શ્લાઇડેન, મૅથિયાસ જેકૉબ

January, 2006

શ્લાઇડેનમૅથિયાસ જેકૉબ (. 5 એપ્રિલ 1804, હૅમબર્ગ. 23 જૂન 1881, ફ્રૅન્ક્ફર્ટમ મેઇન) : વનસ્પતિવિજ્ઞાની. તેઓ ‘કોષવાદ’(cell theory)ના સહસ્થાપક (જર્મન દેહધર્મવિજ્ઞાની, થિયૉડૉર સ્વાન સાથે) હતા. તેમણે હિડલબર્ગમાં 1824-27 દરમિયાન શિક્ષણ લીધું અને હૅમબર્ગમાં કાયદાશાસ્ત્રી તરીકેના વ્યવસાયનો પ્રારંભ કર્યો.

મૅથિયાસ જેકૉબ શ્લાઇડેન

શરૂઆતમાં જ તેમને વનસ્પતિવિજ્ઞાનમાં અભિરુચિ ઉત્પન્ન થઈ અને પૂર્ણ સમય માટે તેની સાથે સંકળાયેલી પ્રવૃત્તિમાં જોડાયા. તેઓ સમકાલીન વનસ્પતિ-વિજ્ઞાનીઓના વર્ગીકરણ વિશેના વિચારો સાથે સંમત નહોતા. શ્લાઇડેને સૂક્ષ્મદર્શક હેઠળ વનસ્પતિની રચનાનો અભ્યાસ કરવાનું પસંદ કર્યું. તેમણે જેના યુનિવર્સિટી(પૂર્વ જર્મની)ના વનસ્પતિ-વિજ્ઞાનના પ્રાધ્યાપક તરીકેની કારકિર્દી દરમિયાન 1838માં ‘કૉન્ટ્રિબ્યૂશન્સ ટુ ફાઇટૉજિનેસિસ’ વિશે લખ્યું; જેમાં તેમણે જણાવ્યું કે વનસ્પતિના વિવિધ ભાગો કોષોના કે કોષોનાં વ્યુત્પન્નો-(derivatives)ના બનેલા હોય છે. તેમણે કોષકેન્દ્રનું કોષવિભાજનના સંદર્ભમાં મહત્વ સમજાવ્યું. ડાર્વિનના ઉત્ક્રાંતિવાદના સૌપ્રથમ સમર્થક જર્મન જીવવિજ્ઞાનીઓ પૈકીના તેઓ એક હતા. તેઓ 1863માં ડોર્પટ, લિવોનિયા, રશિયા(હાલમાં ટર્ટુ, ઇસ્ટોનિયન એસ.એસ.આર.)માં વનસ્પતિવિજ્ઞાનના પ્રાધ્યાપક બન્યા હતા.

બળદેવભાઈ પટેલ઼