સંસ્કાર્તા, નાનુરામ (. 20 જુલાઈ 1916, ખારી, જિ. બિકાનેર, રાજસ્થાન) : રાજસ્થાની અને હિંદી લેખક. તેમણે કાશી સંસ્કૃત યુનિવર્સિટીમાંથી ‘સંસ્કૃતભૂષણ’; પંજાબ યુનિવર્સિટીમાંથી ‘પ્રભાકર’, ‘સાહિત્યરત્ન’ અને ‘સાહિત્ય મહોપાધ્યાય’ની પદવીઓ મેળવી હતી. તેઓ રાજસ્થાન સાહિત્ય અકાદમી, ઉદેપુરના સભ્ય રહેલા. અધ્યાપનકાર્ય કરી તેઓ સેવાનિવૃત્ત થયા છે.

તેમણે રાજસ્થાની તથા હિંદીમાં કુલ 35 ગ્રંથો આપ્યા છે. તેમાં નોંધપાત્ર છે : રાજસ્થાની ‘સમય વાયરો’ (1951); ‘સાંકલ-સંધાન’ (1973); ‘ઇન્દ્રશતક’ (1985); ‘ગીતમાલા’ (1991)  એ બધા કાવ્યસંગ્રહો છે તો ‘ઘોઈ’ (1956) અને ‘દસ દોખ’ (1965)  એ વાર્તાસંગ્રહો; ‘ઢાઈ બિગા’ (1993) નવલકથા અને ‘એકાંકી તિકડમ’ (1985) નાટકો છે. હિંદીમાં ‘બટોહી’ (1952); ‘ચાયપુરાણ’ (1975); ‘બિભુ બહત્તરી’ (1997) – એ કાવ્યસંગ્રહો; ‘ગાઓ અગમ’ (1988) અને ‘ઘર જન્વાઈ’ (1993)  એ વાર્તાસંગ્રહો તથા ‘પર્સિયા પાન’ (1979) નિબંધસંગ્રહ અને ‘રાજસ્થાન કા લોકસાહિત્ય’ (1966) – એ લોકસાહિત્ય વિશેનો ગ્રંથ છે.

તેમને 1961માં સાહિત્ય-પુરસ્કાર; 1977માં રાજસ્થાન સાહિત્ય-પુરસ્કાર; 1987માં રાજસ્થાની ભાષાસાહિત્ય અને સંસ્કૃતિ અકાદમી એવૉર્ડ; 1994માં ગણેશીલાલ વ્યાસ ‘ઉસ્તાદ’-પુરસ્કાર પ્રાપ્ત થયા છે.

બળદેવભાઈ કનીજિયા