સંરક્ષણવાદ (protectionism) : મુક્ત આંતરરાષ્ટ્રીય વ્યાપારને કારણે ઉદ્ભવતી હરીફાઈ સામે દેશના (home) ઉદ્યોગો ટકી શકે તે માટે અથવા તેમના વિકાસને ઉત્તેજન આપવાના વિશિષ્ટ હેતુથી દાખલ કરવામાં આવતી વ્યાપારનીતિ. તે દેશની વાણિજ્યનીતિનો એક અગત્યનો ભાગ હોય છે. તે બે રીતે દાખલ કરવામાં આવતી હોય છે : (1) દેશના ઉત્પાદકોને આર્થિક મદદ (bounties) અથવા સબસિડી આપીને અને (2) આયાત થતી ચીજવસ્તુઓ પર આયાત-જકાત લાદીને અથવા વસ્તુદીઠ આયાત-પરિમાણ નક્કી કરીને. સર્વસામાન્ય રીતે વિદેશી વસ્તુઓ પર આયાત-જકાત લાદવાની નીતિને સંરક્ષણ-નીતિ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ બહોળા અર્થમાં વિચારતાં પરદેશથી આયાત કરવામાં આવતી કોઈ પણ મહત્ત્વની ચીજવસ્તુની દેશના ખરીદનારાઓને આપવી પડતી કિંમતમાં, તેની આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રવર્તમાન કિંમત કરતાં વધારે કિંમત આપવી પડે તે હેતુથી દાખલ કરવામાં આવતી વ્યાપારનીતિ પણ સંરક્ષણવાદની એક અભિન્ન અંગ ગણાતી હોય છે. કેટલાક દેશોમાં પોતાના દેશમાં બનેલી વસ્તુઓને રાજ્ય દ્વારા થતી ખરીદીમાં પસંદગી આપીને પણ સંરક્ષણની નીતિ અમલમાં મુકાય છે.

સંરક્ષણવાદની તરફેણમાં છ આર્થિક દલીલો તથા ત્રણ બિનઆર્થિક દલીલો પ્રસ્તુત કરવામાં આવે છે. આર્થિક દલીલોમાં બાલ્યાવસ્થાના ઉદ્યોગોને તેમના શૈશવકાળ દરમિયાન વિદેશી હરીફાઈ સામે રક્ષણ આપવા માટે લેવામાં આવતાં વ્યાપારી પગલાંઓ, દેશમાં વૈવિધ્યપૂર્ણ ઔદ્યોગિક માળખું ઊભું થાય તે માટે લેવામાં આવતાં વ્યાપારનીતિ હેઠળનાં પગલાંઓ, દેશમાં રોજગારીની તકો વિસ્તારવા માટે વ્યાપારનીતિ હેઠળ લેવાતાં પગલાંઓ, દેશની ‘લેણદેણની તુલા’ અને ‘વ્યાપારતુલા’માં સમતુલા દાખલ થાય તે હેતુથી વ્યાપારનીતિ હેઠળ લેવાતાં પગલાંઓ, શ્રમિકોનાં વેતન-વિષયક તથા જીવનધોરણ ટકાવી રાખવા અંગેનાં હિતોના રક્ષણ માટે વ્યાપારનીતિ હસ્તક લેવાતાં પગલાંઓ અને માલના લાદણ(dumping)ને અટકાવવાના હેતુથી વ્યાપારનીતિ હસ્તક લેવામાં આવતાં પગલાંઓ વિશેષ નોંધપાત્ર ગણાય.

અર્થશાસ્ત્રી જે. એસ. મિલ(1806-73)ના કથન મુજબ બાલ્યાવસ્થાના ઉદ્યોગોને તેમના શૈશવકાળ દરમિયાન અપાતું સંરક્ષણ ટૂંકા ગાળા પૂરતું જ હોવું જોઈએ અને તે ગાળા દરમિયાન પોતાનો પૂરતો વિકાસ કરવાની ગર્ભિત ક્ષમતા બાલ્યાવસ્થાના જે ઉદ્યોગો ધરાવતા હોય માત્ર તેમને જ સંરક્ષણનીતિનો લાભ પહોંચે તેવી તકેદારી રાખવી જોઈએ, અન્યથા સંરક્ષણની નીતિ કાયમી બનવાનો ભય ઊભો થતો હોય છે. ‘Once an infant, always an infant’ – આ ભય ટાળવાનો પૂરેપૂરો પ્રયાસ થાય તે જરૂરી છે. જર્મન અર્થશાસ્ત્રી ફ્રેડરિક લિસ્ટે (1789-1846) ‘ભેદભાવયુક્ત સંરક્ષણ’(discriminating protection)ની નીતિની હિમાયત કરી છે; જેની હેઠળ, ભવિષ્યમાં વિકાસ કરવા માટેની ગર્ભિત શક્તિ ધરાવતા બાલ્યાવસ્થાના ઔદ્યોગિક એકમો પૂરતી જ આ નીતિ મર્યાદિત રાખવાની રહે છે. પ્રોફેસર લિયૉનેલ રૉબિન્સ(1898-1984)ના મંતવ્ય મુજબ જે ઔદ્યોગિક એકમો પ્રવર્તમાન વ્યાજના દરની જગ્યાએ ચક્રવૃદ્ધિ વ્યાજનો દર સર્જવાની ગર્ભિત શક્તિ ધરાવતા હોય માત્ર તેવા જ બાલ્યાવસ્થાના ઉદ્યોગોને વ્યાપારનીતિ હેઠળ સંરક્ષણ આપવું જોઈએ. આ બધી કસોટીઓ એવી છે કે જેની હેઠળ બાલ્યાવસ્થાના ઉદ્યોગોની પસંદગી અશક્ય નહિ તો કઠિન તો બને જ છે. એક એવી પણ દલીલ કરવામાં આવે છે કે એક વાર સંરક્ષણની નીતિના લાભ તેમને મળતા થાય તો બાલ્યાવસ્થાના ઉદ્યોગોને તે લાભ કાયમી ધોરણે મળતા રહે તે માટે પોતાના સઘળા પ્રયત્નો કેન્દ્રિત કરે અને વિકાસ સાધવાના પ્રયાસ ઇરાદાપૂર્વક પડતા મૂકે.

