સંધિકાવ્ય : અપભ્રંશ ભાષાનો કાવ્યપ્રકાર. આચાર્ય હેમચંદ્રના સમયથી અપભ્રંશ યુગનું સમાપન અને નવ્ય ભારતીય ભાષાઓનો ઉદય દૃષ્ટિગોચર થાય છે. અપભ્રંશ ભાષા ઉપર તત્કાલીન લોકભાષાનો પ્રભાવ વધવાને કારણે ઉત્તરકાલીન અપભ્રંશ અથવા આદ્ય ગુર્જર ભાષામાં રાસ, ફાગુ, ચર્ચરી, ચૌપઈ, સંધિ આદિનું સર્જન થયેલું જોવા મળે છે. આમાંનું સંધિકાવ્ય બાહ્ય સ્વરૂપની દૃષ્ટિએ અપભ્રંશ સાહિત્યના સંધિબંધ મહાકાવ્યોની એક સંધિ જેવું હોય છે.
સંસ્કૃત મહાકાવ્યો જેમ સર્ગોમાં અને પ્રાકૃત મહાકાવ્યો આશ્વાસોમાં તેમ અપભ્રંશ મહાકાવ્યો સંધિઓમાં વિભક્ત હોય છે. 2-4થી લઈને 100થી પણ વધારે સંધિઓમાં વિભક્ત અપભ્રંશ ચરિતકાવ્યો, કથાકાવ્યો અને પૌરાણિક મહાકાવ્યો લખાયાં છે. તેની દરેક સંધિ કડવકોમાં વિભક્ત હોય છે. દરેક કડવકના અંતિમ પદ્યને ધ્રુવા યા ઘત્તા કહે છે. ઉપલબ્ધ કાવ્યોમાં 5થી માંડીને 25-30 કડવકોની એક સંધિ જોવા મળે છે.
સંધિ યા સંધિકાવ્યનું બાહ્ય સ્વરૂપ ઉપર્યુક્ત મહાકાવ્યોની એક સંધિ જેવું હોય છે. સંધિકાવ્યમાં આદ્ય ગાથા અને કડવકાન્ત ગાથાનો છંદ કડવકના છંદથી ભિન્ન હોય છે. કડવકોની સંખ્યા 2થી માંડીને 15 સુધીની હોય છે અને પ્રત્યેક કડવકમાં 8થી 12 પંક્તિઓ હોય છે. મોટેભાગે કડવકનો છંદ પદ્ધડિયા હોય છે; પણ વચ્ચે વચ્ચે મદનાવતાર છંદ પણ જોવા મળે છે. ઘત્તાનો છંદ પ્રાય: ષટ્પદી-છડ્ડણિયા હોય છે. આમ સંધિબંધ કાવ્યની એક જ સંધિમાં સંધિકાવ્ય સંપૂર્ણત: સમાઈ જાય છે. ઉત્તરકાલીન અપભ્રંશમાં લખાયેલ આ સંધિકાવ્યોમાં વિષયની દૃષ્ટિએ ધાર્મિક અથવા પૌરાણિક મહાપુરુષોના જીવનનો કોઈ ઉદાત્ત પ્રસંગ, આગમાદિક કોઈ લઘુ ધર્મકથા અથવા પ્રાસંગિક ઉપદેશવચન હોય છે.
