સંગ્રહણી : જૈન તત્ત્વજ્ઞાનવિષયક રચના. ઈ. સ. 490થી 590 વચ્ચે થયેલા ‘વિશેષાવશ્યકભાષ્ય’ના કર્તા જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે આ કૃતિની રચના કરી છે. તેમાં જૈન મહારાષ્ટ્રી ભાષામાં રચેલી 367 ગાથાઓ છે. કેટલાક વિદ્વાનોનો મત છે કે મૂળ ગાથાઓ લગભગ 275 હતી, પરંતુ પછી ગાથાઓ ઉમેરાતી ગઈ અને લગભગ 500 થઈ ગઈ છે. તેના ઉપર મલયગિરિસૂરિએ વિવૃત્તિ લખી છે.
ગાથા બીજી અને ત્રીજીમાં કૃતિમાં આવતા વિષયોનો નિર્દેશ કરવામાં આવ્યો છે. વિષય આ પ્રમાણે છે : દેવો અને નારકોનાં આયુષ્ય, ભવન અને અવગાહનનું વર્ણન છે. મનુષ્યો અને તિર્યંચોનાં શરીરોનું માન તથા આયુષ્યોનું પ્રમાણ જણાવ્યું છે. દેવોના અને નારકોના ઉપપાતો (જન્મો) અને ઉદ્વર્તનો(ચ્યવનો)નો વિરહકાળ કેટલો એ દર્શાવ્યું છે, તથા એક સમયમાં થનારા ઉપપાતો અને ઉદ્વર્તનોની સંખ્યા જણાવી છે. બધા જીવોની ગતિ-આગતિનું આનુપૂર્વી અનુસાર વર્ણન કરવામાં આવ્યું છે. ઉપરાંત, દેવોનાં શરીરોના વર્ણ, તેમનાં ચિહ્નો વગેરે વાતો પણ કહેવામાં આવી છે. સંક્ષેપમાં એમ કહી શકાય કે સંગ્રહણીમાં જૈન દૃષ્ટિએ ખગોળ અને ભૂગોળનું વર્ણન આવે છે. આ ગ્રંથમાં ચારેય ગતિના જીવોના વિશે માહિતી પણ આપવામાં આવી છે. તેમાં લોકોની અપેક્ષાએ તેમની અંદર રહેનારા જીવોનું વર્ણન વધારે વિસ્તારથી કરવામાં આવ્યું છે.
પ્રસ્તુત કૃતિની રચના પણ્ણવણા (પ્રજ્ઞાપના) વગેરેના આધારે કરવામાં આવી છે. તેમાં જો કોઈ સ્ખલના થઈ હોય તો તેના અંગે જિનભદ્રગણિએ આ બે ગાથાઓમાં ક્ષમા માગી છે.
સંગ્રહણી ઉપર મલયગિરિસૂરિએ લખેલી વિવૃત્તિ જીવ અને જગતની ભરપૂર માહિતી આપે છે અને આ વિષયના જૈન વિશ્વકોશ સમાન છે.
નગીન શાહ