શ્રીલંકા

ભારતની દક્ષિણે હિન્દી મહાસાગરની એક જ ખંડીય છાજલી પર આશરે 35 કિમી. દૂર આવેલો નાનો ટાપુમય દેશ. તે દ્વીપકલ્પીય ભારતનું એક અંગ હોવાનું ભૂસ્તરવેત્તાઓ દ્વારા સમર્થન મળે છે. વિશાળ ભારતીય ઉપખંડને અડીને આવેલો આ દેશ એક વિશિષ્ટ ભૌગોલિક પ્રતિભા ધરાવે છે અને આજે દુનિયામાં એક સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે તેણે આગવું સ્થાન હાંસલ કર્યું છે. અલબત્ત, આ દેશનાં ઇતિહાસ અને ધર્મ, કળા અને સંસ્કૃતિ, સાહિત્ય તથા રીતરિવાજો વગેરે તેમજ લોકજીવનનાં બધાં ક્ષેત્રો પર ભારતીય સંસ્કૃતિની ઊંડી છાપ અંકિત થયેલી છે. આ દેશનું ઘડતર એક યા બીજે સ્વરૂપે મહદંશે ભારતમાંથી સ્થળાંતર કરીને અહીં સ્થાયી થયેલી પ્રજા દ્વારા થયું છે તે નિ:શંક બાબત છે.

સ્થાન તથા વિસ્તાર : શ્રીલંકા, એ ભારતની દક્ષિણે હિન્દ મહાસાગરમાં આવેલો ‘મોતી’ અથવા ‘નાળિયેર’ આકારનો નાનો ટાપુમય દેશ છે. તેનાથી થોડેક દૂર દક્ષિણમાં હિન્દ મહાસાગરમાં થઈને વિષુવવૃત્ત રેખા પસાર થાય છે. તે ઉષ્ણકટિબંધમાં લગભગ 5o 55’થી 9o 50’ ઉ. અ. તથા 79o 42’થી 81o 52’ પૂ. રે. વચ્ચે વિસ્તરેલો છે. આ દેશ આંતરરાષ્ટ્રીય દરિયાઈ તથા હવાઈ માર્ગો માટે મોકાનું વ્યૂહાત્મક સ્થાન ધરાવે છે. તેની ચારે બાજુ સમુદ્ર ઘૂઘવે છે. તેની પશ્ચિમમાં અરબી સમુદ્ર, પૂર્વમાં બંગાળનો ઉપસાગર, ઉત્તરમાં મનારનો અખાત તથા દક્ષિણમાં હિન્દી મહાસાગર આવેલો છે. તે ઉત્તર-દક્ષિણ વધુમાં વધુ 435 કિમી. જેટલી લંબાઈ અને પૂર્વ-પશ્ચિમ આશરે 240 કિમી. જેટલી પહોળાઈ ધરાવે છે. તેની સમુદ્રતટરેખા આશરે 1,500 કિમી. લાંબી છે તેમજ તેનો સમુદ્રતટ તૂટકતૂટક તથા ખાંચા-ખૂંચીવાળો હોવાથી કિનારાના ભાગોમાં બંદરોના વિકાસ માટેની કેટલીક કુદરતી સાનુકૂળતાઓ પ્રાપ્ત થઈ છે. અહીં જાફના, ત્રિંકોમાલી, મનાર, ગાલ્બે (ગાલે), તલાઈમનાર, હમ્બનતોતા વગેરે સારાં બંદરો છે.

