સત્ય

ભારતીય તત્વજ્ઞાનના સંદર્ભમાં દેશકાલાતીત અસ્તિત્વ ધરાવતું તત્વ.

ઋગ્વેદના દશમા મંડળના સૂક્ત 129ના નાસદીય સૂક્તમાં સૃદૃષ્ટિની ઉત્પત્તિ વિશે વિવિધ મતો નિરૂપાયા છે. આ સૃદૃષ્ટિ સત્માંથી કે અસત્માંથી ઉત્પન્ન થઈ છે એ પ્રશ્ન આરંભે ચર્ચતાં સૂક્તમંત્ર કહે છે કે સૃદૃષ્ટિની ઉત્પત્તિ પહેલાં સત્ કે અસત્ કશું જ ન હતું, પણ કાંઈક ગૂઢ, ગંભીર, તમસ્થી પણ ગૂઢ હતું. આમ સત્-સત્ય કે અસત્-અસત્યથી પર ‘કંઈક’ છે. સત્ અને અસત્ ઉપરથી જ ‘સત્ય’ અને ‘અસત્ય’ શબ્દો નિષ્પન્ન થયા છે. યાસ્ક ‘સત્ય’ કે ‘सत्’માં ‘अस्’ ધાતુ કલ્પે છે. ‘સત્ય’માં ‘अस्’ અન્ય ધાતુ સાથે કલ્પેલો છે. પણ તેમાં ‘अस्’ મુખ્ય છે. ‘अस्’ એટલે હોવું – to be. ‘भू सत्तायाम्’ અનુસાર જે અસ્તિત્વ ધરાવે તે બધુંય તત્વ ‘સત્ય’ છે. સ્થાવર-જંગમ, જડ-ચેતન – એમ દ્વિવિધ ભૂતગ્રામ તેમાં આવી જાય. સ્વેદજ, અંડજ, ઉદ્ભિજ્જ અને જરાયુજ બધું જ તેમાં સમાય છે; પરંતુ આ ભાવ-અસ્તિત્વ ધરાવતું કે અ-ભાવ–અસ્તિત્વ ન ધરાવતું જે કાંઈ છે તે પહેલાં કંઈક હતું. તેને ‘બ્રહ્મ’ નામે ઉપનિષદો અને વેદાન્તીઓ નિર્દેશે છે. ‘ब्रृंह्’ – ‘વૃદ્ધિ પામી’ ઉપરથી વૃદ્ધિ પામેલું કે પામતું તત્વ તે ‘બ્રહ્મ’ છે. આ બ્રહ્મની વૃદ્ધિ તે તપ છે. આ અભીદ્ધ (ઉગ્ર) તપથી ઋત અને સત્ય જન્મ્યાં છે. (ॠतं सत्यं चाभीध्दात्तपसोऽध्यजायत​ ।) ‘ॠत’ માં ‘ॠ’ ધાતુ ગતિશીલતા સૂચવે છે. ‘સત્ય’માં ‘अस्’ અસ્તિત્વનો નિર્દેશ કરે છે. ગતિશીલતામાં સ્થિરતા આવતાં સત્ય બને. ‘ઋત’ અને ‘સત્ય’ એક જ સિક્કાનાં બે પાસાં જેવાં લાગતાં હોવા છતાં તેમાં ભેદ છે. બ્રહ્મ સત્ય છે. જ્ઞાન સત્ય છે. તે અનંત છે. બ્રહ્મ સત્ય, જ્ઞાન અને અનંત છે. પ્રજ્ઞાન બ્રહ્મ છે. સત્ય બ્રહ્મ છે. અનંત બ્રહ્મ છે. આમ છતાં, સત્ય, જ્ઞાન કે અનંતતા પૂર્ણ બ્રહ્મ બની ન શકે. શ્રીકૃષ્ણ સત્ય છે. ભાગવત તેમને ‘સત્યની યોનિ’  ઉત્પત્તિ કહે છે. તે ત્રણેય કાળમાં રહેલું સત્ય છે. તે ત્રણેય કાળથી પર સત્ય પણ છે. તે પરાત્પર સત્ય છે. ઉપનિષદોમાં તેને ‘तत् सत्’ કહે છે. ભગવદ્ગીતામાં પણ ‘ॐ तत्सत्’ને બ્રહ્મ કહે છે. આ બ્રહ્મ જીવ અને જગત રૂપે પરિણમે છે. ત્યાં સૃદૃષ્ટિની ઉત્પત્તિ વિષયક મતમતાંતરો આચાર્યોમાં પ્રવર્તે છે. જીવ અને જગત દિક્-કાલ પૂરતું સત્ય બને છે. તેને પ્રાતિભાસિક સત્ય કહી શકાય. પાણીના ટબમાં તળિયે રહેલી વસ્તુ ઉપર લાગે પણ હાથ નાખતાં તે ઊંડે હોવાનું જ્ઞાન થાય છે. પ્રત્યક્ષ દેખાતું સત્ય પછીથી અસત્ય સિદ્ધ થાય છે પણ જે સમયે અને જે સ્થળે જોયું તે સત્ય. તે દેશકાલ પરત્વે સત્ય છે, પ્રત્યક્ષ છે; આથી જ દિક્કાલાવચ્છિન્ન સત્યની ઉપેક્ષા કરવી ન ઘટે.

સત્યને અંગ્રેજીમાં ‘Truth’ કહે છે. ધ્વનિસામ્ય જોતાં ‘ॠत’માં त – ट​ આગમ થયો છે. ‘ઋત’નો પર્યાય આપણી સમજનું ‘સત્ય’ ન બની શકે. વસ્તુનું ઋત સત્યથી ભિન્ન છે. ‘ઋત’ અને ‘સત્ય’ – જેના આધારે ટક્યું છે તેને ‘श्रत्’ કહે છે. ‘श्रत्’ – ‘श्रि’ (આશ્રય લેવો) ઉપરથી ઊતરી આવેલો શબ્દ છે. ‘श्रत्’ એ આધારબિંદુ છે. તેને ધારણ કરે તે ‘શ્રદ્ધા’ છે. તેને કામ–મન સાથે સંબંધ છે. આથી ‘શ્રાદ્ધ’માં બ્રહ્મથી સ્તંબ (તણખલા) પર્યંતનો સંબંધ ‘श्रत्’ સાથે જોડી વૈવિધ્યમાં એક તત્વના અસ્તિત્વ – સત્યત્વની પ્રતીતિ કરાવાય છે. આ ‘श्रत्’ ઉપરથી વેદ અને કઠોપનિષદ જેવામાં વૃક્ષની કલ્પના કરવામાં આવી છે. ભાગવત પણ આવા વૃક્ષનો નિર્દેશ કરે છે. ભગવદ્ગીતાનું અશ્વત્થ વૃક્ષ સંસારની નશ્વરતા અને ગતિશીલતા દ્યોતિત કરે છે. આ વૃક્ષની કલ્પના દિક્કાલાવચ્છિન્ન ‘સત્ય’ છે.

શંકરાચાર્યે બ્રહ્મને જ સત્ય ગણ્યું છે. જીવને બ્રહ્મનો વિવર્ત કહ્યો. જગતને મિથ્યા ગણ્યું. મિથ્યા એટલે દિક્કાલાવચ્છિન્ન સત્ય. તેમના જીવનના હાથીના પ્રસંગે ‘गजोऽपि मिथ्या पलायनमपि मिथ्या’ કહી દિક્કાલાવચ્છિન્ન સત્યનો સ્વીકાર કર્યો છે. એક સ્થળે એક સમયે થયેલું દર્શન-જ્ઞાન બીજા સ્થળે બીજા સમયે અસત્ય હોઈ શકે. જગતને આવું બતાવવામાં માયા કારણભૂત છે. માયાની વિભાવના અને માયા સાથેના સંબંધને લીધે આચાર્યોમાં વિવાદ જાગતાં બ્રહ્મ-જીવ-જગત વચ્ચે વિવર્તવાદને લીધે શંકરાચાર્યનો કેવલાદ્વૈત અસ્તિત્વમાં આવ્યો. રામાનુજાચાર્યે આ સંબંધે શેષ-શેષિત્વની કલ્પના કરી વિશિષ્ટાદ્વૈત આપ્યો. શ્રી વલ્લભાચાર્યે શુદ્ધ સંબંધ બાંધી શુદ્ધાદ્વૈત આપ્યો. આચાર્યોના વિભિન્ન દૃષ્ટિકોણનું પરિણામ છે. પારમાર્થિક સત્ય અને દિક્કાલાવચ્છિન્ન સત્ય વચ્ચે તાલમેલ સાધવા જતાં આવાં મતમતાંતરો થયાં છે. જીવ અવિદ્યાને લીધે અહંતા-મમતાથી કર્મો કરતાં કર્મબંધનથી જન્મ-મરણની ઘટમાળમાં ભમે છે. આ ઘટમાળમાં તેનું અસ્તિત્વ ‘સત્ય’ જ છે.

