સંબંધો (નવ્યન્યાય) : ભારતીય નવ્યન્યાયશાસ્ત્ર અને તર્કશાસ્ત્રનો એક ખ્યાલ. નવ્યન્યાયમાં વિશિષ્ટ જ્ઞાનનું નિયમન કરનાર જે તત્ત્વ હોય તેનું નામ સંબંધ. નવ્યન્યાયમાં સંબંધો મુખ્યત્વે બે પ્રકારના બતાવ્યા છે : (1) મુખ્ય સંબંધો અને (2) ગૌણ સંબંધો. તેમાં મુખ્ય સંબંધો ચાર છે : (1) સંયોગ, (2) સમવાય, (3) સ્વરૂપ અને (4) તાદાત્મ્ય. ગૌણ સંબંધો અનેક છે : અવચ્છેદકતા, નિરૂપકતા, આધારતા (અધિકરણતા), અનુયોગિતા વગેરે. દોષરહિત, યથાર્થ વિચારને સુનિશ્ચિત રીતે ભાષામાં પ્રસ્તુત કરવા માટે આ ગૌણ સંબંધો નવ્યન્યાયમાં મહત્ત્વનો ભાગ ભજવે છે.

1. સંયોગસંબંધ : વૈશેષિક દર્શને સ્વીકારેલા દ્રવ્ય, ગુણ, કર્મ વગેરે સાત પદાર્થોમાંનો, સંયોગ એ (24 ગુણોમાંનો) એક ગુણ પદાર્થ છે. સંયોગનું લક્ષણ છે : જે બે દ્રવ્યો પૂર્વે ભેગાં ન થયેલાં હોય તે બે દ્રવ્યો એકબીજાંને પ્રાપ્ત કરે (ભેગાં થાય); જેમ કે, ટેબલ પર પુસ્તક મૂકવાથી ટેબલ (દ્રવ્ય) અને પુસ્તક (દ્રવ્ય) વચ્ચે સંયોગ થાય છે. સંયોગ હંમેશાં બે દ્રવ્યો વચ્ચે જ થાય છે. વળી, સંયોગ એ પોતે ગુણ હોવાથી, સંયોગવાળાં દ્રવ્યોમાં (ઉપરના ઉદાહરણમાં ટેબલમાં અને પુસ્તકમાં) સમવાયસંબંધથી રહે છે.

સંયોગ એ સામાન્યત: વૃત્તિનિયામક સંબંધ છે. એટલે કે એક પદાર્થ (પુસ્તક), બીજા પદાર્થ (ટેબલ) ઉપર (કે માં) રહેતો હોય એમ સૂચિત થાય છે. બીજું, સંયોગ સામાન્યત: અવ્યાપ્યવૃત્તિવાળો સંબંધ છે. અર્થાત્, જે બે દ્રવ્યો વચ્ચે સંયોગ થાય તે બે દ્રવ્યોને સંપૂર્ણ રીતે આવરીને-વ્યાપીને સંયોગ રહેતો નથી. ટેબલ અને પુસ્તકનો સંયોગ થાય ત્યારે ટેબલના અમુક ભાગ સાથે પુસ્તકનો અમુક ભાગ જોડાય છે.

વળી, સંયોગ થાય ત્યારે બંને દ્રવ્યોમાં અથવા એક દ્રવ્યમાં ગતિ થવી જોઈએ; જેમ કે, હાથ વડે પુસ્તકમાં થતી ગતિ(થી થતો ટેબલ-પુસ્તકનો સંયોગ). ટેબલ અને હાથ વચ્ચે થતા સંયોગને સાક્ષાત્ સંયોગ કહેવાય અને એ સંયોગ દ્વારા થતા ટેબલ અને શરીર વચ્ચેના સંયોગને પરંપરાસંબંધ કહેવાય. ઘટ હંમેશાં સંયોગસંબંધથી જ ભૂતલ પર રહે છે; સમવાયસંબંધથી નહિ. એટલે घटवद् भूतलम् (ઘટવાળું ભૂતલ છે)  એ વાક્યાર્થને પ્રસ્તુત કરતી વખતે સ્પષ્ટ કરવું જોઈએ કે संयोगसंबंधावच्छिन्न​: घट​: (સંયોગસંબંધથી વિશિષ્ટ બનેલો ઘટ).

