સંસ્કાર અને માનવવર્તન : સમગ્ર સમાજમાંની માનવક્રિયાઓની ભાત (pattern) તથા તેની નમૂનારૂપ રચનાઓ તે સંસ્કાર (culture)  તથા જે તે પરિસ્થિતિના સંદર્ભમાં વ્યક્તિની ક્રિયાઓ અને પ્રતિક્રિયાઓનો સમૂહ તે માનવવર્તન (human behaviour).

સંસ્કાર : તે આખા સમાજની જીવનશૈલી સૂચવે છે. તેમાં શિષ્ટાચાર, પહેરવેશ, ભાષા, ચોક્કસ ઉચ્ચારણો તથા ખોરાક તરફની અભિરુચિનો સમાવેશ થાય છે. જુદાં જુદાં વિચારવૃત્તો(theories)માં સંસ્કારની વ્યાખ્યા બદલાય છે; પરંતુ તે માનવક્રિયાઓને જુદી જુદી રીતે મૂલવવાની કે સમજવાની પદ્ધતિઓને કારણે છે. સર ઍડવર્ડ બી. ટેલરે સન 1871માં યુકેમાં સંસ્કારની વ્યાખ્યા આપતાં જણાવ્યું હતું કે વંશાલેખવિજ્ઞાન(ethnography)ના સંદર્ભે સમાજના સદસ્ય તરીકે માનવ દ્વારા પ્રાપ્ત કરાયેલાં જ્ઞાન, માન્યતા, કળા, નૈતિકતા, કાયદા, રિવાજો અને અન્ય ક્ષમતાઓ તથા ટેવોના સંકુલ સમૂહને સંસ્કાર અથવા સંસ્કૃતિ (civilization) કહે છે. નૃવંશશાસ્ત્રીઓ (anthropologists) તેને માનવની વર્ગીકરણ, સંકેતીકરણ (codifying) અને પોતાના અનુભવોને અભિવ્યક્તિના સમગ્ર સમૂહને તથા સામર્થ્ય(capacitiy)ને સંસ્કાર કહે છે. સન 2002માં સંયુક્ત રાષ્ટ્રસંઘના શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠને (UNESCO) સંસ્કારની વ્યાખ્યા આપતાં જણાવ્યું છે કે સંસ્કારને સમાજ કે સામાજિક જૂથની આધ્યાત્મિક, ભૌતિક, બૌદ્ધિક અને ભાવાત્મક (emotional) લાક્ષણિકતાઓનો સમૂહ ગણવો જોઈએ. તેમાં કળા અને સાહિત્ય, જીવનશૈલી અને સહજીવનની રીતો, મૂલ્યપ્રણાલી, રૂઢિરિવાજો અને માન્યતાઓનો સમાવેશ થાય છે. સન 1952માં આલ્ફ્રેડ ક્રોબર અને ક્લાઇડ ક્લુકહોનને સંસ્કાર અંગેની 200થી વધુ વ્યાખ્યાઓનો સમૂહ એકત્રિત કર્યો હતો.

આ વ્યાખ્યાઓમાં સંસ્કારનાં વિવિધ તત્ત્વોનો સમાવેશ થતો હતો; જેમ કે, કાયદો, પથ્થરનું હથિયાર કે સાધન, લગ્ન વગેરે. જોકે તેનાં 4 મૂળભૂત તત્ત્વો છે : મૂલ્યો, સ્વીકૃત પ્રમાણો (norms), સંસ્થાઓ તથા સર્જિત પદાર્થો (artifacts). જીવનમાં શું વધુ અગત્યનું છે તે અંગેના વિતર્ક(idea)ને મૂલ્ય કહે છે. જુદી જુદી સ્થિતિ અને પરિસ્થિતિઓમાં લોકો કેવી રીતે વર્તશે તે માટેની અપેક્ષા-(expectation)ને સ્વીકૃત પ્રમાણ કહે છે. તેમાં સ્વીકૃત અને બહિષ્કૃત ક્રિયાઓ તથા તેને લગતા નિયમો અને કાયદાઓ ઘડાય છે. કુટુંબ, લગ્ન વગેરે વિવિધ સંસ્થાઓનું સર્જન સંસ્કારનું એક અગત્યનું તત્ત્વ છે. મૂલ્યો અને સ્વીકૃત પ્રમાણોવાળા ભૌતિક પદાર્થો તેનું ચોથું તત્ત્વ ગણાય છે. આવા ભૌતિક પદાર્થો વિતર્ક તેમજ સમાજવિદ્યાલક્ષી કે ક્રિયાકલાપજન્ય (technological) વિચાર-પ્રણાલીઓ સાથે સુસંગત હોય છે.

આધુનિક સંસ્કારલક્ષી વિચારવૃત્ત (modern cultural theory) અનુસાર સંસ્કાર માનવસમાજોમાં આવતી સ્થિરતાનું પરિણામ છે. તે ઉત્ક્રાંતિનાં દબાણોમાં સમાજનાં સ્વાભિજ્ઞાન (self-cognition) અને સમસ્વરૂપતા (self-similarity) માટેનો સ્થિરતા આપતો અભિગમ છે. સંસ્કારને સમાજ, ધર્મ, ઉત્ક્રાંતિ, સ્થિરતા, પરિવર્તન, વિશ્વસંદર્ભ તથા સંસ્કૃતિ – એમ વિવિધ સંદર્ભે મૂલવાય છે.