ઈ. સ.ની 11મી શતાબ્દીમાં સંધિકાવ્યનો ઉદય થઈ ગયો હતો એમ કહી શકાય. આ સમયમાં રચાયેલા પ્રાકૃત મહાકાવ્યો અને ચંપૂકાવ્યોમાં અપભ્રંશના અનેક પદ્યખંડ મળે છે. નેમિચંદ્રસૂરિરચિત ‘આખ્યાનકમણિકોશવૃત્ત’(ઈ. સ. 1100)માં સોમપ્રભાખ્યાનક અને ચારુદત્તાખ્યાનક નામે બે તથા દેવચન્દ્રસૂરિરચિત ‘મૂલશુદ્ધિપ્રકરણવૃત્તિ’(ઈ. સ. 1089)માં ‘સુલસાખ્યાન’ નામે એક આખ્યાન, એક એક સન્ધિમાં રચાયેલ સંધિકાવ્યો છે. સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ – એ ત્રણેય ભાષાઓના સિદ્ધહસ્ત જૈનાચાર્ય રત્નપ્રભસૂરિએ ઈ. સ. 1182માં ‘ઋષભ-પારણક’, ‘વીર-પારણક’, ‘ગજસુકુમાલ’, ‘શાલિભદ્ર’ અને ‘અવંતિસુકુમાલ’ એ પાંચ સંધિકાવ્યોની રચના કરી હતી. આગમગચ્છના આચાર્ય જિનપ્રભસૂરિએ ઈ. સ. 1250ના અરસામાં ‘મદનરેખા’, ‘અનાથી મુનિ’, ‘જીવાનુશાસ્તિ’, ‘નર્મદાસુંદરી’ અને ‘ચતુરંગ-ભાવના’ – એ પાંચ સંધિઓની રચના કરી હતી. વિનયચંદ્રે (ઈ. સ. 1300) આનન્દ ગૃહસ્થની કથા ‘આનંદશ્રાવક-સંધિ’માં આપી છે. રત્નપ્રભગણિ (ઈ. સ. 1325)વિરચિત ‘અંતરંગસંધિ’ એક રૂપકાત્મક કાવ્ય છે. રત્નશેખરસૂરિના અજ્ઞાત શિષ્ય(ઈ. સ. 1400 પૂર્વ)ના ‘કેશી-ગૌતમ’ સંધિકાવ્યમાં ‘ઉત્તરાધ્યયનસૂત્ર’ના ‘કેશી-ગૌતમીય’નું મનોહર કાવ્ય-સ્વરૂપ મળે છે. જયદેવ(ઈ. સ. 1400 પૂર્વ)નું ‘ભાવના-સંધિ’ જૈનધર્મ-પ્રસિદ્ધ ભાવનાઓનું વર્ણનાત્મક કાવ્ય છે. એ જ અરસામાં થયેલા જયશેખરસૂરિના અજ્ઞાત શિષ્યના ‘શીલ અને ‘ઉપધાન’ સંધિકાવ્યોમાં ચારિત્ર્યની મહત્તા અને જૈન તપનું માહાત્મ્ય બતાવવામાં આવ્યું છે. ઈ. સ. 1440-1450ના અરસાના અજ્ઞાત લેખકના ‘હેમતિલકસૂરિ-સંધિ’માં 14મી શતાબ્દીના વડગચ્છના પટ્ટધર હેમતિલકસૂરિની સંક્ષિપ્ત જીવનગાથા મળે છે. વિશાલરાજસૂરિના શિષ્યની ‘તપ-સંધિ’માં તપનું માહાત્મ્ય બતાવવામાં આવ્યું છે. ઈ. સ. 1500 પૂર્વના અજ્ઞાત લેખકની ‘અનાથી મહર્ષિ-સંધિ’માં અનાથી મુનિની કાવ્યાત્મક કથા મળે છે. તે જ અરસામાં થયેલા હેમસાગરના ‘ઉપદેશ-સંધિકાવ્ય’માં તેના નામ પ્રમાણે ઉપદેશ આપવામાં આવ્યો છે.
સંધિકાવ્ય નામે આ 20-25 લઘુકાવ્યોની ભાષા ઉત્તરકાલીન અપભ્રંશ યા આદ્ય ગુજરાતી છે. બધાં સંધિકાવ્યો જૈનશાસ્ત્રો તેમજ પુરાણોમાં વર્ણિત પાત્રો કે પ્રસંગો લઈને રચાયાં છે, જેનો ઉદ્દેશ ધર્મોપદેશ છે.
કાનજીભાઈ પટેલ