2. સમવાય : (सम् + अव + બનતો) સમવાય શબ્દ વૈશેષિક દર્શનમાં એક વિશિષ્ટ સંબંધને સૂચવે છે. વૈશેષિકના દ્રવ્ય, ગુણ, કર્મ વગેરે સાત પદાર્થોમાં સમવાય એ છઠ્ઠો સ્વતંત્ર પદાર્થ છે. સમવાયનું લક્ષણ છે : (તંતુઓ એ આધાર અને તે તંતુઓમાં રહેલો પટ એ આધેય એ રીતે) આધાર-આધેયભાવથી રહેલા પદાર્થો વિશે ‘અહીં (તંતુઓમાં) આ (પટ) છે’ એવું જ્ઞાન જેનાથી થાય એને સમવાય નામનો સંબંધ કહે છે. તેથી તંતુઓ (અવયવો) અને પટ (અવયવી) વચ્ચે સમવાયસંબંધ છે.

સમવાયસંબંધ પાંચ જોડીઓ વચ્ચે સ્વીકારવામાં આવ્યો છે; જેમ કે, (1) અવયવો (તંતુઓ-દ્રવ્ય) અને અવયવી (પટદ્રવ્ય), (2) દ્રવ્ય અને ગુણ (રાતી ગાય – માં રાતો ગુણ ગાય દ્રવ્યમાં સમવાયથી રહે છે), (3) દ્રવ્ય અને કર્મ (ક્રિયા; જેમ કે, ચાલતી ગાયમાં ચાલવાની ક્રિયા), (4) દ્રવ્ય અને સામાન્ય (જેમ કે, ગાય દ્રવ્યમાં રહેતું ગોત્વ કે ગાયપણું), (5) નિત્ય દ્રવ્ય અને ‘વિશેષ’ (સાત પદાર્થોમાં ‘વિશેષ’ નામનો એક સ્વતંત્ર પદાર્થ સ્વીકારવામાં આવ્યો છે. આકાશ, દિશા, કાલ, આત્મા, મન અને પરમાણુઓ એ છ નિત્ય દ્રવ્યોમાં વિશેષ સમવાયસંબંધથી રહે છે અને તે પ્રત્યેક પદાર્થને પરસ્પરથી ભિન્ન કરે છે.)

સમવાયસંબંધ એક જ છે અને નિત્ય છે. પૂર્વે પદાર્થો જુદા હતા અને પછી જોડાયા એવા નહિ તે પદાર્થોને અયુતસિદ્ધ પદાર્થો કહેવાય. આવા પદાર્થોની વચ્ચે જ સમવાયસંબંધ થાય છે. પટ (વસ્ત્ર) જ્યાં સુધી ટકી રહે ત્યાં સુધી તંતુઓથી ભિન્ન બનીને રહી શકે નહિ.

સમવાયસંબંધ વૃત્તિનિયામક સંબંધ છે. એટલે કે તંતુઓ અને પટ વચ્ચે સમવાયસંબંધ હોય ત્યારે તંતુઓમાં પટ રહેલો છે એવું સૂચન થાય છે. આ સંબંધ વ્યાપ્યવૃત્તિ છે; અર્થાત્, જે બે પદાર્થો વચ્ચે સમવાયસંબંધ હોય તે બે પદાર્થોને વ્યાપીને આ સંબંધ રહે છે. નૈયાયિકો સમવાયને પ્રત્યક્ષ માને છે. વૈશેષિકો તેને અનુમેય માને છે. ‘तन्तुषु पट​:’ (તંતુઓમાં રહેલો પટ) – એ વાક્યાર્થને નવ્યન્યાયની પરિભાષામાં સ્પષ્ટ કરતી વખતે ‘समवायसंबंधावच्छित​: पट​:’ એમ પટને વિશિષ્ટ કરવો પડે.

3. સ્વરૂપસંબંધ : બે સંબંધીઓથી ભિન્ન નહિ, પરંતુ બે સંબંધીઓના સ્વરૂપ તરીકે જ માનવામાં આવતા સંબંધને સ્વરૂપ-સંબંધ કહે છે. સંયોગ અને સમવાય એ બંને સંબંધી પદાર્થોથી (પુસ્તક અને ટેબલથી અને પટ અને તંતુઓથી) ભિન્ન સ્વતંત્ર પદાર્થો છે; પરંતુ સ્વરૂપસંબંધ બે સંબંધીઓથી સ્વતંત્ર ભિન્ન પદાર્થ નથી.

