સપ્તસિન્ધુ

January, 2007

સપ્તસિન્ધુ : વેદમાં ઉલ્લેખાયેલી હિમાલયમાંથી વહેતી સાત નદીઓ. સપ્તસિન્ધુ વગેરે નદીઓને સચરાચર જગતની માતાઓ ‘विश्वस्य मतर​: सर्वा:’ ગણવામાં આવી છે. વિષ્ણુપુરાણ (2–3), ભાગવતપુરાણ (5–19), પદ્મપુરાણ વગેરે પુરાણોમાં ગંગા, સિન્ધુ, યમુના વગેરે નદીઓનાં વર્ણન મળે છે.

‘સિન્ધુ’ શબ્દની વિભાવના सिम्-धुन्वति ચોમેર પોતાના પ્રવાહથી બધું જ પૂરના કારણે હલબલાવે તે સિન્ધુ. સિન્ધુ સામાન્ય નદી નહિ પણ નાદ માટે પ્રયોજાતો શબ્દ છે. તે ભારે વેગ ધરાવે છે.

હિમાલયમાંથી વહેતી નદીઓમાં સાત સાત નદીઓની ત્રણ જૂથ-શ્રેણીઓ સપ્તસિન્ધુ તરીકે ઓળખાય છે. [त्रि: सप्त त्रेधा नद्य: ।] (ઋ.વે. 10-60.8). આમ હિમાલયમાંથી વહેતી આ નદીઓને અતિમહત્ત્વની નદીઓ ગણવામાં આવી છે. સિંધુ નદીના પૂર્વ ભાગે સાત, પશ્ચિમ ભાગે સાત અને ઉત્તર ભાગે સાત નદીઓ આવેલી છે. આ બધી નદીઓમાં સિંધુ મહાનદ છે. આ સંદર્ભે ઋગ્વેદનું ‘નદીસૂક્ત’ (10-75) વિચારણીય છે. તેમાં કહ્યું છે કે સિન્ધુનો માર્ગ વરુણે કરી આપ્યો છે. સિન્ધુનો ઉદ્ભવ હિમાલય પર્વતમાંથી થયો છે. શુતુદ્રી અને સિન્ધુના તટે તેના દક્ષિણ ભાગે ધાન્ય પુષ્કળ પાકે છે. (2) આ ‘નદીસૂક્ત’માં એકવીસ નદીઓનું રૂપકાત્મક વર્ણન છે. પાંચમી ઋચામાં ગંગાદિ નદીઓનો સ્પષ્ટ ઉલ્લેખ થયો છે.

અહીં ઉલ્લેખાયેલી ગંગા, યમુના અને સરસ્વતી તો જાણીતી નદીઓ છે. પયોષ્ણી એ ઐરાવતી છે. આસિક્ની એ ચંદ્રભાગા છે. શુતુદ્રી તો સતલજ છે. વિશ્વામિત્રના ‘નદીસૂક્ત’ (ઋ.વે. 3.33)માં શુતુદ્રી અને વિપાટ્ને વેગીલી નદીઓ કહી છે. (33.1). शुतुद्री–शतधा द्रवति सा અર્થાત્ સો ભાગે નહેરોમાં વહેંચાયેલી વેગીલી નદી તે આજે સતલજ તરીકે ઓળખાય છે. विपाट् પણ વેગીલી નદી છે. वि-पाट्- पाटयति – તોડી નાખે છે. પોતાના ભારે વેગને લીધે પોતાના ક્ધિાારાની ભેખડો અને  ખડકોને તોડી પાડનારી નદી विपाट् – વ્યાસ કે બિયાસ નદી છે. ઉપર્યુક્ત મંત્રમાં ઉલ્લેખાયેલી નદી વિતસ્તા એ જેલમ કે ઝેલમ છે. માલવ દેશમાં વહેતી મરુદ્વૃધા છે. આમ ગંગા, યમુના, સરસ્વતી, શુતુદ્રી, મરુદ્વૃધા, વિતસ્તા અને સુષોમા મળીને ‘સપ્તસિન્ધુ’ નામ બને છે. આમાં સિન્ધુ શબ્દ નદી કે નદનો અર્થ ધરાવે છે. નદીઓ ગાયો-વાછરડાંને દૂધથી પોષે તેમ જળથી લોકોને પોષે છે. કોઈ રાજા શત્રુઓને જીતી ધન લઈને આવે તેમ ધન લઈ આવે છે.