વિવિધ દર્શનોમાં અંતિમ તત્વ ‘બ્રહ્મ’ સિવાયનાં અન્ય તત્વોને કલ્પતાં વિવિધ મતો અસ્તિત્વમાં આવ્યા છે. ન્યાય-વૈશેષિક પ્રત્યક્ષ, અનુમાન, ઉપસ્થિતિ વગેરે પ્રમાણોથી પ્રમાણી સત્યને શોધતાં પરમાણુ-અણુવાદને પામ્યા. સાંખ્યે પ્રકૃતિ-પુરુષ(matter-mind)ને સૃદૃષ્ટિના મૂળમાં કલ્પી, ત્રણ ગુણોની સામ્યાવસ્થા, સત્કાર્યવાદ અને પુરુષબહુત્વને સત્ય તરીકે સ્વીકાર્યાં છે. યોગશાસ્ત્રમાં સાંખ્યના પ્રકૃતિ-પુરુષ ઉપર ઈશ્વરને કલ્પ્યો છે. જૈન દર્શન પરિક્ષીણકર્મા ઈશ્વર પરમજ્ઞાની બની ‘જિન’ થાય અને અર્હત્-પદ પામે તેમાં સત્યનિષ્ઠા રહેલી છે. તેને માટે પાંચ અણુવ્રતો છે. પાંચ મહાવ્રતો દ્વારા સમ્યગ્-જ્ઞાન, સમ્યગ્-દર્શન અને  સમ્યગ્ ચારિત્ર્ય ઉપર ભાર મૂક્યો છે. બૌદ્ધ દર્શનમાં સમ્યગ્ જ્ઞાનની પ્રાપ્તિ દ્વારા ‘બોધિ’ બનવામાં ‘સત્ય’ની પ્રાપ્તિ છે. ચાર્વાકે ભૌતિક જગતને સત્ય માની ભૌતિક સુખોને માણી લેવાનો ઉપદેશ આપ્યો છે. આ બધામાં વેદાંતમાંનું બ્રહ્મ પરમ તત્વ છે. વિવિધ સંપ્રદાયોમાં સંપ્રદાયના ઇષ્ટ દેવ વિષ્ણુ, શિવ, શક્તિ, ગણપતિ, સૂર્ય, દત્તને બ્રહ્મસ્વરૂપે સ્વીકારે છે. નિર્ગુણ અને સગુણ સ્વરૂપ પણ તે જ છે. તે જ પરમ તત્વ પારમાર્થિક સત્ય છે.

દિક્કાલાવચ્છિન્ન ક્ષરપુરુષ છે. દિક્-કાળ પછી પણ અસ્તિત્વ ધરાવનાર ચૈતન્ય અક્ષર પુરુષ છે; પણ પુરુષોત્તમ આ ક્ષર અને અક્ષરથી પરમ છે; તે પારમાર્થિક સત્ય છે. સગુણથીય આગળ નિર્ગુણ નિરાકાર સ્વરૂપની કલ્પના ભારતીય દર્શનો પારમાર્થિક સત્ય તરીકે કરે છે.

સામાન્ય જનજીવનમાં શ્રીકૃષ્ણ, વાસુદેવ, વિષ્ણુ તે સૂત્રમાં પરોવાયેલા મણિગણ જેવા ગણે છે. દૃશ્ય અને અદૃશ્યમાં રહેલું તત્વ માને છે. આથી જ ‘वासनाद् वासुदेव​:’ કહેવાય છે. ‘विरा् ’ પ્રવેશવું – બધાંમાં પ્રવેશેલા  પ્રવેશીને રહેલા વિષ્ણુ છે. આ વિષ્ણુ તત્વ પારમાર્થિક અને દિક્કાલાવચ્છિન્ન બ્રહ્મ જ છે, પરમાત્મા છે.

સામાન્ય જનજીવનમાં આ તત્વને પામવા સત્યનો આગ્રહ રખાયો છે. યમનિયમોમાં સત્ય, શૌચ આદિને સ્થાન અપાયું છે. ધર્મશાસ્ત્રોમાં ‘સત્ય’ને પરમ તપ કહ્યું છે. જૈન દર્શનો મૃષાવાદને નિંદે છે. હિંદુ ધર્મશાસ્ત્રો સત્યથી સ્વર્ગની અને અસત્યથી નરકની પ્રાપ્તિ થતી હોવાનું કહે છે. અને કૂટ સાક્ષ્ય, – ખોટી સાક્ષી ન પૂરવા કહે છે. ખોટી સાક્ષી  અસત્યભાષણથી ધર્મ બંને તંત્ર (ન્યાય તારવવાની પ્રક્રિયા)ને હાનિ થાય છે. હરિશ્ર્ચંદ્રે સત્ય ખાતર જીવનભર સહન કર્યું. ઇક્ષ્વાકુ કે સૂર્યવંશનું પ્રધાન લક્ષણ સત્યપ્રિયતા છે. મન, વચન અને કર્મથી સત્યનું પાલન કરવું તેને જ ધર્મ ગણવામાં આવ્યો છે. रामो द्वि: नाभिभाषते – રામ બે વાર બોલતા નથી. તે બે-વચની નથી. તે સત્યપ્રતિજ્ઞ છે. આવા લોકોનું રમતમાં બોલાયેલું વચન પણ શિલાલિખિત બને છે. અસત્યવચન સોગંદપૂર્વક કહેવાય તોપણ તે જળમાં લખેલા અક્ષરની માફક તરત જ નાશ પામે છે. લોકોમાં સતિયાપીરની અને સત્યનારાયણની કથા જાણીતી છે. બ્રાહ્મણ, શૂદ્ર (કઠિયારો), વૈદૃશ્ય-ગોપાલક સરળ ભાવે સત્યનિષ્ઠા અપનાવે છે. સાધુ વાણિયો સત્યનિષ્ઠામાંથી ડગી ગયો છે. સત્યપ્રિયતાને મહાભારત અને ઉપનિષદો બ્રાહ્મણત્વનું લક્ષણ ગણે છે. સાચું બોલવાથી સત્યકામ જાબાલ કહેવાયો. તેનું મૂળ નામ જ ભુલાઈ ગયું. સત્યનિષ્ઠા ખાતર જ નચિકેતા યમનો અતિથિ થયો. સત્યને ખાતર સૂર્યવંશી રાજાઓ ખપી ગયાનાં ઉદાહરણો ઇતિહાસના પાને નોંધાયેલાં છે. આ સૌની સત્યની વિભાવના દિક્કાલાવચ્છિન્ન છે. દર્શનોમાં દિક્કાલાવચ્છિન્ન અને પારમાર્થિક સત્યના ભેદ છે.

‘જ્યારે આ સત્ય કે પેલું સત્ય’ એવી દ્વિધા જાગે ત્યારે સત્યની શોધ આરંભાય છે. કોર્ટોમાં આરોપી અને ફરિયાદી બંને પોતે સત્ય હોવાનો દાવો કરે છે. ધર્માધ્યક્ષ ન્યાયાધીશ વ્યવહાર (ન્યાયની શોધની પ્રણાલિકા) દ્વારા સત્યની શોધ આરંભે છે वि – અનેક, अव – સંદેહ અને ‘हार’ – દૂર કરવા. સત્ય હોવા ન હોવા વિશે અનેક પ્રકારના સંદેહો દૂર કરી સત્યને શોધી તેને પ્રસ્થાપિત કરવું તે ‘વ્યવહાર’ છે. આ માટે લિખિત, ભુક્તિ (ભોગવટો), સાક્ષી અને દિવ્ય પ્રમાણોનો આધાર લેવાય છે. આ સત્યની શોધ દેશકાળ પરત્વે જ છે.

પારમાર્થિક સત્યની શોધ ઉપનિષદોમાં ગુરુ-શિષ્યોના સંવાદોમાં મળે છે. શાસ્ત્રચર્ચામાં સત્યની શોધ માટે વાદનો આશ્રય લેવાય છે. વાણીથી ઓળખાવાતા નામ-રૂપ-વિકાર ભિન્ન છે. વસ્તુત: મૂળ તત્વ મૃત્તિકા કે સુવર્ણ સત્ય છે તેમ જગત-સંસાર-વિશ્વમાં બ્રહ્મ સત્ય છે. બંને પરસ્પર સમજીને સત્યને સ્વીકારે ત્યાં ‘મધ્યસ્થ’ની જરૂર નથી. અન્યથા વાદમાં નિર્ણાયકની જરૂર રહે છે. આ માટે પ્રત્યક્ષ અનુમાન, ઉપમિતિ, શબ્દ વગેરે પ્રમાણોનો આધાર લેવાય છે. શ્રુતિ, સ્મૃતિ, ગીતા, ભાગવત જેવાં પ્રસ્થાનત્રયી કે પ્રસ્થાનચતુષ્ટ્યલક્ષીના આધારે પણ પારમાર્થિક સત્યની શોધ થયેલી છે. આજે વૈજ્ઞાનિકોની ‘unified theory’ પણ બ્રહ્મતત્વ તરફ દોરી જાય છે. આ પારમાર્થિક સત્યને પામવા સત્ય ચિંતન-વિચાર, સત્ય વાણી અને સત્ય આચારથી પૂત થયેલો પારદર્શક દાર્શનિક યોગી, ભક્ત વગેરેને છેવટે પ્રતીતિ થાય છે. સર્વ સત્યમાં પ્રતિષ્ઠિત છે. (सर्वं सत्ये प्रतिष्ठितम् ।) સત્યથી પર કોઈ ધર્મ નથી. (सत्यान्नास्ति परो धर्म​: ।) પોતાને લાગતું સત્ય પામવા શ્રુતિ, સ્મૃતિ, સદાચાર, આત્મતુદૃષ્ટિ અને સમ્યક્ સંકલ્પથી જન્મતા કામને – ઇચ્છાને જ ધર્મ કહે છે. આ સત્યથી જ બધું ટકી રહ્યું છે. સત્ય એ જ ધર્મ ટકાવનારું, ધારણ કરનારું અને દિવ્યત્વ તરફ દોરનારું તત્વ છે, દિક્કાલાવચ્છિન્ન સત્ય આ માટે આધારશિલા છે અને પારમાર્થિક સત્ય એ લક્ષ્ય છે.

