સટક્લિફ હર્બર્ટ (જ. 24 નવેમ્બર 1894, સમરબ્રિજ, હૅરોગૅટ, યૉર્કશાયર, યુ.કે.; અ. 22 જાન્યુઆરી 1978, ક્રૉસહિલ્સ, યૉર્કશાયર, યુ.કે.) : આંગ્લ ક્રિકેટ-ખેલાડી. દેહયદૃષ્ટિ ધરાવતા આ આકર્ષક ખેલાડી અત્યંત આધારભૂત ખેલાડી હતા અને થોકબંધ રન કરી શકતા, તેમણે ઇંગ્લૅન્ડ માટે જૅક હૉબ્સ સાથે અને યૉર્કશાયર માટે પર્સી હૉલ્મ સાથે કેટલીક યાદગાર ઑપનિંગ ભાગીદારી રચી હતી.
24 વર્ષે તેમણે ક્રિકેટની પ્રથમ કક્ષાની રમતમાં પ્રવેશ કર્યો અને તત્કાળ સફળતા રૂપે પ્રત્યેક સિઝનમાં 1,000 ઉપરાંત રન, દર વર્ષે 1922-35 દરમિયાન અને 1937માં 2,000 ઉપરાંત રન કર્યા. વળી 1928માં 76.97ની સરેરાશથી 3,002 રન; 1931માં 96.96ની સરેરાશથી 3,006 રન અને 1932માં 74.13ની સરેરાશથી 3,336 રન કર્યા. એ છેલ્લા વર્ષમાં તેમણે પોતાનો સર્વોચ્ચ જુમલો 313 નોંધાવ્યો (યૉર્કશાયર વિ. ઇસેક્સ) અને પ્રથમ વિકેટની હૉમ્સ સાથેની ભાગીદારીમાં 555 રનનો વિશ્વવિક્રમ નોંધાવ્યો. ઑસ્ટ્રેલિયા સામે કોઈ પણ આંગ્લ બૅટધર કરતાં તેઓ ઉત્તમ વિક્રમ ધરાવતા હતા 66.85ની સરેરાશથી તેમણે 2,751 રન કર્યા.
પછી તેઓ સફળ વ્યાપારી બન્યા અને 1959-61 દરમિયાન ટેસ્ટ-સિલેક્ટર રહ્યા.
તેમનો કારકિર્દી-આલેખ આ પ્રમાણે છે :
(1) 54 ટેસ્ટ : 1924-35; 60.73 સરેરાશથી 4,555 રન; 16 સદી; સૌથી વધુ જુમલો 194; 23 કૅચ.
(2) પ્રથમ કક્ષાની મૅચ : 1919-45; 51.95ની સરેરાશથી 50,138 રન; 149 સદી; સૌથી વધુ જુમલો 313; 40.21ની સરેરાશથી 14 વિકેટ; ઉત્તમ ગોલંદાજી 315; 466 કૅચ.
મહેશ ચોકસી