ફ્રેડરિક લિસ્ટે સંરક્ષણની જે નીતિની હિમાયત કરી છે તે ‘ભેદભાવયુક્ત સંરક્ષણ’ની નીતિ અસમતોલ ઔદ્યોગિક વિકાસ ધરાવતા દેશોને જ લાગુ પડે છે, બધા દેશના બાલ્યાવસ્થાના ઉદ્યોગોને નહિ. તેવી જ રીતે જે દેશમાં શ્રમનો સાપેક્ષ પુરવઠો તેની માંગ કરતાં વધારે હોય તેવા ‘શ્રમવિપુલ’ દેશમાં સ્થાનિક ઉદ્યોગોને વિદેશી હરીફાઈ સામે રક્ષણ આપવાથી કમ સે કમ ટૂંકા ગાળામાં દેશમાં રોજગારીની તકોનું વિસ્તરણ થશે એવી દલીલ પણ કરવામાં આવે છે, જે અમુક અંશે વાજબી ગણાય.

સંરક્ષણની નીતિની તરફેણમાં જે બિનઆર્થિક દલીલો કરવામાં આવે છે તેમાં વિદેશી આક્રમણ સામે દેશનું આર્થિક માળખું મજબૂત કરવાનો હેતુ વિશેષ નોંધપાત્ર ગણાય. આર્થિક રીતે દેશ સ્વાવલંબી બને તો વિદેશી આક્રમણનો સામનો વધારે સશક્ત રીતે કરી શકાય આ વિચારથી સંરક્ષણની નીતિની તરફેણ કરવામાં આવે છે. બીજી રીતે કહીએ તો સંરક્ષણની નીતિ વિકાસોન્મુખ હોવી જોઈએ આ તેનો ભાવાર્થ છે. દેશના લોકોમાં સ્વદેશાભિમાન જાગ્રત કરવા માટે એટલે કે સ્વદેશી ચીજવસ્તુઓની વપરાશને પ્રોત્સાહન આપવા માટે પણ સંરક્ષણની નીતિ જરૂરી હોય છે એવી પણ એક દલીલ કરવામાં આવે છે. તેવી જ રીતે કારીગરોના કેટલાક વર્ગો તથા કેટલાક હુન્નરો ટકાવવા માટે પણ જે તે ક્ષેત્રના એકમોને આર્થિક સંરક્ષણ આપવું જોઈએ એવું સૂચન પણ કરવામાં આવે છે. વિકાસશીલ દેશોના વિશિષ્ટ સંદર્ભમાં સંરક્ષણની નીતિની તરફેણ આર. ડી. પ્રેબિશે (1901-86) ભારપૂર્વક કરી હતી.

સંરક્ષણની ઉપર દર્શાવેલ દલીલો એક જમાનામાં પ્રસ્તુત ભલે ગણાતી હોય છતાં 1 જાન્યુઆરી 1995ના રોજ વિશ્વવ્યાપાર સંગઠન (WTO) અસ્તિત્વમાં આવતાં સંરક્ષણની તરફેણની ઉપર્યુક્ત દલીલોની તીક્ષ્ણતા હવે ઓછી થતી જાય છે, કારણ કે વિશ્વવ્યાપાર-સંગઠનનો મુખ્ય ઉદ્દેશ મુક્ત આંતરરાષ્ટ્રીય વ્યાપારની આડે આવતા આયાત-જકાતો જેવા માનવસર્જિત અવરોધો ક્રમશ: ઘટાડવાનો છે અને તે માટે આ સંસ્થા તેના સ્થાપના-કાળથી જ પ્રયત્નશીલ બની છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે