સક્સેના, શિબ્બનલાલ (જ. 1 જાન્યુઆરી 1907, આગ્રા; અ. ?) : સ્વાતંત્ર્યસૈનિક, સંસદસભ્ય, ખેડૂતો અને મજૂરોના નેતા. શિબ્બનલાલનો જન્મના મધ્યમ વર્ગના કાયસ્થ કુટુંબમાં થયો હતો. તેમણે દેહરાદૂન, સહરાનપુર, કાનપુર અને અલ્લાહાબાદમાં શિક્ષણ લીધું. તેમણે અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી ગણિતશાસ્ત્ર વિષયમાં બી.એ. તથા એમ.એ.ની પરીક્ષાઓ અને આગ્રા યુનિવર્સિટીમાંથી તત્ત્વજ્ઞાન વિષય સાથે એમ.એ.ની પરીક્ષા પાસ કરી. તેમણે 1930-31માં ગોરખપુરમાં સેન્ટ એન્ડ્રૂઝ કૉલેજમાં ગણિતશાસ્ત્ર અને તત્ત્વજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે કામ કર્યું. તે પછી પૂર્ણ સમયના રાજકીય કાર્યકર તરીકે જીવન વિતાવ્યું અને અપરિણીત રહ્યા.
યુવાનીમાં તેમના ઉપર દયાનંદ સરસ્વતી, મહાત્મા ગાંધી અને કાનપુરની દયાનંદ ઍંગ્લો-વેદિક કૉલેજના આચાર્ય લાલા દીવાનચંદનો પ્રભાવ પડ્યો હતો. તેમની પ્રવૃત્તિઓનું મુખ્ય મથક શરૂમાં કાનપુર અને પછી ગોરખપુર જિલ્લો હતું. ગણેશ શંકર વિદ્યાર્થીની આગેવાની હેઠળ કાનપુરમાં હડતાળ પડાવવા માટે 12 વર્ષની વયે એપ્રિલ 1919માં તેમની ધરપકડ થઈ; ત્યારથી તેમની રાજકીય કારકિર્દી શરૂ થઈ. તેમણે 1921માં અસહકારની ચળવળમાં ભાગ લીધો; ડિસેમ્બર, 1925માં કૉંગ્રેસની કાનપુર બેઠક દરમિયાન સ્વયંસેવક તરીકે કામ કર્યું અને જવાહરલાલ નેહરુએ સ્થાપેલ યુવક સંઘ(1928)ના સેક્રેટરી બન્યા. તેમણે સવિનય કાનૂનભંગની ચળવળમાં ભાગ લીધો; 27 ડિસેમ્બર, 1931ના રોજ તેમની ધરપકડ થઈ અને 15 મહિનાની સખત કેદ અને રૂપિયા 500 દંડની સજા કરવામાં આવી. એપ્રિલ, 1933માં જેલમુક્તિ બાદ હરિજન સેવક સંઘના સેક્રેટરી તરીકે 1936 સુધી સેવા કરી અને મહારાજગંજના ખેડૂતોમાં પ્રશંસનીય કાર્ય કર્યું. કિસાનતરફી પ્રવૃત્તિ માટે સપ્ટેમ્બર, 1940માં ફરી વાર તેમની ધરપકડ થઈ અને જૂન, 1942માં મુક્ત થયા. પૂર્વીય ઉત્તર પ્રદેશમાં ‘હિંદ છોડો’ (1942) ચળવળમાં તેમણે સક્રિય ભાગ લીધો હતો. ગોરખપુર કાવતરા કેસમાં મુખ્ય આરોપી તરીકે તેમની ધરપકડ કરીને તેમના પર કેસ ચલાવી તેમને દસ વરસની કેદની સજા કરવામાં આવી. મે, 1946માં તેમને મુક્ત કરવામાં આવ્યા. નેપાળના રાણાના શાસન સામેની લડતમાં તેમણે ભાગ લીધો અને 21 ડિસેમ્બર, 1950માં ગોળીબારમાં તેઓ ઘવાયા. તેમણે કુલ 13 વર્ષનો કારાવાસ ભોગવ્યો હતો.
