સત્પથી, નંદિની (શ્રીમતી)  (જ. 9 જૂન 1931, કટક, બિહાર; અ. 4 ઑગસ્ટ 2006, ભુવનેશ્વર) : ઊડિયા લેખિકા, અનુવાદક અને પ્રખર રાજકારણી.

માતાનું નામ કાલિંદીચરણ તથા પિતાનું નામ રત્નમણિ પાણિગ્રહી. 1939માં આઠ વર્ષની ઉંમરે તેમને યુનિયનજેક ઉતારવા માટે તેમજ બ્રિટિશરાજ વિરુદ્ધ લખેલાં પોસ્ટર્સ કટકની દીવાલ ઉપર લગાવવા માટે બ્રિટિશ પોલીસ તરફથી ખૂબ માર મારવામાં આવેલો. તેમણે ઊડિયામાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. વિદ્યાર્થિની તરીકે તેઓ કૉમ્યુનિસ્ટ પાર્ટીની વિદ્યાર્થી પાંખ, સ્ટુડન્ટ ફેડરેશન સાથે જોડાયાં હતાં. 1951માં કૉલેજમાં ફીવધારો થતાં ઓડિશામાં વિદ્યાર્થીચળવળમાં જોડાયાં હતાં. તેઓએ રાષ્ટ્રીય યુવા ચળવળની આગેવાની લીધી હતી. જેલવાસ પણ ભોગવ્યો હતો. જેલમાં, અન્ય વિદ્યાર્થી ચળવળ ફેડરેશનના સભ્ય દેવેન્દ્ર સત્પથી સાથે પરિચય થતાં તેમની સાથે લગ્નગ્રંથિથી જોડાયાં

નંદિની સત્પથી (શ્રીમતી)

1958માં તેઓ ઓડિશા મહિલા રાહત આયોગમાં સેક્રેટરી બન્યાં હતાં. તેમણે માસિક ‘ધરિત્રી’ અને ‘કલના’નાં સંપાદિકા તરીકે પણ સેવાઓ આપી હતી. 1962-67 તથા 1968-72 દરમિયાન રાજ્યસભાનાં સભ્ય રહ્યાં હતાં. 1966-68 દરમિયાન માહિતી અને પ્રકાશન વિભાગનાં મંત્રી નિમાયાં હતાં. 1972થી 76નાં વર્ષોમાં તેમણે ઓડિશાના મુખ્યમંત્રીનું પદ શોભાવ્યું હતું. 1972થી 1995 દરમિયા ઓડિશા વિધાનસભાનાં ચૂંટાયેલાં સભ્ય રહ્યાં. આ ઉપરાંત તેમણે રાજ્ય આયોજન બોર્ડના પ્રમુખ, ચિલ્ડ્રન ફિલ્મ સોસાયટીનાં અધ્યક્ષા, બાળકો અને યુવાનો માટેના આંતરરાષ્ટ્રીય ફિલ્મ સેન્ટર, પૅરિસના સંપાદક મંડળના સભ્ય તરીકે ફરજ બજાવી હતી. 1977માં તેમણે કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું અને બાબુ જગજીવનરામના કૉંગ્રેસ ડેમૉક્રૅટિક પક્ષમાં જોડાયાં હતાં, પરંતુ 1989માં રાજીવ ગાંધીની વિનંતીથી તેઓ કૉંગ્રેસ પાર્ટીમાં પરત ફર્યાં હતાં. વર્ષ 2000માં તેમણે રાજકારણમાંથી નિવૃત્તિ લીધી હતી.

1977માં  સત્પથીને લાંચના કેસમાં પોલીસ તરફથી અનેક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ પ્રશ્નોના પ્રત્યુત્તર આપવાની તેમણે ધરાર ના પાડી હતી. 18 વર્ષના સમય બાદ સત્પથી તેમની સામેના બધા જ કેસ જીતી ગયાં હતાં.

સત્પથીએ સમાજસેવાની સાથોસાથ ઊડિયા ભાષામાં  લેખનકાર્ય કર્યું છે. તેમણે પાંચ ગ્રંથો આપ્યા છે. ‘કેતોતીકથા’ (1963), ‘સપ્તદશી’ (1988) તેમના વાર્તાસંગ્રહો છે. ‘ગાંધીકથામૃત’ (1970), ‘રેવન્યૂ ટિકિટ’ (1990) બંને અંગ્રેજીમાંથી અનુવાદ છે. ‘લજ્જા’ (1994) તસ્લીમા નસરીનની બંગાળી નવલકથાનો ઊડિયા ભાષામાં અનુવાદ છે. 1998માં સાહિત્ય ભારતી સન્માન ઍવૉર્ડથી સન્માનવામાં આવ્યાં હતાં. તેમજ ઓડિશા સાહિત્ય અકાદમી અને વિશ્વમિલન પ્રજાતંત્ર પ્રચાર સમિતિ દ્વારા પણ તેમને સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

9 જૂન, તેમના જન્મદિનને ‘નૅશનલ ડૉટર્સ ડે’ (National Daughter’s Day) નંદિની દિવસ તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે.

‘નંદિની દિવસ’ની પ્રથમ ઉજવણી વર્ષ 2007માં કરવામાં આવી. આ શુભ પ્રસંગે ઓડિશાના ગવર્નરશ્રીએ હાજરી આપી હતી. તેમજ તેમની વર્ષ 2013માં સાતમી ઉજવણી પ્રસંગે રાજસ્થાનના ગવર્નરશ્રીએ મુખ્ય મહેમાન તરીકે પધારીને શોભામાં અભિવૃદ્ધિ કરી હતી.

2006માં તેમની સ્મૃતિમાં ‘નંદિની સત્પથી મેમોરિયલ ટ્રસ્ટ’ની સ્થાપના કરવામાં આવી છે.

બળદેવભાઈ કનીજિયા

કનુભાઈ શાહ