સન્યાલ, ભાવેશચંદ્ર

January, 2007

સન્યાલ, ભાવેશચંદ્ર (. માર્ચ 1901, દિબ્રુગઢ, આસામ, ભારત; . 2002) : આધુનિક ભારતીય ચિત્રકાર. આધુનિક ચિત્રકલાને લોકસંપર્કમાં રાખવાના તેમના સતત પ્રયત્ન રહ્યા છે. ભાવેશચંદ્ર ચાર વરસના હતા ત્યારે તેમના પિતાનું દિબ્રુગઢમાં અવસાન થયું. માતા સુભાષિની માટીમાંથી દેવદેવીઓની આકૃતિઓ ઘડતી. આ જોઈને ભાવેશચંદ્રના મનમાં કલા પ્રત્યે રુચિ જાગી. મૅટ્રિક્યુલેશનની પરીક્ષા પસાર કરીને 1920માં ઓગણીસ વરસની ઉંમરે એમણે કોલકાતા ખાતેની કોલકાતા આર્ટ કૉલેજમાં કલાના વિદ્યાર્થી તરીકે પ્રવેશ મેળવ્યો. અહીં પ્રસિદ્ધ કલા-ઇતિહાસકારો પ્રો. પર્સી બ્રાઉન અને જે. પી. ગાંગુલી હેઠળ અભ્યાસ કરવાની તક મળી. સ્વાતંત્ર્યસંગ્રામના એ દિવસોમાં દેશપ્રેમના રંગમાં ભાવેશચંદ્ર પણ રંગાયા. કોલકાતામાં એ કૉંગ્રેસી નેતાઓનાં ભાષણો અહોભાવપૂર્વક સાંભળતા.

ભાવેશચંદ્ર સન્યાલ

પોલીસના લાઠીચાર્જને પ્રતાપે લાલા લાજપતરાયના અવસાન પછી 1929માં લાહોર ખાતેના કૉંગ્રેસ અધિવેશનમાં લાલા લાજપતરાયની પ્રતિમા ઘડવાનું કામ ભાવેશચંદ્રને મળ્યું. પ્રતિમા ઘડાઈ રહ્યા પછી પણ એ લાહોરમાં જ રહ્યા અને ત્યાંની મેયો સ્કૂલ ઑવ્ આર્ટમાં કલાશિક્ષક તરીકે જોડાઈ ગયા. થોડાં વર્ષો પછી તેમણે એ સંસ્થા છોડી લાહોર ખાતે લાહોર સ્કૂલ ઑવ્ ફાઇન આર્ટની સ્થાપના કરી. થોડા જ વખતમાં તે ઉત્તર ભારતની શ્રેષ્ઠ કલાશાળાની ઓળખ પામી; પરંતુ ભારતના ભાગલા પડતાં ભાવેશચંદ્ર વિમાસણમાં મુકાઈ ગયા. કલાવિવેચક ચાર્લ્સ ફેબ્રી સાથે તેઓ લાહોર છોડી અમૃતસર આવ્યા. 1949માં ભાવેશચંદ્રે અન્ય બે શિલ્પીઓ પી. એન. મેગો અને ધનરાજ ભગત સાથે ‘દિલ્હી શિલ્પી ચક્ર’ નામે કલાજૂથની સ્થાપના કરી. દિલ્હીના ગોલ માર્કેટમાં એમણે પોતાનો સ્ટુડિયો સ્થાપ્યો. ચાંદનીચોક ને કારોલબાગમાં એ અવારનવાર પોતાની કલાના નમૂના લોકો સમક્ષ રસ્તા પર રજૂ કરતા. આ રીતે તેમણે પહેલેથી જ કલાનો સામાન્ય માનવી સાથે સંપર્ક રાખવાનો પ્રયત્ન કરેલો. એમનાં ચિત્રો વિવિધ વાદના વાડાઓ અને વાદવિવાદોથી પર રહીને જનમાનસની ચેતનાને સ્પર્શી શક્યાં છે. એમાં નયનરમ્ય નિસર્ગદૃશ્યો, બાળકો, ગ્રામદૃશ્યો અને આત્મચિત્રોનો સમાવેશ થાય છે. આ પ્રકારે એમણે 2001 સુધી અવિરત કલાસર્જન કર્યું છે. એમણે ઘડેલાં, શિલ્પોમાંથી ડૉ. રાધાકૃષ્ણન્ અને ડૉ. રાજેન્દ્રપ્રસાદની કાંસ્ય પ્રતિમાઓ ઘણી પ્રશંસા પામી છે. સતત કાર્યરત રહીને એકસોએક વર્ષની વયે તેઓ મૃત્યુ પામ્યા.

અમિતાભ મડિયા