સક્સેના 1951 સુધી ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસના અને ઉત્તરપ્રદેશ પ્રાંતિક કૉંગ્રેસ સમિતિના તથા 1928થી 1951 સુધી કૉંગ્રેસની મહાસમિતિના સભ્ય હતા. પાછળથી તેઓ કિસાન મઝદૂર પ્રજા પક્ષ(K.M.P.P.)ના સ્થાપકોમાંના એક હતા (1951) અને 1952થી 1958 સુધી તેના પ્રમુખ હતા. તેઓ 1959-60માં પ્રજા સમાજવાદી પક્ષ(P.S.P.)ના અને 1961-63માં સમાજવાદી પક્ષ(લોહિયા જૂથ)ના સભ્ય હતા. 1963-64માં તેઓ યુનાઇટેડ સોશિયાલિસ્ટ પાર્ટીના સભ્ય હતા. 1964માં તેઓ ફરીથી કૉંગ્રેસમાં જોડાયા અને 1969માં કૉંગ્રેસ છોડીને પોતાનો સમાજવાદી કૉંગ્રેસ પક્ષ સ્થાપીને તેના પ્રમુખ બન્યા (1971).
સક્સેના 1937થી 1946 સુધી અને 1964થી 1967 સુધી ઉત્તર પ્રદેશ(અગાઉ સંયુક્ત પ્રાંતો)ની ધારાસભાના સભ્ય હતા. તેઓ 1946થી 1950 સુધી ભારતની બંધારણ સભાના અને 1950થી 1952 સુધી ભારતની કામચલાઉ સંસદના સભ્ય હતા. તેઓ 1954-57 અને 1957-62માં લોકસભાના સભ્ય હતા. ફરી વાર 1971માં સ્વતંત્ર સભ્ય તરીકે તેઓ ચૂંટાયા હતા.
તેમનું મુખ્ય કાર્ય ગોરખપુર જિલ્લાના ખેડૂતોમાં છે. તે જિલ્લાના ઉત્તરના ગ્રામીણ પ્રદેશોમાં અને જુદા જુદા મજૂર-સંઘોમાં તેઓ મહાત્મા ગાંધી જેવો આદર મેળવતા હતા. તેઓ ઑલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કૉંગ્રેસ (1948), ઑલ ઇન્ડિયા ટ્રાન્સપૉર્ટ વર્કર્સ ફેડરેશન અને ઉત્તરપ્રદેશ કિસાનસભાના પ્રમુખ હતા. તેઓ 1937થી ઘણાં વર્ષો સુધી ઉત્તરપ્રદેશ અને બિહારના સુગર સેન્ટ્રલ બૉર્ડના અને ખેતાન કમિટી તરીકે ઓળખાતી સુગર લેબર ઇન્ક્વાયરી કમિટીના સભ્ય હતા. ખાંડ-ઉદ્યોગના કામદારોના ઉત્કર્ષ વાસ્તે તેમણે પ્રશંસનીય કાર્ય કર્યું છે.
મહારાજગંજ(જિલ્લા ગોરખપુર)માં ગણેશશંકર વિદ્યાર્થી સ્મારક ઇન્ટર કૉલેજ અને જવાહરલાલ નેહરુ સ્મારક ડિગ્રી કૉલેજના તેઓ સ્થાપક અને પ્રમુખ હતા. તેઓ ગાંધીવાદી સમાજવાદ, સામૂહિક ખેતી, કુટીર-ઉદ્યોગનો વિકાસ તથા શૈક્ષણિક પદ્ધતિમાં સંપૂર્ણ સુધારા કરવામાં માનતા હતા. તેમણે ચીન, સ્વીડન, ડેન્માર્ક, જર્મની વગેરે સહિત એશિયા અને યુરોપના અનેક મહત્ત્વના દેશોની મુલાકાત લીધી હતી.
તેમનાં પ્રકાશનોમાં ‘હરિજન સર્વે કમિટી રિપૉર્ટ’ 1934; ‘રિપૉર્ટ ઑન ધ કન્ડિશન ઑવ્ સુગર ફૅક્ટરી વર્કર્સ ઍન્ડ કેઇન-ગ્રોઅર્સ’ (1940); ‘રિપૉર્ટ ઑન ધ સ્ટ્રાઇક ઇન દિલ્હી ટ્રાન્સપૉર્ટ સર્વિસ’ (1949); ‘વ્હાય આય રિઝાઇન્ડ ફ્રૉમ ધ કૉંગ્રેસ’ (1951); ‘ધ સુગર રૅકેટ’ (1957); ‘રિપૉર્ટ ઑન ખાંડસરી સુગર’ (1959) વગેરેનો સમાવેશ થાય છે.
જયકુમાર ર. શુક્લ