સક્રિયણવિશ્લેષણ (activation analysis) : વિવિધ રાસાયણિક તત્ત્વોના અત્યંત નાના (એક મિગ્રા. કે તેથી ઓછા) જથ્થાઓની પરખ અને નિર્ધારણ માટે ઉપયોગમાં લેવાતી અત્યંત સંવેદી એવી વૈશ્લેષિક તકનીક. આ પદ્ધતિ એવી નાભિકીય (nuclear) પ્રક્રિયાઓનો ઉપયોગ કરે છે કે જેમાં સ્થાયી (stable) તત્ત્વોમાંથી તેમના વિકિરણી સમસ્થાનિકો (વિકિરણધર્મી સમસ્થાનિકો, radioisotopes) ઉત્પન્ન થાય છે. જે નાભિક (nucleus) ઉત્સર્જન કરે છે તેને રેડિયોન્યૂક્લાઇડ કહે છે. આવા સમસ્થાનિકોના વિખંડનની લાક્ષણિકતાઓના માપન દ્વારા નમૂનામાં શરૂઆતમાં રહેલાં તત્ત્વોને પારખી શકાય છે. નમૂનામાં તત્ત્વોની સાંદ્રતા એટલી બધી ઓછી હોય કે જેથી સામાન્ય પદ્ધતિઓ દ્વારા તે માપી શકાય તેમ ન હોય ત્યારે આ પદ્ધતિનો ખાસ ઉપયોગ થાય છે. આવી નાભિકીય પ્રક્રિયાઓ માટે ન્યૂટ્રૉન એ સામાન્ય રીતે સૌથી વધુ વપરાતા કણો છે. પણ આ માટે γ-કિરણો, તેમજ પ્રોટૉન, ડ્યૂટેરૉન (deuteron) કે આલ્ફા (α)-કણો જેવાં વીજભારિત કણોનો પણ ઉપયોગ થાય છે. અનુકૂળ સંજોગોમાં રેડિયોરાસાયણિક તકનીક દ્વારા 10-14 મોલ/મિલી જેટલી અલ્પ માત્રામાં સંકેન્દ્રણ ધરાવતા નમૂનાઓનું વિશ્લેષણ પણ શક્ય બન્યું છે.

રૈખિક પ્રવેગકો (linear accelerators), શૃંખલા-પ્રક્રિયાકારી પરમાણુભઠ્ઠી (chain-reacting pile), તથા સુવાહ્ય (portable) સક્રિયણ-સ્રોતો(advent)ના આગમનને કારણે મોટાભાગનાં તત્ત્વોના રેડિયોન્યૂક્લાઇડ ઉત્પન્ન કરવાનું શક્ય બન્યું છે. આમ કુદરતી અને કૃત્રિમ – એમ બે પ્રકારનાં વિકિરણધર્મી (radioactive) સમસ્થાનિકો (isotopes) ઉપલબ્ધ થવાને કારણે વિકિરણની અતિ સંવેદી અને વિશિષ્ટ (specific) એવી વિકિરણરસાયણી (રેડિયોરાસાયણિક, radiochemical) પદ્ધતિઓનો વિકાસ શક્ય બન્યો છે. આ પદ્ધતિઓ સારી એવી ચોકસાઈ (accuracy) અને વિસ્તૃત પ્રયુક્તતા જેવી લાક્ષણિકતાઓ ધરાવે છે. વળી સામાન્ય રાસાયણિક પદ્ધતિઓમાં જરૂરી એવા રાસાયણિક અલગન(chemical separation)માં તે ઘટાડો કરે છે અથવા દૂર કરે છે.