ભારતીય દર્શનોમાં સાંખ્ય અને વૈશેષિક દૃશ્યમાન જગત ઉપરથી સૃદૃષ્ટિના મૂળ કારણ સુધી પહોંચી પરમ સત્યને પામવા સૈદ્ધાંતિક પ્રયત્ન કર્યો છે. યોગશાસ્ત્ર અને વેદાંતશાસ્ત્રમાં(ઉત્તરમીમાંસામાં) તેને અનુભૂતિનો વિષય બનાવવાનો પ્રયત્ન છે. ન્યાયશાસ્ત્રે વિવિધ પ્રમાણો(અષ્ટવિધ પ્રમાણો)થી સત્ય અને પરમ સત્યની શોધ કરી છે. મીમાંસાદર્શને કર્મમીમાંસાને અનુલક્ષી સત્યનાં વિવિધ પાસાંનું અવલોકન કર્યું છે. જૈન, બૌદ્ધ અને ચાર્વાક જેવાં નાસ્તિક દર્શનોમાં પણ સત્યને અને પરમ સત્યને પામવા તર્કનો આશ્રય લીધો છે. ચાર્વાકો પ્રત્યક્ષ પ્રમાણને મહત્વ આપી દુન્યવી સત્યની શોધ કરે છે. જૈનોનો સ્યાદ્વાદ ન્યાયદર્શનના પંચાવયવી અનુમાનથી આગળ વધી, સપ્તાવયવી અનુમાન બને છે. તેમાં ‘સ્યાત્’  હોઈ શકે એવા ભાવ સાથે સત્યાસત્યતાનાં બંને પાસાંને વિચારી સત્યને કસોટીના એરણે ચડાવ્યું છે. ભૌતિક જગતમાં મળતું સત્ય, શંકરાચાર્યનું સત્ય વ્યાવહારિક સત્ય છે. આ સત્ય દેશકાળ પરત્વે સત્ય છે, પારમાર્થિક સત્ય નથી.

ઉપનિષદોમાં ભૌતિક જગતમાં સત્ય માની તેની પાછળ દોટ દેતાં તેના અધૂરપની અનુભૂતિ થતાં મહાશાલ(વિશાળ નિવાસસ્થાન)વાળા શૌનક જેવાને – ‘જે જાણતાં બધાનું જ્ઞાન થાય તેવા’ – સત્યને પામવાની ઝંખના જાગી. શ્વેતકેતુને ઉદ્દાલક આરુણિએ વડના ટેટા અને લવણયુક્ત જળનાં ઉદાહરણોથી પરમ સત્યની ઝાંખી ઠરાવી. મૈત્રેયીએ યાજ્ઞવલ્ક્યને સંસાર પ્રતિ વિરક્તિનું કારણ પૂછતાં ‘અમૃતત્વ’ની શોધ એ પરમ સત્યની શોધની ઝંખનાને જ વિરક્તિનું કારણ ગણાવ્યું.

આમ, દુન્યવી સત્ય કે ભૌતિક જગતમાં જણાતાં વિવિધ સત્યો પારમાર્થિક સત્યની દૃષ્ટિએ સત્ય નથી. તે તમસ્માં અનુભવાતાં સત્યો છે; પ્રકાશનું કે પરમ જ્ઞાનનું સત્ય નથી. તે અમૃતત્વની પ્રાપ્તિ નથી. આથી ઉપનિષદોમાં તમસ્માંથી પ્રકાશ તરફ, મૃત્યુમાંથી અમૃત તરફ અને અસત્યમાંથી સત્ય તરફ જવાની ઉત્કટ ઝંખના દર્શાવી છે.

પાશ્ચાત્ય દૃષ્ટિએ બૌદ્ધિક સ્તરે વિવિધ રીતે સત્યને પામવાના પ્રયત્નો થયા છે. તર્કસંગતિ સાધી પ્રામાણ્યનો વિચાર કરી પ્રમાણોના આધારે સત્યને પામવાના પ્રયત્નો થયા છે. પાશ્ચાત્ય બૌદ્ધિકોએ સત્યને પામવા કરેલા પ્રયત્નો પણ વિચારણીય છે. માનવબુદ્ધિથી પ્રમાણિત કરાતું સત્ય હૃદયરસથી રસાઈને આત્મિક ચેતનાને પ્રકાશિત કરે ત્યારે પારમાર્થિક સત્ય સુધી પહોંચાય છે એવો ભારતીય આર્ષ દ્રષ્ટાઓનો અભિગમ રહ્યો છે. પાશ્ચાત્યોમાં ધર્મ અને તત્વજ્ઞાન અલગ હોવાથી સત્યનું દર્શન તર્કની ભૂમિકાથી આગળ જતું નથી.

પાશ્ચાત્ય તત્વજ્ઞાનના સંદર્ભમાં :

પાશ્ચાત્ય તત્વવિચારમાં સત્ય અંગે મુખ્ય પાંચ સિદ્ધાંતો છે :

(1) અનુરૂપતાવાદ : જો કોઈ વાક્ય જગતનાં તથ્યો સાથે મેળ ખાય તો અને તો જ તે વાક્ય ‘સત્ય’ ગણાય છે.

(2) વિધેયસિદ્ધિવાદ : સાદા વાક્યના વિધેય(predicate)માં જે કહેવાયું હોય તે, તે વાક્યથી નિર્દેશાયેલી વ્યક્તિને લાગુ પડે, તો અને તો જ, તે વાક્ય સત્ય ગણાય.

(3) સુસંગતતાવાદ : વાક્ય બીજાં વાક્યોના સેટ સાથે સુસંગત હોય, તો અને તો જ, સત્ય હોય.

(4) વ્યવહારવાદ : વાક્ય વ્યાવહારિક સફળતામાં ઉપયોગી હોય તો અને તો જ સત્ય હોય છે. સત્ય = ઉપયોગિતા.

(5) સત્યાસત્યવિલયવાદ : ઉપરના ચાર સિદ્ધાંતમાં સત્યને વાક્યનો ગુણ માનવામાં આવે છે અને સત્યનું સ્વરૂપ નિશ્ચિત કરી શકાય છે તેમ માનવામાં આવે છે. આ સિદ્ધાંત પ્રમાણે ‘સત્ય’, ‘અસત્ય’ – એ શબ્દો ખરેખર તો વધારાના છે. તે કશું નવું કહેતા નથી. સત્ય કોઈ ગુણધર્મ નથી. તેનું કોઈ સ્વરૂપ જ નથી.

ઉપર પાંચ સિદ્ધાંતોની ટૂંકી રજૂઆત કરી છે; પણ તે પહેલાં બે સિદ્ધાંતોને સમજવાને માટે જે કેટલીક બાબતોને જાણવી જરૂરી છે તેનો વિચાર અહીં પ્રસ્તુત છે.

ઉપર દર્શાવેલા પાંચ સિદ્ધાંતોમાંથી પણ સત્ય અંગેનો કયો સિદ્ધાંત સત્ય છે તેનો નિર્ણય કરવાની અચૂક રીતે સફળ એવી કોઈ પદ્ધતિ નથી.

શું સત્ય છે ? (What is true ?) એ તત્વજ્ઞાનનો પ્રશ્ન નથી પણ સત્ય શું છે ? (‘What is truth ?’) એ તત્વજ્ઞાનનો પ્રશ્ન છે; દા. ત., ગણિત અને તર્કશાસ્ત્રનાં સત્યોનું સ્વરૂપ શા માટે અવલોકનાશ્રિત (empirical) સત્યોના સ્વરૂપ કરતાં જુદું પડે છે તે તત્વજ્ઞાનનો પ્રશ્ન છે.

() સત્યના ધારકો (truth-bearers) : વિચારો, માન્યતાઓ, કથનો, વાક્યો, વિધાનો વગેરેને સત્ય કે અસત્ય ગણી શકાય છે માટે તેમને ‘સત્યધારકો’ કહેવાય છે. જેને સત્ય કે અસત્ય ગણી શકાય તે સત્યધારક (એટલે ખરેખર તો સત્યધારકને બદલે સત્યાસત્યધારક એમ કહેવું જોઈએ.). રસેલ અને ટાર્સ્કી વાક્યોને તો રેમસે વિધાનને સત્યધારક ગણે છે. ‘Grass is green’ અને ‘ઘાસ લીલું છે’ – એ બે વાક્યો તો જુદાં છે, પણ તેમાં રજૂ થયેલું વિધાન તો એક જ છે; તેથી વાક્યને નહિ, પણ વિધાનને જ સત્યધારક ગણવું તેવું સૂચવાયું છે, પરંતુ આ અંગે ઘણો વિવાદ હોવાથી, અહીં વાક્ય અને વિધાનને એક ગણીને જ રજૂઆત કરવામાં આવી છે.

સત્યધારકો મૂળભૂત (primary) અને ફલિત (derived) – એમ બે પ્રકારના હોય છે. સાદાં (અસંયોજિત, અસંયુક્ત) વાક્યો મૂળભૂત સત્યધારકો છે, કારણ કે કોઈ બીજા સત્યધારકોમાંથી તેમનું સત્ય મૂલ્ય તારવવામાં આવ્યું હોતું નથી. જટિલ કે સંયુક્ત વિધાનોનું સત્ય મૂલ્ય વિધાનાત્મક તર્કશાસ્ત્રમાં સાદાં વિધાનોના મૂલ્યથી નિર્ધારિત થાય છે. તેથી તેવાં વિધાનોને ‘ફલિત સત્યધારકો’ કહે છે. સાદાં વિધાનોનું સત્યમૂલ્ય બીજાં કોઈ વિધાનો ઉપર આધારિત હોતું નથી; દા. ત., ‘મુંબઈ મોટું શહેર છે અને કોલકાતા મોટું શહેર છે’ – એ સંયુક્ત વિધાન ફલિત સત્યધારક છે, કારણ કે તેનું સત્ય મૂલ્ય તેમાં ઘટકરૂપ સાદાં વાક્યોના સત્યમૂલ્ય ઉપર આધારિત છે.

કેટલાક ચિંતકો તો સાદા વાક્યનું વધુ વિશ્લેષણ વિધેયાત્મક તર્કશાસ્ત્ર મુજબ કરે છે અને આવાં વાક્યોમાં નામ દ્વારા જે વસ્તુનો નિર્દેશ (reference) થાય છે તે વસ્તુ વિશે વાક્યોની વિધેય-સિદ્ધિ (satisfaction) થાય ત્યારે જ વાક્યો સત્ય બને છે તેમ કહેવાયું છે. સત્ય એટલે મૂળભૂત સત્યતાવાહકો – સત્યતાના ધારકોનો વસ્તુનિર્દેશ અને વિધેયસિદ્ધિ દ્વારા સ્થપાતો સંબંધ.