માનવવર્તન : તે વ્યક્તિગત ક્રિયાઓ અને પ્રતિક્રિયાઓનો સમૂહ છે. તે સભાન કે અભાન, સુસ્પષ્ટ અને સંદિગ્ધ, ઐચ્છિક કે અનૈચ્છિક (સ્વયંભૂ) હોઈ શકે. પ્રાણીઓમાં ચેતાતંત્ર અને અંત:સ્રાવીતંત્ર તેનું નિયંત્રણ કરે છે. જેમ જેમ ચેતાતંત્ર વધુ ને વધુ સંકુલ થતું જાય તેમ તેમ વર્તન પણ સંકુલ થતું જાય છે. સંકુલ ચેતાતંત્રવાળાં પ્રાણીઓ વધુ શીખી શકે છે અને તેથી તેમના પ્રતિભાવો, પ્રતિચારો અને પ્રતિક્રિયાઓ વધુ વૈવિધ્ય અને નાવીન્ય ધરાવે છે; તેથી માનવવર્તન સર્વસામાન્ય, અણધાર્યું, સ્વીકાર્ય કે અસ્વીકાર્ય હોઈ શકે છે. માણસો સામાજિક મૂલ્યો અને સ્વીકૃત પ્રમાણોના સંદર્ભે વર્તનને મૂલવીને સ્વીકૃતિ કે અસ્વીકૃતિ આપે છે. સમાજવિદ્યામાં માનવવર્તનને માણસની બુનિયાદી (basic) ક્રિયા ગણવામાં આવે છે.

સંસ્કારી માનવવર્તન : માનવજીવનમાં સાંસ્કૃતિક વૈવિધ્ય રહેલું છે. આપણે અભિવ્યક્તિ અને પ્રતિચાર પામવાની પ્રત્યાયન-(communication)ની ક્રિયા ખૂબ ઝીણવટથી વિકસાવી છે. તેના વડે માનવવર્તનનું નિયંત્રણ થાય છે. સમાજો એકબીજાથી ભાષા, આહાર, વેશભૂષા અને અન્ય અનેક રૂઢિઓની બાબતે અલગ પડે છે. બાળકો તેને જિજ્ઞાસાપૂર્વક શીખે છે અને આ વર્તનોની નકલ કરે છે. આમ પેઢી-દર-પેઢી સંસ્કારનો વારસો ઊતરી આવે છે. માનવની માફક અન્ય પ્રાણીઓમાં પણ આવો વર્તનવારસો ઊતરે છે અને તેઓમાં પણ સાંસ્કારિક શિક્ષણની પ્રક્રિયા ચાલે છે તેવા વૈજ્ઞાનિક આધારો ઉપલબ્ધ થયા છે.

સંસ્કારી વર્તનના શાસ્ત્રીય અભ્યાસ માટે મુખ્ય 2 અભિગમો વપરાય છે : (1) સામાજિક સ્વશિક્ષણ અને ભાષાપ્રાપ્તિના પ્રયોગશાળાકીય અભ્યાસો તથા (2) સાહજિક રહેઠાણમાં વર્તનમાં આવતા બદલાવનાં ક્ષેત્રસંશોધનો. પ્રથમ પ્રકારના અભ્યાસોમાં જ્ઞાનાત્મકતા (cognition), સ્મૃતિ તથા પ્રત્યાયન તેમજ નકલ કરવાની ક્ષમતા કે શિક્ષણ આપવાના સામર્થ્યની ચકાસણી કરાય છે. જ્યારે બીજા પ્રકારના અભ્યાસોમાં વંશાલેખીય (ethnographic) અભિગમ રખાય છે અને તેમાં સમાજ કે સમૂહની વર્તનભાત (behavioural pattern) અને રૂઢિઓ અંગે સંશોધન કરાય છે. આવા અભ્યાસો માનવ તથા અન્ય પ્રાણીઓ પર 1960ના દાયકાથી થતા આવ્યા છે. ચિંપાન્ઝીઓ, વાંદરાં, હાથીઓ, ડૉલ્ફિનો, વહેલ માછલીઓ વગેરે પરના અભ્યાસોએ ઘણો પ્રકાશ પાથર્યો છે.

