સત્યમૂર્તિ, એસ. (. 19 ઑગસ્ટ 1887, થિરુમયમ્, તિરુચિરાપલ્લી જિલ્લો, તામિલનાડુ; . 20 માર્ચ 1943, ચેન્નાઈ) : સ્વાધીનતાસેનાની, કાયદાશાસ્ત્રી અને આઝાદી પૂર્વેના દક્ષિણ ભારતના અગ્રણી રાજકીય નેતા. તેમના પિતા વકીલાત કરતા. પિતાના સૂક્ષ્મ નિરીક્ષણ અને માર્ગદર્શન હેઠળ સત્યમૂર્તિનું ઘડતર થયેલું. પ્રાથમિક શિક્ષણ વતનમાં પૂરું કર્યા પછી તેમણે ઉચ્ચશિક્ષણ પદુકોટ્ટા ખાતેની મહારાજા કૉલેજમાં તથા ત્યારબાદ ચેન્નાઈની કિશ્ચિયન કૉલેજમાં લીધું હતું. થોડાં વર્ષ શિક્ષક તરીકે નોકરી કર્યા પછી ચેન્નાઈની કાયદાની કૉલેજમાંથી કાયદાશાસ્ત્રની પદવી પ્રાપ્ત કરી અને ત્યાં જ થોડોક સમય અધ્યાપન કર્યા પછી ચેન્નાઈ ખાતે વકીલાત શરૂ કરી. 1919માં ભારતના રાજકીય તખતા પર મહાત્મા ગાંધીનું આગમન થતાં સત્યમૂર્તિ પણ ગાંધીજીના પ્રભાવ હેઠળ આવ્યા અને રાજકીય પ્રવૃત્તિઓ તરફ વળ્યા. તે જ વર્ષે કાંચીપુરમ્ ખાતે સરોજિની નાયડુના અધ્યક્ષપણા હેઠળ તામિલનાડુ કૉંગ્રેસનું અધિવેશન ભરાયેલું. સત્યમૂર્તિએ તેમાં સક્રિય ભાગ લીધો અને ઍની બેસંટ જેવા પ્રથમ પંક્તિના નેતાઓની વિચારસરણી સામે પડકાર ફેંકીને પોતાની સ્વતંત્ર વિચારસરણીનો પરિચય આપ્યો. પોતાના વિચારો રજૂ કરવાની સત્યમૂર્તિની વિચક્ષણ પદ્ધતિ અને અંગ્રેજી તથા તમિળ ભાષા પરના તેમના પ્રભુત્વને કારણે કૉંગ્રેસ પક્ષ એટલો બધો પ્રભાવિત થયો કે તેણે પોતાના પક્ષના પ્રચારકાર્યની સઘળી જવાબદારી તેમને જ સોંપી. 1919માં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસનું જે પ્રતિનિધિમંડળ ઇંગ્લૅન્ડના પ્રવાસે ગયેલું તેમાં સત્યમૂર્તિનો સમાવેશ કરવામાં આવ્યો. તેવી જ રીતે કૉંગ્રેસની વિચારસરણી પ્રસ્તુત કરવા માટે 1925માં ઇંગ્લૅન્ડ અને આયર્લૅન્ડના પ્રવાસે ગયેલા પ્રતિનિધિમંડળમાં પણ તેમનો સમાવેશ થયો હતો. તે પૂર્વે 1923માં તત્કાલીન મદ્રાસ વિધાન પરિષદ(લેજિસ્લેટિવ કાઉન્સિલ)માં સ્વરાજ્ય પક્ષ તરફથી તેમની વરણી થઈ હતી. વિરોધપક્ષના બાહોશ નેતા તરીકે તે અરસામાં તેમણે ખ્યાતિ પ્રાપ્ત કરી હતી (1923-30). લેજિસ્લેટિવ કાઉન્સિલમાં, વિદ્યાર્થીઓની કે બુદ્ધિજીવીઓની સભાઓમાં પક્ષની બંધ બારણે યોજાયેલ સભાઓમાં કે આમજનતાની જાહેર સભામાં જ્યાં જ્યાં તેમનાં વ્યાખ્યાનો થતાં ત્યાં ત્યાં શ્રોતાઓ પર તેમનો ખૂબ પ્રભાવ પડતો હતો. એક વિચક્ષણ વક્તા તરીકે તેમણે ખ્યાતિ પ્રાપ્ત કરી હતી.