() સત્યનિર્ધારકો (truth-makers) : કોઈ પણ વિધાન જેને લીધે સત્ય બને છે, એટલે કે વાક્યને જે સત્ય બનાવનારી વસ્તુ છે તેને ‘સત્યનિર્ધારક’ કહેવાય છે. ઘાસ લીલું છે એ તથ્ય ‘ઘાસ લીલું છે’ એ વાક્યને સત્ય બનાવે છે અને બરફ સફેદ હોવાને લીધે ‘બરફ સફેદ છે’ તે વાક્ય સત્ય બને છે. સાદાં વાક્યો અને સંયુક્ત વાક્યોમાં સત્યનિર્ધારકો જુદા હોય છે.

પ્રશ્ન એ છે કે નૈતિક સત્યો, તાર્કિક સત્યો, ગાણિતિક સત્યો વગેરેના સત્યનિર્ધારકો કોને ગણવા ? બીજું, ‘ચોરસ એ વર્તુળ નથી’ – એ વિધાન નિષેધક છે તો તે શાને લીધે સત્ય બને છે ? શું આવાં નિષેધક વિધાનો એટલા માટે સત્ય છે કે તેને અસત્ય બનાવનારી વસ્તુઓ હોતી નથી ? અનુરૂપતાવાદીઓ તથ્યોને જ સત્યનિર્ધારકો ગણે છે. વાક્ય દ્વારા નિર્દેશાતી વસ્તુને કેટલાક સત્યનિર્ધારક ગણે છે.

() સત્યમૂલ્યો (truth-values) : દ્વિમૂલ્યાત્મક (bivalent) તર્કશાસ્ત્રમાં એમ સ્વીકારાયું છે કે દરેક વિધાનને સત્ય અથવા અસત્ય – એ બેમાંથી નિશ્ચિત રીતે કોઈ એક સત્યમૂલ્ય તો હોય જ છે. જો વિધાન સત્ય હોય તો તેનું સત્યમૂલ્ય T છે; જો વિધાન અસત્ય હોય તો તેનું સત્યમૂલ્ય F છે. આ અંગે તર્કશાસ્ત્રના બે નિયમો છે : (1) દરેક વિધાન કાં તો સત્ય છે અથવા તો અસત્ય છે. (વર્જિત-મધ્યનો નિયમ); (2) કોઈ પણ વિધાન સત્ય અને અસત્ય એમ બંને ન હોઈ શકે. [અ-વિરોધ(non-contradiction)નો નિયમ].

વિધાનલક્ષી તર્કશાસ્ત્ર પ્રમાણે સત્યતાફલનલક્ષી (truth-functional) કારકોના ઉપયોગથી બનેલાં તમામ સંયુક્ત વિધાનોનું સત્યમૂલ્ય તેનાં અંગભૂત સાદાં વિધાનોનાં સત્યમૂલ્યથી પૂરી રીતે નિર્ધારિત થાય છે; દા. ત.,

(1) નિષેધવાક્ય, ‘એવું નથી કે, P, એ ત્યારે જ સત્ય હોય કે જ્યારે P અસત્ય હોય’;

(2) સમુચ્ચયવાક્ય, ‘P અને Q’ ત્યારે જ સત્ય હોય કે જ્યારે, P સત્ય હોય અને Q સત્ય હોય;

(3) વિકલ્પનવાક્ય, ‘P અથવા Q’ ત્યારે જ સત્ય હોય કે જ્યારે P સત્ય હોય અથવા Q સત્ય હોય.

અહીં સાદાં વાક્યો P, Q, વગેરે છે. ‘અને’, ‘અથવા’, ‘એવું નથી કે……’ વગેરે સત્યતાફલનલક્ષી તાર્કિક સંયોજકો છે.

() વિધાનો અને દલીલો : વિધાનો અને માત્ર વિધાનો જ સત્ય અથવા અસત્ય હોય છે. દલીલો (અનુમાનો) અને માત્ર દલીલો જ પ્રમાણભૂત (valid) અથવા અપ્રમાણભૂત (invalid) હોય છે.

તેથી જ દલીલોનાં પ્રામાણ્ય(validity)નો વિચાર તેમાં આવતાં વિધાનોનાં સત્ય/અસત્યના વિચાર કરતાં જુદો પડે છે. કોઈ પણ દલીલનાં આધારવિધાનો જો સત્ય હોય તો તેનું ફલિતવિધાન અસત્ય ન જ હોઈ શકે. તેવું તર્કશાસ્ત્ર દર્શાવે છે. તર્કશાસ્ત્ર તો વિધાનોનાં સત્ય/અસત્યની તપાસ કરતું જ નથી. આપેલા કોઈ પણ વિધાનમાંથી તાર્કિક રીતે શું ફલિત થાય છે તે જ તર્કશાસ્ત્રમાં મહત્વનું છે; દા.ત., ‘બધા જ્ઞાની લોકો હિંસક છે’ તે વિધાનમાંથી ‘કોઈ જ્ઞાની લોકો અહિંસક નથી’ તે વિધાન વાજબી રીતે તાર્કિક નિયમો પ્રમાણે ફલિત થાય છે. ખરેખર બધા જ્ઞાની લોકો હિંસક છે કે કેમ તે ‘લૉજિક’નો પ્રશ્ન જ નથી.

તર્કશાસ્ત્ર રૂપલક્ષી (formal) વિજ્ઞાન છે. તેને વિધાનો અને દલીલોનાં રૂપો (forms) સાથે જ સંબંધ છે. દલીલોમાં આવતાં વિધાનોની સામગ્રી કે વિષયસંભાર (content) સાથે તર્કશાસ્ત્રને સંબંધ નથી. દલીલોનાં પ્રમાણભૂત રૂપો(valid forms)માં રજૂ થયેલી કોઈ પણ દલીલ પ્રમાણભૂત જ હોય છે.

આમ, દલીલોનો રૂપલક્ષી પ્રામાણ્યનો પ્રશ્ન વિધાનોના વાસ્તવિક સત્ય/અસત્યના પ્રશ્નથી તદ્દન જુદો છે તે સમજવું અત્યંત જરૂરી છે.

1. સત્ય અંગેનો અનુરૂપતાવાદી સિદ્ધાંત (the correspondence theory of truth) : સત્ય અંગેના આ સિદ્ધાંતોનું મૂળ પ્લૅટો અને ઍરિસ્ટૉટલમાં છે. સત્ય અને અસત્ય અંગે ઍરિસ્ટૉટલ છે. સત્ય અને અસત્ય અંગે ઍરિસ્ટૉટલનું કથન આ પ્રમાણે છે :

જે છે તેને વિશે એમ કહેવું કે તે નથી અથવા તો જે નથી તેને વિશે એમ કહેવું કે તે છે, તે અસત્ય છે; પરંતુ જે છે તેને વિશે તે છે એમ કહેવું અને જે નથી તેને વિશે એમ કહેવું કે તે નથી, એ સત્ય છે.

આ જ પ્રકારની રજૂઆત પ્લૅટોએ પણ કરી છે.

મધ્યકાલીન પાશ્ચાત્ય ચિંતનમાં સંત થૉમસ ઍક્વિનેસે સ્પષ્ટ કર્યું હતું કે બાહ્ય વાસ્તવ સાથે જ્યારે વિધાન મેળ ખાય ત્યારે જ તે સત્ય છે.

આ સિદ્ધાંતનો ઉલ્લેખ ડેકાર્ટ, સ્પિનોઝા, લાયબ્નિઝ, હ્યૂમ અને કાન્ટમાં પણ કરવામાં આવ્યો છે. વીસમી સદીમાં રસેલ, વિટ્ગેન્સ્ટાઇન, મૂર, ઑસ્ટિન, આર્મસ્ટ્રૉંગ વગેરે ચિંતકોએ અનુરૂપતાવાદ સ્વીકાર્યો છે.

આ સિદ્ધાંતનાં બે સ્વરૂપો છે : (1) વસ્તુવિષયક અને (2) તથ્યવિષયક.

વસ્તુવિષયક અનુરૂપતાવાદ પ્રમાણે કોઈ સાદા વિધાનનું વિધેય જો વિધાન દ્વારા નિર્દેશિત વસ્તુ(object)ને લાગુ પડે તો અને તો જ તે વિધાન સત્ય ગણાય. અહીં વસ્તુનિર્દેશ (reference) અને વિધેયસિદ્ધિ (satisfaction)  એ બે જાતના સંબંધો વાક્યો અને વાસ્તવ વચ્ચે સમજવામાં આવ્યા છે. આ સિદ્ધાંત તેના નવા સ્વરૂપે આલ્ફ્રેડ ટાર્સ્કીએ આપ્યો છે.

વીસમી સદીના મૂર, રસેલ, વિટ્ગેન્સ્ટાઇન વગેરે ચિંતકોએ વસ્તુવિષયક નહિ પણ તથ્યવિષયક અનુરૂપતાવાદ સ્વીકાર્યો છે. તથ્યો (facts) મુજબનાં વાક્યો હોય તો તે સત્ય; તથ્યો મુજબનાં વાક્યો ન હોય તો તે અસત્ય.

તથ્યો શું છે ? દૃષ્ટાંતો : બરફ સફેદ છે ‘તેમ છે’, ઘાસ લીલું છે ‘તેમ છે’ વગેરે તથ્યો છે. અંગ્રેજીમાં ‘that clause’ પ્રયોજીને…. ‘that snow is white’  એવો પ્રયોગ થાય છે. બીજી રીતે જો મૂકવામાં આવે તો, બરફનું સફેદ હોવાપણું (snow’s being white) – એ તથ્ય કહેવાય. તથ્યોને કેટલાક ‘વસ્તુસ્થિતિ’ (state of affairs) કહે છે. કોઈ વિશેષો (particulars) માટે તેના ગુણધર્મો કે સંબંધો રજૂ કરવામાં આવે ત્યારે તથ્ય બને છે. ગુણધર્મો અને સંબંધો એ સામાન્ય તત્વો (universals) છે, જે વિશેષોને લાગુ પડે છે.

