મંતવ્ય છે કે પરસ્પરવિરોધી વિવરણો જોતાં સમિતિ કે સભાનું ચોક્કસ સ્વરૂપ જણાવવું અત્યંત કઠિન છે; આમ છતાં એટલું કહી શકાય કે સભા કોઈક પ્રકારની પરિષદ હતી, જેમાં સૌ સાથે બેસી અરસપરસ ચર્ચા કરી જ્ઞાનસંપાદનની પ્રવૃત્તિ કરતા. આ સંદર્ભમાં તે વિદ્વદ્જનોની સભા હોવાનું અનુમાન બાંધી શકાય.
વેદ, ઉપનિષદ અને શ્રુતિસાહિત્યનું વિવરણ જોતાં સમિતિનું સ્વરૂપ સમગ્ર કાળ દરમિયાન એકસરખું રહ્યું જણાતું નથી. વૈદિક સમયમાં ‘સમિતિ’ રાજાની સલાહકાર અને માર્ગદર્શક સંસ્થા હોવાનું અનુમાન બાંધી શકાય. તે લોકોની બનેલી હતી તેમજ તેને ‘વિશ’ તરીકે પણ ઓળખવામાં આવતી. ઋગ્વેદ પછીનાં ચારસોથી આઠસો વર્ષના ગાળામાં રાજાનું સ્થાન સર્વોચ્ચ બનતાં સમિતિ ધીરે ધીરે મૃતપ્રાય બની ગઈ. રાજા સમિતિમાં હાજર રહેતો હોવાના તથા તે સમિતિ રાજા પર અંકુશ ધરાવતી હોવાના છૂટાછવાયા ઉલ્લેખો મળે છે.
બુદ્ધના સમયની આસપાસ તથા તે પછીની કેટલીક શતાબ્દીઓમાં અલ્પજનાધિપત્ય શાસન યા ગણતંત્રો સ્થપાયેલાં હતાં. જોકે ધર્મશાસ્ત્રો અને રાજનીતિવિષયક ગ્રંથોમાં આ અંગે અલ્પ સંકેત મળે છે. ગણરાજ્યો અંગે બૌદ્ધ ગ્રંથો, યુનાની કથાઓ અને ભ્રમણવૃત્તાન્તો તેમજ શિલાલેખો અને સિક્કાઓ પર આધારિત માહિતી જૂજ છે, જેને પર્યાપ્ત ગણી શકાય નહિ. મત, મતદાર, મતસભા(રાજ્યસભા)નું સભ્યપદ વગેરે અંગે પૂરતાં પ્રમાણ સાંપડતાં નથી. વળી ગણરાજ્યોની ચૂંટણીવ્યવસ્થા અંગે પણ કોઈ પુષ્ટ પ્રમાણ પ્રાપ્ય નથી. આ સંદર્ભે કહી શકાય કે સભા અને સમિતિ જેવી સંસ્થાઓ જરૂર હતી, પરંતુ તેના સ્વરૂપ અને કામગીરી વિશે અભ્યાસીઓ નિશ્ચિતપણે કશું જણાવી શક્યા નથી.
રક્ષા મ. વ્યાસ