રેડિયોરાસાયણિક પદ્ધતિઓ વિકિરણધર્મિતાના ઉદ્ગમ અનુસાર ત્રણ પ્રકારની છે : (i) કુદરતી વિકિરણધર્મિતા-માપન : આ પદ્ધતિમાં નમૂનાની કુદરતી વિકિરણધર્મિતા માપવામાં આવે છે; દા.ત., ઘરગથ્થુ (household) હવામાં રેડૉન(radon)નું અથવા માટીનાં વાસણો કે સિરેમિક (ceramic) દ્રવ્યોમાં યુરેનિયમનું માપન. (ii) સમસ્થાનિક મંદન (dilution) પૃથક્કરણ : આમાં ચોક્કસ વજનના નમૂનામાં વિકિરણધર્મી રીતે ચિહ્નિત (tagged) એવો વિશ્લેષ્ય (analyte) થોડો (પણ વજનથી ચોક્કસ જથ્થામાં) ઉમેરી, બરાબર મિશ્ર કરી, જેનું વિશ્લેષણ કરવાનું હોય તે પદાર્થના થોડા અંશને અલગ પાડી, તેને શુદ્ધ કરી, તેની વિકિરણધર્મિતા માપવામાં આવે છે. (iii) સક્રિયણ-વિશ્લેષણ : આ પદ્ધતિમાં ન્યૂટ્રૉન γ-કિરણો, કે વીજભારિત કણોનો ઉપયોગ કરી રેડિયોન્યૂક્લાઇડ ઉત્પન્ન કરવામાં આવે છે અને તેમના વિકિરણધર્મી ગુણનો ઉપયોગ કરી વિશ્લેષણ કરવામાં આવે છે. વિકિરણરસાયણી પદ્ધતિઓમાં ઉત્સર્જિત કણ કે વિકિરણની ઊર્જાનો ઉપયોગ ગુણાત્મક (qualitative) વિશ્લેષણ માટે જ્યારે ઉત્સર્જનની માત્રાનો જથ્થાત્મક (quantitative) વિશ્લેષણ માટે થાય છે.

બધી નાભિકીય પ્રજાતિઓ (species) કે રેડિયોન્યૂક્લાઇડને પારખવા માટે પ્રેરિત (induced) વિકિરણધર્મિતાના નીચેના ગુણધર્મો ઉપયોગી છે : (i) રેડિયોન્યૂક્લાઇડ(કે તેની વિકિરણધર્મિતા)નું અર્ધઆયુ (half life); (ii) તેની સાથે સંકળાયેલ સંક્રમણ (transition); (iii) ઉત્સર્જિત વિકિરણનો પ્રકાર (સામાન્ય રીતે β અથવા γ) અને તેની ઊર્જા (એટલે કે ઊર્જા-વર્ણપટ).

આ ગુણધર્મોના સમન્વય દ્વારા નાભિકીય જાતિની પરખ થઈ શકે છે. કેટલીક વાર ચોકસાઈની યોગ્ય માત્રા કે પૂરતી સંવેદિતા માટે સક્રિયણ-વિશ્લેષણમાં રાસાયણિક અલગનનો પણ ઉપયોગ કરવામાં આવે છે.

સક્રિયણ-પદ્ધતિઓનો સિદ્ધાંત : સક્રિયણ-વિશ્લેષણનો મૂળ સિદ્ધાંત એ છે કે નમૂનાને ઊર્જાશીલ (energetic) વીજભારિત કણો અથવા ન્યૂટ્રૉનના અભિવાહ(flux)માં એવા સમય માટે ઉદ્ભાસિત (exposed) કરવામાં આવે કે જેથી ઇચ્છિત સાંખ્યિકીય (statistical) પરિશુદ્ધિ (precision) વડે માપી શકાય તેટલા રેડિયોન્યૂક્લાઇડ નીપજ રૂપે મળે. એકલ (single) સમસ્થાનિકમાંથી વિકિરણધર્મી ન્યૂક્લાઇડ-(N*)ના ઉત્પાદનનો દર નીચે પ્રમાણે દર્શાવી શકાય છે :

………………………………(1)

જ્યાં dN*/dt એ સક્રિય કણોના ઉદ્ભવનનો દર, N ઉપલબ્ધ સ્થાયી (લક્ષ્ય) પરમાણુઓની સંખ્યા, φ અભિતાડક (bombarding) કણોની સંખ્યા અથવા અભિવાહ (સેમી-2 સેકન્ડ-1માં) છે. σ એ પ્રક્રિયા આડછેદ (cross section) તરીકે ઓળખાતી રાશિ છે, જેના એકમો સેમી.2/(લક્ષ્ય પરમાણુ) છે અને તે ઊર્જિત કણ સાથે નાભિકની પ્રક્રિયા કરવાની સંભાવનાનું માપ છે. ઉષ્મીય ન્યૂટ્રૉન માટે σને બાર્ન(b)માં [1b = 10-24 સેમી.2/(લક્ષ્ય પરમાણુ)] દર્શાવતાં કોષ્ટકો ઉપલબ્ધ હોય છે.