આ દેશ આશરે 64,644 ચોકિમી. ક્ષેત્રફળ ધરાવે છે. શ્રીલંકાના વાયવ્યકાંઠા તથા ભારતના દક્ષિણના કિનારા વચ્ચે સાંકડી અને છીછરી પાલ્કની સામુદ્રધુની આવેલી છે, જે પશ્ચિમ બાજુએથી અરબી સમુદ્ર સાથે તેમજ પૂર્વ બાજુએ બંગાળના ઉપસાગર સાથે જોડાયેલી છે. આ સામુદ્રધુનીમાં ભારત અને શ્રીલંકા  બંને દેશોને જુદા પાડતી સીમા આવેલી છે. આ બંને દેશોને જોડતા સમુદ્રની ખંડીય છાજલીની સરેરાશ ઊંડાઈ માત્ર 10 મીટર જેટલી છે. શ્રીલંકાના ઉત્તરના જાફના દ્વીપકલ્પની આસપાસ કેટલાક નાના નાના ટાપુઓ આવેલા છે. ઈ. સ. 1974માં ભારત-શ્રીલંકાની સીમાનું પુન: અંકન કરવામાં આવતાં ભારતના તાબાનો કચ્છથિવુ ટાપુ શ્રીલંકાને સોંપવામાં આવ્યો છે. દ. ભારતના તામિલનાડુ રાજ્યના પામ્બન (Pamban) દ્વીપ પર ધનુષ્કોડી છેલ્લું રેલવે સ્ટેશન છે, જ્યારે શ્રીલંકાના વાયવ્યકાંઠાના મનાર દ્વીપ પરનું છેલ્લું રેલવે સ્ટેશન તલાઈમનાર છે. આ બંને વચ્ચે માત્ર 35 કિમી. જેટલું અંતર છે. સ્ટીમર દ્વારા આ અંતર એકાદ કલાકમાં પાર કરી શકાય છે. જોકે આમ પરસ્પર બંને દેશોની નિકટતાને લીધે દાણચોરી તેમજ ગેરકાયદેસર વસવાટ જેવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળ્યું છે.

શ્રીલંકા

ધનુષ્કોડી અને તલાઈમનાર વચ્ચે હારબંધ ખડકાળ નાના નાના દ્વીપો અને રેતાળ પરવાળાના ખરાબાની એક શૃંખલા આવેલી છે, જે ‘આદમના પુલ’ કે ‘રામના સેતુ’ તરીકે ઓળખાય છે. રામાયણ મહાગ્રંથમાં શ્રીરામ, લક્ષ્મણ તથા હનુમાનજીએ તેમની સેનાસહિત આ પુલ પર થઈને લંકાના રાજા રાવણ પર આક્રમણ કર્યું હોવાનો ઉલ્લેખ છે. 2004માં આ વિસ્તારનું ભારતીય ઉપગ્રહ દ્વારા સર્વેક્ષણ થયું છે, જેને પરિણામે આ બાબત અંગેનાં પૌરાણિક રહસ્યો પરથી પરદો ઊંચકાય તેવી શક્યતા નકારી શકાતી નથી.

ભૂસ્તરીય રચના, ભૂપૃષ્ઠ અને જળપરિવાહ : ભૂસ્તરવેત્તાઓના મતે આજથી આશરે સાતથી સાડા તેર કરોડ વર્ષ પહેલાં ભારત તથા શ્રીલંકાનો દ્વીપ જોડાયેલા હતા, પરંતુ આજથી દોઢથી ચાર કરોડ વર્ષના ગાળા દરમિયાન ભારત તથા શ્રીલંકા વચ્ચેની ધરતી સમુદ્રમાં ડૂબી ગઈ અને તેઓ એકબીજાથી અલગ પડ્યાં. આ અંગે જીવશાસ્ત્રીઓએ બંને દેશોની ખડકરચના, ખનિજો તથા અશ્મીભૂત અવશેષોનો અભ્યાસ કરીને તેને લગતા પુરાવાઓ મેળવ્યા છે.

દ્વીપકલ્પીય ભારતની ભૂસ્તરીય રચનાનું અનુસંધાન શ્રીલંકામાં પણ દેખાઈ આવે છે. આમ દ્વીપકલ્પીય ભારતના અતિપ્રાચીન અને સ્ફટિકમય ખડકો ધરાવતા ડુંગરાળ પ્રદેશ જેવી જ રચના શ્રીલંકામાં પણ છે. ગેડીકરણ અને ઉત્થાન જેવી ભૂસંચલન-ક્રિયાઓને પરિણામે પ્રાચીન ખડકોમાં સ્તરભંગ અને ફાટખીણની રચનાઓ થયેલી જોઈ શકાય છે. અહીં સમુત્પ્રપાત (escarpments) રચતી વિવિધ ઊંચાઈની પગથીઓ સ્પષ્ટપણે જુદી તરી આવે છે. વળી ઘણા લાંબા સમય સુધી ધોવાણ અને નિક્ષેપનનાં પરિબળોના સક્રિય કાર્યથી સપાટી પર વિવિધ ભૂમિસ્વરૂપોનો ઉદભવ અને વિકાસ થયો છે.