પૂર્વદક્ષિણ ભાગે વહેતી નદીઓની શ્રેણી વિશે છઠ્ઠા મંત્રમાં તૃષ્ટામા સુસર્ત્વા, રસા, શ્વેતી, કુભા, ગોમતી, ક્રુમુનો સરથ – સમાન વેગવાળી નદીઓ તરીકે ઉલ્લેખ છે. આ સાતેય નદીઓને યજ્ઞભૂમિ પ્રતિ આવવા પ્રાર્થના છે. આ નદીઓ અનુક્રમે પંચકોટ પ્રદેશમાં વહેતી ચિત્રણ સુવાસ્તુ કે સ્વાતિ, રસા, અર્જુન, કાબુલમાં વહેતી કુભા, ગોમા અને કુરમ નામે નદીઓ છે. રસા નદી રશિયા તરફ વહેતી હોવાનું કહેવાય છે.

આ પછીના બે મંત્રોમાં પશ્ચિમ તરફ વહેતી નદીઓના સંદર્ભ મળે છે. ઋજીતી, એની, ઊર્ણાવતી, હિરણ્મયી, વાજિનીવતી, સીલમાવતી અને ચિત્રા – એ સાત ઉત્તરમાં વહેતી નદીઓ છે. ચિત્રા કે ચિત્રસ્વ પ્રત્યયા કુભા નદીને મળતી હોવાથી કાબુલ પ્રદેશની નદી છે. આ નદીઓ ભારે વેગીલી અને સુંદર છે.

હિમાલયના પૂર્વ-ઉત્તર ભાગે સપ્તસિન્ધુ કે સપ્તનદ વિભક્ત કરે છે. પ્રાચીન આર્યાવર્તનો એ માપદંડ હતો. स्वश्वा (વેગીલી), सुवासा: (દેખાવે સુંદર), हिरण्मयी (નિર્મળ જળ), वाजिनीवती (અન્નવતી), ऊर्णावती (પુષ્કળ જળવાળી), सीलमावती (સુભગા કે સર્વજનપ્રિયા) – આ નદીઓ મધુવૃધ – સાગરને મળનારી ગણાવી છે.

આમ હિમાલયમાંથી વહેતી ત્રણ ત્રણ શ્રેણીમાં વહેંચાયેલી સપ્તસિંધુ આર્યાવર્તની પ્રાચીન સંસ્કૃતિની સાક્ષી બની છે. સિંધુ નદીની સંસ્કૃતિ એટલે સપ્તસિંધુની સંસ્કૃતિ એમ સમજતાં હજી આ દિશામાં ઘણું પામવાનું બાકી રહે છે.

આ સૂક્તના અંતિમ મંત્રમાં સિંધુને સુખ, સમૃદ્ધિ આપનારી નદી ગણાવી શત્રુવિજય કરતા રાજવી સાથે સરખાવી તેનો મહિમા ગાયો છે.

‘મેદિની’ કોષમાં नदभेदे પુંલ્લિગં અને नदीभेदे સ્ત્રીમાં આનો ઉલ્લેખ છે. ‘રાજનિઘંટુ’માં સિન્ધુ નદી કહી છે. ‘શુતુદ્રી’ (સતલજ) અને વિપાશા (બિયાસ) નદીઓ તેને મળે છે. તેનું જળ શીતળ, સ્વાદુ, સર્વામયઘ્ન – બધા રોગોને દૂર કરનારું છે. તેના દીપન-પાચનના ગુણોને લીધે બુદ્ધિ, બળ, મેધા અને આયુષ્યદાયી જળની નોંધ રાજનિઘંટુમાં લેવાઈ છે.

દશરથલાલ ગૌરીશંકર વેદિયા