સંસ્કારબદ્ધ સંલક્ષણ (culturebound syndrome)

January, 2007

સંસ્કારબદ્ધ સંલક્ષણ (culturebound syndrome) : કેટલાક માનસિક અને શારીરિક લક્ષણોવાળા વિકારો, જે ફક્ત કોઈ ચોક્કસ સમાજ કે સંસ્કારજૂથમાં જોવા મળે છે તે. તેમને સંસ્કાર-વિશિષ્ટ (culture specific) સંલક્ષણો કહે છે. આ વિકારોમાં કોઈ શારીરિક અવયવ કે ક્રિયા વિકારયુક્ત હોતાં નથી અને તે ચોક્કસ સમાજોમાં જ જોવા મળે છે : જોકે મોટાભાગના માનસિક વિકારોમાં સંસ્કારની અસર જોવા મળે છે; પરંતુ આ પ્રકારના વિકારોમાં તે વધુ સ્પષ્ટ અને વિશિષ્ટ સ્વરૂપે જોવા મળે છે. અમેરિકન મનશ્ર્ચિકિત્સક આર્થર ક્લિનમૅને આ અંગે વિશેષ સમજણ પૂરી પાડી છે.

લાક્ષણિકતાઓ : જે તે સંસ્કારજૂથમાં તેમને એક રોગ તરીકે સ્વીકારાયા હોય, જે તે સંસ્કારજૂથમાં તેને વિશે વ્યાપક જાણકારી હોય, અન્ય સંસ્કારજૂથોમાં તેને વિશે સંપૂર્ણ અજ્ઞાન હોય, દર્દીને ફક્ત તકલીફો (લક્ષણો, symptoms) હોય; પરંતુ કોઈ અવયવની વિકૃતિ કે વિકાર ન હોય તથા તેની સ્થાનીય દેશી-ઉપચારથી સારવાર થતી હોય એવા 5 લાક્ષણિકતાઓવાળા લક્ષણ-સમૂહોને સંસ્કારબદ્ધ સંલક્ષણ કહે છે; દા.ત., ભારતીય પુરુષોમાં પેશાબમાં ‘ધાતુ જવી’નું સંલક્ષણ.

કેટલાંક સંસ્કારબદ્ધ સંલક્ષણોમાં પીડા કે અન્ય પ્રકારની અવયવ કે અંગ સંબંધિત ક્રિયાવિકાર થાય છે; પરંતુ મોટાભાગનામાં તે વર્તનલક્ષી વિકાર હોય છે. કેટલાંક સંસ્કારબદ્ધ સંલક્ષણો એકથી વધુ સંસ્કારજૂથોમાં જોવા મળે છે; જેમ કે, ‘ધાતુ જવી’ કે શિશ્નવિલયના ભયભીતો (Penis Panics). સંસ્કારબદ્ધ સંલક્ષણો કોઈ ચોક્કસ પ્રદેશોમાં નહિ; પરંતુ ચોક્કસ સંસ્કારજૂથોમાં જોવા મળે છે. તેમને રોગોના પશ્ર્ચિમી વર્ગીકરણમાં સમાવિષ્ટ કરવાં મુશ્કેલ હોવા છતાં તેઓને છેતરપિંડી કે કાલ્પનિક કહી શકાય તેમ હોતાં નથી. તેઓ જે તે સંસ્કારજૂથ(સમાજ)ની માંદગી વિશેની સંકલ્પનાના આધારે ઓળખાયાં હોય છે. તેથી તેમનાં નામો પણ સ્થાનિક ભાષાનાં જ હોય છે. તેમની સારવાર મુશ્કેલ હોય છે અને તેમને માટે સ્થાનિક (દેશી ઉપચાર) અસરકારક રહે છે. સામાન્ય રીતે તબીબે દર્દીની વિચારવાની પદ્ધતિ સમજીને દેશી ઉપચાર સૂચવવો, શક્ય હોય તેમાં આધુનિક વિચારપદ્ધતિએ સુધારો કરવો અને દર્દીને યોગ્ય શારીરિક-માનસિક શિક્ષણ આપવું – એમ મુખ્ય 3 બાબતોએ તેમની સારવાર કરવી એવું સૂચવાયેલું છે.

