સંરચના (structure) : ખડક કે ખનિજમાં જોવા મળતું રચનાત્મક લક્ષણ. રચનાત્મક લક્ષણ ખડકો કે ખનિજોમાં તેમનાં વિશિષ્ટ દેખાવ, આકાર કે ગોઠવણીને કારણે ઉદ્ભવતું હોય છે, તે મુજબ તેનાં નામ અપાય છે. ભૂસ્તરશાસ્ત્રની જુદી જુદી શાખાઓમાં સંરચનાનું અર્થઘટન જુદી જુદી રીતે થાય છે.

ખનિજશાસ્ત્રની દૃષ્ટિએ : અમુક ખનિજો તેમના બાહ્ય દેખાવમાં ક્યારેક ચોક્કસ પ્રકારની ગોઠવણીવાળાં કે ભૌમિતિક આકારવાળાં હોય છે. આ આકારોને ‘સંરચના’ નામથી દર્શાવાય છે; જેમ કે રેસાદાર, સ્તંભાકાર, પતરીમય, પર્ણાકાર, સોયાકાર, ક્ષીરગ્રંથિમય, વૃક્કાકાર, પત્રબંધીવx, વિકેન્દ્રિત, મેજ-આકાર, ગોલક-આકાર, કાંકરીમય, ગઠ્ઠામય વગેરે.

ખડકવિદ્યાની દૃષ્ટિએ : ખડકોમાં જોવા મળતી સંરચનાઓને ખડકમાળખાના સંદર્ભમાં બે પ્રકારોમાં વહેંચી શકાય :

(1) સ્થૂળ સંરચનાઓ (mega structures) : ખડકદળમાં તે નરી આંખે દેખાય છે.

(2) સૂક્ષ્મ સંરચનાઓ (micro structures) : આ રચનાઓ માત્ર સૂક્ષ્મદર્શક હેઠળ જ દેખાય છે.

પ્રથમ પ્રકારમાં પ્રસ્તરીકરણ, સ્તરભંગ, ગેડ, સાંધા, ખંડ-લાવા, રજ્જુ-લાવા, તકિયા-લાવા, પ્રવાહરચના, ખડક-સંભેદ, પત્રબંધી, રેખીય રચનાનો સમાવેશ થાય છે. બીજા પ્રકારમાં સ્ફેર્યુલિટિક તેમજ અન્ય ઘણી બધી સંરચનાઓનો સમાવેશ થાય છે. (જુઓ સૂક્ષ્મ સંરચનાઓ).

ખડકજૂથના આંતરસંબંધોનું વર્ણન કરવા માટે પણ ‘સંરચના’ શબ્દનો ઉપયોગ થાય છે; જેમ કે, સ્તરભંગક્રિયા, ગેડીકરણ, અસંગતિ, અતિવ્યાપ્તિ વગેરે. આવી સંરચનાઓ મોટેભાગે ભૂસંચલનજન્ય હોય છે. ખડકોમાંના જુદા જુદા ઘટકો વચ્ચેના આંતરસંબંધો માટે પણ ‘સંરચના’ શબ્દ વપરાય છે; જેમ કે, કણરચના. પરંતુ વાસ્તવમાં તે સંરચના નથી, તે ખનિજોની અરસપરસની ગોઠવણી છે; પરંતુ પ્રવાહરચના, બદામાકાર સંરચના, સ્તરરચના, સંભેદ, બ્રેક્સિયાકરણ જેવી સંરચનાઓને અહીં ઉદાહરણ રૂપે નિર્દેશી શકાય.

ખડકપ્રકારોના સંદર્ભમાં સંરચનાઓને વહેંચી શકાય : અગ્નિકૃત ખડકોમાં તેમની ઉત્પત્તિસ્થિતિ મુજબ જે સંરચનાઓ ઉદ્ભવે છે તે આ પ્રમાણે છે :

1. મૅગ્મા કે લાવાની સ્નિગ્ધતા કે તરલતા મુજબ પ્રવાહરચના, તકિયા-રચના, રજ્જુ-લાવા, સ્ફેર્યુલિટિક અને ઑર્બિક્યુલર સંરચનાઓ તૈયાર થતી હોય છે.

2. મૅગ્મા કે લાવાના ઘનીભવન દરમિયાન તડો, ફાટો, સાંધા, કોટરયુક્ત સંરચનાઓ તૈયાર થતી હોય છે.

3. પ્રકીર્ણ સંરચનાઓ : પરિવેદૃષ્ટિત કિનારીઓ, આગંતુક સંરચના વગેરે.

જળકૃત ખડકોમાં જોવા મળતી સંરચનાઓ ખડક સહજાત (syngenetic) કે ખડકપશ્ચ (epigenetic) ઉત્પત્તિવાળી હોય છે. ભૌતિક લક્ષણોથી રજૂ થતી સંરચનાઓ તેમની જમાવટ દરમિયાન તૈયાર થતી હોય છે; જેમ કે, સ્તરરચના, પડરચના, પ્રવાહપ્રસ્તર, કણકદ કક્ષાકીય ગોઠવણી, આતપતડ, વર્ષાબિન્દુછાપ વગેરે. રાસાયણિક ફેરફારો દ્વારા કંકરયુક્ત, રવાદાર, વટાણાકાર, ગઠ્ઠાયુક્ત, સ્ફટિક પોલાણો જેવી સંરચનાઓ બને છે. જીવાવશેષો, પ્રવાળરચના તથા લીલને કારણે (સ્ટ્રોમેટોલાઇટ) પણ જીવજન્ય સંરચનાઓ તૈયાર થાય છે.

વિકૃત ખડકોમાં સ્લેટસંભેદ, ફાટસંભેદ, શિસ્ટોઝ, નાઇસોઝ, મૅક્યુલોઝ, ગ્રૅન્યુલોઝ, ઑગેન, કેટાક્લાસ્ટિક, પૉર્ફિરોબ્લાસ્ટિક, ગ્રૅનોબ્લાસ્ટિક જેવી સંરચનાઓ તૈયાર થાય છે.

માત્ર નામ તરીકે પણ ‘સંરચના’ શબ્દનો ક્યારેક ઉપયોગ થાય છે; જેમ કે, ખનિજતેલના સંદર્ભમાં ભૂસ્તરવિદો/સ્તરવિદો શારકામ વખતે ‘તેલધારક ખડકરચના’નું શારકામ છે એવું અર્થઘટન કરે છે.

સ્ફટિકવિદ્યાના અભ્યાસમાં ખનિજ-સ્ફટિકોના અણુમાળખા માટે પણ ‘સંરચના’ શબ્દનો ઉપયોગ થાય છે. રચનાત્મક ભૂસ્તરશાસ્ત્રમાં સ્તરનિર્દેશન-દિશા માટે પણ તે વપરાય છે. સર્વસામાન્ય અર્થમાં કોઈ પણ વિસ્તારનાં સંરચનાત્મક લક્ષણો વર્ણવવા માટે પણ આ શબ્દ વપરાય છે.

ગિરીશભાઈ પંડ્યા