સત્પથી, બિજૉયકુમાર (. 19 ઑક્ટોબર 1952, સુલિયા, જિ. જજપુર, ઓરિસા) : ઊડિયા વિવેચક અને નાટકકાર. તેમણે ઊડિયામાં ઉત્કલ યુનિવર્સિટીમાંથી એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી. તેમણે રેવનશા કૉલેજ, કટકમાં રીડર તરીકે કામગીરી કરી. 1993થી 1997 સુધી તેઓ સાહિત્ય અકાદમી, નવી દિલ્હીમાં ઊડિયા સલાહકાર બૉર્ડના સભ્ય રહ્યા; ‘રૂપકાર’ થિયેટર ઑર્ગેનાઇઝેશનના સ્થાપક; ગોકર્ણિકા સાહિત્ય સમાજના તેઓ ઉપ-પ્રમુખ રહ્યા હતા.

તેમણે અત્યાર સુધીમાં 18 ગ્રંથો આપ્યા છે તેમાં ‘ફોસ્સીલરા નિદ્રાભંગ’ (1978); ‘ક્ષુધિતા સરીસૃપ’ (1983); ‘અઈ જે સૂર્ય યુએન’ (1987); ‘વિષાદ બ્રુતારા કહાની’ (1988) અને ‘કર્ણ’ (1995) તેમનાં નાટકો છે. ‘નૂતન મૂલ્યબોધરા નાટક’ (1991); ‘પ્રગતિવાદી કાવ્યચેતના’ (1992); ‘ઊડિયા સાહત્યારે પ્રગતિવાદી ધારા’ (1995) તેમના વિવેચનગ્રંથો છે.

તેઓ સિદ્ધહસ્ત રંગમંચ-અભિનેતા અને નાટકના દિગ્દર્શક છે. તેમને નાટક માટે 1989ના વર્ષનો ઓરિસા સાહિત્ય અકાદમી ઍવૉર્ડ; 1999ના વર્ષનો હરિહર મેમૉરિયલ ઍવૉર્ડ અર્પવામાં આવેલા. 1977માં નિખિલ ઉત્કલ નાટ્યશિલ્પી સમારોહ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

બળદેવભાઈ કનીજિયા