સપ્તસિંધુ : વેદોમાં જણાવેલ સાત નદીઓનો સમૂહ. આ શબ્દપ્રયોગ તે સમયના લોકો એટલે કે આર્યો દ્વારા ખેડવામાં આવતા પ્રદેશ માટે અને સાત મહાસાગરો માટે પણ કરવામાં આવ્યો છે. આ સાત નદીઓ માટે વિવિધ અનુમાનો કરવામાં આવ્યાં છે. વેદોમાં તેમનાં નામ ગંગા, યમુના, સરસ્વતી, શતદ્રુ, પરુષ્ણી, ઇરાવતી અને ચંદ્રભાગા આપવામાં આવ્યાં છે.

રામાયણમાં જણાવ્યા પ્રમાણે ભગવાન શંકરની જટામાંથી નીકળ્યા બાદ ગંગા સાત પ્રવાહોમાં વહેંચાઈ : પૂર્વ તરફ નલિની, હિલદાસી અને પાવની; પશ્ચિમ તરફ ચક્ષુ, સીતા અને સિંધુ તથા દક્ષિણ તરફ ગઈ તે ભાગીરથી (ગંગા). આ સાત પ્રવાહોને સપ્તસિંધુ કહે છે.

મહાભારતમાં ગંગા, યમુના, સરયૂ, ગોમતી, ગંડક, પ્લક્ષગા અને રથસ્યા નદીઓને સપ્તસિંધુ નામ આપ્યું છે. તેમાંની છેલ્લી બે નદીઓ કઈ છે તેની માહિતી મળતી નથી. પછીના સમયમાં સિંધુ, યમુના (જમના), જેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલજ એમ સાત નદીઓનો પ્રદેશ સપ્તસિંધુ તરીકે ઓળખાતો હતો.

વેદોના સમયના આર્યો સપ્તસિંધુને પોતાના મૂળ વતન તરીકે માનતા હતા એવા સાહિત્યના પુરાવા મળે છે. વેદોના સમયના આર્યો, બહારથી આવ્યા હોય તોપણ તેઓ ઘણાં વર્ષો સુધી સપ્તસિંધુના પ્રદેશમાં રહ્યા હતા.

જયકુમાર ર. શુક્લ