સદ્ગુણ : સારા ગુણો. ધર્મશાસ્ત્રમાં ષડ્વિધ ધર્મોમાં સામાન્ય ધર્મો માનવીમાં અપેક્ષિત સદાચાર માટેના આવદૃશ્યક સદ્ગુણો ગણાવે છે. ‘સદ્ગુણ’ શબ્દ દુર્ગુણોનો અભાવ અભિવ્યંજિત કરે છે.

ઋગ્વેદ (7/104/12)માં કહ્યું છે કે, ‘જે સત્ય અને ઋજુ છે તેની સોમ રક્ષા કરે છે’. આથી જ શતપથ બ્રાહ્મણ (1/1/1) સત્ય સંભાષણનો આગ્રહ રાખે છે. તૈત્તિરીયોપનિષદની શિક્ષાવલ્લીમાં ગુરુ શિષ્યને ઉપદેશ આપતાં ‘सत्यं वद’થી આરંભ કરે છે. છાંદોગ્યોપનિષદ તપના પાંચ ગુણમાં દાન, આર્જવ, અહિંસા અને સત્ય વચનને સમાવે છે. બૃહદારણ્યક અને મુંડકોપનિષદ પણ ધર્મ અને સત્યનો આગ્રહ રાખે છે. છાંદોગ્ય ઉપનિષદ પાંચ મહાપાપ – બ્રહ્મહત્યા, સુવર્ણની ચોરી, સુરાપાન, ગુરુશય્યાને અપવિત્ર કરવી અને આવા પાપી સાથેના સંબંધને નિંદે છે. કઠોપનિષદ આત્મજ્ઞાન માટે દુરાચારનો ત્યાગ, મનની શાંતિ, મનોયોગને આવદૃશ્યક ગણે છે.

રામાયણમાં અયોધ્યાકાંડના આરંભે રામના સદ્ગુણોની લાંબી યાદી આપી રામ સર્વગુણોથી યુક્ત હોવાથી યુવરાજપદે તેમના અભિષેકની તરફેણ કરવામાં આવી છે. મહાભારતના ઉદ્યોગપર્વ (43/20)માં સદાચારી બ્રાહ્મણનાં બાર વ્રતો ગણાવાયાં છે. શાંતિપર્વ પણ દમ  આત્મ-સંયમને સદાચાર માટે જરૂરી ગણે છે. ‘ગૌતમ ધર્મસૂત્ર’માં દયા, ક્ષાન્તિ, અસૂયાનો અભાવ, શૌચ (પવિત્રતા), અનાયાસ, મંગલ, અકાર્પણ્ય (કૃપણતાનો અભાવ), અસ્પૃહાને આત્માના ગુણો કહ્યા છે. અત્રિ, અપરાર્ક, સ્મૃતિચંદ્રિકા, હેમાદ્રિ, પરાશરમાધવીય વગેરે તેમજ મત્સ્ય (52/8-10), વાયુ (59/40-49), માર્કંડેય (61-66), વિષ્ણુ (3/8/35-37) વગેરે પુરાણોમાં થોડા થોડા ભેદ સાથે સદ્ગુણોને દર્શાવાયા છે. વસિષ્ઠ (10/30) ચાડીચુગલી, ઈર્ષ્યા, અભિમાન, અહંકાર, અવિશ્વાસ, કપટ, આત્મપ્રશંસા, પરનિંદા, ગાલિપ્રદાન, છેતરપિંડી, લોભ, ખોટો ઉપદેશ, ક્રોધ, હરીફાઈ વગેરેથી સદાચારીને દૂર રહેવા જણાવે છે. બાહ્ય આચારોના અગણિત નિયમોમાં અંત:કરણની શાંતિ ઉપર મનુ ભાર મૂકે છે (4/161). તે કહે છે કે ‘પરલોકમાં માતા-પિતા, પત્ની કે પુત્રો સાથે નહિ આવે, કેવળ સદાચાર જ સાથે રહેશે’. (4/239) આથી વનપર્વ (207/54), મનુસ્મૃતિ (8/85, 91-92) અને અન્ય સ્મૃતિઓમાં કહેવાયું છે કે ‘માનવીના વર્તનને દેવો જુએ છે.’ ‘મૃચ્છકટિક’નો ચેટ આથી જ શકારના કહેવા છતાં વસંતસેનાનું ગળું ટૂંપવા તૈયાર થતો નથી. પરલોકનો ભય અને દેવો પણ માનવીના વર્તનને જુએ છે એવી માન્યતા માનવીને સદાચારી બનવા પ્રેરે છે. દક્ષ કહે છે કે ‘આનંદ પામવા ઇચ્છનાર વ્યક્તિ પોતે પોતાને જુએ એ દૃષ્ટિએ બીજાને જોવો જોઈએ’. (3/22) ઉદાત્ત ગુણો કે સદાચારથી ચારેય પુરુષાર્થ સિદ્ધ થાય છે. ‘આપસ્તંબ’ ધર્મને અનુકૂળ રહી સુખોપભોગનો આગ્રહ રાખે છે. ‘શંખ-સ્મૃતિ’ ક્ષાન્તિ, સત્ય, આત્મનિગ્રહ (દમ) અને શુદ્ધિને આવદૃશ્યક સદાચાર ગણે છે. વસિષ્ઠ સત્ય, અક્રોધ, દાન, અહિંસાને આવદૃશ્યક ગુણો કહે છે. મનુ અહિંસા, સત્ય, શૌચ, ઇંદ્રિયનિગ્રહને સામાન્ય ધર્મ કે સદાચાર કહે છે.