આ દ્વીપની લગભગ 1/10 ભાગની સપાટીને આવરતા આદ્ય-મહાકલ્પ(Archeozoic Era)ના ખડકો આજથી આશરે 60 કરોડથી વધુ વર્ષો પહેલાં રચાયેલા છે. તેમાં મુખ્યત્વે ગ્રૅનાઇટ (Granite), શિસ્ટ (Schist), નાઇસ (Gneiss), ક્વાર્ટ્ઝાઇટ તથા સ્ફટિકમય ચૂનાખડકોનો સમાવેશ થાય છે. તે મુખ્યત્વે બે શ્રેણીઓમાં વહેંચાયેલા છે : (1) ખોન્ડેલાઇટ શ્રેણી (Khondalite Series) અને (2) વિજયન શ્રેણી (Vijayan Series). ખોન્ડેલાઇટ નામ ભારતના ખોન્ડ આદિવાસી લોકો પરથી પાડવામાં આવ્યું છે. ભારતમાં ઓરિસા, મધ્યપ્રદેશ, કેરળ વગેરે રાજ્યોમાં તેમજ શ્રીલંકામાં આ વર્ગના ખડકો સારા પ્રમાણમાં આવેલા છે. દક્ષિણ શ્રીલંકાથી મધ્યસ્થ ડુંગરાળ પ્રદેશ સહિત છેક ઉત્તર-પૂર્વ શ્રીલંકા સુધી આ પ્રકારના ખડકો પથરાયેલા જોવા મળે છે. શ્રીલંકાનો મધ્યસ્થ ડુંગરાળ પ્રદેશ ચાર્નોકાઇટકમય નાઇસ ખડકોનો બનેલો છે; જેમાં ક્વાર્ટ્ઝાઇટ, સિલિમેનાઇટ-ક્વાર્ટ્ઝાઇટ, સિલિમેનાઇટ-ગાર્નેટ નાઇસ, આરસપહાણ, કૅલ્ક-ગ્રૅન્યુલાઇટ વગેરે જેવા અનેક પ્રકારના ખડકો છે. શ્રીલંકામાં આ શ્રેણીની ગ્રૅન્યુલાઇટની શિરાઓમાંથી ગ્રૅફાઇટનાં ખનિજો પ્રાપ્ત થાય છે. દેશના ઊંચા મધ્યસ્થ પ્રદેશોમાં આર્કિયન નાઇસ ખોન્ડેલાઇટ શ્રેણીના ખડકોને ભેદતા પૅગ્મેટાઇટ ખડકો પર અત્યંત લાંબા ભૂસ્તરીય સમયગાળા દરમિયાન થયેલા ધોવાણને લીધે દક્ષિણ-મધ્ય શ્રીલંકામાં એકત્રિત થયેલા કાંપના નિક્ષેપોમાંથી કીમતી રત્નો મળી આવે છે. આ ઉપરાંત આ ભાગમાં ઘસારાનાં પરિબળો સામે અડીખમ ટકી રહેલા ક્વાર્ટ્ઝાઇટ ખડકોની તૂટક તૂટક છતાં સમાંતરે ચાલી જતી લાંબી ડુંગરાળ હારમાળાઓ સ્પષ્ટપણે અલગ તરી આવે છે.

શ્રીલંકાનું પાટનગર કોલંબો – એક વિહંગદર્શન

મધ્યસ્થ ડુંગરાળ પ્રદેશની આસપાસ ઉત્તર અને વાયવ્ય ભાગમાં વિજયન શ્રેણીના ખડકો છેક દરિયાકાંઠા સુધી પથરાયેલા છે. આ ઉપરાંત પૂર્વ અને અગ્નિ બાજુએ બે નાના પટ્ટાઓમાં પણ તે જોઈ શકાય છે. તેનો મોટો ભાગ બાયૉટાઇટ-નાઇસ, હૉર્નબ્લેન્ડ-નાઇસ, ગ્રૅનાઇટ-નાઇસ વગેરે ખડકોનો બનેલો છે; જેમાં ભારતની જેમ પ્રાચીન અંત:કૃત આગ્નેય ખડકો પણ મળી આવે છે.

