સત્યવતી : વેદવ્યાસનાં માતા જેના પાછળથી રાજા શાંતનુ સાથે લગ્ન થયાં. એમને ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય નામે બે પુત્રો જન્મ્યા. સત્યવતીના જન્મ અંગેની કથા એવી છે કે, એની માતા અદ્રિકા, જે અપ્સરા હતી તે બ્રહ્માજીના શાપને કારણે માછલી બની ગઈ હતી. માછીમારોએ એ માછલીનું પેટ ચીર્યું તો એમાંથી સત્યવતી નીકળી. તેના શરીરમાંથી માછલીની ગંધ આવતી હતી આથી એનું નામ મત્સ્યગંધા પડ્યું. તેને કાલી, ગંધવતી, યોજનગંધા તેમજ ગંધકાલી પણ કહેતા હતા. વયસ્ક થતાં તે એના પિતાને યમુના નદીમાં મચ્છીમારીના કામમાં સહાય કરવા લાગી. એક વાર એની નાવમાં પરાશર ઋષિ નદીપાર કરવા આવ્યા. ઋષિ આ કન્યાથી મોહિત થયા અને એમના સંસર્ગથી વેદવ્યાસનો જન્મ થયો જે એ વખતે કૃષ્ણદ્વૈપાયનને નામે ઓળખાયા. ઋષિના આશીર્વાદથી સત્યવતીનું કૌમાર્ય યથાવત્ રહ્યું. સત્યવતીનાં લગ્ન રાજા સાંતનુ સાથે થયાં. રાજમાતા તરીકે તેઓ લાંબો સમય કુટુકુલને માર્ગદર્શન કરતાં રહ્યાં.

પ્રવીણચંદ્ર પરીખ