પ્રાણી-અભ્યાસોએ દર્શાવ્યું છે કે સાંસ્કૃતિક વર્તનનું મુખ્ય મૂલ્ય જે તે પ્રાણીઓના અસ્તિત્વ સાથે સંકળાયેલું હોય છે. માનવવર્તન વિવિધ પ્રકારની ક્રિયાઓ અને પ્રતિક્રિયાઓનો સમૂહ છે; જે સંસ્કાર, અભિગમ, લાગણીઓ (ભાવાત્મકતા), મૂલ્યો, નૈતિકતા, અધિકારત્વ, સંબંધ, સંમોહન, સમજાવટ કે દબાણની અસર હેઠળ થાય છે. વ્યક્તિગત વર્તન સ્વલક્ષી કે સમાજલક્ષી હોય છે. મૂલ્યો અને સ્વીકૃત પ્રમાણોનો સંબંધ, માનવવર્તન તથા સંસ્કાર બંને સાથે છે; જેથી તે અંગેનાં પાસાંઓને માનવશાસ્ત્ર, સમાજવિદ્યા, નૃવંશશાસ્ત્ર તથા વંશાલેખવિજ્ઞાનના સંદર્ભે મૂલવવામાં અને સમજવામાં આવે છે. માનવવર્તન સંસ્કાર (સામાજિક સ્વીકૃત પ્રમાણો અને મૂલ્યો) ઉપરાંત પ્રાણીય ઊર્મિવેગો (animal urges) અને વ્યક્તિગત અભિગમો પર પણ આધારિત છે. વ્યક્તિગત અભિગમ પસંદગી નિશ્ચિત કરે છે. લૈંગિક સુખ, ભૂખ, સ્વરક્ષણ જેવા ઊર્મિવેગો સામાન્ય પ્રાણીની જેમ જ બુનિયાદી અને સક્ષમ હોય છે.

પૂર્વના દેશોમાં સામાજિક વિચારધારાઓ અને ધાર્મિક વિચારણાઓ એકબીજી સાથે ભળી ગયેલી છે; તેથી પૂર્વીય સમાજો; ખાસ કરીને હિન્દુ, જૈન, બૌદ્ધ વગેરે ધર્મોના સમાજોમાં સાંસ્કૃતિક વર્તનમાં મોટો ફાળો ધાર્મિક માન્યતાઓનો પણ રહેલો છે.

જે તે મોટા સમાજમાં સાંસ્કૃતિક અને વધુમતી જનસંખ્યા જે વર્તન અને માન્યતાઓ ધરાવતી હોય તેનાથી સ્પષ્ટ રીતે ઉંમર, જાતિ, ધર્મ, વંશ, વર્ગ કે લિંગને કારણે અલગ પડતી લઘુમતી પર પણ તે વર્તનો અને માન્યતાઓની અસર પડે છે. ક્યારેક તે તેને સ્વીકૃતિ આપે છે; તો ક્યારેક તેની વિપરીત પ્રતિક્રિયા પણ ઉદ્ભવે છે. પોતાના અલગ અસ્તિત્વને ટકાવી રાખવા સંસ્કારી વર્તન મહત્ત્વનું હોવાથી લઘુમતી સમાજો તેના બુનિયાદી પાસાને તથા ઘટકોને ટકાવી રાખવા સક્રિય રહે છે. ક્યારેક વિવિધ પ્રકારમાં સાંસ્કૃતિક પ્રવાહો એક સ્થળે ભેગા થાય તો તે એકબીજા સાથે ભળી જાય છે. આનું શ્રેષ્ઠ ઉદાહરણ યુ.એસ. છે. આવી સ્થિતિને બહુસંસ્કારવાદ (multiculturalism) કહે છે. વિશ્વમાં હાલ લગભગ બધા જ દેશોમાં વધતેઓછે અંશે બહુસંસ્કારવાદ વિકસી રહ્યો છે, તેથી નવા જ પ્રકારનું માનવવર્તન ઘડાઈ રહ્યું છે; તેમ છતાં ધર્મની અસર હેઠળના સંસ્કારોએ ક્યારેક એવા વિભિન્ન પ્રકારનાં માનવવર્તનો સર્જ્યાં છે, જે સ્થાનિક તથા વૈશ્વક સ્તરે સંઘર્ષ સર્જે છે.

માનવવર્તન પર જેવી પરિસ્થિતિની અસર છે તેવી જનીનીય પરિબળોની અસર છે એવું નોંધવામાં આવેલું છે. તે બંને વચ્ચે કેટલું સંતુલન છે અને કેવા પ્રકારનું છે તે વિવિધ પ્રદેશો અને પરિસ્થિતિઓમાં અલગ અલગ રહે છે. ઉત્ક્રાંતિક માનસશાસ્ત્ર(evolutionary psychology)માં આ અંગે અભ્યાસો થયેલા છે. તેમાં કરાતા અભ્યાસોમાં માહિતી એકત્ર કરવા ક્ષેત્રીય કાર્ય (field work) કરવામાં આવે છે. સંશોધક જરૂર પડ્યે જે તે સમાજમાં સાથે રહીને માહિતી તથા અનુભવો પ્રાપ્ત કરે છે. આ પદ્ધતિને સહભાગીય પદ્ધતિ (participatory method) કહે છે.

વિકસતા જતા વૈશ્વક વ્યાપારમાં જુદા જુદા સંસ્કારપ્રધાન પ્રદેશોમાં ખરીદવાની ઇચ્છા સમજવા અને ઊભી કરવા માટે હાલ આ બધી સમજણનો ઉપયોગ થાય છે તથા તે અંગે તેમાં નવાં સંશોધનો પણ થઈ રહ્યાં છે.

શિલીન નં. શુક્લ