પુરામહાકલ્પ(Palaeozoic Era)ના ખડકસ્તરો શ્રીલંકામાં મળતા નથી, જ્યારે મધ્યમહાકલ્પ(Mesozoic Era)ના મહાસરી કાળ(Jurassic Period)ના ખડકો આશરે 13.6 કરોડથી 19 કરોડ વર્ષ પહેલાં રચાયેલા હોવાનું મનાય છે. સાયકડ, હંસરાજ, ટેરીડોસ્પર્મ વગેરે જેવા જીવાવશેષો ધરાવતા મોટા દાણાદાર રેતીખડકો, ગ્રિટ અને આર્કોઝના સ્તરો આર્કિયન ખડકોમાં સ્તરભંગ થયેલાં બે નાનાં અલગ અલગ થાળાંમાં મળી આવ્યા છે; જે શ્રીલંકામાં ટેબોવા (Tabbowa) અને એન્ડિગામા (Andigama) સ્તરો તરીકે ઓળખાય છે. વળી આ ખડકોના અન્ય વિવૃતભાગો આ ટાપુની ઉત્તરમાં કાંપ તથા મધ્યનૂતન (Miocene) ચૂનાખડક (જાફના-સ્તર) હેઠળ ઢંકાયેલા હોવાની શક્યતા પણ નકારી શકાતી નથી.

નૂતન મહાકલ્પ(Cainozoic Era)ના મધ્યનૂતન કાળ(Miocene Period)નો ‘જાફના-સ્તર’ નામે ઓળખાતો પ્રસ્તર – ચૂનાખડકોનો નિક્ષેપ, આ ટાપુના ઉત્તર તથા ઉત્તર-પશ્ચિમના થોડાક વિસ્તારમાં પથરાયેલો છે. આ નિક્ષેપ આશરે 70 લાખથી 2.6 કરોડ વર્ષ પહેલાં રચાયેલો હોવાનું માનવામાં આવે છે. આ પ્રકારના સમક્ષિતિજ રચનાવાળા ચૂના-સ્તરો છિદ્રાળુ હોય છે તેમજ જીવાવશેષો ધરાવે છે. ભારતના તિરુવનન્તપુરમ વિસ્તારના આવા પ્રકારના ખડકોમાંથી પ્રાપ્ત થતા જીવાવશેષો અને શ્રીલંકાના આ પ્રકારના ખડકોના જીવાવશેષો વચ્ચે ઘણું સામ્ય છે. વધુમાં જાફના-સ્તર સાથે સંકળાયેલા મરડિયા-(ગ્રેવલ)ના નિક્ષેપો, એ નૂતનતમ કાળ(Pleistocene Period)માં રચાયેલા હોવાનું માનવામાં આવે છે. કદાચ છેલ્લાં 25 લાખ વર્ષ દરમિયાનના સમયગાળામાં આ પ્રદેશો સમુદ્રનાં છીછરાં જળ નીચે આવવાને લીધે આમ બન્યું હોવાનું ભૂસ્તરવેત્તાઓનું માનવું છે.

મધ્યસ્થ ડુંગરાળ પ્રદેશોમાં વર્ષોથી પડતા ધોધમાર વરસાદને લીધે અહીંથી અસંખ્ય ઝરણાં અને નદીઓ કેન્દ્રત્યાગી જળપરિવાહ રૂપે ચારે દિશાઓમાં વહીને સમુદ્રને મળે છે. છેક નીચે સમુદ્ર સુધી કંકર, રેતી, માટી, કાંપ વગેરે નિક્ષેપો પાથરવાનું કાર્ય લાખો વર્ષોથી સતત ચાલતું રહ્યું છે. આથી કિનારાનાં મેદાનોની રચના થઈ છે. કિનારાના નીચા પ્રાચીન ખડકોને ઢાંકતા આવા નિક્ષેપો નૂતનતમ કાળ(Pleistocene Period)માં બંધાયેલા છે. પૂર્વ અને પશ્ચિમ કિનારાની સાંકડી દરિયાઈ મેદાન-પટ્ટીઓની રચના ઉપરાંત દક્ષિણ, દક્ષિણ-પશ્ચિમ અને પૂર્વ કિનારાના કેટલાક ભાગોમાં છિદ્રાળુ કણરચના ધરાવતી ઘેરી રતાશ પડતી લૅટેરાઇટ જમીનોના જાડા સ્તરો પણ અસ્તિત્વમાં આવેલા જોવા મળે છે. આશરે 1,500 કિમી. લંબાઈના તેના દરિયાકાંઠે દરિયાઈ રેતપટ્ટ (beach), શ્રેણીબદ્ધ આડ (bars), રેતીના ઢૂવાઓ અને દરિયાઈ ખાડી-સરોવરો (lagoons) જેવી રચનાઓ સર્વસામાન્ય છે. પુત્તલામ ખાડી-સરોવરને આવરતો કાલ્પિટિયા ખુલ્લો બાંધ (spit) અને બત્તિકૅલોઆ(Batticaloa)થી દક્ષિણ તરફની લાંબી આડ (bar) તેનાં ઉત્તમ ઉદાહરણો છે.