એક વાર તે ઉત્પન્ન થાય એટલે વિકિરણધર્મી નાભિક દરે ક્ષય પામવાનું શરૂ કરે છે.

 (λ = ક્ષય અચળાંક)………………………..(2)

આથી કણોના એકસરખા અભિવાહ વડે વિકિરણન (irradiation) દરમિયાન સક્રિય કણોના ઉદ્ભવનનો દર નીચે પ્રમાણે દર્શાવી શકાય :

…………………………………(3)

આ સમીકરણનું શૂન્ય(0)થી t સમય માટે સંકલન કરવામાં આવે તો નીચેનું સમીકરણ મળે :

……………………….(4)

 (અર્ધઆયુ) = 0.693/l લેવામાં આવે તો ઉપરનું સમીકરણ નીચે પ્રમાણે થાય :

……………………(5a)

= NφσS……………………………..(5b)

આ સમીકરણને પ્રયોગાત્મક દર-માપન (ગણનાદર, R, = A = CλN*) માટે નીચે પ્રમાણે રજૂ કરી શકાય :

……………………..(6a)

= NφσcS…………………………………..(6b)

જ્યાં S એ સંતૃપ્તતા અવયવ (saturation factor) છે. કણના અભિવાહના ત્રણ સ્તરો માટે આ સંબંધના આલેખો આકૃતિ 1માં દર્શાવેલ છે :

આકૃતિ 1 : નમૂનામાં પ્રેરિત સક્રિયતા પર ન્યૂટ્રૉન અભિવાહ અને સમયની અસર

આકૃતિ દર્શાવે છે કે જ્યારે ઉદ્ભવન અને વિખંડનના દર એકબીજાની નજીક આવે ત્યારે ગણના-દર અચળ મૂલ્ય ધારણ કરે છે. એટલે કે ચારથી છ અર્ધઆયુથી વધુ વિકિરણનથી સંવેદનશીલતામાં ખાસ સુધારો જોવા મળતો નથી. સામાન્ય રીતે વ્યવહારમાં નમૂનાને એક અથવા થોડા વધુ અર્ધઆયુ સમય માટે વિકિરણિત કરવામાં આવે છે.

સમીકરણ (6) સક્રિયણ-વિશ્લેષણ માટેનું પાયાનું સમીકરણ છે અને તે નીપજતી વિકિરણધર્મિતા અથવા વિકિરણસક્રિયતા માપીને અજ્ઞાત લક્ષ્ય-તત્ત્વના પરમાણુઓની સંખ્યા ગણવાનું શક્ય બનાવે છે. આવી તકનીક વપરાય ત્યારે તેને નિરપેક્ષ સક્રિયણ-વિશ્લેષણ કહે છે. તે અગાઉની સાદી પણ પુરાણી પદ્ધતિ અજ્ઞાત નમૂનાને તત્ત્વોના જાણીતા જથ્થા ધરાવતા માનક કે સંદર્ભ સાથે સમક્ષણિક રીતે વિકિરણિત કરીને સરખાવવાનો છે. આને તુલનાકારક (તુલનિત્ર, comparator) તકનીક કહે છે.

ઘણાખરાં વિશ્લેષણોનાં નમૂના અને માનક(standard)નું વિકિરણન સંતૃપ્તતા પ્રાપ્ત થાય તેટલા સમય સુધી કરવામાં આવે છે. આ સંજોગોમાં ઉપરના સમીકરણ (6)માંના N સિવાયનાં બધાં પદો અચળ હોવાથી વિશ્લેષ્ય(analyte)ના રેડિયોન્યૂક્લાઇડની સંખ્યા ગણનાદરના સીધા અનુપાતમાં હોય છે. જો જનક (parent) અથવા લક્ષ્ય ન્યૂક્લાઇડ કુદરતી રીતે પ્રાપ્ય હોય તો વિશ્લેષ્યનું વજન w એ N ને NA (એવોગ્રૅડ્રૉ સંખ્યા), વિશ્લેષ્ય સમસ્થાનિકની કુદરતી વિપુલતા (abundence) અને રાસાયણિક પરમાણુભાર વડે ગુણવાથી મળી શકે. આ ત્રણેય અચળ હોવાથી વિશ્લેષ્યનું વજન એ ગણના-દરના સીધા અનુપાતમાં હોય છે. જો નમૂના માટે x અને માનક માટે s નિમ્નાંક વાપરવામાં આવે તો

    Rx = kwx ……………………….(7a)

