સભાસદ બખર : મરાઠા શાસક રાજારામની આજ્ઞાથી જિંજી મુકામે કૃષ્ણાજી અનન્તે લખેલ પુસ્તક (1694). તે માત્ર 100 પૃષ્ઠનું છે. ‘સભાસદ બખર’માં છત્રપતિ શિવાજી વિશે ઘણીખરી શ્રદ્ધેય હકીકતો આપવામાં આવી છે. તેમાં તારીખો અને સ્થળોને લગતી કેટલીક ભૂલો પણ થઈ છે; તેમ છતાં છત્રપતિ શિવાજીએ કરેલી લડાઈઓ તેમજ તેમણે કરેલી અન્ય પ્રવૃત્તિઓની કેટલીક વીગતો ‘સભાસદ બખર’માં આપવામાં આવેલી છે, જે એકંદરે વાસ્તવિક માલૂમ પડી છે. મન્કેરે તેનું 1886માં અંગ્રેજીમાં ભાષાંતર કર્યું છે તથા કે. એન. સાનેએ પોતાની નોંધો સાથે 1912માં તેનું સંપાદન કરી પ્રકાશિત કર્યું છે.
જયકુમાર ર. શુક્લ