નવ્યન્યાયમાં સ્વરૂપસંબંધનું લક્ષણ છે : સંબંધી પદાર્થોથી બીજા કે ભિન્ન સ્વતંત્રસંબંધ વિના, વિશિષ્ટ જ્ઞાનને ઉત્પન્ન કરવાની યોગ્યતા એટલે સ્વરૂપસંબંધ; જેમ કે, ઘટના અભાવવાળું ભૂતલ છે. આ વાક્યથી ઘટાભાવથી વિશિષ્ટ ભૂતલ એવું વિશિષ્ટ જ્ઞાન ઉત્પન્ન થાય છે. આવું જ્ઞાન ઉત્પન્ન કરવાની બંને પદાર્થો(ઘટાભાવ અને ભૂતલ)ની યોગ્યતા એ જ સ્વરૂપસંબંધ. એટલે કે ઘટના અભાવ અને ભૂતલ વચ્ચે સ્વરૂપસંબંધ છે. ઘટાભાવ અને ભૂતલ વચ્ચે સંયોગસંબંધ નથી; કારણ કે, સંયોગ હંમેશાં બે દ્રવ્યો વચ્ચે જ થઈ શકે. ભૂતલ દ્રવ્ય છે પણ ઘટાભાવ એ દ્રવ્ય નથી. તંતુઓમાં પટ સમવેત થઈને રહે તેમ ઘટાભાવ સમવેત થઈને ભૂતલમાં રહેતો નથી. તેથી બંને વચ્ચે સમવાયસંબંધ પણ નથી. અહીં ઘટાભાવ એ વિશેષણ છે અને ભૂતલ એ વિશેષ્ય છે (ઘટાભાવવાળું ભૂતલ). તેથી આ સ્વરૂપસંબંધને અભાવીય વિશેષણતા સંબંધ પણ કહે છે.

સ્વરૂપસંબંધના, આ અભાવીય વિશેષણતા ઉપરાંત બીજા ત્રણ પ્રકારો છે : (1) કાલિક વિશેષણતા સંબંધ, (2) દૈશિક વિશેષણતા સંબંધ અને (3) પર્યાપ્તિસંબંધ.

(1) કાલિક વિશેષણતા સંબંધ : ઉત્પન્ન થતા ઘટની સાથે કાલદ્રવ્યનો સંબંધ થાય તેને કાલિક વિશેષણતા સંબંધ કહે છે. ઘટ ઉત્પન્ન થયા પછી તો ઘટ અને કાલ બંને દ્રવ્યો હોવાથી સંયોગ સંબંધ થાય. પણ ઘટ હજી તો ઉત્પન્ન થતો હોય ત્યાં જ કાલ તેની સાથે જોડાઈ જાય. તેથી એ ક્ષણે બંને પદાર્થો પૃથક્ સિદ્ધ થતા નથી. તેથી સંયોગસંબંધ થતો નથી.

(2) દૈશિક વિશેષણતા સંબંધ : ‘ઉત્તર દિશામાં હિમાલય છે’  આ વાક્યમાં ઉત્તર દિશા અને હિમાલય બંને દ્રવ્યો હોવાથી સંયોગ-સંબંધ થવો જોઈએ; પરંતુ, સૂર્યોદય વગેરેની ઉપાધિને લીધે દિશાના પૂર્વ વગેરે કાલ્પનિક ખંડો થાય છે. એ કાલ્પનિક દિશા (ઉત્તર વગેરે) અને હિમાલય વચ્ચે દૈશિક વિશેષણતા સંબંધ થાય છે.

(3) પર્યાપ્તિસંબંધ : નવ્યન્યાયમાં પર્યાપ્તિસંબંધનો પ્રથમ વાર પ્રવેશ કરાવનાર રઘુનાથ શિરોમણિ છે.द्वौ घटौ – બે ઘડા એમાં દ્વિત્વ (બે) સંખ્યા એ ગુણપદાર્થ હોવાથી, એક એક ઘટમાં પૃથક્ રીતે સમવાયસંબંધથી રહી શકે; પરંતુ, साकल्येन संबंध​: સામૂહિક રીતે એકસાથે બંને ઘટમાં દ્વિત્વ સંખ્યા પર્યાપ્તિસંબંધથી રહે છે. ‘द्वौ आकशौ’ (બે આકાશ)  એમ કહીએ ત્યારે દ્વિત્વ સંખ્યા ગુણ હોવાથી આકાશદ્રવ્યમાં સમવાયસંબંધથી રહી શકે; પરંતુ, દ્વિત્વ સંખ્યાને પર્યાપ્તિસંબંધથી આકાશમાં રહેવા માટે એકસાથે બે આકાશની જરૂર પડે અને વૈશેષિક દર્શનમાં આકાશ એક જ છે એમ સ્વીકારેલ છે. તેથી ‘બે આકાશ’ એવા વિધાનની અપ્રામાણિકતા સિદ્ધ કરવા પર્યાપ્તિસંબંધની જરૂર પડે. ‘त्रीणि रुपाणि’ (ત્રણ રૂપ) – આ વિધાનમાં ત્રિત્વ સંખ્યા રૂપમાં સમવાયસંબંધથી રહી શકે નહિ; કારણ કે ત્રિત્વ સંખ્યા અને રૂપ બંને ગુણપદાર્થો છે. સમવાય તો ગુણ અને દ્રવ્ય વચ્ચે થાય. આવી અસંગતિને ટાળવા માટે ત્રિત્વ સંખ્યા રૂપમાં પર્યાપ્તિસંબંધથી રહે છે એમ માનવું પડે.

