સત્યવતીદેવી (બહેન)

January, 2007

સત્યવતીદેવી (બહેન) (. 26 જાન્યુઆરી 1906, વી. તલવાન, જાલંધર; . ? ઑક્ટોબર 1945) : મહિલા-આંદોલનકાર અને શ્રમજીવી વર્ગનાં નેત્રી. ગાંધીજીએ તેમને ‘તૂફાની બહેન’ તરીકે ઓળખાવેલાં. પિતા જાણીતા સામાજિક કાર્યકર હતા. આર્યસમાજી નેતા સ્વામી શ્રદ્ધાનંદના તેઓ ભાણેજ હતા. દિલ્હીના બલભદ્ર વિદ્યાલંકાર સાથે તેઓ આંતરજ્ઞાતીય લગ્નથી જોડાયેલાં હતાં. રાજધાની દિલ્હીમાં તેઓ એફ. એચ. અન્સારી, સી. કે. નૈયર, બી. કે. ચાંડીવાલ અને એસ. એ. કિડવાઈ જેવાઓના સંપર્કમાં આવ્યાં. આથી તે સમયના ક્રાંતિકારીઓની માકર્સવાદી વિચારધારાથી તેઓ પ્રભાવિત થયાં હતાં. અજ્ઞેયવાદી તરીકે ધર્મમાંથી પેદા થતાં દૂષણો વિરુદ્ધ તેઓ આજીવન યોદ્ધા તરીકે ઝૂઝતાં રહ્યાં. તેમને કામદારો અને ખેડૂતોનું રાજ સ્થાપવાના ઓરતા હતા. સમાજવાદનાં દૃઢ આગ્રહી હોવા છતાં તે લોકશાહી ઢબે સ્થપાય એમ તેઓ ઇચ્છતાં હતાં. બિરલા મિલમાં કામદારોની હડતાળ પડાવનાર તેઓ પ્રથમ મહિલા હતાં, જ્યાં તેમના પતિ મહત્ત્વના હોદ્દેદાર હતા.

આઝાદીની લડતમાં તેમણે સક્રિય ભાગ લીધો હતો અને ધરપકડ દરમિયાન લાહોર જેલમાં ગંભીર માંદગીના બિછાને પડેલાં. આથી તેમને બિનશરતી મુક્તિ અપાતાં દિલ્હીની ક્ષયરોગની હૉસ્પિટલમાં દાખલ કરાયેલાં. એમની મૃત્યુશૈયા પર ગાંધીજી પહોંચ્યા અને ‘રામ’ નામ લેવા આગ્રહ કર્યો ત્યારે તેઓ નિરીશ્વરવાદી હોવાથી તેનો ઇન્કાર કરેલો. મહિલા સ્વાતંત્ર્યસેનાની અને જેહાદી વ્યક્તિત્વ ધરાવનાર આવી બહેનો અનન્ય ભારતીય મહિલાઓની યાદીમાં મોખરે હતી.

રક્ષા મ. વ્યાસ