શ્રીલંકાનું ભૂપૃષ્ઠ દરિયાકાંઠાથી મધ્યસ્થ ભાગ તરફ એક પછી એક – એમ ઊંચે જતાં પગથિયાં આકારની ખાસિયત ધરાવે છે. જોકે આવા પ્રકારની રચના માટે વિદ્વાનોમાં મતભેદ પ્રવર્તે છે. સમુદ્રસપાટીથી આશરે 120 મીટરની ઊંચાઈ ધરાવતી સૌથી નીચી સપાટી મુખ્યત્વે વિજયન શ્રેણીના ખડકોની બનેલી છે, જ્યારે આશરે 510થી 600 મીટર ઊંચાઈ ધરાવતી દ્વિતીય સપાટી ખોન્ડેલાઇટ અને વિજયન શ્રેણીના ખડકોની તેમજ ટોચની એટલે કે 1,200થી 1,800 મીટરની ઊંચાઈ ધરાવતી તૃતીય સપાટી માત્ર ખોન્ડેલાઇટ શ્રેણીના ખડકોની બનેલી છે.

શ્રીલંકાના ભૂપૃષ્ઠનો અભ્યાસ મુખ્યત્વે નીચે પ્રમાણેના બે વિભાગોમાં કરી શકાય :

(1) ડુંગરાળ પ્રદેશો : શ્રીલંકાની ભૂસપાટીનો લગભગ 1/5 ભાગ મુખ્યત્વે 300 મી.થી વધુ ઊંચાઈના મધ્યસ્થ ખડકાળ ડુંગરાળ વિસ્તારને આવરે છે. આ દેશમાં પર્વત કહી શકાય તેવો કોઈ પ્રદેશ આવેલો નથી. ભૂસંચલનક્રિયાની સાથે સાથે લાખો વર્ષોથી સતત ચાલુ રહેલી ધોવાણક્રિયાથી સુબદ્ધ આકાર ધરાવતા ડુંગરાળ પ્રદેશો રચાયા છે, જેની ફરતી કિનારીવાળા ગોળાકાર ભાગો વિવૃત ડુંગરધાર (escarpments) ધરાવે છે. અહીં વિવિધ ઊંચાઈની અનેક પગથીઓ (platforms) જોવા મળે છે. સરેરાશ 1,500 મીટરની ઊંચાઈ ધરાવતા આ ડુંગરાળ પ્રદેશમાં દેશનું સર્વોચ્ચ શિખર પિદરુતલાગલા (Pidurutalagala) છે, જે સમુદ્રસપાટીથી 2,528 મીટરની ઊંચાઈ ધરાવે છે. તેની ઉત્તરમાં કૅન્ડીનો ઉચ્ચપ્રદેશ, નૈર્ઋત્ય ખૂણામાં હૅટ્ટન ઉચ્ચપ્રદેશ (Hattan Plateau) અને અગ્નિ ખૂણામાં ઉવા થાળું (Uva Basin) આવેલાં છે. અહીં અન્ય ઊંચાં શિખરો પણ છે, તે પૈકી આદમનું શિખર (2,236 મી.), કિરીગાલપોટ્ટા (Kirigalpotta) (2,395 મી.), નામુકુલા (Namunukula) (2,236 મી.) અને ટોટાપોલા (Totapola) (2,360 મી.) ઉલ્લેખનીય છે. અહીંથી અનેક નદીઓ તથા ઝરણાં ઉદભવે છે. આ પૈકીની કેલાણી ગંગા અને મહાવેલી ગંગા નદીઓએ ઊંડી ખીણોની રચના કરી છે. બીજી નોંધપાત્ર બાબત એ છે કે આ પ્રદેશના નૈર્ઋત્ય ભાગમાં એક અદ્ભુત અને લાક્ષણિક ધરાકૃતિ (topography) અત્યંત ધ્યાનાકર્ષક દેખાય છે અને તે છે આશરે 900 મી.ની ઊંચાઈની શ્રેણીબદ્ધ સમાંતરે જતી લાંબી ડુંગરમાળાઓ. તે મુખ્યત્વે ક્વાર્ટ્ઝાઇટ ખડકોની બનેલી છે. આ ડુંગરમાળાઓની વચ્ચે વચ્ચે ઊંડી અને લાંબી ખીણો પ્રસરેલી છે.