(4) તાદાત્મ્યસંબંધ : મુખ્ય સંબંધોમાં સંયોગ, સમવાય, સ્વરૂપ – એ સંબંધો પછી ચોથા ક્રમે તાદાત્મ્ય-સંબંધ આવે છે. સંયોગ વગેરે ત્રણ સંબંધોમાં બે સંબંધી પદાર્થો હોય છે; ટેબલ અને પુસ્તક, તંતુઓ અને પટ, ઘટાભાવ અને ભૂતલ; પરંતુ તાદાત્મ્ય-સંબંધમાં સંબંધી પદાર્થ એક જ હોય છે. કોઈ પણ પદાર્થમાં તે પદાર્થનો પોતાનો અસાધારણ ધર્મ રહે છે. તે અસાધારણ ધર્મ (तत् ) છે आत्मा (સ્વરૂપ) જેનો તે પદાર્થને તદાત્મા કહેવાય. તદાત્માનો ભાવ (तदात्मन​: भाव​:) એ તાદાત્મ્ય. ધારો કે કોઈ સાધારણ ઘટને પીળા રંગથી રંગી દેવામાં આવે ત્યારે એ પીળા ઘટ અને મૂળ ઘટ વચ્ચે તાદાત્મ્ય-સંબંધ રચાય છે. અન્યોન્યાભાવથી તદ્દન ઊલટો સંબંધ તે તાદાત્મ્ય. ઘટ અને પટ વચ્ચે અન્યોન્યાભાવ હોય છે (ઘટ એ પટ નથી; અને પટ એ ઘટ નથી); પરંતુ, એક જ ઘટનો એ જ ઘટની સાથે તાદાત્મ્ય-સંબંધ હોય છે.

અવચ્છેદકતા–અવચ્છિન્નતા સંબંધ : અવચ્છેદક એટલે વિશેષક (વિશેષણ) અર્થાત્ ભેદ કરનાર, વિશિષ્ટ કે મર્યાદિત કે સુનિશ્ચિત કરનાર પદાર્થ. અવચ્છેદકનો ભાવ તે અવચ્છેદકતા. તેનાથી વિશિષ્ટ બનનાર પદાર્થ તે અવચ્છિન્ન પદાર્થ. તેવા પદાર્થનો ભાવ તે અવચ્છિન્નતા; જેમ કે, ‘જમીન પર ઘટ છે’ આ વાક્યમાં ભૂતલ એટલે કોઈ પણ સાધારણ ભૂતલ અને કોઈ વિશિષ્ટ ભૂતલ નહિ એમ બતાવવા માટે ભૂતલને ભૂતલત્વ નામના અવચ્છેદકથી મર્યાદિત કરવું પડે. भूतलत्वावच्छेदकावच्छितभूतले – અર્થાત્ ભૂતલપણારૂપ અવચ્છેદક(વિશેષણ)થી સુનિશ્ચિત બનેલા એટલે કે કોઈ પણ ભૂતલ ઉપર. એવી રીતે ઘટ એ કોઈ પણ સાધારણ ઘટ છે અને તે સંયોગસંબંધથી ભૂતલ પર રહેલો છે એમ દર્શાવવા માટે વિધાન કરવું પડે કે – घटत्वावच्छेदकावच्छित​–संयोगसंबंधावच्छेदकावच्छित​: घट​: । આમ આ સંબંધ વિચારને સુનિશ્ચિત કરવા માટે પ્રયોજાય છે.

