સંબોધનકાવ્ય : (જુઓ ઓડ.) ગુજરાતી સાહિત્યમાં ‘ઓડ’ની સંજ્ઞા આપી શકાય એવાં ‘ઉદ્બોધન’કાવ્ય. તેનો પ્રયોગ છેક દલપત-નર્મદથી માંડીને રાજેન્દ્ર શાહ ને તે પછીના કવિઓએ કરેલો છે. બલવંતરાય ક. ઠાકોરે ‘લિરિક’ મહાનિબંધમાં ઓડનો ઉલ્લેખ ‘ભાવનિક’ કે ‘વિભાવિકા’ તરીકે પણ કરી શકાય એમ જણાવ્યું છે. ‘ઓડ’ એટલે ‘સંબોધનકાવ્ય’. આ પ્રકારનું કાવ્ય દીર્ઘ, ભારઝલ્લું અને ઊર્મિચિંતનપ્રાણિત હોય છે. ‘ઓડ’ શબ્દનો મૂળ અર્થ ગીત થાય છે. આમાં સ્વરૂપ અને શિલ્પવિધાનમાં કલાકીય સભાનતા પણ જોવા મળતી હોય છે. ગીતના ઉછાળ અને સાદગી ઓડમાં ભાગ્યે જ જોવા મળે છે. કોઈ પણ વસ્તુ કે વ્યક્તિને ઉદ્દેશીને રચાયેલાં સંબોધનકાવ્યમાં ગરિમા તો હોય પણ સાથે સાથે તેમાં વિષય, લાગણી અને શૈલીની બાબતમાં પ્રૌઢતા પણ હોય છે.

‘ક્લાન્ત કવિ’ કવિ બાળાશંકરનું અને ‘ગુજરાતનો તપસ્વી’ ન્હાનાલાલનું (ગાંધીજીને ઉદ્દેશીને રચાયેલું) સંબોધનકાવ્ય છે. સુન્દરમનાં ‘બહુરૂપિણી’ તથા ‘ઝંઝાનિલને’ તથા ઉમાશંકરનાં ‘નિશીથ’ અને ‘સીમાડાનો પથ્થર’, ‘પૃથ્વીને’ અને ‘પવનને’ ઉદ્બોધન કે સંબોધનકાવ્યો છે. ‘હે અંધકાર’, ‘અશ્રુ હે !’ જેવાં કવિ રાજેન્દ્રનાં કાવ્યોને સંબોધનકાવ્યનાં દૃષ્ટાંતો તરીકે તપાસી શકાય.

સંબોધનકાવ્યનાં લક્ષણોમાં સંબોધનતત્ત્વ અને ઊર્મિચિંતન મુખ્ય છે. તેમાં એક પ્રકારનું ગાંભીર્ય અને પ્રશંસા અભિવ્યક્ત થાય છે. તેમાં તત્ત્વચિંતન પણ આવે છે. ભાવવિચારના સૂત્રથી બદ્ધ આ પ્રકારના કાવ્યમાં સૌન્દર્યતત્ત્વને પકડવાનો કવિનો અભિનિવેશ ઉલ્લેખપાત્ર છે.

વિ. પ્ર. ત્રિવેદી