(2) નીચાં મેદાનો અને ઊંચાં મેદાનો : વિશાળ અર્થમાં જોઈએ તો આ દ્વીપની ચારે બાજુ સમુદ્રકાંઠાથી આંતરિક ભાગ તરફ જતાં સરેરાશ 100 મીટર સુધીની ઊંચાઈ ધરાવતાં અને સામાન્ય રીતે ટેકરીઓ સહિતના પ્રદેશો ‘નીચાં મેદાનો’ તરીકે ઓળખાય છે. અહીં તળિયાના કઠણ ભૂસ્તરો ઉપર કાંપ, માટી, રેતી, કાંકરા વગેરેના નિક્ષેપ-સ્તરો પથરાતાં દરિયાકિનારાનાં મેદાનોની રચના થઈ છે. કેટલેક સ્થળે પ્રાચીન ટેકરીઓના અવશેષરૂપ મથાળાના ભાગો આવાં મેદાનોમાં ઊપસી આવેલા જણાય છે, તેને ‘ઇન્સેલબર્ગ’ (Inselberg) કહે છે. મોનારાગલ્લા (425 મી.), કતારગામા (425 મી.), વાડીનાગલા (735 મી.), સાન્ગિલીમાલા (410 મી.), પરમકંદા (163 મી.) વગેરે અગત્યના ઇન્સેલબર્ગ છે, તે પૈકીના કેટલાક પર જૂના સમયમાં બાંધેલાં બૌદ્ધમંદિરો જોવા મળે છે.

નીચાં મેદાનો અને ડુંગરાળ પ્રદેશોની વચ્ચેનાં મેદાનો ‘ઊંચાં મેદાનો’ તરીકે ઓળખાય છે, જે 100 મીટરથી 300 મીટરની ઊંચાઈ ધરાવે છે. જોકે તેમાં પણ વચ્ચે વચ્ચે છૂટીછવાઈ ખડકાળ ટેકરીઓ જોવા મળે છે. તે પૈકી મારગાલાકંદ (1,112 મી.), રીતીગાલા (768 મી.), ડમ્બલા (350 મી.), સિગિરિયા (350 મી.) વગેરે ઉલ્લેખનીય ટેકરીઓ છે. સિગિરિયાની ટેકરી પર પ્રાચીન ઐતિહાસિક કિલ્લો બાંધેલો છે.

આ ટાપુનો દક્ષિણ-મધ્ય ભાગ ઊંચો ડુંગરાળ પ્રદેશ છે, જે મુખ્યત્વે ઉનાળાના નૈર્ઋત્યકોણીય મોસમી પવનોથી ભારે વરસાદ મેળવે છે. અહીંથી નાની નાની અસંખ્ય નદીઓ ઉદભવીને ગાડાના પૈડાની ધરીમાંથી નીકળતા આરાની જેમ દ્વીપની ચારે બાજુ આવેલાં મેદાનોમાં વહીને સમુદ્રને મળે છે. આમ આ દેશમાં કેન્દ્રત્યાગી જળપરિવાહ પદ્ધતિ વિકાસ પામી છે. શ્રીલંકામાં એકંદરે નદીઓ નાની છે. આ બધામાં સૌથી લાંબી નદી મહાવેલી ગંગા છે, જે આશરે 331 કિમી. જેટલી લંબાઈ ધરાવે છે. આ નદીનું મૂળ કૅન્ડી નગરથી દક્ષિણમાં 48 કિમી. દૂર આવેલું છે.