શ્રીમદ્ભગવદ્ગીતાના અધ્યાય 16માં દૈવી સંપદ અને આસુરી સંપદ ગણાવી છે. અભય, સત્ત્વશુદ્ધિ, જ્ઞાનયોગવ્યવસ્થિતિ, દાન, દમ, યજ્ઞ, સ્વાધ્યાય, તપ, ઋજુતા, અહિંસા, સત્ય, અક્રોધ (ક્રોધ ન કરવો તે), ત્યાગ, શાંતિ, ચાડીચુગલી ન કરવી (અપૈશુન્ય), દયા, લોલુપતાનો અભાવ, મૃદુતા, લજ્જા, ચાપલનો અભાવ, તેજ, ધૃતિ, શૌચ, અદ્રોહ, અતિમાનનો અભાવ – આ દેવી સંપદ છે; આ સદ્ગુણોની યાદી છે. (ગીતા. 16/13).  દંભ, દર્પ, અભિમાન, કઠોરતા (પારુખ્ય), અજ્ઞાન, આ આસુરી સંપત્તિ કે દુર્ગુણો છે (16/4). આમાં દૈવી સંપત્તિ મુક્તિદાતા છે; આસુરી સંપત્તિ બંધનકારક છે. (ગીતા 16/5)

‘આચાર પ્રથમ ધર્મ છે’ – એ કથનમાં ‘આચાર’ એટલે સદાચાર એવો અર્થ અપેક્ષિત બને છે. ‘વિષ્ણુસહસ્રનામ’માં ‘आचारः प्रथमो कर्मः’ કહી ધર્મનો સ્રોત સદાચાર જ હોવાનું કહ્યું છે. વ્યાસ પોતાના ગ્રંથો મહાભારત અને પુરાણોના ઉપદેશનું તારતમ્ય બતાવતાં ઊંચા હાથ કરીને કહે છે કે પરોપકાર પુણ્ય માટે છે અને પરપીડન પાપ માટે છે, માટે પોતાને પ્રતિકૂળ હોય તે બીજા માટે ન આચરવું. બ્રહ્માએ દેવો, દાનવો અને માનવોની પ્રકૃતિ અનુસાર આપેલા ‘દ’ના ઉપદેશનો અર્થ દેવોએ ‘દયા’, દાનવોએ ‘દમન’ અને માનવોએ ‘દાન’ કરી, પોતાની પ્રકૃતિ અનુસાર આત્મનિરીક્ષણ કરી, અતિ આવદૃશ્યક સદાચાર પામવા કહ્યું છે. સદાચાર માટે સદ્ગુણો હોવા જરૂરી છે.

‘યોગશાસ્ત્ર’માં પતંજલિ સદાચારને યમ-નિયમમાં સમાવે છે. જૈન ધર્મમાં અણુવ્રત અને મહાવ્રતો સદાચારના પાયામાં છે. સમ્યક ચારિત્ર્યને જૈન-બૌદ્ધ વગેરે સૌ કોઈ મહત્ત્વ આપે છે. આમ સદાચાર આત્માની ઉન્નતિનો રાહ ચીંધે છે.

દશરથલાલ ગૌરીશંકર વેદિયા