સદાશિવ રામચંદ્ર (શાસનકાળ : 1758-1760) : પેશવા બાલાજી બાજીરાવે 1758થી 1760 સુધી, ત્રણ વર્ષ માટે નીમેલો ગુજરાતનો સૂબો. તેણે હવાલો સંભાળ્યા પછી, કાજીના હોદ્દા પરથી ગુલામ હુસેનખાનને ખસેડી, તેના સ્થાને મુહમ્મદ રૂકન ઉલ્હક્ક ખાનને નીમ્યો. સદાશિવે મરાઠાઓના સિક્કા પુન: ચાલુ કર્યા. તેણે પ્રત્યેક હોદ્દા પર તથા મહેલોમાં અમલદારની નિમણૂક કરી. તે પછી ઝાલાવાડ તથા સોરઠની ખંડણી ઉઘરાવવા વાસ્તે તેણે તેના લશ્કર સાથે કૂચ કરી. તે અગાઉ તેણે શહેરમાં પોતાના નાયબ તરીકે નારુ પંડિતને નીમ્યો.

ઝાલાવાડ અને સોરઠ તરફ ગયેલો સદાશિવ રામચંદ્ર ખંડણી ઉઘરાવતો પોરબંદર થઈ જૂનાગઢ ગયો. અમદાવાદ પાછા ફર્યા બાદ પેશકશ (ખંડણી) ઉઘરાવવા ખંભાત ગયો; મોમિનખાને પેશવાના ભાગની લહેણી નીકળતી રકમ રૂપિયા 20,000 ચૂકવી આપ્યા. તેથી સદાશિવ રામચંદ્ર કઠાણા (તા. બોરસદ) થઈ ઉમેટા (તા. બોરસદ) ગયો. ત્યાંથી વાડાશિનોર પર ચડાઈ કરી. થોડા વખતની લડાઈ પછી સરદાર મુહમ્મદખાને રૂપિયા 30,000 આપવા કબૂલી તેના કારભારી અને મુકાદમને જામીન તરીકે મોકલી સંધિ કરી. તેણે તે પછી લુણાવાડા પર ચડાઈ કરી. ત્યાંના ઠાકોર દીપસિંગે મુકાબલો કર્યો; પરંતુ ટકી શક્યો નહિ. તેણે રૂપિયા 50,000 આપવાના કબૂલી યોગ્ય જામીન આપીને સંધિ કરી. ત્યાંથી મોડાસા અને ઈડર પરગણાંમાંથી મહેસૂલ ઉઘરાવતો તે વીસનગર ગયો. 4 જાન્યુઆરી, 1759ના રોજ સદાશિવ પાલણપુર પહોંચ્યો અને કોટને ઘેરો ઘાલ્યો. તેણે આસપાસનાં ગામડાં લૂંટી તારાજ કર્યાં, અને સુરંગ ખોદી રાજગઢને ઉડાવી મૂકવાની વ્યવસ્થા કરી. તેથી નવાબે પેશકશના રૂપિયા 35,000 આપ્યા. ત્યાંથી લીંબડી તરફ જતાં કટોસણના ઠાકોર પાસેથી રૂપિયા 10,000 લીધા.

સદાશિવ રામચંદ્રે લીંબડી જઈ ત્યાં યુદ્ધનો આતશ સળગાવી બળપૂર્વક પેશકશ ઉઘરાવી. તેણે 2 એપ્રિલ, 1759ની રાત્રે હળવદ પર હુમલો કર્યો, શહેરમાં લૂંટ કરી, રાજા  ભાભોજી (ગજસિંહ) સદાશિવને શરણે ગયો અને ખંડણી તથા દંડ લેવા રાજાને કેદ કર્યો. ઝાલા રાજવીની આ દશા જોઈ બીજા ઠાકોરો ગભરાયા અને તેમણે વિરોધ કર્યા વિના ખંડણી આપી. કેટલાક સમય બાદ, હળવદનો રાજા રૂ. 1,20,000 આપીને મુક્ત થયો. સદાશિવ 24 મે, 1759ના રોજ અમદાવાદ પાછો ફર્યો અને કેટલીક તૈયારી તથા સંતોજીને પોતાના નાયબ તરીકે નીમીને 4 જૂન, 1759ના રોજ પુણે જવા રવાના થયો. તે પછી 4 જૂન, 1760ના રોજ પેશવા બાલાજી બાજીરાવે ગુજરાતના સૂબેદારપદે સદાશિવ રામચંદ્રના સ્થાને આપા ગણેશને નીમ્યો.

જયકુમાર ર. શુક્લ