નીચેનાં બે વાક્યોમાં તેના ત્રણ ઘટકો સરખા છે પણ તેમ છતાં વાક્ય નંબર 1 અને વાક્ય નંબર 2 જુદી જુદી હકીકતો (તથ્યો) રજૂ કરે છે :

1. સુરેશે મૂકેશને માફી આપી.

2. મૂકેશે સુરેશને માફી આપી.

અહીં વાક્યોના ઘટકો એના એ જ છે પણ તથ્યો જુદાં જુદાં છે. વાંદરો વૃક્ષ ઉપર બેઠો છે તે તથ્ય વાંદરાને કે વૃક્ષને કે બંનેને જુદા જુદા સ્થાને જોવા કરતાં જુદું જ તથ્ય છે.

અનુરૂપતાવાદીઓ દ્વિ-મૂલ્યાત્મક તર્કશાસ્ત્ર અને વાસ્તવવાદી તત્વમીમાંસા સ્વીકારે છે. તથ્યો જ્ઞાતાના મનથી, તેની ભાષાથી સ્વતંત્ર રીતે જગતમાં અસ્તિત્વમાં છે તેવો મત એ વાસ્તવવાદ છે.

આ સિદ્ધાંત સામે બે પ્રકારની મુશ્કેલીઓ રજૂ કરવામાં આવી છે : એક પ્રશ્ન, અનુરૂપતાના સંબંધનું સ્વરૂપ સ્પષ્ટ કરવાનો છે અને બીજો પ્રશ્ન, તથ્યો કેટલા પ્રકારનાં છે તે અંગેનો છે. તેમાંથી કેટલીક આપત્તિઓ અહીં રજૂ કરી છે :

(1) અનુરૂપતા એટલે શું ? વાક્યો અને તથ્યો એ બે તદ્દન જુદી બાબતો છે, તેથી બંને વચ્ચે સામ્ય કઈ રીતે ઘટે ? વાક્યની રચના અને તથ્યોની રચના વચ્ચે સામ્ય છે તેમ કહેવાથી પ્રશ્ન ઉકેલાતો નથી.

(2) તર્કશાસ્ત્ર, ગણિત, નીતિશાસ્ત્ર વગેરેનાં સત્ય વિધાનોને અનુરૂપ તથ્યો કયાં હોઈ શકે ? અવલોકનાશ્રિત (empirical) તથ્યો અને ગાણિતિક/તાર્કિક સત્યોને લગતાં તથ્યોને શા માટે સત્યથી જુદાં માનવા પડે ? ‘નૈતિક તથ્ય’ શું છે ?

(3) ‘બધા મનુષ્યો મરણશીલ છે’ – એ સર્વદેશીય વાક્ય મુજબનું તથ્ય કયું ? શું ‘બધા મનુષ્યો’ નામની કોઈ હકીકત (fact) છે ?

(4) સાદાં વિધાનોથી સંયોજાતાં સંયુક્ત / જટિલ સંયુક્ત વિધાનોને અનુરૂપ તથ્યો કયાં કયાં હોય ? દા. ત., ઘાસ લીલું નથી અથવા ઘાસ લીલું છે’ – એ જટિલ સંયુક્ત વિધાન સત્ય છે પણ તેને અનુરૂપ હકીકતો કઈ કઈ ગણવી ? પ્રશ્ન એ છે કે સત્યના કયા ધારકોને તથ્યાનુરૂપતા લાગુ પડે છે ? આના ઉત્તરમાં રસેલ વગેરે તાર્કિક અણુવાદીઓ (logical atomists) કહે છે કે કેવળ સાદાં (અસંયોજિત) પરમાણુરૂપ વિધાનો મુજબનાં જ તથ્યો માનવાં જોઈએ.

(5) ‘સફેદ કાગડાઓ હોતા નથી’  આવાં નિષેધક વાક્યોને અનુરૂપ તથ્યો કોને ગણવાં તે પણ પ્રશ્ન છે.

2. સત્ય અંગેનો અર્થવિચારાત્મક સિદ્ધાંત (વિધેયસિદ્ધિવાદ) (the semantic theory of truth) : 1939 પછી અમેરિકામાં સ્થાયી થયેલા પોલૅન્ડના ગણિતશાસ્ત્રી અને તર્કશાસ્ત્રી આલ્ફ્રેડ ટાર્સ્કી(1901-1983)એ વાક્યાર્થવિચાર(semantic)ને આધારે તેમની સત્યવિષયક વિચારણા રજૂ કરી છે. અનુરૂપતાવાદનું હાર્દ જળવાઈ રહે અને છતાં તે સિદ્ધાંતમાં નડતી આપત્તિઓ ન નડે તેવી રીતે રૂપલક્ષી તર્કશાસ્ત્રની મદદથી ટાર્સ્કીએ તેમનો સિદ્ધાંત રજૂ કર્યો છે.

ટાર્સ્કી કહે છે કે વાક્ય-પ્રયોગો અને તેનાથી નિર્દેશાતી વસ્તુઓ વચ્ચેના સંબંધનો વિચાર એટલે ‘સિમેન્ટિક્સ’. ટાર્સ્કી પ્રમાણે ‘સત્ય’ કે ‘અસત્ય’ એ વિધેયો (predicates) છે. તે કેવળ વાક્યોને જ લાગુ પડે અને તે પણ માત્ર નિવેદનાત્મક કે કથનાત્મક વાક્યોને જ લાગુ પડે છે, પ્રશ્ર્નાર્થક કે આજ્ઞાર્થક કે અન્ય પ્રકારનાં વાક્યોને નહિ.

ટાર્સ્કીના મત પ્રમાણે સાદાં પરમાણુરૂપ (atomic) વાક્યો સત્ય છે કે કેમ તેનો આધાર તે વાક્ય જેનો નિર્દેશ કરે છે તે વસ્તુમાં તે વાક્યના વિધેયથી સૂચિત ગુણ છે કે નહિ તેના ઉપર છે. આમ વસ્તુનિર્દેશ (reference) અને વિધેયતુદૃષ્ટિ કે વિધેયસિદ્ધિ (satisfaction) એ બે વિચારો સત્ય-વિષયક વિચાર માટે ખૂબ જ મહત્વના છે. વિધાનમાં નિર્દેશિત વસ્તુને તે વિધાનનો વિધેય લાગુ પડે તો વિધાન સત્ય છે અને જો વિધેય લાગુ ન પડે તો તે વિધાન અસત્ય; દા.ત., ‘….. તત્વચિંતક છે’, તે વિધેય ‘પ્લેટો’ને લાગુ પડે છે માટે ‘પ્લેટો તત્વચિંતક છે’ તે વિધાન સત્ય છે પણ ‘….. જૈન સાધુ હતા’ એ વિધેય ‘સ્વામી વિવેકાનંદ’ને લાગુ પડતું નથી, માટે ‘સ્વામી વિવેકાનંદ જૈન સાધુ હતા’ – એ વિધાન અસત્ય છે. આમ વિધેયસિદ્ધિ એ ટાર્સ્કી માટે ખૂબ મહત્વનો વિચાર છે. જોકે રૂપલક્ષી (formal) હોવાથી તર્કશાસ્ત્ર પોતે કયાં વાક્યો સાચાં અને કયાં વાક્યો ખોટાં તે અંગેનો કોઈ નિશ્ચય કરતું નથી. તર્કશાસ્ત્ર માત્ર વિધેયસિદ્ધિ ક્યારે થાય તેની શરતો જ રજૂ કરે છે.

વિધેયલક્ષી તર્કશાસ્ત્રની ભાષામાં ટાર્સ્કીના વિચારની રજૂઆત આ રીતે થાય છે – જો ‘a’ નામ છે અને ‘Q’ એ વિધેય છે. તો ‘a Q છે’ એ વાક્ય સત્ય ત્યારે જ બને કે જ્યારે કોઈ X વસ્તુનો ‘a’ દ્વારા નિર્દેશ થતો હોય અને તે વસ્તુને વિશે વિધેય ‘Q’ સિદ્ધ થતું હોય. વિધેય ‘Q’ વસ્તુ X માટે સિદ્ધ થવું જોઈએ. જો ‘પ્લેટો’ એ નામ છે અને ‘…… ચિંતક છે’ એ વિધેય છે તો ‘પ્લેટો ચિંતક છે’ એ વાક્ય ત્યારે જ સત્ય હોય કે જ્યારે ‘…… ચિંતક છે’ એ વિધેય ‘પ્લેટો’ દ્વારા સૂચવાતી વ્યક્તિને વિશે લાગુ પાડે.

ટાર્સ્કીએ તો તર્કશાસ્ત્ર અને ગણિતમાં પ્રયોજાતી રૂપલક્ષી ભાષા વિશે જ તેમનો સિદ્ધાંત રજૂ કર્યો છે; તેમ છતાં તેમણે પોતે જ સામાન્ય ભાષાનું દૃષ્ટાંત લઈને એ સિદ્ધાંત સમજાવ્યો છે. ‘અર્થ’ (meaning), ‘નિર્દેશ’ (reference) અને ‘સત્ય’ એ semantic વિભાવનાઓ છે.

ટાર્સ્કીના મત મુજબ ‘બરફ સફેદ છે’ એ વાક્ય જે પરિસ્થિતિમાં સત્ય છે તેને [T (Tarski) વાક્યમાં] નીચે મુજબ રજૂ કરી શકાય છે : (T) ‘બરફ સફેદ છે’ એ વાક્ય સત્ય છે, તો અને તો જ કે જો, બરફ સફેદ હોય. આ દ્વિ-શરતી (bi-conditional) વિધાન છે.

