સંધિ : વ્યાકરણશાસ્ત્રનો એક અગત્યનો ખ્યાલ. બે પદોને સાથે બોલવા જતાં આગલા પદને છેડે રહેલા સ્વર કે વ્યંજન સાથે પાછળના પદના આરંભમાં આવતા સ્વર કે વ્યંજનના જોડાણથી ધ્વનિમાં જે ફેરફાર થાય તેને સંધિ કહેવાય. પાણિનિ તેને ‘સંહિતા’ એવા નામથી પણ ઓળખે છે, કારણ કે તેમાં બે સ્વરો, બે વ્યંજનો અથવા એક સ્વર અને એક વ્યંજન અતિશય પાસે આવે છે. પ્રાતિશાખ્ય ગ્રંથોમાં સંધિના અનેક પ્રકારો કહ્યા છે, પરંતુ ભટ્ટોજિ દીક્ષિતે ‘સિદ્ધાન્તકૌમુદી’માં સંધિના પાંચ પ્રકારો ગણાવ્યા છે : (1) अच् संधि – બે સ્વરો પાસે આવવાથી થતી સંધિ; અર્થાત્, સ્વરસંધિ; જેમ કે – श्री + ईश​: = श्रीश​: । અહીં બે દીર્ઘ ईની સંધિ થવાથી એક દીર્ઘ ई મુકાયો છે. (2) हल् संधि – બે વ્યંજનો પાસે આવવાથી થતી સંધિ; અર્થાત્, વ્યંજનસંધિ; જેમ કે – जगत् + नाथ​: = जगताथ​: । અહીં त् નો न् થયો છે તે બે વ્યંજનોની સંધિના કારણે છે. (3) प्रकृतिभावसंधि – બે સ્વરો પાસે આવે છતાં સંધિ પાણિનિના બીજા નિયમ મુજબ ન થાય અને બંને સ્વરો મૂળ હોય તેવા જ રહે તેથી તેને પ્રકૃતિભાવસંધિ કહે છે; જેમ કે – हरी + एतौ = हरी एतौ । અહીં પ્રગૃહ્ય સંજ્ઞા થવાથી એટલે દ્વિવચન હોવાથી સંધિ થતી નથી. (4) विसर्ग संधि – આગલા પદને અંતે વિસર્ગ હોય અને તેને લીધે થતી સંધિ તે વિસર્ગસંધિ છે; જેમ કે – विष्णु: + त्राता = विष्णुस्त्राता । અહીં વિસર્ગનો स् થયો છે તે વિસર્ગસંધિ છે. (5) स्वादिसंधि – નામને લાગતા सु (स्) વગેરે વિભક્તિના પ્રત્યયો લાગવાથી થતી સંધિ તે सु + आदि એટલે स्वादिसंधि; જેમ કે – देव​ + सु (स्) = देव: + वंद्य​: = देवोवंद्य​:​ (વિસર્ગસંધિ થવાથી). અહીં देव નું देव: થયું છે તે स्वादिसंधि છે.

અંતે, (1) राम + औ = रामौ એમ એક જ પદ હોય ત્યારે, (2) उप + एति = उपैति એમ ઉપસર્ગ અને ધાતુ હોય ત્યારે, (3) इन्द्र + अर्जुनौ = इन्द्रार्जुनौ એમ સમાસ થાય ત્યારે હંમેશાં સંધિ કરવી આવદૃશ્યક છે. વાક્યમાં બોલનાર માણસની विवक्षा અર્થાત્ કહેવાની ઇચ્છા પર સંધિ આધાર રાખે છે એવો વ્યાકરણશાસ્ત્રનો નિયમ છે. અલંકારશાસ્ત્રમાં ભામહથી શરૂ કરી મમ્મટ અને વિશ્વનાથ જેવા પાછળના આલંકારિકો એમ માને છે કે સંધિ તો કરવી જ રહી. જો કવિ સંધિ ન કરે તો ‘વિસંધિ’ અથવા ‘સંધિવિશ્લેષ’ નામનો દોષ આવે છે, વળી એવી સંધિ કરવાથી જો કાવ્ય સાંભળવામાં કાનને કર્કશ લાગતું હોય અથવા તેનો અર્થ સ્પષ્ટ રીતે ન સમજાતો હોય તો તેવી સંધિયુક્ત રચના કવિએ ન કરવી જોઈએ. એ બંનેને પણ તેમણે કાવ્યદોષ ગણાવ્યા છે. પરિણામે આલંકારિકોના મતે સંધિ આવદૃશ્યક છે.

ભગવતીપ્રસાદ પંડ્યા