સંજાણ સંજ્જાન : હાલના દક્ષિણ ગુજરાતમાં આવેલ એક પ્રાચીન વહીવટી વિભાગ.

રાષ્ટ્રકૂટ વંશના અમોઘવર્ષ 1લાના સંજાણમાંથી મળેલાં પતરાંનાં ઈ. સ. 871ના દાનશાસનનો ‘સંજ્જાન પત્તન’ તરીકેનો તથા તે વહીવટી વિભાગ હોય એવો ‘સંજાણ’ પાસેની ચોવીસી વિશેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રકૂટ વંશના રાજા ઇંદ્રરાજ 3જાના ઈ. સ. 926ના દાનશાસનમાં જણાવ્યા પ્રમાણે ‘સંયાનમંડલ’ ઉપર સગતિપ નામના સામંતનો અમલ હતો. તે સમયે સંજાણમાં પારસીઓની વસાહત હતી. ઈ. સ. 102634ના અરસામાં ‘સંયાન’ ઉપર કોંકણના શિલાહાર વંશના છિત્તરાજનો અમલ હતો. તેમાં ઈ. સ. 10-34ના દાનશાસન મુજબ ‘સંયાન પત્તન’નું શાસન મહામંડલેશ્વર ચામુંડરાજને હસ્તક સોંપ્યું હતું. તેનો પિતા વિજ્જ રાણક તેની પહેલાં સંયાન પત્તન મંડલનો શાસક હતો. આ દાનશાસનોનું ‘સંયાન’ એ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલું આજનું સંજાણ છે. ત્યાં પારસીઓની ઘણી વસ્તી છે અને તેઓ આવ્યા ત્યારની સ્થાપેલી અગિયારી છે.

હસમુખ વ્યાસ

જયકુમાર ર. શુક્લ