સંજાણા(ના) જહાંગીર એદલજી (. 14 મે 1880, અકોલા; . 17 જાન્યુઆરી 1964, ?) : ગુજરાતી વિવેચક, જરથોસ્તી ધર્મજ્ઞ. તખલ્લુસ ‘અનાર્ય’, ‘પયકાર’, ‘તિરોહિત’. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મરાઠીમાં. મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી સંસ્કૃત વિષય સાથે બી.એ.. ત્યાં જ આરંભમાં ફેલો નિમાયા; પછી મુંબઈ સરકારના ઓરીએન્ટલ ટ્રાન્સલેટરના ખાતામાં પ્રથમ મદદનીશ અને ત્યારબાદ ખાતાના વડા. અંગ્રેજી, ઉર્દૂ અને ગુજરાતી ભાષા પર પ્રભુત્વ. ગુજરાતી ભાષામાં વિપુલ વાચન. કેટલાક જે પારસી સાહિત્યકારો થયા છે તેમાં સંજાણા ઉચ્ચ કોટિના સાક્ષર છે. 1903માં ‘Advocate of India’ નામક અંગ્રેજી પત્રમાં બેત્રણ ચર્ચાપત્રો લખ્યાથી જનતામાં આગળ આવ્યા. 1905માં ‘જામે જમશેદ’ પત્રમાં ‘પયકાર’ના તખલ્લુસથી પુનર્જન્મ અંગે ચર્ચાપત્ર લખ્યું. તેની ઉગ્ર ચર્ચા શરૂ થઈ ત્યારે તેના જવાબ રૂપે ‘જામે જમશેદ’માં તીક્ષ્ણ તર્કશક્તિથી લેખોની હારમાળા લખી પ્રગટ કરવા આપી, પણ તે પત્રે તેનો અસ્વીકાર કર્યો. એ જ લખાણ વિશેષ રૂપે તૈયાર કરી ‘પારસી’ સાપ્તાહિકમાં મોકલ્યું, ત્યાંય જાકારો મળ્યો. પહેલવીના અભ્યાસી બહેરામગોર અક્લેસરિયાએ ‘જરથોસ્તી’ ત્રૈમાસિકમાં ‘The Belief in Transmigration – The Growth & Development in India’ નામે છાપી. 1912માં પ્રો. પેસ્તનજી એ. વાડિયાએ શરૂ કરેલ ‘Journal of the Iranian Association’ પત્રમાં 1924 સુધીમાં એમણે ધર્મ, ઇતિહાસ, સંસ્કૃતિ આદિ વિષયો પર 98 લેખો ગુજરાતીમાં અને 6 લેખો અંગ્રેજીમાં લખેલા. આ નિબંધોમાં ઊંડું ગાંભીર્ય છે અને પ્રશ્નોને સ્વતંત્ર રીતે તેમજ નવીન દૃષ્ટિથી તપાસ્યા છે. વિષયોની ચર્ચા જોતાં પોતાના સમકાલીન ધર્મ-અભ્યાસીઓ કરતાં સુંદર તેમજ ઉચિત અભિનિવેશથી વિચારોને ચર્ચવાની શક્તિ તેઓ ધરાવે છે એમ પ્રતીત થાય છે, છતાં આડંબર કે પાંડિત્યનો દેખાવ ક્યાંય નથી. 1915માં ‘વસન્ત’ માસિકમાં ચતુરભાઈ મગનભાઈ પટેલ (1876-1930) કૃત ‘અભિજ્ઞાનશાકુન્તલ’ના ભાષાન્તર પર ટૂંકી ચર્ચા કરતો લેખ લખી, અભ્યાસપૂર્ણ ચર્ચાને આગળ ખેંચી આણી હતી. આ વખતે તેઓ માંગરોળમાં રહેતા હતા. 1917માં તેઓ મુંબઈ આવ્યા પછી એમની સાહિત્યપ્રવૃત્તિ વિસ્તરી હતી. તેઓ વિવિધ પ્રતિષ્ઠિત સામયિકોમાં સાહિત્યિક વિષયોની સમાલોચનાને અવલંબતાં નિબંધો, ચર્ચાઓ, લેખો આપતા જતા. મહેરજીભાઈ માદન સ્થાપિત ‘સત્યમિત્ર’માં ‘તિરોહિત’ તખલ્લુસ હેઠળ દર અઠવાડિયે લેખો લખવાના શરૂ કર્યા. પારસી પત્રોની અશુદ્ધ ભાષાથી કંટાળી પછી તેઓ લગભગ તેવા પત્રોથી અલગ થઈ ગયા હતા.

આરંભથી જ તેમની દૃષ્ટિ વેધક, અભ્યાસનિષ્ઠ, સ્વતંત્ર, નીડર અને બુદ્ધિપૂત હતી. 1925-1926ના અરસામાં તેઓ વ્યાપક સાહિત્યક્ષેત્રમાં પ્રવેશ્યા હતા અને એક પ્રખર, કડક, નિર્ભીક, સ્પષ્ટવક્તા, નિષ્પક્ષ વિવેચક તરીકે પોતાની છબિ ઉપસાવી હતી. વસ્તુની ઝીણવટભરી પરીક્ષા એમનો સ્વભાવ હતો. 1926માં ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’માં વંચાયેલ ‘આધુનિક ગુજરાતી સાહિત્ય’, ફાર્બસ સભામાં આપેલ ‘ગુજરાતી અને સંસ્કૃત’ વ્યાખ્યાન અને બ. ક. ઠાકોર (1869-1952) કૃત ‘ઊગતી જુવાની’ નાટકમાં આવેલ પારસી બોલી પર ટીકાત્મક અભ્યાસપૂર્ણ વિવેચન એમની ગદ્યશક્તિ અને અવલોકનશક્તિનાં દ્યોતક છે. ક્યાંક વિવેચનમાં કટુતા છે, પણ લેખકને હલકા પાડવાની વૃત્તિ નથી.

‘કૌમુદી’ અને ‘માનસી’માં એમણે વિદ્વત્તાપૂર્ણ વિવેચનો લખ્યાં હતાં. અત્યંત સૂક્ષ્મ આલોચનાને કારણે તેઓ ‘કાકદૃષ્ટિ વિવેચક’ અને ‘ધૂળધોયા સાક્ષર’ ગણાયા છે. એ જ કારણે એમની સાથે ઊહાપોહ જોડાયેલા રહ્યા છે. 1944માં એમણે વિક્રમાદિત્ય જેવો કોઈ માણસ ઇતિહાસમાં જણાયો નથી એવું ચર્ચાપત્ર લખી ઘણાનો રોષ વહોરી લીધેલો, પણ એમણે અભિનિવેશપૂર્વક પોતાના દૃષ્ટિબિન્દુને બરાબર સંશોધનાત્મક અભિગમથી સમર્થન આપ્યું હતું. 1942માં ઉમાશંકર જોશી (1911-1988) સંપાદિત ‘ક્લાન્ત કવિ’ (બાલશંકર કંથારિયા 1858-1898) પ્રગટ થયા પછી 1944માં એમણે ‘ક્લાન્ત કવિ કે કલાન્ત કવિ’ પુસ્તિકા લખી ઊહાપોહ સર્જ્યો હતો. નવલરામે (1836-1888) ‘ક્લાન્ત કવિ’ કૃતિમાં ‘ઉઘાડો શૃંગાર’ અને નરસિંહ રાવે (1859-1937) ‘ધૂર્તમસ્તી’નાં દર્શન કર્યાં હતાં, પણ સંજાણાએ આગળ વધી ‘સમલિંગી પ્રેમ’ શક્ય માન્યો હતો. 1942માં મુંબઈ યુનિવર્સિટીમાં ‘ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળા’માં અંગ્રેજીમાં આપેલાં પાંચ વ્યાખ્યાનો 1950માં Studies in Gujarati Literature નામે ગ્રંથસ્થ થયાં હતાં. સંજાણાની વ્યાખ્યાનકાર તરીકેની પસંદગી વિશે ઠીક હોબાળો થયેલો. એક બિનમહત્ત્વના પારસી સાપ્તાહિકે આ ભાષણો છપાવવા અર્થે યુનિવર્સિટીએ વિદ્વાનોની પોતે સૂચવેલા સભ્યોની પેટા સમિતિ નીમવી જોઈએ એવું સૂચન કર્યું હતું; પણ શ્રોતાઓએ આ વ્યાખ્યાનો વખાણ્યાં હતાં, રસપ્રદ પ્રશ્નોત્તરી પણ કરી હતી. બ. ક. ઠાકોર (1869-1952) પણ એમાં સામેલ હતા. સંજાણાનાં કેટલાંક તારણો વિશિષ્ટ અને વિલક્ષણ છે. દલપતરામ(1820-1898)ની કવિતાની નર્મદ(1833-1886)ની અપેક્ષાએ તેમણે ઘણી પ્રશંસા કરી છે અને મણિલાલ નભુભાઈ(18581898)ના ગદ્યની આકરી ટીકા કરી છે.

‘અનાર્યનાં અડપલાં અને બીજા પ્રકીર્ણ લેખો’(1955)માં એમના વિવિધ વિષયના વિદ્વત્તાપૂર્ણ લેખો સંગૃહીત થયા છે. આડંબરી પાંડિત્યયુક્ત ગદ્ય, બેદરકારીભર્યાં લખાણ તથા સંસ્કૃત શબ્દોની અશુદ્ધ જોડણીના તેઓ સખત ટીકાકાર હતા અને તેટલા જ ભાષાશુદ્ધિના આગ્રહી હતા. ‘ભાષાશુદ્ધિ કે ભાષાશુદ્ધિ ?’ જેવો નિબંધ પણ એમણે લખેલો. ‘કવિ ખબરદારનો મહાછંદ’માં એમણે ખબરદાર(1881-1953)ના છંદપ્રયોગોની કડક આલોચના કરી હતી. છંદપ્રયોગો બાબત ખબરદાર સાથે એમને વિવાદ પણ થયેલો. ‘ગીતિ’ની ચર્ચામાં એમણે નરસિંહરાવને પણ મહાત કર્યા હતા. રા. વિ. પાઠક(1887-1955)ના ‘બૃહત્ પિંગળ’ (1955) તથા કે. બી. વ્યાસ(1910-1989)ના ‘ભાષાવૃત્ત અને કાવ્યાલંકાર’(1945)ની અભ્યાસપૂર્ણ આલોચના કરી છે. ‘અનાર્યનાં અડપલાં’માં ‘સાહિત્યનું ધ્યેય’ લેખ એમની પર્યેષક બુદ્ધિનો દ્યોતક છે. સંજાણાની છેલ્લી ગણાયેલી કૃતિ અંગ્રેજીમાં ‘Caste and Outcaste’ છે, જેમાં નીચલા થરના લોકો પ્રત્યે સહાનુભૂતિ દાખવી એમના પ્રત્યે સમાનતા અને ન્યાયદૃષ્ટિની ખેવના કરી છે.

સંજાણાનું પ્રગટ સાહિત્ય ઓછું છે, પણ બધું કુશળ સંશોધનશક્તિ અને ઊંડા અભ્યાસથી સંપૃક્ત છે. જોકે અંગ્રેજીમાં અને ગુજરાતીમાં એમનું અપ્રગટ સાહિત્ય હજુ ઘણું રહ્યું છે.

મનોજ દરુ