અહીં (T)માં ડાબી બાજુ એક વાક્યને અવતરણચિહ્નમાં મૂક્યું છે અને એ જ વાક્યને (T)માં જમણી બાજુ અવતરણચિહ્ન વગર મૂક્યું છે. ટાર્સ્કી પ્રમાણે અવતરણચિહ્નમાં મૂકેલું વાક્ય એ અવતરણચિહ્ન વગર મૂકેલા તે જ વાક્યનું નામ (name) છે, કારણ કે સત્ય એ વિધેય નામને જ લાગુ પડે છે, સીધેસીધું વાક્યને નહિ. ટાર્સ્કી મુજબ જેની સત્યતા વિશે વાત કરવાની છે તે વાક્ય વસ્તુભાષા(object-language)નું છે અને તે અવતરણચિહ્નોમાં મૂક્યું છે, પછી તે વાક્ય સત્ય છે એમ જે કહ્યું છે તે વસ્તુભાષાને વિશે વાત કરતી વસ્તુભાષાવિષયક ભાષા(metalanguage)માં મૂક્યું છે. એટલે ‘સત્ય’, ‘અસત્ય’ એ શબ્દો મૂળ તો વાક્યને વિશે વાત કરતી ‘મેટાલૅંગ્વેજ’માં જ આવે છે.

ટાર્સ્કીએ આ અંગે નીચેનું T સૂત્ર રજૂ કર્યું છે.

(T) X is true, if and only if, P.

કોઈ પણ યાદૃચ્છિક વાક્ય લો. તેને માટે ‘P’ લખો. હવે આ ‘p’ વાક્યનું નામ ‘X’ એમ લખો. એટલે ‘X સત્ય છે’ અને ‘P’ એ બંને સમમૂલ્ય થાય, જે સમમૂલ્યતા ઉપરના સૂત્રમાં રજૂ થઈ છે. ટૂંકમાં, Pને સ્થાને વાક્ય મૂકો અને Xને સ્થાને તે વાક્યને ઉદ્ધૃત (quote) કરો.

3. સત્ય અંગેનો સુસંગતતાવાદી સિદ્ધાંત (the coherence theory of truth) : અહીં જે પહેલા બે સિદ્ધાંતો રજૂ થયા તે બંનેમાં સત્ય એ વાક્યો અને વાક્યબાહ્ય એવા જગતના સંબંધમાં રહેલું છે તેવું માનવામાં આવ્યું છે; પરંતુ સુસંગતતાવાદ પ્રમાણે સત્ય એ વાક્યો અને જગતના સંબંધમાં નહિ પણ વાક્યો વચ્ચેના પરસ્પરના સંબંધમાં રહેલું છે. આ સિદ્ધાંતનું કથન નીચે મુજબ છે :

P એ વિધાન ત્યારે જ સત્ય છે કે જ્યારે તે કોઈ સુસંગત વિધાનોના સેટનો ભાગ બની શકે. કોઈ વ્યક્તિ જે વિધાનોના સેટને માનતી હોય તે વિધાનોના સેટ સાથે તેનું પોતાનું વિધાન સુસંગત હોવું જોઈએ.

કેટલાક કહે છે કે ખરેખર આ સિદ્ધાંત તો સમર્થિત માન્યતા (justified belief) અંગેનો છે, સત્ય માન્યતાઓ અંગેનો નથી. તમારી માન્યતાઓ તો અને તો જ સમર્થિત / પ્રમાણિત વાજબી છે, જો તે સુસંગત માન્યતાના સેટનો એક ભાગ હોય અને તેની સાથે તે વિસંગત ન હોય. કેટલાકે એમ સૂચવ્યું છે કે તમારી માન્યતા કોઈ વિધાનોના સેટ સાથે ત્યારે જ સુસંગત ગણાય જો તે તેમાંથી ફલિત થતી હોય.

હવે પ્રશ્ન અહીં એ છે કોનાં વિધાનોના સેટ સાથે કોઈ વ્યક્તિની માન્યતા સુસંગત હોવી જોઈએ ? તેના ઉત્તરમાં કેટલાક કહે છે કે અત્યારે લોકો ખરેખર વિશાળમાં વિશાળ વિધાનોના જે સુસંગત સેટમાં માનતા હોય તેની સાથે તમારી માન્યતા બંધબેસતી થવી જોઈએ. કેટલાક વળી એમ સૂચવે છે કે મર્યાદિત જ્ઞાનશક્તિ મનુષ્યો ધરાવે છે તે સ્વીકારી લઈને  પણ સંશોધનના અંતે જે વિધાનોનો જે સેટ મળે તેની સાથે તમારી માન્યતાનો મેળ બેસવો જોઈએ. કેટલાકના મત પ્રમાણે સર્વજ્ઞ ઈશ્વર જે વિધાનોનો સંપૂર્ણ સેટ માને છે તેની સાથે તમારી માન્યતા સુસંગત હોવી જ જોઈએ. પ્રશ્ન એ છે કે આવી કોઈ સર્વજ્ઞ વ્યક્તિ છે કે કેમ અને ખરેખર તેવી કોઈ વ્યક્તિ હોય તોપણ તેણે વિધાનોનો કયો સંપૂર્ણ સેટ સ્વીકાર્યો છે તે કેવી રીતે જાણવું ? આ ઉપરાંત સામાન્ય મુશ્કેલી એ છે કે કોની, કયા જૂથની માન્યતાઓનો સેટ સ્વીકાર્ય છે ? લોકો તો ગમે તે માન્યતાઓનો સેટ સ્વીકારતા હોય છે અને બધા પાસે વિજ્ઞાનીઓ કે બૌદ્ધિકો જેવો સુસંગત વિધાનોનો સેટ હોય તેવું શક્ય નથી. મોટાભાગના લોકોની માન્યતા આપણી માન્યતા સાથે મેળ ખાય તોપણ પ્રશ્ન તો એ જ રહે છે કે મોટાભાગના લોકો જે માને છે તે સત્ય છે કે કેમ ?

સુસંગતતાવાદીઓ સત્ય અંગેનો વાસ્તવવાદી (realist) મત સ્વીકારતા નથી. અનુરૂપતાવાદી વાસ્તવવાદીઓ દ્વિ-મૂલ્યાત્મક તર્કશાસ્ત્ર સ્વીકારે છે અને એમ પણ સ્વીકારે છે કે કોઈ વિધાન સત્ય તરીકે આપણે જાણી શકતા ન હોઈએ તોપણ તે સત્ય હોઈ શકે છે. સુસંગતતાવાદીઓ પ્રમાણે કોઈ વિધાન કે તેનું વિરોધી વિધાન બેમાંથી કોઈ વિધાન નિર્ધારિત સેટ સાથે સંગતિ ધરાવતું ન હોય તેવું બને. તેથી દ્વિ-મૂલ્યાત્મકતા સ્વીકાર્ય નથી અને સત્ય સુસંગત હોવાથી અને સુસંગત વિધાનોનો સેટ અજ્ઞાત ન હોવાથી, સત્ય અજ્ઞાત હોઈ શકે છે તેમ માનવાને કારણ નથી. આમ વાસ્તવવાદ-વિરોધીઓ (anti-realists) દ્વિ-મૂલ્યાત્મકતા (bivalence) અને અજ્ઞાત સત્ય  એ બંનેનો અસ્વીકાર કરે છે.

મુખ્યત્વે નિરપેક્ષ ચૈતન્યવાદીઓ (absolute idealists) સત્ય વિશેનો અનુરૂપતાવાદ સ્વીકારતા નથી. તેને સ્થાને તેઓ સુસંગતતાવાદ સ્વીકારે છે. તેનાં બે કારણો છે : એક તો તેઓ વિધાનો અને વિધાનબાહ્ય તથ્યોનો નિરપેક્ષ ભેદ સ્વીકારતા નથી, કારણ કે નિરપેક્ષ પરમતત્વની બહાર કશું જ નથી. બીજું તેઓ સત્યને એક જ, સંપૂર્ણ સમદૃષ્ટિરૂપ સત્ય ‘whole complete truth’ માને છે. નિરપેક્ષવાદીઓ જેવા કે હેગલ, બ્રેડલી, જોઅખિમ, બ્લેનશેર્ડ વગેરે સત્યની જુદી જુદી માત્રાઓ(degrees of truth)માં માને છે, કારણ કે તમામ વિધાનો માત્ર આંશિક રૂપે જ સત્ય હોય છે. નિરપેક્ષ તત્વ પોતે જ એક સુસંગત વિચારતંત્ર કે અનુભવતંત્ર હોવાથી જે અનુભવો કે વિધાનો તેના વાજબી અંશ બની શકે તે જ વિધાનો તેટલા પ્રમાણમાં જ સત્ય બની શકે. કોઈ પણ વિધાનને તેની સામગ્રી (content) સમગ્રના ભાગ રૂપે જ પ્રાપ્ત થાય છે. અહીં જુદાં જુદાં અનેક સુસંગત તંત્રોની વાત નથી, એક જ અખંડ સંપૂર્ણ સમદૃષ્ટિરૂપ પરમતત્વના તંત્ર(system)ની વાત છે.

શા માટે નિરપેક્ષ ચૈતન્યતત્વને સ્વીકારવું તે પ્રશ્ન છે. શા માટે તે એક સુસંગત સમદૃષ્ટિ છે ? શા માટે કોઈ પણ વિધાન તે સમદૃષ્ટિનો ભાગ બને તો જ આંશિક રીતે સત્ય બને ?

કેટલાક સત્યવિષયક તેમજ જ્ઞાનવિષયક સુસંગતતાવાદી છે, પણ કોઈ પણ રીતે કેવળ સુસંગતતા સત્યને માટે પર્યાપ્ત જણાતી નથી.