મહાત્મા ગાંધીની હાકલ મુજબ 1930માં તેમણે સત્યાગ્રહની ચળવળમાં દિલોદિમાગથી ઝંપલાવ્યું. 1931 અને 1932માં તેમણે કારાવાસની સજા પણ ભોગવી હતી. 1935માં કેન્દ્રીય ધારાસભામાં તેમની ચૂંટણી થઈ હતી. ત્યાં ધારાશાસ્ત્રી ભૂલાભાઈ દેસાઈના નેતૃત્વપણા હેઠળ તેમણે જે કામ કર્યું તેની સર્વત્ર પ્રશંસા થઈ હતી. કેન્દ્રીય ધારાસભામાં તેમને કૉંગ્રેસ પક્ષના ઉપનેતા બનાવવામાં આવ્યા હતા. પ્રશ્નકાળ દરમિયાન તેમના પ્રભાવશાળી દેખાવાને કારણે સરકારી પક્ષ નિષ્પ્રભ થઈ જતો હતો. 1935ના કાયદા મુજબ, 1937માં જ્યારે પ્રાંતીય સ્વાયત્તતા દાખલ થવાની હતી ત્યારે કૉંગ્રેસ પક્ષનું ચૂંટણી-અભિયાન તેમણે જ સંભાળ્યું હતું, જેને કારણે તત્કાલીન મદ્રાસ પ્રાંતમાં કૉંગ્રેસ પક્ષને ભવ્ય વિજય સાંપડ્યો હતો. આ વિજયને કારણે મદ્રાસ પ્રાંતના મુખ્યપ્રધાન તેમને જ બનાવવામાં આવશે એવી જોરદાર હવા હતી, પરંતુ અગમ્ય કારણોસર તેમ બન્યું ન હતું. 1939માં મહાત્મા ગાંધીની સલાહ મુજબ જ્યાં જ્યાં કૉંગ્રેસની સરકારો સત્તામાં હતી તે બધા જ પ્રાંતોના કૉંગ્રેસ મંત્રીમંડળોએ રાજીનામાં આપ્યાં. ત્યારબાદ થયેલા વ્યક્તિગત સત્યાગ્રહમાં સત્યમૂર્તિએ પણ કૉંગ્રેસના વફાદાર સૈનિક તરીકે ભાગ લીધો, જેને કારણે 1940માં ફરીવાર તેમની ધરપકડ કરવામાં આવી હતી. 1941માં કારાવાસમાંથી મુક્ત થયા પછી મદ્રાસ(હાલનું ચેન્નાઈ)ના મેયરપદે તેમની વરણી થઈ. ઉપર્યુક્ત શહેરને સુંદર બનાવવા તથા શહેરની આમ જનતાની સમસ્યાઓનું નિરાકરણ કરવાની ઝુંબેશમાં તેમનો ફાળો મહત્ત્વનો રહ્યો હતો. 1942ની ‘હિંદ છોડો’ ચળવળમાં પણ તેમણે ભાગ લીધો હતો અને કારાવાસ ભોગવ્યો હતો.

1929માં અન્નામાલાઈ યુનિવર્સિટીની સ્થાપનામાં તેમનો ફાળો નોંધપાત્ર રહ્યો હતો. મદ્રાસ યુનિવર્સિટીની સિન્ડિકેટના સભ્ય તરીકે પણ તેમણે નોંધપાત્ર કામગીરી કરી હતી.

સત્યમૂર્તિ વિવિધ કલાઓના મર્મજ્ઞ હતા અને તે રૂએ ઘણા ઊગતા કલાકારોના વિકાસમાં તેમનું સક્રિય યોગદાન રહ્યું છે. તેવી જ રીતે કે. કામરાજ, ચક્રવર્તી રાજગોપાલાચારી, કે. કૃષ્ણમૂર્તિ જેવા દક્ષિણ ભારતના ઘણા અગ્રણી રાજકારણીઓની કારકિર્દીના ઘડતરમાં સત્યમૂર્તિનો ફાળો હકારાત્મક રહ્યો હતો.

આઝાદી પૂર્વેના કૉંગ્રેસ પક્ષના ઇતિહાસમાં એક કુશળ સંગઠક, અસરકારક પ્રચારક અને પ્રભાવશાળી વક્તા તરીકે તેમણે પોતાની છાપ ઊભી કરી હતી.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે