સન્યાલ, સચીન્દ્રનાથ

January, 2007

સન્યાલ, સચીન્દ્રનાથ (. 1895, વારાણસી, ઉત્તરપ્રદેશ; . 1945, ગોરખપુર) : ભારતના મહાન ક્રાંતિકારોમાંના એક નીડર સ્વાતંત્ર્યસેનાની. તેમનો જન્મ હરિનાથ સન્યાલ નામના રૂઢિચુસ્ત બ્રાહ્મણ અને પ્રખર રાષ્ટ્રવાદીને ત્યાં થયો હતો. હરિનાથે પોતાના પુત્રોને ક્રાંતિકારી ચળવળ અને ખાસ કરીને અનુશીલન સમિતિમાં જોડાવા અનુરોધ કર્યો હતો. હરિનાથ પણ અરવિંદ ઘોષના ભાઈ અને બંગાળના પ્રસિદ્ધ ક્રાંતિકાર બારિન ઘોષના સાથીદાર હતા. સચીન્દ્રનાથે વારાણસીની એક હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. તેમણે ‘યુવક મંડળ’ની 1908માં સ્થાપના કરી હતી. તેઓ રાસબિહારી બોઝના સંપર્કમાં આવ્યા, તેનાથી પ્રભાવિત થયા અને તેમના નિકટના સાથી બની ગયા. ભારતીય સેના તથા પંજાબના કિસાનોના સક્રિય ટેકાથી સશસ્ત્ર બળવાની તૈયારી કરતા ગદર પક્ષના સભ્યોનો સંપર્ક કરવા રાસબિહારી બોઝે સન્યાલને મોકલ્યા. સન્યાલ તેમના કાર્યમાં સફળ થયા. તેઓ પોતાની સાથે વિષ્ણુ ગણેશ પિંગળેને લઈ આવ્યા અને તેમને બોઝનો પરિચય કરાવ્યો. બંગાળના ક્રાંતિકારો તરફથી શસ્ત્રો અને દારૂગોળાની બધી મદદ કરવાની પિંગળેને ખાતરી આપવામાં આવી. રાસબિહારી બોઝે સક્રિય અને વિશ્વાસુ સભ્યોની અગત્યની સભા બોલાવી અને અંગ્રેજો સામે સશસ્ત્ર બળવો કરવા તેઓને પ્રોત્સાહિત કર્યા. ચળવળ વેગવાન બની. દિલ્હી અને લાહોર ક્રાંતિકારી ચળવળનાં સક્રિય કેન્દ્રો બન્યાં.

સચીન્દ્રનાથ સન્યાલ

રાસબિહારી બોઝની સૂચના મુજબ સન્યાલે ખાસ કરીને ઉત્તર પ્રદેશ(તે વખતે સંયુક્ત પ્રાંતો)માં રાખેલ 7મી રાજપૂત રેજિમેન્ટના સૈનિકોનો સંપર્ક કરવાના પ્રયાસો કર્યા. બળવાની યોજના ઘડવામાં આવી. અને ઉત્તર ભારતનાં સક્રિય કેન્દ્રોમાં પ્રચાર કરવા પસંદ કરેલા ક્રાંતિકારોને મોકલવામાં આવ્યા. બળવા માટે 21 ફેબ્રુઆરી, 1915નો દિવસ નક્કી કરવામાં આવ્યો. ક્રિપાલસિંહ નામના ક્રાંતિકારોમાં ભળેલા જાસૂસે દગાથી આ યોજના સરકારને જણાવી દીધી. બ્રિટિશ સૈનિકોને ચેતવી દેવામાં આવ્યા. ભારતીય સૈનિકોને નિ:શસ્ત્ર કરી દેવામાં આવ્યા. તેમાં ભાગ લેનારા સૌની એકાએક ધરપકડ કરવામાં આવી; પરન્તુ બોઝ અને સન્યાલ પકડાય તે પહેલાં નાસી ગયા હતા. પાછળથી 26 જૂન, 1915ના દિવસે વિભૂતિ નામના સાથીદાર જોડે વારાણસીમાંથી સન્યાલની ધરપકડ કરવામાં આવી. તેમના ઓરડામાંથી અંગ્રેજીમાં ‘લિબર્ટી’ તથા બંગાળીમાં ‘સ્વાધીન ભારત’ નામની પત્રિકાઓ મળી હતી. વિવિધ ગુનાના આરોપો હેઠળ કેસ ચલાવીને તેમને આજીવન દેશનિકાલ કરી, આંદામાન મોકલી દેવામાં આવ્યા. ત્યાં જેલના જુલમો સામે તેમણે લડત આપી હતી. 1919માં સરકારે માફી જાહેર કરી ત્યારે તેઓ પણ જેલમાંથી મુક્ત થયા. બહાર આવ્યા પછી તેમણે ફરીથી ક્રાંતિકારોને સંગઠિત કરવા માંડ્યા.

