સટનર, બર્થા ફેલિસી સોફિયા (. 9 જૂન 1843, પ્રાગ, બોહેમિયા; . 21 જૂન 1914, વિયેના) : આલ્ફ્રેડ નોબેલને શાંતિ માટેનું નોબેલ પારિતોષિક દાખલ કરવા પ્રેરણા આપનાર વિશ્વશાંતિનાં પ્રખર હિમાયતી તથા 1905ના વર્ષ માટેના શાંતિ માટેના નોબેલ પારિતોષિકનાં વિજેતા. તેમનું મૂળ નામ ફેલિસી સોફિયા હતું, પરંતુ બર્થા તખલ્લુસથી તેઓ વધારે જાણીતાં બન્યાં. પિતા ફ્રાન્ઝ જૉસેફ વૉન કિન્સ્કી ઑસ્ટ્રિયન લશ્કરમાં ફિલ્ડમાર્શલનો હોદ્દો ધરાવતા હતા. તેઓ જીવનનાં અંતિમ વર્ષોમાં આર્થિક કંગાલિયતનો શિકાર બનેલા. બર્થાએ પોતાનાથી સાત વર્ષ નાના બૅરન આર્થર ગુંડાકર વૉન સટનરની સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે પરિવારના સૌ કોઈએ તેનો સખત વિરોધ કર્યો હતો. સટનર વ્યવસાયે ઇજનેર અને નવલકથાના લેખક હતા. બર્થા પોતે નવલકથાનાં લેખિકા તરીકે ઑસ્ટ્રિયાના સાહિત્યિક વર્તુળમાં જાણીતાં હતાં. સટનર સાથેના લગ્નના તેમના પ્રસ્તાવનો પરિવારમાં વિરોધ થતાં બર્થા 1876માં પોતાનું વતન છોડીને પૅરિસ જતાં રહ્યાં, જ્યાં એક પખવાડિયા માટે તેમણે આલ્ફ્રેડ નોબેલના પરિવારમાં સેક્રેટરી તરીકે સેવાઓ આપી હતી, પરંતુ ત્યારબાદ તેઓ ફરી વિયેના પાછાં જતાં રહ્યાં અને ગુપ્ત રાહે આર્થર સટનર સાથે લગ્નગ્રંથિથી જોડાઈ ગયાં અને તત્કાલીન રશિયાના ટિફિલસ શહેરમાં રહેવા લાગ્યાં.

1876 બાદ તેઓ આલ્ફ્રેડ નોબેલને માત્ર બે જ વાર મળી શક્યાં હતાં, તેમ છતાં તેમની વચ્ચેનો પત્રવ્યવહાર નોબેલના અવસાન-(1896)ના વર્ષ સુધી ચાલુ રહ્યો હતો, જેનો મુખ્ય વિષય વિશ્વશાંતિ હતો. ઑગસ્ટ, 1892માં નોબેલ સાથે તેમની બીજી મુલાકાત થઈ, જેની ફલશ્રુતિ બર્ન ખાતેની શાંતિ પરિષદમાં થઈ હતી. તેમાં બંનેએ હાજરી આપી હતી. તે પૂર્વે 1891માં બર્થાએ ઑસ્ટ્રિયન શાંતિ પરિષદની સ્થાપના કરી હતી. 1892થી 1899 દરમિયાન બર્થાએ વિશ્વશાંતિને વરેલા સામયિકના તંત્રીપદે કામ કર્યું હતું.

બર્થા ફેલિસી સોફિયા સટનર

ઉપર્યુક્ત સામયિકનું નામ પણ બર્થાની એક જાણીતી નવલકથાના શીર્ષક પરથી પાડ્યું હતું. નવલકથાનું શીર્ષક હતું ‘લે ડાઉન યૉર આર્મ્સ’, જે 1889માં પ્રકાશિત થઈ હતી. ‘હૅરિયટ બિયર’ સ્ટોવેની વિશ્વમાં ગુલામીની પ્રથાને વખોડી કાઢતી નવલકથાને જેટલી લોકપ્રિયતા મળી હતી તેટલી જ લોકપ્રિયતા બર્થા સટનરની નવલકથા ‘લે ડાઉન યૉર આર્મ્સ’ને મળી હતી.

સ્વિટ્ઝર્લૅન્ડના પાટનગર બર્ન ખાતેના પર્મેનન્ટ ઇન્ટરનૅશનલ પીસ બ્યૂરો(સ્થાપના 1891)નાં તેઓ વર્ષો સુધી વડાં હતાં.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે