સંજીવકુમાર (. 9 જુલાઈ 1937, સૂરત; . 6 નવેમ્બર 1985, મુંબઈ) : હિંદી-ગુજરાતી ચિત્રો, રંગભૂમિના અભિનેતા. મૂળ નામ હરિહર જરીવાળા, હિંદી ચલચિત્રજગતમાં ઉત્કૃષ્ટ અને સંવેદનશીલ અભિનેતા તરીકે કાયમી છાપ છોડી જનારા સંજીવકુમારે હિંદી ચિત્રોમાં પ્રારંભ તો ‘નિશાન’ જેવા અતિ સામાન્ય ચિત્રથી કર્યો હતો, પણ સમયની સાથે તેમને મળતાં પાત્રોમાં તેઓ એવો જીવ રેડતા ગયા કે એક અભિનેતા તરીકે તેમની ક્ષમતાઓ દરેક નવી ભૂમિકા સાથે ઓર મુખર થતી ગઈ અને એક સમય એવો આવ્યો કે યુવાનવયે પણ ચિત્રોમાં પ્રૌઢ ને વૃદ્ધની ભૂમિકા માટે તેઓ અનિવાર્ય બની ગયા હતા. સીમાચિહ્નરૂપ ચિત્ર ‘શોલે’થી માંડી ‘ત્રિશૂલ’ અને ‘મૌસમ’થી માંડી ‘વિધાતા’ સુધીનાં ચિત્રોમાં તેમણે વૃદ્ધનાં જે પાત્રો ભજવ્યાં તેને ઉમદા અભિનયથી અસામાન્ય બનાવી દીધાં હતાં. અમુક ચિત્રોમાં તો વાસ્તવિક જિંદગીમાં તેમનાથી ઉંમરમાં મોટા અભિનેતાઓના પિતાની તેમણે ભૂમિકા ભજવી હતી. ‘નિશાન’થી ‘નામુમકિન’ સુધીની તેમની લગભગ ત્રણ દાયકાની અભિનય-કારકિર્દીમાં તેમણે દોઢસોથી વધુ ચિત્રોમાં કામ કર્યું હતું. તેમને મળેલું પાત્ર પડદા પર થોડી મિનિટો દેખાવાનું હોય તોપણ સંજીવકુમારે પૂરેપૂરું મહત્ત્વ આપ્યું હતું. તેમની આ ખૂબીએ જ તેમને તેમના સમકાલીન અભિનેતાઓમાં વિશિષ્ટ બનાવી દીધા હતા. સામાન્યપણે ચિત્રોમાં નાયકો પોતાની એક ચોક્કસ છબિ માટે બહુ ચિંતિત રહેતા હોય છે, પણ સંજીવકુમારે આવી છબિની કદી પરવા કર્યા વિના કોઈ પણ પ્રકારની ભૂમિકા સ્વીકારી અને દરેક ભૂમિકામાં સાંગોપાંગ પાર ઊતર્યા. દરેક ભૂમિકામાં તેઓ પોતાની જાતને એવી ઓગાળી નાખતા હતા કે પડદા પર એ પાત્ર જ જોઈ શકાતું, અભિનેતા સંજીવકુમાર નહિ. ‘નયા દિન નયી રાત’ ચિત્રમાં તેમણે વિવિધ નવ ભૂમિકાઓ ભજવી હતી. ‘ખિલૌના’માં પાગલની ભૂમિકા અને ‘કોશિશ’માં મૂક-બધિરની તેમની ભૂમિકાએ અભિનયનાં નવાં શિખરો સર કર્યાં હતાં. ‘ખિલૌના’ પરથી બનેલા ગુજરાતી ચિત્ર ‘મારે જાવું પેલે પાર’માં પણ તેમણે પાગલની ભૂમિકા ભજવી હતી. તેમને ‘દસ્તક’ અને ‘કોશિશ’ માટે શ્રેષ્ઠ અભિનેતાનું રાષ્ટ્રીય પારિતોષિક, ‘આંધી’ અને ‘અર્જુન પંડિત’ માટે શ્રેષ્ઠ અભિનેતાનો અને ‘શિકાર’ માટે શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો ફિલ્મફેર ઍવૉર્ડ એનાયત થયાં હતાં.

સંજીવકુમાર

નોંધપાત્ર ચિત્રો : ‘અનોખી રાત’, ‘આશીર્વાદ’, ‘રાજા ઔર રંક’, ‘શિકાર’, ‘સંઘર્ષ’ (1968); ‘સચ્ચાઈ’, ‘સત્યકામ’ (1969); ‘દસ્તક, ‘ખિલૌના’ (1970); ‘અનુભવ’ (1971); ‘કોશિશ’, ‘પરિચય’, ‘સીતા ઔર ગીતા’ (1972); ‘અનામિકા’ (1973); ‘નયા દિન નયી રાત’ (1974); ‘મૌસમ’, ‘શોલે’ (1975); ‘અર્જુન પંડિત’, ‘જિંદગી’ (1976); ‘યહી હૈ જિંદગી’, ‘શતરંજ કે ખિલાડી’ (1977); ‘દેવતા’, ‘પતિ પત્ની ઔર વો’, ‘ત્રિશૂલ’ (1978); ‘ગૃહપ્રવેશ’ (1979); ‘હમ પાંચ’, ‘સ્વયંવર’ (1980); ‘અંગૂર’, ‘સિલસિલા’ (1981); ‘નમકીન’, ‘વિધાતા’ (1982).

હરસુખ થાનકી