ઉત્તરપ્રદેશના હિંદુસ્તાન રિપબ્લિકન ઍસોસિયેશનના હેતુઓ તથા નિયમો તેમણે ઘડ્યા હતા. તેમની ક્રાંતિકારી વિચારસરણીનો ગુપ્ત પત્રિકાઓ અને પુસ્તિકાઓ દ્વારા વ્યાપક પ્રચાર કરવામાં આવતો હતો. તેમણે મેઈનપુરી કાવતરા કેસ, વારાણસી કાવતરા કેસ અને ભાંકુરા કેસમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. 1925માં કાકોરી કાવતરા કેસ દરમિયાન કોર્ટમાં જે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ જાહેર થઈ તેમાં વૈચારિક અને સંગઠનાત્મક ભૂમિકામાં સન્યાલ આગેવાન હતા. તેથી ફરી વાર તેમને આજીવન કેદની સજા થઈ. 1937માં કૉંગ્રેસના પ્રધાનમંડળે સન્યાલને મુક્ત કર્યા; પરંતુ બીજું વિશ્વયુદ્ધ શરૂ થતાં (1939) તેમની ધરપકડ કરીને દેવલી કૅમ્પમાં અટકાયતમાં રાખવામાં આવ્યા. ત્યાં તેમને ક્ષય રોગ થવાથી સુલતાનપુરી જેલમાં મોકલવામાં આવ્યા. તેમની શારીરિક સ્થિતિ ઘણી ખરાબ થઈ ત્યારે તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા અને ગોરખપુરમાં, તેમના ઘરમાં અટકાયત દરમિયાન તેમનું અવસાન થયું. તે સમયે ‘હિંદ છોડો’ ચળવળને કારણે ઘણાખરા નેતાઓ જેલમાં હોવાથી, આ મહાન ક્રાંતિકારી આગેવાન અને નીડર સ્વાતંત્ર્યસેનાનીને આખરી વિદાય યોગ્ય રીતે મળી નહિ.

સન્યાલે પત્રિકાઓ, પુસ્તિકાઓ વગેરે ઘણું લખ્યું હતું. તેમણે ‘બંદીજીવન’ નામથી પોતાની આત્મકથામાં જેલમાં પડેલી તકલીફો વર્ણવી છે. તેમાં તેમણે ક્રાંતિની ફિલસૂફી અને તેની વ્યૂહરચના તથા દાવપેચનું વર્ણન કર્યું છે. આ પુસ્તકમાં તેમણે ભારતીય સમાજના રાજકીય, આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક માળખા વિશે

પોતાના વિચારો જણાવ્યા છે. મહાત્મા ગાંધીના અહિંસાના વિચારોમાં ન માનવા છતાં, તેમણે દેશની કરેલી મહાન સેવાની તેમણે પ્રશંસા કરી છે. સ્વતંત્રતાના સૌ ચાહકોના હૃદયમાં સન્યાલનું સ્થાન છે.

જયકુમાર ર. શુક્લ