સચિવ/સચિવો : વહીવટી કચેરીનો વડો યા વહીવટી કચેરીના ઉચ્ચ કક્ષાના અમલદારોનો વર્ગ. કોઈ પણ સરકાર અને તેનું વહીવટીતંત્ર બહુધા સચિવો દ્વારા ચાલે છે. સચિવોનું કાર્યાલય તે સચિવાલય. સચિવોને ઊંચી બુદ્ધિમત્તા અને કાર્યક્ષમતા ધરાવનારા અનુભવી અને કાબેલ વ્યક્તિઓ માનવામાં આવે છે. સામાન્ય રીતે જાહેર સનદી સેવાની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા બાદ તાલીમ અને અનુભવથી ઘડાયેલા ઉમેદવારો સચિવકક્ષાએ પહોંચે છે. તેઓ સરકારના વહીવટી કાર્યાલયમાં કાયમી કર્મચારી તરીકે કાર્ય કરે છે અને વહીવટી ખાતાના વડા તરીકેની જવાબદારી નિભાવે છે.

સરકારનાં મંત્રાલયોના વડા મંત્રીઓ હોય છે, પરંતુ તેઓ પ્રજા દ્વારા ચૂંટાઈને આ હોદ્દો ગ્રહણ કરતા હોવાથી તેમનામાં વહીવટી આવડત અને અનુભવની ઓછપ હોય છે. આ ઓછપમાં સચિવો તેમને ભારે મદદરૂપ બને છે. મંત્રીઓના મુખ્ય સલાહકાર તરીકે ફરજ બજાવીને સચિવો મંત્રાલયના નીતિઘડતરના કામમાં સહાય, માર્ગદર્શન અને નેતૃત્વ પૂરું પાડે છે. આ માટે તેઓ જે તે વિષયની માહિતી એકત્ર કરે, આવશ્યકતા ઊભી થાય ત્યારે તેનો વિનિયોગ કરે અને સમગ્ર ભૂમિકા તૈયાર કરે. ધારાસભાની સંમતિથી આવી નીતિ આખરી સ્વરૂપ પામે ત્યારબાદ તેનો અમલ કરાવવા માટેનો વિગતવાર કાર્યક્રમ સચિવો ઘડે છે. નીતિવિષયક નિર્ણયો લેવાયા પછી તેના અમલ માટે તેમને વહીવટી રૂએ વ્યાપક સત્તાઓ સુપરત કરાયેલી હોય છે; જેમાં તેમની વિવેકપૂર્ણ સત્તાઓ પણ સમાયેલી હોય છે. આથી વહીવટી નિર્ણયો અંગે તેઓને જવાબદાર ઠેરવી શકાય.

વહીવટી નિર્ણયોની આ કામગીરી ભારે જવાબદારીભરી હોય છે, જે માટે તેઓએ સરકારને જવાબ આપવો પડે છે. આ જવાબદારીભર્યા કામને કારણે તેઓને ઊંચાં વેતન અને વહીવટી સગવડો પ્રાપ્ય હોય છે. પદસોપાનની દૃષ્ટિએ વિવિધ સ્તરે સચિવો કામ કરે છે, છતાં સામાન્ય ક્રમ મુજબ તેને આ રીતે વ્યક્ત કરી શકાય :

સચિવ

અધિક સચિવ

સંયુક્ત સચિવ

નાયબ સચિવ

ઉપસચિવ

કેટલીક વાર અતિશય મોટા વિભાગો હોય ત્યાં બે સ્તરો વચ્ચે કામના વધારાને પહોંચી વળવા વિશેષ સચિવની નિમણૂક જરૂરિયાત મુજબ કરવામાં આવતી હોય છે.

સચિવ, અધિક સચિવ અને સંયુક્ત સચિવ અમલદારોનો સમાવેશ ઉચ્ચસ્તરીય સંચાલનમાં થાય છે, જ્યારે એથી નીચેની કક્ષાના નાયબ અને ઉપસચિવ અમલદારોનો સમાવેશ મધ્યસ્તરીય સંચાલનમાં થાય છે. કેન્દ્રીય સચિવાલય કે રાજ્ય-સચિવાલયોમાં આ સચિવો ધરીરૂપ કામગીરી બજાવી વહીવટી તંત્રને ગત્યાત્મકતા અને યોગ્ય દિશા પૂરી પાડે છે.

રક્ષા મ. વ્યાસ