અને Rs = kws…………………………(7b)

જ્યાં k અનુપાતી અચળાંક છે. આથી

અને ……………………..(8)

ન્યૂટ્રૉન સક્રિયણ-વિશ્લેષણ (NAA) : સક્રિયણ-વિશ્લેષણ માટેની આ પદ્ધતિ સૌથી વધુ વપરાય છે. તેમાં ન્યૂટ્રૉનના સ્રોત તરીકે નાભિકીય ભઠ્ઠીઓ (nuclear reactors), રેડિયોનાભિકો (radionuclides) અને પ્રવેગકો (accelerators) વપરાય છે. ત્રણેય ઉચ્ચ ઊર્જાવાળાં (MeV પરાસમાં) ન્યૂટ્રૉન ઉત્પન્ન કરે છે. તેમને પાણી (H2O), ડ્યુટેરિયમ ઑક્સાઇડ (ભારે પાણી, D2O), અને પૅરેફિન જેવાં વિમંદક (moderating) દ્રવ્યોમાંથી પસાર કરી તેમની ઊર્જા એક ઇલેક્ટ્રૉન-વૉલ્ટ(eV)ના કેટલાક શતાંશ ભાગ જેટલી ઘટાડી નાખવામાં આવે છે. આ રીતે લગભગ 0.04 eV જેટલી ઊર્જા ધરાવતાં ન્યૂટ્રૉન ઉષ્મીય (thermal) ન્યૂટ્રૉન તરીકે ઓળખાય છે. મોટાભાગની સક્રિયણ-પદ્ધતિઓ આવા ઉષ્મીય ન્યૂટ્રૉનનો ઉપયોગ કરે છે. જોકે નાઇટ્રોજન, ઑક્સિજન, ફ્લોરિન અને સિલિકન જેવાં હલકાં તત્ત્વોમાં વિકિરણધર્મિતાના પ્રેરણ માટે વેગીલાં (fast) ન્યૂટ્રૉન (~ 14 MeV) વધુ ઉપયોગી છે.

ઉપર દર્શાવેલા ત્રણ સ્રોતો પૈકી નાભિકીય ભઠ્ઠીઓ એ વિપુલ પ્રમાણમાં ઉષ્મીય ન્યૂટ્રૉન આપતા સ્રોતો હોવાથી તેમનો સક્રિયણ-વિશ્લેષણ માટે સૌથી વધુ ઉપયોગ થાય છે. આવી ભઠ્ઠીનો ન્યૂટ્રૉન અભિવાહ 1011થી 1014 n cm-2 s-1 (ન્યૂટ્રૉન પ્રતિ વર્ગ સેમી પ્રતિ સેકન્ડ) હોય છે. ઉચ્ચ ન્યૂટ્રૉન-ઘનતાને કારણે મોટાભાગનાં તત્ત્વોની પરખ માટેની સીમા 10-3થી 10μ ગ્રા. (માઇક્રોગ્રામ) જેટલી મળે છે. અનુયુરેનિયમ (transuranium) તત્ત્વો જેવાં વિકિરણધર્મી સમસ્થાનિકોની ન્યૂટ્રૉન અભિવાહ ઘનતા 105થી 1010 n cm2 s1 હોવાથી તેમની પરખ-સીમા નાભિકીય ભઠ્ઠી જેટલી સારી હોતી નથી.

પ્લુટોનિયમ, અમેરિશિયમ અથવા ક્યુરિયમ જેવા α-ઉત્સર્જક તત્ત્વનું બેરિલિયમ જેવા હલકા તત્ત્વ સાથે ગાઢ (intimate) મિશ્રણ બનાવવાથી પણ ન્યૂટ્રૉન ઉત્પન્ન કરી શકાય છે :

આ ઉપરાંત પ્રવેગકો વાપરીને પણ વીજભારિત કણો દ્વારા ન્યૂટ્રૉન મેળવી શકાય છે :

આ રીતે મળતા ન્યૂટ્રૉન લગભગ 14 MeV જેટલી ઊર્જા ધરાવતા હોય છે.

