સપ્તસિંધુ (1977)

January, 2007

સપ્તસિંધુ (1977) : નાટ્યદિગ્દર્શક અને ટીવી-નિર્માતા ભરત દવેનું અમદાવાદ-સ્થિત નાટ્યવૃંદ. રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલય (NSD) ખાતે પ્રશિક્ષણ મેળવ્યા બાદ શરદબાબુ-કૃત ‘વિજયા’ અને મોલિયર-કૃત ‘વાહ વાહ રે મૈં’ (scoundrel scorpion) નાટક સન 1976માં કોમેદિયા દેલાર્તે શૈલીમાં ભજવ્યા બાદ ભરત દવેએ દિલીપ શાહ, હર્ષદ શુક્લ, અન્નપૂર્ણા શુક્લ, ભીમ વાકાણી, સુભાષ બ્રહ્મભટ્ટ, અદિતિ ઠાકર, દીપ્તિ જોશી, રાજુ બારોટ, હેમંત નાણાવટી, વિનોદ નાયક વગેરે સાથી-કલાકારોના સહયોગથી સન 1977માં તેની સ્થાપના કરી અને પાંચેક મિત્ર-કલાકારોના સહિયારા ભંડોળથી નાટ્યપ્રવૃત્તિની શરૂઆત કરી. સન 1977માં ટૉમ સ્ટૉપાર્ડ-કૃત ‘આલ્બર્ટ્સ બ્રીજ’ પ્રતીકવાદી શૈલીમાં ભજવાયું જેમાં માનવશરીરનો પુલ તરીકે ઉપયોગ થયો. એ જ વર્ષે લીયોની દ આન્દ્રેય-કૃત ‘લવ ધાય નેબર’ ઉપરાંત શ્રીકાન્ત શાહનાં બે એકાંકી ‘એક ટીપું સૂરજનું’ અને ‘એકાન્તની અડોઅડ’ પ્રયોગાત્મક રીતે ભજવાયાં. સન 1978માં શ્રીકાન્ત શાહનાં સાત મૌલિક એકાંકીઓનો મહોત્સવ યોજાયો, જેમાં શ્રીકાન્ત શાહનાં બહુચર્ચિત ‘માઇક્રો પ્લે’ પ્રતીકાત્મક દૃશ્યબંધ દ્વારા રજૂ થયાં. ભરત દવે ઉપરાંત નિમેષ દેસાઈ અને રાજુ બારોટ તેમજ દિલીપ શાહે આ એકાંકીઓનું દિગ્દર્શન કર્યું. એ જ વર્ષે, યુરિપિડિઝના વિખ્યાત નાટક ‘મીડિયા’નું ચન્દ્રવદન મહેતાએ કરેલું રૂપાંતર ‘મદીરા’ પ્રશિષ્ટ ગ્રીક શૈલીમાં ભજવાયું જે સન 1983માં અમદાવાદ ખાતે યોજાયેલા ‘રંગબહાર’ રાષ્ટ્રીય નાટ્યમહોત્સવમાં પણ રજૂ થયું. સન 1979માં માત્ર બે જ પાત્રો ધરાવતી લક્ષ્મીનારાયણ લાલની હિન્દી નાટ્યકૃતિ ‘વ્યક્તિગત’નો ગુજરાતી અનુવાદ, અલ્પતમ મંચસામગ્રી અને માઇમના મહત્તમ વિનિયોગ થકી ભજવાયો, તો સન 1980, 1982 અને 1987માં નાઝી જર્મની પર આધારિત ‘દર્શક’નાં ત્રણ જાણીતાં એકાંકી ‘સોદો’, ‘અંતિમ અધ્યાય’ અને ‘હેલન’ રંગભૂષા, વેશભૂષા અને અભિનયમાં પૂરેપૂરી ઐતિહાસિક પ્રમાણભૂતતા સાથે મંચન પામ્યાં. સન 1979માં અભિવ્યક્તિવાદી શૈલીમાં ભજવાયાં, રૉબર્ટ એન્ડર્સનનાં શ્રીકાન્ત શાહ દ્વારા અનૂદિત એકાંકીઓ, ‘મારું નામ જગદીશ છે’ અને ‘પિસ્તાલીસ વર્ષ પછીનો સ્પર્શ’. સન 1980માં ભરત દવેએ આ સંસ્થાના નેજા હેઠળ બાદલ સરકારની શૈલીમાં ભજવી, રવીન્દ્રનાથ ટાગોરની વિખ્યાત નાટ્યકૃતિ ‘મુક્તધારા’ અને એ જ વર્ષે રાષ્ટ્રીય નાટ્યવિદ્યાલયના રેપર્ટરી ગ્રૂપ સાથે ભજવ્યું ર. છો. પરીખના યાદગાર નાટક ‘મેનાં ગુર્જરી’નું માલવી રૂપાંતર, ને ભરત દવે અને તેમના નાટ્યવૃંદનું નામ રાષ્ટ્રીય સ્તરે ગુંજતું થયું. સન 1985માં ઉદેપુર ખાતે યોજાયેલા પશ્ચિમ વિભાગીય નાટ્યસમારોહમાં અને દિલ્હી ખાતે યોજાયેલા