અનુયોગિતા-પ્રતિયોગિતા સંબંધ : અનુયોગિતાદિ સંબંધ સંયોગાદિ સંબંધના સંદર્ભમાં રચાય છે. ભૂતલ પર ઘટ છે. તેમાં ભૂતલ અને ઘટ વચ્ચે સંયોગસંબંધ છે. અહીં ભૂતલ આધાર છે અને ઘટ એ આધેય (આધાર પર રહેવા યોગ્ય) છે. હવે સંયોગસંબંધના સંદર્ભમાં આધારને અનુયોગી; અને આધેયને પ્રતિયોગી કહેવાય. અનુયોગિનમાં રહેતા ધર્મને અનુયોગિતા અને પ્રતિયોગિનમાં રહેતા ધર્મને પ્રતિયોગિતા કહેવાય. સંયોગની જેમ, અનુયોગિતા-પ્રતિયોગિતા સંબંધ પણ ભૂતલ અને ઘટને વિશિષ્ટ રીતે જોડે છે. આ ઉદાહરણમાં અનુયોગિતા-પ્રતિયોગિતા સંયોગસંબંધથી અવચ્છિન્ન થાય છે.

અભાવના સંદર્ભમાં પણ પ્રતિયોગિતા સંબંધ રચાય છે. यस्य अभाव​: स प्रतियोगी – એ નિયમાનુસાર ભૂતલ પર ઘટનો અભાવ હોય તો ઘટાભાવનો પ્રતિયોગી ઘટ બને. ઘટાભાવ અને ઘટ (પ્રતિયોગી) – એ બંને એકસાથે એક જ સમયે એક જ ભૂતલ પર ન રહી શકે. અહીં ઘટાભાવની પ્રતિયોગિતાને ઘટત્વથી અને સંયોગસંબંધથી અવચ્છિન્ન કરવામાં આવે છે – घटत्वावच्छेदकावच्छितसंयोगसंबंधावच्छेदकावच्छितप्रतियोगिताक​: (પ્રતિયોગિતાવાળો) घटाभाव​: ।​

આધારતા-આધેયતા સંબંધ : જ્યારે એક પદાર્થ બીજા પદાર્થમાં રહેતો હોય ત્યારે આધારરૂપ બનતા પદાર્થના ધર્મને આધારતા અને આધેયરૂપ બનતા પદાર્થના ધર્મને આધેયતા કહે છે. આ સંબંધ પરસ્પરની અપેક્ષા રાખે છે. આધારતા-સંબંધ ત્યારે જ રચાય જ્યારે સામે આધેયતા હોય. તંતુઓમાં પટ સમવાયસંબંધથી રહે છે ત્યારે તંતુઓની આધારતા કે અધિકરણતા અને પટની આધેયતા એ બંને સમવાયસમ્બન્ધથી અવચ્છિન્ન (સુનિશ્ચિત) કરવામાં આવે છે.

નિરૂપકતા-નિરૂપિતતા સંબંધ : જે પદાર્થ દ્વારા નિરૂપિત (વિશેષ રીતે અવધારિત) જે વસ્તુ હોય તે પદાર્થને તે વસ્તુનો નિરૂપક કહેવાય (ન્યાયકોશ); જેમ કે, ‘પર્વતમાં અગ્નિ છે’ એ વિધાનમાં, પર્વતમાં રહેલી અધિકરણતા, અગ્નિમાં રહેલી આધેયતાની નિરૂપક બને છે. આનાથી ઊલટું, પર્વતનિષ્ઠ અધિકરણતાનો નિરૂપક અગ્નિનિષ્ઠ આધેયતા બને છે. એટલે આધારતાનિરૂપિત આધેયતા; અને આધેયતા-નિરૂપિત આધારતા. ‘અગ્નિવાળો પર્વત’ એમાં અગ્નિવાળો વિશેષ, અર્થાત્ પ્રકાર છે; અને પર્વત વિશેષ્ય છે. પ્રકાર અને વિશેષ્યના ધર્મો અનુક્રમે પ્રકારતા અને વિશેષ્યતા છે. આમાં પણ પ્રકારતાનિરૂપિત વિશેષ્યતા; અને ઊલટું વિશેષ્યતાનિરૂપિત પ્રકારતા. આમ સાપેક્ષ સંબંધો (પ્રકારતા અને વિશેષ્યતા) વચ્ચે નિરૂપકતા-નિરૂપિતતા સંબંધ રચાય છે. ઉપરાંત, કાર્યતા-કારણતા, વિષયતા-વિષયિતા જેવા અનેક સંબંધો નવ્યન્યાયમાં સ્વીકારવામાં આવ્યા છે.

લક્ષ્મેશ વ. જોશી