શ્લુટર, એન્ડ્રિયાસ (Schluter, Andreas)

January, 2006

શ્લુટર, એન્ડ્રિયાસ (Schluter, Andreas) (. 1660થી 1664; હૅમ્બર્ગ, જર્મની; . 1714, સેંટ પીટર્સબર્ગ, રશિયા) : જર્મન બરોક શિલ્પી અને સ્થપતિ. જર્મનીમાં બરોક કલાના તેઓ સૌથી પ્રખર કલાકાર હતા. 1695માં ફ્રાન્સની અને 1696માં ઇટાલીની યાત્રાઓ કરીને શ્લુટરે બર્લિનના ઇલેક્ટર ફ્રેડરિક ત્રીજાના મુખ્ય શિલ્પીનું સ્થાન લીધું. 1703માં તેમણે ઇલેક્ટરનું પૂરાં કદથી મોટું ઘોડેસવાર શિલ્પ કાંસામાં તૈયાર કર્યું. અન્ય સહાયકોની મદદથી તૈયાર કરેલ તેમના શિલ્પ ‘સ્લેવ્ઝ’ પર ઇટાલિયન શિલ્પીઓ મૉકી (Mocki) અને તાચા(Tacca)ની અસર જણાય છે. મૃત્યુ પામી રહેલા

ઘવાયેલા સૈનિકો અને યોદ્ધાઓનાં તેમણે કંડારેલાં શિલ્પો અત્યંત ભાવવાહી છે.

એન્ડ્રિયાસ શ્લુટર

બર્લિન ખાતેનો રાજવી મહેલ સ્થાપત્યક્ષેત્રે શ્લુટરનું શ્રેષ્ઠ સર્જન ગણાય છે; પરંતુ કમનસીબે, તે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નષ્ટ પામ્યો. બર્લિનમાં તેમણે બાંધેલો મિન્ટ ટાવર નામનો મિનાર નીચેની રેતાળ ભૂમિના કારણે તેમના જીવનકાળ દરમિયાન જ ભોંયભેગો થઈ ગયો હતો. આ કારણે એક સ્થપતિ તરીકેની તેમની કારકિર્દીનો અચાનક અંત આવી ગયો. 1713માં રશિયાના રાજવી પીટર ધ ગ્રેટે તેમને રશિયા બોલાવ્યા, પણ રશિયામાં તેઓ કોઈ મકાન કે શિલ્પની રચના કરી શકે તે પહેલાં જ તેમનું અવસાન થયું.

અમિતાભ મડિયા