રાષ્ટ્રીય નાટ્યસમારોહમાં ‘મુક્તધારા’ની પ્રસ્તુતિએ ગુજરાતની રંગભૂમિને યશ અપાવ્યો. સન 1981માં ટૉમ સ્ટૉપાર્ડની જાણીતી કૃતિ ‘If you are Glad I will be Frank’ ‘શ્વેતપંખી’ના નામે પ્રતીકવાદી શૈલીમાં અને ગોગોલની વિખ્યાત નાટ્યકૃતિ ‘The Inspector General’ ‘પોલંપોલ’ના નામે પ્રહસનની શૈલીમાં રજૂ થઈ. સન 1984માં વાસ્તવવાદી શૈલીમાં ભજવાયું વિજય તેંડુલકરના મૂળ મરાઠી નાટક ‘શાંતતા કોર્ટ ચાલુ આહે’નું ગુજરાતી નાટ્યરૂપ ‘આખેટ’ અને શ્રીકાન્ત શાહનું મૌલિક નાટક ‘બાલ્કનીમાંથી દેખાતું આકાશ’, જે સન 1985માં ઉત્તરપ્રદેશ નાટક અકાદમીના ઉપક્રમે લખનૌ ખાતે યોજાયેલા રાષ્ટ્રીય નાટ્યમહોત્સવમાં પણ રજૂ થયું. સન 1986માં ભજવાયું ઇરવિન શોના પ્રખ્યાત નાટક ‘Burry the Dead’નું ગુજરાતી રૂપાંતર ‘મડદાં દફનાવો’ અને સન 1987માં ભજવાયું પન્નાલાલની જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત ‘માનવીની ભવાઈ’ નવલકથાનું નાટ્યરૂપાંતર. આ બંને નાટકો ‘environmental theatre’ની શૈલીમાં પ્રસ્તુત થયાં અને ગુજરાતી રંગભૂમિના ઇતિહાસમાં સીમાસ્તંભરૂપ બની ગયાં. સન 1992માં સ્ટ્રીન્ડબર્ગના વિખ્યાત નાટક ‘The Father’નું ગુજરાતી રૂપાંતર ‘વંધ્ય’ વાસ્તવવાદી શૈલીમાં ભજવાયું, તો સન 1993માં સર્વેશ્વરદયાલ સક્સેનાના હિન્દી નાટક ‘લડાઈ’નું ગુજરાતી રૂપાંતર ગીત-સંગીત સભર ‘total theatre’ની શૈલીમાં ભજવાયું. સન 1995માં લિયો ટૉલ્સટૉયના વિખ્યાત નાટક ‘Too Dear’ની ‘ગિલોટોનનો ગોટો’ના નામે musical રૂપે રજૂઆત થઈ. એ જ નાટક રાષ્ટ્રીય નાટ્યવિદ્યાલયના દ્વિતીય વર્ષના વિદ્યાર્થીઓ સાથે હિન્દીમાં ભવાઈ-શૈલીમાં પ્રસ્તુત થયું ને સન 1999માં ગોવા ખાતે યોજાયેલા સંગીત નાટક અકાદમી મહોત્સવમાં પણ ભજવાયું. આમ ‘સપ્તસિંધુ’એ સન 1977થી 1999ના ગાળા દરમિયાન વિદેશી, ભારતીય તથા ગુજરાતી લેખકોની 20 જેટલી કૃતિઓ વિવિધ શૈલીમાં ભજવી. ક્યારેય કોઈ સરકારી ગ્રાન્ટ કે ભંડોળ મેળવ્યા વિના, કોઈ પણ નાટ્યસ્પર્ધામાં ભાગ લીધા વિના કે ઇનામો જીત્યા વિના, આમંત્રિત કે મફતિયા પ્રેક્ષકો સામે નાટકો ભજવ્યા વિના, ‘એકાંકી’ સહિતનાં તમામ નાટકોનાં પત્રોમાં બાકાયદા જાહેરખબરો છપાવી ટિકિટ-શૉઝ કરી, દરેક મોટી નાટ્યભજવણી પૂર્વે એ નાટકની જાણકારી કલાકારોને તેમજ પ્રેક્ષકોને મળે તે હેતુથી જાહેર વ્યાખ્યાનો યોજી તથા કેટલાંય વર્ષો સુધી ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે દર ગુરુવારે ‘સંવાદ’ નામે નાટ્યગોષ્ઠિનું આયોજન કરતાં રહી તેમજ સાંપ્રત રંગભૂમિની વિવિધ પ્રવૃત્તિઓનો ચિતાર આપતી ‘સપ્તસિંધુ’ અને ‘અભિવ્યક્તિ’ જેવી પત્રિકાઓનું પ્રકાશન કરતા રહી આ સંસ્થાએ ગુજરાતની રંગભૂમિના ક્ષેત્રે એક નવો જ ચીલો પાડ્યો છે.

મહેશ ચંપકલાલ શાહ