4. સત્ય અંગેનો વ્યવહારવાદી સિદ્ધાંત (the pragmatic theory of truth) : અમેરિકન ચિંતકો પિયર્સ, જેમ્સ, ડ્યૂઈ અને રિચર્ડ ચેર્ટી આ સિદ્ધાંતના પક્ષકાર છે. પિયર્સ મુજબ લાંબી તપાસ અને શોધખોળને અંતે જે માન્યતા સ્થિર થાય તે સત્ય. તેવી માન્યતા અંગે સર્વસંમતિ સધાય છે. જેમ્સ મુજબ જેને માનવાનું ઉપયોગી છે, જેને માનવું સંતોષકારક છે, સારું છે, તે સત્ય. પિયર્સ મુજબ વૈજ્ઞાનિક તપાસને અંતિમ સીમાએ જે આદર્શ રૂપે પ્રાપ્ત થાય તે સત્ય છે.

પિયર્સના વ્યવહારવાદી ધોરણને આ રીતે મૂકી શકાય :

સંશોધનની આદર્શ અંતિમ સીમા ઉપર જો કોઈ વિધાન P વિશે સર્વસંમતિ સધાય તો P સત્ય છે.

જેમ્સના વ્યવહારવાદી ધોરણને આ રીતે મૂકી શકાય :

કોઈ પણ વિધાન P ત્યારે જ સાચું હોય કે જ્યારે તેને માનવાનું ઉપયોગી થતું હોય. એટલે કે Pમાં માનવાથી વ્યવહારમાં સફળતા મળે છે. Pમાં માનવાનું કામ આવે છે. Pમાં માનવું તે સારું છે.

ખાસ તો પિયર્સ જેવા ચિંતકોનો વ્યવહારવાદ સંપૂર્ણ રીતે અનુરૂપતાવાદને કે સુસંગતતાવાદને અસ્વીકારે છે તેવું નથી અને જેમ્સ પણ સત્ય વિશે ચકાસણીક્ષમતા(verifiability)નું ધોરણ પણ સ્વીકારે છે.

જેમ્સના મતે કોઈ વિચાર કઈ રીતે આપણા જીવનનાં લક્ષ્યોને માટે સાધનરૂપે ઉપયોગી છે તે વિચારવું મહત્વનું છે. જે માન્યતા આપણને સહુને માટે લાંબા ગાળે ઉપયોગી નીવડે છે તે સત્ય છે.

વ્યક્તિને વાતાવરણ સાથે જૈવીય સમાયોજન (adjustment) કે સામાજિક સમાયોજન સાધવામાં જે માર્ગદર્શક બને છે, તે સત્ય છે. માટે જ તે સ્વીકાર્ય બને છે. ધાર્મિક માન્યતાઓ લાંબા ગાળા સુધી લોકોને કામ આવી ઉપયોગી નીવડી છે, તેમને સલામતીનો અનુભવ તેમણે કરાવ્યો છે, તેથી તેમને સંતોષકારક માનવી જોઈએ. તેના વ્યવહાર નિરપેક્ષ શુદ્ધ સત્યનો પ્રશ્ન અપ્રસ્તુત છે. જોકે જેમ્સ સાવચેતીપૂર્વક એમ કહે છે કે ખૂબ જ વિશાળ અર્થમાં અને ખૂબ જ વિશાળ અર્થમાં અને ખૂબ જ લાંબા ગાળા સુધી જે ઉપયોગી નીવડે તે સત્ય. સત્ય એટલે ઉપયોગિતા.

અલબત્ત, આ મત વિશે કેટલાક પ્રશ્નો છે : (1) જે ઉપયોગી છે તે સત્ય કે જે સત્ય છે તે ઉપયોગી છે ? સત્ય ઉપયોગી ન પણ હોય. (2) કેટલાંક સત્યો જાણી શકાય તેવાં નથી. કોઈ black holeમાં અત્યારે કઈ પ્રક્રિયા ચાલી રહી છે તે આપણે જાણી શકતા જ નથી, એટલે વૈજ્ઞાનિક સંશોધનના આદર્શ છેલ્લા તબક્કે પણ કેટલુંક જાણવું શક્ય જ નથી. તો તેનો અર્થ શું એવો થાય કે આપણા તાત્કાલિક ઉપયોગમાં ન આવે કે લાંબે ગાળે પણ જે સૃદૃષ્ટિવિજ્ઞાનનાં સત્યો વ્યવહારમાં કદી ઉપયોગી નથી થવાનાં તેમને આપણે સત્ય ન ગણવાં ?

(3) ભૂતપ્રેત/વળગાડની ખોટી માન્યતાઓ વગેરે પણ ખૂબ લાંબા સમય સુધી ઘણા લોકોને પોતાનાં હિતો માટે ખૂબ ઉપયોગી લાગી છે. તેમાંથી ઘણાંએ સંપત્તિ અને સફળતા પણ મેળવી છે; તેથી શું તે માન્યતાઓને સત્ય ગણવી ? ઘણી બાબતો આપણે માટે માનવામાં સારી લાગે છે, સંતોષકારક લાગે છે. તેથી તેને કાંઈ સત્ય ન માની લેવાય. સત્ય હોય તે ઉપયોગી હોય તેમ કહો તો વાંધો નથી પણ જે ઉપયોગી હોય તે જ સત્ય તેમ માની શકાય નહિ. જે સર્વસંમત હોય તે પણ સત્ય ન હોય તેવું બને.

5. સત્યાસત્યવિલયવાદી સિદ્ધાંત (the deflationary theory of truth) : અહીં રજૂ કરેલા પહેલા ચાર સિદ્ધાંતો મુજબ સત્ય એ વિધાનોનો કે વાક્યોનો ગુણધર્મ છે તેમ સમજવામાં આવ્યું છે. સત્યાસત્યવિલયવાદ પ્રમાણે સત્ય એ વિધાનોનો કોઈ ગુણધર્મ જ નથી. આ ઉપરાંત અત્યાર સુધી ચર્ચાયેલા ચારેય સિદ્ધાંતોમાં એમ કહેવાયું છે કે સત્યનું કોઈ સ્વરૂપ છે અને સત્યવિષયક સિદ્ધાંત તે સ્વરૂપને સ્પષ્ટ કરે છે; પરંતુ, સત્યાસત્યવિલયવાદ (સંકોચનવાદ) પ્રમાણે સત્યનું કોઈ નિશ્ચિત સ્વરૂપ છે અને તે સત્યવિષયક સિદ્ધાંતથી ગ્રાહ્ય થાય છે તેવું સ્વીકાર્ય જ નથી. સત્યનું સ્વરૂપ ન તો તથ્યાનુરૂપતામાં રહેલું છે કે ન તો તે સુસંગતતામાં કે વ્યાવહારિક સફળતામાં રહેલું છે. તે ઉપરાંત, સત્યનું સ્વરૂપ વિધેયસિદ્ધિ દ્વારા સમજાય છે તેવો ટાર્સ્કીનો મત પણ સ્વીકાર્ય નથી. સત્યના સ્વરૂપ વિશેના આ ચારેય સિદ્ધાંતો અસ્વીકાર્ય છે, કારણ કે સત્યનું આવું કોઈ સ્વરૂપ જ નથી હોતું.

સત્યાસત્યવિલયવાદી સિદ્ધાંત બે સ્વરૂપે રજૂ થયો છે :

() અનાવદૃશ્યક અધિકકથનવાદ (redundancy theory) : આ મત ફ્રેગે, રેમસે તેમજ હૉરવિખ દ્વારા રજૂ થયો છે. કોઈ વિધાનને માટે ‘તે સત્ય છે’ કે ‘તે અસત્ય છે’ તેમ કોઈ કહે ત્યારે તે વ્યક્તિ તે મૂળ વિધાનમાં કશું નવું ઉમેરતી નથી માટે ‘સત્ય છે’, ‘અસત્ય છે’ તે શબ્દો વધારાના, બિનઆવદૃશ્યક અને જરૂર કરતાં વધારાનું કથન કરતા શબ્દો છે.

દૃષ્ટાંતો :

[A] (1) ‘‘ગોવર્ધનરામ ‘સરસ્વતીચંદ્ર’ના લેખક હતા.’’

(2) ‘‘ગોવર્ધનરામ ‘સરસ્વતીચંદ્ર’ના લેખક હતા તે સત્ય છે.’’

[B] (1) ‘‘ ‘પાટણની પ્રભુતા’ એ નવલકથાના લેખક નિરંજન ભગત નથી.’’

(2) ‘‘ ‘પાટણની પ્રભુતા’ એ નવલકથાના લેખક નિરંજન ભગત છે તે અસત્ય છે.’’

ઉપરની બંને વાક્ય-જોડીઓમાં A1 અને B1માં જે કહેવાયું છે તે પૂરતું જ છે. A1 પછી આવતું A2 વિધાન અને B1 પછી આવતું B2 વિધાન અનાવદૃશ્યક છે. તેની કોઈ જરૂર નથી.

અલબત્ત, ક્યાંક ‘સત્ય’ કે ‘અસત્ય’ શબ્દો જરૂર કામ આવે છે; દા.ત., ‘વેદોમાં જે કહેવાયું છે તે સત્ય છે’ તેમ કોઈ કહે તો વેદોમાં જેટલું કહેવાયું છે તેની લાંબી યાદી કરવાને બદલે તે બધું સત્ય છે તેમ કહીને તેનો વર્ણનાત્મક સંક્ષેપ થઈ શકે છે. ‘સત્ય’ શબ્દ આપણને કોઈ વાત ટૂંકમાં કહેવા માટે કામ લાગે છે; એટલું જ તેનું મહત્વ છે.

એ. જે. એયરના મતે તો સત્ય/અસત્ય એ ખરા અર્થમાં કોઈ વિભાવનાઓ જ નથી. તે તો કથન કરવાની એક શૈલી જ છે.

