સંસ્કાર : ચલચિત્ર. નિર્માણવર્ષ : 1970. ભાષા : કન્નડ. શ્વેત અને શ્યામ. દિગ્દર્શક : ટી. પટ્ટાભિરામ રેડ્ડી. પટકથા : ગિરીશ કર્નાડ. કથા : અનંતમૂર્તિની નવલકથા ‘સંસ્કાર’ પર આધારિત, યુ. આર. સંગીત : રાજીવ તારનાથ. છબિકલા : ટૉમ કોવેન. મુખ્ય કલાકારો : ગિરીશ કર્નાડ, સ્નેહલતા રેડ્ડી, પી. લંકેશ, બી. આર. જયરામ, દશરથી દીક્ષિત, લક્ષ્મી કૃષ્ણમૂર્તિ.

કન્નડ ચિત્રોમાં નવી ધારાનાં ચિત્રોના પ્રણેતા ગણાતા દિગ્દર્શક ટી. પટ્ટાભિરામ રેડ્ડી પોતે જે વિચારધારામાં માનતા હતા તેને પોતાનાં ચિત્રો દ્વારા રજૂ કરવા માટે જાણીતા હતા. તેમણે બનાવેલું ચિત્ર ‘સંસ્કાર’ કન્નડ ચિત્રોને માત્ર ભારતમાં જ નહિ, પણ આંતરરાષ્ટ્રીય ચિત્રજગતમાં એક આગવી ઓળખ અપાવનારું ગણાય છે. કન્નડ સમાજની રૂઢિઓ અને રીતરિવાજો સામે ‘સંસ્કાર’માં અવાજ ઉઠાવાયો હોઈ આ ચિત્રને સેન્સર બોર્ડમાં મંજૂર થતાં પણ ખાસ્સી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. કર્ણાટકના બ્રાહ્મણ સમાજે આ ચિત્રના પ્રદર્શન સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.

દક્ષિણ મૈસૂરના એક ગામમાં બે બ્રાહ્મણો રહે છે. તે પૈકી એક પ્રાણેશાચાર્ય નીતિમત્તા અને ધર્મકર્મને માનનારો છે અને બીજો નારાયણપ્પા કોઈ નિયમો અને બંધનોને ન માનનારો બળવાખોર છે. તે હંમેશાં નિયમો તોડતો રહે છે. તેને દારૂની લત છે. એક દિવસ નારાયણપ્પાનું મોત થાય છે. તેની રખાત ચંદ્રી પ્રાણેશાચાર્ય પાસે આવીને તેના અંતિમ સંસ્કાર કરવા અનુરોધ કરે છે. ગામના બીજા બ્રાહ્મણો તેના અંતિમ સંસ્કાર કરવા તૈયાર નથી; પણ જ્યાં સુધી તેના અંતિમ સંસ્કાર ન થાય ત્યાં સુધી કોઈ ભોજન કરી શકે તેમ નથી. તેમના કહેવાથી પ્રાણેશાચાર્ય શાસ્ત્રો ઉથલાવે છે, પણ કોઈ નિર્ણય લઈ શકતા નથી. દરમિયાનમાં નદીકિનારે મંદિરમાં ધ્યાન કરવા ગયેલા પ્રાણેશાચાર્ય ચંદ્રીને જુએ છે અને તેના યૌવન સમક્ષ અસહાય થઈ આત્મસમર્પણ કરી બેસે છે. એ વખતે નારાયણપ્પાની લાશ પડી રહે છે. તેનું મોત પ્લેગને કારણે થયું હતું. થોડા સમયમાં પ્લેગ વધુ લોકોને ભરખવા માંડે છે. તેમાં થોડાં વર્ષોથી સતત બીમાર રહેતી પ્રાણેશાચાર્યની પત્નીનું પણ મોત થાય છે. હવે પસ્તાઈ રહેલા પ્રાણેશાચાર્ય એક નીચી જાતિની વ્યક્તિ પુટપ્પા સાથે નજીકના એક ગામમાં મેળામાં જાય છે. ત્યાં મજબૂરીવશ તેઓ એક એવા મંદિરમાં પ્રસાદ લેવા પહોંચી જાય છે, જ્યાં કાયદેસર રીતે તેમને જવાનો કોઈ અધિકાર નહોતો. પ્રાણેશાચાર્યને ખ્યાલ આવે છે કે તેઓ પોતાની જ કમજોરી પર કાબૂ મેળવી શક્યા નથી. તેમને નારાયણપ્પા સામે આંગળી ચીંધવાનો કોઈ અધિકાર નથી. તેઓ ગામ પરત આવીને નારાયણપ્પાના અંતિમ સંસ્કાર કરાવે છે. આ ચિત્રને 1970માં શ્રેષ્ઠ ચિત્રનું રાષ્ટ્રીય પારિતોષિક એનાયત થયું હતું. લોકાર્નો ખાતે આંતરરાષ્ટ્રીય ચલચિત્ર મહોત્સવમાં આ ચિત્રને બ્રૉન્ઝ લેપર્ડ ઍવૉર્ડ એનાયત થયો હતો. ગિરીશ કર્નાડે અભિનેતા તરીકે આ ફિલ્મથી પોતાની કારકિર્દીનો આરંભ કર્યો હતો.

હરસુખ થાનકી