સક્રિયણ-પદ્ધતિઓમાં ન્યૂટ્રૉન-પ્રગ્રહણ (neutron capture) એ સૌથી અગત્યની પ્રક્રિયા છે. આમાં વિશ્લેષ્ય નાભિક દ્વારા એક ન્યૂટ્રૉનનું પ્રગ્રહણ થઈ તેટલા જ પરમાણુક્રમાંકવાળો પણ તેના કરતાં પરમાણુભાર એક એકમ વધુ હોય તેવો સમસ્થાનિક ઉત્પન્ન થાય છે. આ નાભિક અતિ ઉત્તેજિત સ્થિતિમાં હોય છે, કારણ કે તેની સાથે ન્યૂટ્રૉનના બંધનથી તેણે 8 MeV જેટલી ઊર્જા પ્રાપ્ત કરી હોય છે. આ વધારાની ઊર્જા γ-કિરણોના તાત્કાલિક ઉત્સર્જન (prompt gamma ray emission), અથવા ન્યૂટ્રૉન, પ્રોટૉન કે α-કણો જેવા એક કે વધુ કણોના ઉત્સર્જન દ્વારા મુક્ત થાય છે; દા.ત.,

આવી પ્રક્રિયાઓ ટૂંકાણમાં નીચે પ્રમાણે લખવામાં આવે છે :

પ્રગ્રહણ પ્રક્રિયાઓ દ્વારા ઉત્પન્ન થયેલા આ તાત્કાલિક γ-કિરણો વિશિષ્ટ કિસ્સાઓમાં વૈશ્લેષિક અગત્યનાં હોય છે. ઉદ્ભવેલ રેડિયોન્યૂક્લાઇડ (દા. ત., 24Na) પણ વધુ ઉપયોગિતા ધરાવે છે. ન્યૂટ્રૉન-પ્રગ્રહણ-પ્રક્રિયાઓનાં અન્ય ઉદાહરણો નીચે પ્રમાણે છે :

27Al (n, γ) 28Al  28Mg + β + γ

51V (n, γ) 52V 52Gr + β + γ

115In (n, γ) 116In 116Sn + β + γ

197Au (n, γ) 198Au  198Hg + β + γ

203Tl (n, γ) 204Tl 204Pb + β

ઉપરનાં ઉદાહરણોમાં નીપજતાં નાભિકો વિકિરણધર્મી છે. તેમના અર્ધઆયુ સમય તીરની ઉપર દર્શાવ્યા છે. (m = મિનિટ; d = દિવસ; y = વર્ષ). આ સઘળાં નાભિકો β-ઉત્સર્જકો છે અને તેમાંનાં મોટા-ભાગનાં β-ક્ષય પછી γ-કિરણોનું ઉત્સર્જન કરે છે. આથી ન્યૂટ્રૉનના પ્રગ્રહણ સાથે મુક્ત થતાં γ-કિરણો તાત્કાલિક γ-કિરણો ગણાય છે, જ્યારે નીપજ-નાભિકના વિકિરણધર્મી વિખંડનથી મળતાં કિરણો વિલંબિત (delayed) γ-કિરણો ગણાય છે.

માપનની તકનીકો : સક્રિયણ-વિશ્લેષણમાં પ્રેરિત વિકિરણધર્મિતાનું માપન એ ચાવીરૂપ બાબત છે. આ માટે પ્રેરિત રેડિયોન્યૂક્લાઇડના γ-કિરણોનાં વર્ણપટોનો ઉપયોગ કરવામાં આવે છે. વિકિરણધર્મી સમસ્થાનિકોમાંથી મળતાં γ-કિરણો અનન્ય (unique) અને વિવિક્ત (discrete) ઊર્જા ધરાવે છે. γ-કિરણ સ્પેક્ટ્રૉમિટર નામનું સાધન આવાં કિરણોને ઇલેક્ટ્રૉનીય સંકેતોમાં ફેરવી તેમનું પ્રવર્ધન કરી તેમને ઊર્જાના ફલન તરીકે દર્શાવે છે. તે γ-કિરણ પરખક [દા.ત., લિથિયમનું મેળવણ ધરાવતું જર્મેનિયમ, Ge(Li) અથવા થેલિયમની મેળવણી સાથેનું સોડિયમ આયોડાઇડ NaI(Tl)] પ્રેરિત રેડિયોન્યૂક્લાઇડના ભિન્ન ભિન્ન અર્ધ-આયુ અને વિભિન્ન γ-કિરણ ઊર્જાને લીધે ઘણાં તત્ત્વોનું અભિનિર્ધારણ (identification) શક્ય બને છે.