સારણી 1 : કેટલાંક સંસ્કારબદ્ધ સંલક્ષણો

સંસ્કારજૂથ ઉદાહરણો
1. સર્વસામાન્ય દુષ્ટનેત્ર (evileye), જનનાંગ વિલયન સંલક્ષણ(genital retraction syndrome, GRS), આર્કિક હિસ્ટેરિયા, ડ્રૉમોમેનિયા, ધાત-સંલક્ષણ (ધાતુ જવી).
2. પાશ્ર્ચાત્ય સમાજ મનોદુર્બળતા (neurasthenia), અજ્ઞાતમૂલ આહારોત્તર સંલક્ષણ (idiopathic postprandial syndrome), પુનરાવર્તી ત્રસ્તતાસંલક્ષણ (reament stress syndrome), મનોવિકારી અરુચિ (anorexia nervosa), મનોવિકારી અતિક્ષુધા (bulimia nervosa), ધર્મલક્ષી અરુચિ (religious anorexia).
3. લૅટિન અમેરિકા માલ ડી પેલિયા, સુસ્ટો
4. દક્ષિણ-પૂર્વ એશિયા (ઇન્ડોનેશિયા, મલયેશિયા) ઉન્માદ (amok), લટાહ, કોરો
5. પૂર્વ એશિયા (ચીન) : શુકિયાંગ અથવા સુયોંગ, શેન્કુઈ (ધાતુ જવી), કિ-ગોંગ તીવ્રમનોવિકારી પ્રતિક્રિયા, શેન્જિંગ, શુઆઈ રુઓ; (કોરિયા) : હ્વા-બ્યુંગ, ફેન્ડેથ; (જાપાન) : તાઇજિન ક્યોફુશો, હિકીકોમોરી.
6. દક્ષિણ એશિયા (ભારત) ધાતુ જવી, (તામિલ) : સુઉડુ સામી
7. અમેરિકન આદિવાસી વિન્ડિગો (માનવભક્ષી તીવ્ર મનોવિકાર)
8. અમેરિકા રુટવર્ક, વિચક્રાફટ-ઍટૅક
9. આફ્રિકા બ્રેઇન ફૅગ, માનસિક થાક

કેટલાક દેહસ્વરૂપી (somato form) મનોવિકારોને પણ સંસ્કારબદ્ધ સંલક્ષણ ગણવા વિશે સૂચન છે. તેમાં જેરૂસલેમ સંલક્ષણ, તબીબી વિદ્યાર્થી સંલક્ષણ, દેહનિરૂપી (somatisation) સંલક્ષણ વગેરેનો સમાવેશ થાય છે.

ધાતુ જવી : ભારતીય ઉપખંડમાં પેશાબમાં ‘ધાતુ જવી’ અથવા ‘સફેદી જવી’ નામનો વિકાર જોવા મળેલો છે. આ વિકારવાળા પુરુષોમાં કાલપૂર્વ વીર્યક્ષેપ (premature ejaculation) અને નપુંસકતા આવે છે. તેઓ એવું માને છે કે તેઓ તેમના પેશાબમાં વીર્ય ગુમાવી રહ્યા છે. હિન્દુ વિચારસરણીમાં વીર્યને જીવન-પ્રવાહી (vital fluid) માનવામાં આવે છે. એવી માન્યતાને આધારે આ પ્રકારની તકલીફ જોવા મળે છે. તેથી હસ્તક્ષેપ કે અન્ય રીતે થતા વીર્યક્ષેપને કારણે ક્યારેક ચિંતા ઉદ્ભવે છે. સામાન્ય રીતે તે યુવાન પુરુષોમાં (ક્યારેક સ્ત્રીઓમાં) જોવા મળે છે. ‘વીર્ય ગુમાવવા’થી ઉદ્ભવતી ચિંતા અન્ય સમાજોમાં પણ જોવા મળે છે; જેમ કે જીર્યાન શેન-કુઈ (ચીન) વગેરે નામના વિકારો. સામાન્ય રીતે વર્તન-ચિકિત્સા, જાતીય શિક્ષણ તથા પ્રતિચિંતા અને પ્રતિખિન્નતા ઔષધો વડે સારવાર અપાય છે.

શિલીન નં. શુક્લ