સત્યાગ્રહ આશ્રમ કોચરબ

January, 2007

સત્યાગ્રહ આશ્રમ, કોચરબ : સત્ય ને અહિંસા દ્વારા રાષ્ટ્રસેવા કરી શકાય તે માટેની સુવિધા પૂરી પાડવા ગાંધીજીએ સ્થાપેલી સંસ્થા. ઈ. સ. 1915માં દક્ષિણ આફ્રિકાથી ભારતમાં આવીને ગાંધીજીએ સાબરમતી નદીને કિનારે અમદાવાદના કોચરબ ગામમાં બૅરિસ્ટર જીવણલાલ વ્રજલાલ દેસાઈના ભાડાના બંગલામાં 20મી મેના દિવસે આશ્રમનું વાસ્તુ કર્યું. 22મી મેના દિવસે દક્ષિણ આફ્રિકાથી એમની સાથે આવેલા 25 અંતેવાસીઓ સાથે રહેવા ગયા અને 25મી મેના દિવસે વિધિવત્ આશ્રમની સ્થાપના કરી હતી. આ આશ્રમ દ્વારા દક્ષિણ આફ્રિકામાં રંગદ્વેષની નાબૂદી અર્થે સત્યાગ્રહની જે કાર્યપદ્ધતિનો ઉપયોગ એમણે કર્યો હતો તેની ઓળખ ભારતવર્ષને કરાવવી હતી અને એની શક્તિ ક્યાં લગી વ્યાપક થઈ શકે છે તે જોવું હતું. તેથી એમણે તથા સાથીઓએ આશ્રમનું નામ ‘સત્યાગ્રહાશ્રમ’ પસંદ કર્યું. પોતાના હાથે લખેલી આશ્રમની નિયમાવલિમાં ગાંધીજીએ આશ્રમનો ઉદ્દેશ ‘જગતહિતની અવિરોધી એવી દેશસેવાની કેળવણી લેવી ને એવી દેશસેવા કરવાનો સતત પ્રયત્ન કરવો’ એ દર્શાવ્યો છે.

સત્યાગ્રહ આશ્રમ, કોચરબ

દક્ષિણ આફ્રિકાના સાધનાકાળ દરમિયાન સ્વાનુભવે ગાંધીજીને પ્રતીતિ થઈ ચૂકી હતી કે સાચી સેવા માટે ચિત્તશુદ્ધિ આવશ્યક છે અને યમ-નિયમના પાલન વગર એ શક્ય નથી. તેથી આશ્રમવાસીઓ સારુ એમણે એકાદશ વ્રત આપ્યાં. આ વ્રતો એ ગાંધીજીના વ્યક્તિગત તથા સામૂહિક જીવનની શિસ્ત અંગેની આચારસંહિતા છે. ગાંધીજીએ સૂચવેલાં આ અગિયાર વ્રતોમાં સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય – એ પાંચ વ્રત એવાં છે જેને એક યા બીજા સ્વરૂપે, દરેક ધર્મે પોતાના સિદ્ધાંતોમાં સ્થાન આપ્યું છે. યોગી પતંજલિએ પોતાના યોગસૂત્રમાં તેને ‘પંચ યમ’ કહ્યા છે. જૈન ધર્મે ‘પંચ મહાવ્રત’ અને બૌદ્ધ ધર્મે ‘પંચશીલ’ કહ્યાં છે. બીજાં બે વ્રત અભય અને અસ્વાદ સહાયક વ્રતો છે. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે દૈવી સંપદના ગુણો વર્ણવતાં અભયને પ્રથમ સ્થાન આપ્યું છે; કારણ નિર્ભયતા વગર કોઈ ગુણ ખીલતો નથી. ગાંધીજીને પણ લાગ્યું કે અભય વગર સત્ય અહિંસાદિ વ્રતોનું પાલન અસંભવ છે, તેથી અભયને એમણે વ્રત તરીકે સ્થાન આપ્યું. બીજું સહાયક વ્રત તે અસ્વાદ. ગાંધીજીનું દૃઢ મંતવ્ય હતું કે બ્રહ્મચર્યની સાધનામાં અસ્વાદ વ્રત બહુ જરૂરી છે. એટલે અસ્વાદને પણ એક વ્રત તરીકે અપનાવ્યું. આ એકાદશ વ્રત દરેક આશ્રમવાસીએ નમ્રતાપૂર્વક આચરવાનાં હતાં. આ વ્રતો વ્યક્તિગત ન રહેતાં સમાજવ્યાપી બને એવી ગાંધીજીની કલ્પના હતી. આશ્રમ એ માટેની તાલીમશાળા અથવા તો પ્રયોગશાળા હતી. આશ્રમમાં સાંપ્રદાયિક ધાર્મિકતા કે એની સાથે જોડાયેલાં અનુષ્ઠાનોને બિલકુલ સ્થાન નહોતું. ગાંધીજીની ષ્ટિએ ધાર્મિક જીવન એટલે એકાદશ વ્રતોનું પાલન. આ વ્રતો ઉપરાંત સવાર-સાંજની સામૂહિક સર્વધર્મપ્રાર્થના એ આશ્રમના જીવનનું અગત્યનું અંગ હતું. પ્રાર્થના માટે નહોતું કોઈ મંદિર કે નહોતી કોઈ મૂર્તિ. પ્રાર્થના ખુલ્લા આકાશ નીચે ખુલ્લા મેદાનમાં થતી. એમાં સર્વ ધર્મનાં ભજન-ધૂન ગવાતાં. પ્રાર્થના બાદ અવારનવાર ગીતા, બાઇબલ, કુરાન અને અવેસ્તામાંથી પઠન થતું. પ્રાર્થનામાં એવું વાતાવરણ સર્જાતું કે નાસ્તિકને પણ એમાં ભાગ લેવાનું મન થઈ જતું. પ્રાર્થનામાં આશ્રમવાસીઓ ઉપરાંત શહેરના લોકો પણ જોડાતા.