આકૃતિ 2 : બે પ્રકારની ન્યૂટ્રૉન સક્રિયણ પદ્ધતિઓનો ક્રમદર્શી આરેખ

સક્રિયણ-વિશ્લેષણ માટેની વિભંજક (destructive) અને અવિભંજક (nondestructive) – એમ બે પદ્ધતિઓમાં નમૂનાના અને માનકના વહન માટેની ખંડાકૃતિ (block diagram) આકૃતિ 2માં આપી છે. બંનેના નમૂના અને એક અથવા વધુ માનકને ન્યૂટ્રૉન અથવા અન્ય પ્રકારના વિકિરણ વડે સમક્ષણિક રીતે, એકસરખા અભિવાહમાં યોગ્ય સમય માટે વિકિરણિત કરવામાં આવે છે. નમૂનો ઘન, પ્રવાહી કે વાયુરૂપ હોઈ શકે પણ પ્રથમ બે વધુ સામાન્ય છે. નમૂના તથા માનકને પૉલિઇથીલીનની નાનકડી શીશી(vial)માં લેવામાં આવે છે.

વિકિરણન બાદ નમૂના અને માનકને ઘણી વાર ક્ષય પામવા દેવામાં આવે છે. આને ઠંડા પાડવાની ક્રિયા કહે છે. આથી ટૂંકા આયુવાળાં અંતરાયરૂપ નાભિકો વિશ્લેષણને અસર કરતાં નથી. વળી દ્રવ્યની ગણના (counting) દરમિયાન સ્વાસ્થ્યને લગતાં જોખમો પણ ઘટી જાય છે. અવિભંજક પદ્ધતિમાં નમૂના અને માનકની તેના શીતન બાદ સીધી ગણના કરવામાં આવે છે. અહીં γ-કિરણ સ્પેક્ટ્રૉમિટરનો ઉપયોગ થાય છે. સમીકરણ (8) વડે અજ્ઞાતમાં વિશ્લેષ્યનો જથ્થો જાણી શકાય છે.

અવિભંજક પદ્ધતિમાં ગણના કરતાં પહેલાં નમૂનામાંથી વિશ્લેષ્યને અન્ય ઘટકોથી અલગ પાડવામાં આવે છે. આ માટે વિકિરણિત નમૂનાના જાણીતા જથ્થાને ઓગાળી, તેમાંથી વિશ્લેષ્યને અવક્ષેપન, નિષ્કર્ષણ, આયન-વિનિમય, વર્ણલેખન જેવી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. અલગ પાડેલા દ્રવ્ય કે તેના જ્ઞાત અંશને γ-અથવા β-સક્રિયતા ગણવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.

ઉપયોગિતા : સક્રિયણ-વિશ્લેષણનો ઉપયોગ વિવિધ પ્રકારના નમૂનાઓ માટે થઈ શકે છે. તેમાં 1 મિગ્રા. અથવા તેથી ઓછા જથ્થાની જરૂર પડે છે અને એક વિકિરણન 30 કે વધુ તત્ત્વો અંગે માહિતી આપી શકે છે. 70 કરતાં વધુ તત્ત્વોના નિર્ધારણ માટે આ પદ્ધતિ ઉપયોગી છે. જે પદાર્થો માટે NAAનો ઉપયોગ કરી શકાય તેની યાદી ઘણી વિસ્તૃત છે અને તેમાં ધાતુઓ, મિશ્રધાતુઓ, પુરાતત્ત્વીય નમૂનાઓ, અર્ધવાહકો, જૈવિક નમૂનાઓ કે પેશીઓ, ખડકો, ખનિજો અને પાણી વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ન્યાયાલયીન અભ્યાસ (forensic studies), કાચ, પટ્ટી (tape), પ્રદૂષણો વગેરે માટે પણ તેનો ઉપયોગ થઈ શકે છે. કલાકૃતિ કે ચિત્રનો ઘણો નાનો નમૂનો દ્રાવ્ય હોય ત્યારે તેની પ્રમાણભૂતતા (authentication) માટે પણ તે ઉપયોગમાં આવે છે.  કે જેનો ન્યૂટ્રૉન માટેનો અવશોષણ-આડછેદ ઘણો ઓછો હોય છે તેને સાઇક્લોટ્રૉનમાં ડ્યૂટેરૉન વડે પ્રતાડિત કરી સક્રિયણ-વિશ્લેષણ કરવામાં આવે છે.

ઉષા પાલ, અનુ જ. દા. તલાટી