સક્સેના, રામબાબુ (જ. 1897, બરેલી; અ. 1957) : ઉર્દૂના લેખક. તેઓ વિદ્વાનો તથા કવિઓના જાણીતા પરિવારમાં જન્મ્યા હતા. તેમનું અંગ્રેજીનું જ્ઞાન વિશાળ હતું. અરબી અને ઉર્દૂના પણ તેઓ ઉત્તમ જ્ઞાતા હતા. ‘મૉડર્ન ઉર્દૂ પોએટ્રી’ નામના અંગ્રેજીમાં લખાયેલા તેમના પુસ્તકમાં આધુનિક ઉર્દૂ કવિઓની વિગતે છણાવટ છે. જીવનના ઉત્તરાર્ધમાં તેમણે મીર વિશે પુસ્તક લખવા વિચાર્યું, પણ તે પ્રગટ થઈ શક્યું નહિ. અત્યારે તેમનાં તમામ પુસ્તકો અપ્રાપ્ય છે.

ઉર્દૂ સાહિત્યના સુયોજિત અભ્યાસના ક્ષેત્રે તેમણે આપેલો મહત્ત્વનો ફાળો તે તેમનો મહાગ્રંથ ‘એ હિસ્ટરી ઑવ્ ઉર્દૂ લિટરેચર’ (1927) છે; તેની બીજી આવૃત્તિ 1940માં અલ્લાહાબાદના મેસર્સ રામનારાયણ લાલ તરફથી પ્રગટ કરાઈ હતી. સેન્ટ્સબરીના ‘એ શૉર્ટ હિસ્ટરી ઑવ્ ઇંગ્લિશ લિટરેચર’ના નમૂના મુજબ તૈયાર કરાયેલ આ ગ્રંથમાં 19 પ્રકરણોમાં ઉર્દૂના પ્રારંભિક ઉદ્ભવથી માંડીને 1927 સુધીની વિકાસકથા ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં આલેખાઈ છે. 400 વર્ષો દરમિયાન ઉર્દૂમાં લખાયેલ કાવ્ય તથા ગદ્યની કૃતિઓની આલોચના-સમીક્ષા તેમાં સમાવી લેવાઈ છે અને આ ગ્રંથ જ્ઞાનકોશ જેવી વ્યાપ્તિ ધરાવેે છે. તત્કાલીન સામાજિક-સાંસ્કૃતિક સ્થિતિ, સંજોગો તથા વલણો-પ્રવાહોના સંદર્ભમાં લેખકોનાં સંક્ષિપ્ત જીવનચરિત્રો તથા તેમની કૃતિઓની વિવેચનાત્મક સમીક્ષા તેમાં અપાઈ છે. ઉત્તર પ્રદેશની સિવિલ સર્વિસના હોદ્દાના કારણે આવી પડેલી ભારે જવાબદારી છતાં આ ભગીરથ કાર્ય તેમણે જારી રાખ્યું; એ માટે તેઓ અનેક ગ્રંથાલયો ખૂંદી વળ્યા તથા 5 વર્ષના અથાક પુરુષાર્થ પછી આ પુસ્તકનું નિર્માણ કર્યું. તેમણે વિવેકપૂર્ણ તથા સંસ્કારી વિવેચનાના નવા યુગનો આરંભ કર્યો મનાય છે.

મહેશ ચોકસી