આશ્રમમાં ધર્મના, નાતજાતના, ઊંચનીચના કે સ્ત્રી-પુરુષના ભેદ નહોતા. તમામ આશ્રમવાસીઓ એક બૃહદ પરિવારના સભ્ય હોય એમ વર્તતા હતા. આશ્રમમાં કોઈ નોકર નહોતો. દળવું, પાણી ભરવું, રસોઈ કરવી, વાસણ માંજવાં, આશ્રમની અને ખાનાંની સફાઈ કરવી વગેરે કામો સૌ આશ્રમવાસીઓએ વારા પ્રમાણે કરવાનાં રહેતાં. આશ્રમવાસીઓનાં બાળકોનાં શિક્ષણ માટે ગાંધીજીએ આશ્રમમાં રાષ્ટ્રીય શાળા શરૂ કરી હતી. એમાં માતૃભાષા, રાષ્ટ્રભાષા તથા એક વિષય તરીકે અંગ્રેજી વગેરે ભાષાઓ શીખવાતી. બે કલાકનો ઉત્પાદક શ્રમ દરેક વિદ્યાર્થીએ કરવાનો રહેતો. શિક્ષણ માટે કોઈ પગારદાર શિક્ષક નહોતો. આશ્રમવાસીઓ જ શિક્ષકોનું કામ કરતા હતા. શિક્ષણમાં જ્ઞાન કરતાં વિદ્યાર્થીના ચારિત્ર્યઘડતર પર ખાસ ભાર મૂકવામાં આવતો હતો.

આશ્રમની સ્થાપનાના કેટલાક માસ પછી ઠક્કરબાપાની ભલામણથી મુંબઈમાં શિક્ષક તરીકે કામ કરતા એક અંત્યજ ભાઈ દૂદાભાઈએ સપરિવાર આશ્રમમાં જોડાવાની ઇચ્છા બતાવી. આશ્રમના નિયમો પાળવાની એમની તૈયારી હોવાથી ગાંધીજીએ તેમને આવકાર્યા; પરંતુ કેટલાક આશ્રમવાસીઓને દૂદાભાઈનું આવવું ગમ્યું નહિ. ગાંધીજીની સૂક્ષ્મ નજર એ પામી ગઈ. આ પરિસ્થિતિમાં અસ્પૃશ્યતાના સિદ્ધાંત ખાતર પોતાનાં સ્વજનો  ધર્મપત્ની કસ્તૂરબા અને આશ્રમના પ્રાણસમા ભત્રીજા મગનલાલ ગાંધીને છોડવા તેઓ તૈયાર થયા. બીજી બાજુ, અસ્પૃશ્યને આશ્રમમાં પ્રવેશ આપવાની શહેરમાં જાણ થતાં વૈષ્ણવ શેઠિયાઓએ આશ્રમને મળતી આર્થિક મદદ સદંતર બંધ કરી દીધી; એટલું જ નહિ, આશ્રમના બહિષ્કારની અફવા પણ ગાંધીજીને કાને આવી. કટોકટી ઊભી થઈ, પણ ગાંધીજી પોતાના સિદ્ધાંતમાં અડગ રહ્યા. જોકે ઈશ્વરે બહુ આકરી કસોટી ન કરી. શેઠ અંબાલાલ સારાભાઈ તરફથી રૂપિયા તેર હજારનું ગુપ્ત દાન મળતાં કટોકટીનો અંત આવ્યો ને આશ્રમની પ્રવૃત્તિઓ યથાવત્ ચાલુ રહી. આ આશ્રમમાં 7મી જૂન, 1916ના દિવસે વિનાયક ભાવે (વિનોબા ભાવે) એક આશ્રમવાસી તરીકે જોડાયેલા એની નોંધ લેવી ઘટે.

આશ્રમવાસીઓની સંખ્યા ઉત્તરોત્તર વધતી જતી હતી, પ્રવૃત્તિઓ પણ વિસ્તરતી જતી હતી. આ માટે કોચરબ આશ્રમનું મકાન નાનું પડતું હતું. વળી 1917માં કોચરબમાં મરકીએ દેખા દીધી હતી. આ બધાં કારણોને લઈને આશ્રમ 1917ના જુલાઈની 1લીએ સાબરમતી જેલ પાસે નદીને કિનારે ખસેડાયો હતો.

મગનભાઈ જો. પટેલ