() વાક્કર્મલક્ષી સિદ્ધાંત (performative theory) : સ્ટ્રૉસને રજૂ કરેલા આ ક્રિયાવાદી મત પ્રમાણે જ્યારે અમુક વાક્ય સત્ય છે તેમ કોઈ કહે ત્યારે ખરેખર તો તે વ્યક્તિ તે વાક્ય વિશે કશું કહેતી નથી. તેથી તે અનાવદૃશ્યક અધિક-કથન પણ કરતી નથી. ખરેખર તો અમુક વાક્ય સત્ય છે તેમ કહેનાર વ્યક્તિ પોતાના ઇરાદાઓ વિશે જ કથન કરે છે. તે વ્યક્તિ એમ કહેવા માગે છે કે પોતે અમુક વાક્ય પ્રત્યે સ્વીકારનું વલણ ધરાવે છે અથવા અનુમોદન આપે છે અને શ્રોતા પણ તેમ કરે.

‘બરફ સફેદ છે’ એમ ‘સત્ય છે’ એમ કોઈ કહે તો તે વ્યક્તિ એમ કહેવા માગે છે કે બરફ સફેદ હોવાનો દાવો પોતે સ્વીકારે છે. ‘I endorse P’, ‘I commend P to you’ વક્તા પોતે વાક્-કર્મ (speech act) કરે છે અને પોતે અમુક વિધાન સ્વીકારે છે અને બીજા પણ તેમ કરે તેવું તે કહેવા માગે છે. સત્યવિષયક વાક્કર્મ કરીને વક્તા શ્રોતાને અમુક વાક્ય સ્વીકારવાની ભલામણ કરે છે. સત્ય શબ્દ પ્રયોજતો વક્તા કશુંક કાર્ય કરે છે તેમ સમજવાનું છે.

ઉપર્યુક્ત બંને સ્વરૂપના સત્યાસત્યવિલયવાદ પ્રમાણે ‘સત્ય’, ‘અસત્ય’ એ શબ્દોના કોઈ ગૂઢ અગમ્ય અર્થો છે તેવું માનવાની જરૂર નથી. કાં તો એ બિનજરૂરી છે અથવા તો વાક્કર્મલક્ષી ક્રિયાત્મક રજૂઆતો છે. વાક્યસંકોચનથી ભાષામાં ફુગાવો થતો અટકી ગયો છે.

સત્ય  વિજ્ઞાન, ઇતિહાસ અને સાહિત્યના સંદર્ભમાં : વેદમાં કહ્યું છે, ‘एकं सत् विप्रा बहुधा वदन्ति ।’ (સત્ય એક છે સુજ્ઞો એને વિવિધ સ્વરૂપે વ્યક્ત કરે છે). જાણ કે એના જ અનુસંધાનમાં ભાગવતના મંગલાચરણના અંતિમ પાદમાં કહ્યું છે, ‘सत्यं परं धीमहि ।’ સત્ય એ પરમ જ્ઞાન છે, જ્ઞાનની ચરમ સીમા છે, જ્ઞાનનું સર્વોચ્ચ શૃંગ છે. વળી આ પાદમાં ‘धीमहि’ પદમાં એકવચન નહિ, બહુવચન પ્રયોજાયું છે. એમાં સત્યની શોધ અને સાધનાનું સામૂહિક સ્વરૂપ છે એવું સૂચન છે. ગાયત્રીમંત્રમાં પણ ‘धीमहि’ બહુવચન પ્રયોજાયું છે.

સત્યને પામવા માટે જ્ઞાનની અનેક શાખાઓ છે. પ્રત્યેક શાખાને એની અનેક પ્રશાખાઓ છે. પ્રત્યેક પ્રશાખાને એની પ્ર-શાખાઓ છે. આધુનિક યુગમાં જ્ઞાનનો એટલો સ્ફોટ થયો છે. આમ છતાં પાંચેક હજાર વર્ષથી જ્ઞાનની ચાર મુખ્ય અને મહત્વની શાખાઓ છે : વિજ્ઞાન, ઇતિહાસ, ફિલસૂફી અને સાહિત્ય. સામાન્યત: સાહિત્યને જ્ઞાનની શાખા તરીકે ઓળખવા-ઓળખાવવામાં આવતું નથી; પણ સાહિત્ય પણ જ્ઞાનની મુખ્ય અને મહત્વની શાખા છે. આ સૌ શાખાઓનું લક્ષ્ય છે જ્ઞાન અથવા સત્ય અને એમનો ઉદ્ભવ છે વિસ્મયમાં, કૌતુકમાં, કુતૂહલમાં, વિશ્વની  વિશ્વક્રમની  વિશ્વરચનાની રહસ્યમયતામાં. આ સૌ શાખાઓમાં એક સામ્ય છે : આ સૌ શાખાઓનું લક્ષ્ય છે જ્ઞાન અથવા સત્ય. અન્યથા પ્રત્યેકને અન્ય સાથે અસામ્ય છે. પ્રત્યેકને એવું વિશિષ્ટ શાસ્ત્ર છે. પ્રત્યેકને એની સુવ્યવસ્થિત શિસ્ત છે. પ્રત્યેકમાં વસ્તુવિષય અને શૈલીસ્વરૂપ એ જાણે કે વિશિષ્ટ એવું એક સુશ્લિષ્ટ, સુગ્રથિત વિશ્વ છે. આ સૌમાં બાહ્યજગત અને / અથવા આંતરજીવનનું જ્ઞાન છે. પ્રત્યેકમાં એ જ્ઞાનને પામવાની વિશિષ્ટ પ્રક્રિયા છે. પ્રત્યેકના વિશિષ્ટ ગુણધર્મ છે. વિજ્ઞાન, ઇતિહાસ અને ફિલસૂફીમાં જે જ્ઞાન છે તે તર્ક અને બુદ્ધિ(logic and reason)ની સરજત છે. સાહિત્યમાં જે જ્ઞાન છે તે કલ્પના અને સંવેદના(logic of imagination, logic of emotion)ની સરજત છે. વિજ્ઞાનમાં અમૂર્તતા (the abstract) અને જાતિમત્વ (the universal) છે. ઇતિહાસમાં મૂર્તતા (the concrete) અને વ્યક્તિમત્વ (the particular) છે. ફિલસૂફીમાં અમૂર્તતા અને જાતિમત્વ છે. આમ વિજ્ઞાન અને ફિલસૂફી વચ્ચે આ એક વિશેષ સામ્ય છે. એથી હાઇઝનબર્ગના ‘કૉન્ટમ મિકેનિક્સ’ (quantum mechanics) પછી વિજ્ઞાન જાણે કે ફિલસૂફીને સ્થાને છે. અને આજના યંત્ર-વૈજ્ઞાનિક યુગમાં ઈ-મેલ, ઇન્ટરનેટ, કમ્પ્યૂટર, મોબાઇલ ફોન, ટી. વી. આદિ સંદેશાવ્યવહારનાં સાધનોને કારણે વધુ ને વધુ જ્ઞાન વધુ ને વધુ ત્વરિત ગતિથી પ્રાપ્ત થાય છે. જ્ઞાનનો સ્ફોટ થયો છે અને જગતભરમાં પૂર્વે એક સૈકામાં જેવી અને જેટલી મહાન ઐતિહાસિક ઘટનાઓ ઘટતી હતી તે આજે હવે એક દાયકામાં ઘટે છે. એથી પત્રકારત્વ જાણે કે ઇતિહાસને સ્થાને છે. સાહિત્યમાં મૂર્તતા, નીતિમત્તા અને વ્યક્તિત્વ છે. આમ, એકમાત્ર સાહિત્યમાં જ જ્ઞાનની અન્ય ત્રણેય મુખ્ય અને મહત્વની શાખાઓનાં લક્ષણો છે, ગુણધર્મો છે. રવીન્દ્રનાથ અને આઇન્સ્ટાઇન વચ્ચે જે વાદવિવાદ થયો હતો એમાં આઇન્સ્ટાઇનનો પ્રશ્ન હતો, ‘does scientific truth have a validiy independent of men’s preception of it ?’ ‘વૈજ્ઞાનિક સત્યનું મૂલ્ય મનુષ્યની એ મૂલ્ય વિશેની સૂઝસમજથી નિરપેક્ષ હોઈ શકે ?’; રવીન્દ્રનાથનો પ્રશ્ન હતો, ‘Is truth only realized through man ?’ ‘સત્ય, મનુષ્યના એ સત્ય વિશેના અનુભવથી જ સિદ્ધ થઈ શકે ?’ આ વાદવિવાદમાં સૂચન છે તેમ સાહિત્યમાં જે સત્ય-જ્ઞાન છે તે બાહ્ય જગતમાં અને આંતરજીવનમાં સ્ફુરણા, કલ્પના, સંવેદના દ્વારા પ્રાપ્ત થાય છે. એ સત્ય-જ્ઞાન મૂર્ત સ્વરૂપે કલ્પન, ઉપમા, રૂપક, પ્રતીક આદિ રૂપે પ્રગટ થાય છે. એથી વિજ્ઞાન, ઇતિહાસ અને ફિલસૂફીમાં જે સત્ય-જ્ઞાન છે તેમાં શક્તિ છે, જ્યારે સાહિત્યમાં જે સત્ય-જ્ઞાન છે એમાં ભક્તિ છે. આજે જ્યારે મનુષ્યજાતિના જીવનમાં વિજ્ઞાન અને પત્રકારત્વનો પ્રબળ પ્રભાવ છે ત્યારે સાહિત્યમાં જે સંવેદના છે એનું પૂર્વે ક્યારેય ન હતું એવું અને એટલું મહત્વ છે. સાહિત્યમાં જે ભક્તિ છે એ દ્વારા વિજ્ઞાન (ફિલસૂફી) અને પત્રકારત્વ(ઇતિહાસ)માં જે શક્તિ છે એને વિશે સંવેદના ન પ્રગટે તો મહાસંકટ સર્જાય એવી આજે મનુષ્યજાતિની કરુણ પરિસ્થિતિ છે.

મધુસૂદન બક્ષી

નિરંજન ભગત

દશરથલાલ ગૌરીશંકર વેદિયા