આ દેશમાં નદી માટે વ્યવહારમાં ‘ગંગા’, ‘ઓયા’ અને ‘અરુ’ એવા શબ્દપ્રયોગો પ્રયોજવામાં આવે છે. ‘ગંગા’ અને ‘ઓયા’ શબ્દો સિંહાલી ભાષાના છે, જે અનુક્રમે મોટી અને નાની નદીઓના સૂચક છે, જ્યારે ‘અરુ’ શબ્દ તમિળ ભાષાનો છે. મહાવેલી ગંગા સિવાયની અન્ય નદીઓમાં અરુવી અરુ (167 કિમી.), કાલા ઓયા (156 કિમી.), યાના ઓયા (151 કિમી.), કેલાણી ગંગા (145 કિમી.), દેદુરુ ઓયા (140 કિમી.), મદુરુ ઓયા (138 કિમી.), વાલાવે ગંગા (134 કિમી.), મેનિક ગંગા (130 કિમી.), મહા ઓયા (125 કિમી.), કિરીન્દી ઓયા, કાલુ ઓયા, ગિન ગંગા, કમ્બુકન ઓયા, મી ઓયા, ગાલ ઓયા વગેરે નદીઓ અગત્યની છે.

કેન્દ્રસ્થ પહાડી વિસ્તારની વિશિષ્ટ પ્રાકૃતિક રચનાને લીધે નદીઓ અને ઝરણાંના માર્ગમાં લગભગ 50થી પણ વધારે જળધોધ-જળપ્રપાત આવેલા છે. તેમાં કેટલાક બારમાસી છે. અહીં પુષ્કળ વરસાદ પડતો હોવાને લીધે ડુંગરોમાંથી ઉદભવતાં નદીનાળાં લગભગ કાયમી છે. આમ છતાં કોઈક વર્ષે ઓછો વરસાદ પડે છે, ત્યારે તેમના પ્રવાહો આછા કે મંદ થઈ જાય છે. આ બધા જળધોધો પૈકી દિયાલુમા, દુન્હિન્દા, ઍલ્ગિન, પરાવેલ્લા વગેરે નોંધનીય છે.

કોઈક વાર ડુંગરાળ વિસ્તારો ધોધમાર અને બેસુમાર વરસાદ મેળવે છે, ત્યારે તેના સીધા ઢોળાવોને લીધે નદીનાળાંનાં પાણી ઝડપભેર મેદાનોમાં નીચે ઊતરી આવે છે અને પૂરની હોનારત સર્જાય છે. ખાસ કરીને નૈર્ઋત્ય કિનારા તરફ આજે પણ નદીઓનાં પૂરના પ્રશ્નને ગંભીર ગણવામાં આવે છે. અહીં કોલમ્બોની આસપાસ પૂરનાં પાણીનો નિકાલ કરવા માટે ડચ લોકોના સમયથી પરસ્પરને સાંકળતી નહેરોનું બાંધકામ કરવામાં આવેલું છે. વળી આ પૈકીની આશરે 245 કિમી. લંબાઈની નહેરોનો વહાણવટા માટે પણ ઉપયોગ થાય છે.

અહીંના લોકહિતેચ્છુ અને દૂરંદેશી પ્રાચીન રાજ્યકર્તાઓએ નદીઓનાં જળનો પીવા માટે અને ખેતીકામમાં બારેમાસ ઉપયોગ કરી શકાય તે માટે કેટલીક નદીઓના પ્રવાહમાર્ગ પાસેનાં ગામોમાં સરોવરો અને નહેરોનું બાંધકામ કરાવેલું છે. આવાં સરોવરો અને નહેરોનો આજે પણ ઉપયોગ થાય છે.

આબોહવા, કુદરતી વનસ્પતિ અને પ્રાણીજીવન : આ દેશ વિષુવવૃત્તની સમીપ આવેલો છે, જેથી અહીં સામાન્ય રીતે આખું વર્ષ તાપમાન પ્રમાણમાં ઊંચું રહે છે; તેમ છતાં વિશાળ હિન્દી મહાસાગરમાં આવેલા આ નાના કદના ટાપુસ્વરૂપના દેશનું કોઈ પણ સ્થળ સમુદ્રથી બહુ દૂર નથી. આમ ચારેય બાજુએથી તેના પર દરિયાઈ લહેરોની અસર વર્તાય છે. તેથી તેની આબોહવા સમધાત રહે છે. દેશમાં તાપમાનનો દૈનિક તથા વાર્ષિક ગાળો ઘણો ઓછો રહે છે. ઉનાળામાં હિન્દ મહાસાગર પરથી આવતા નૈર્ઋત્યકોણીય મોસમી પવનો અને શિયાળામાં બંગાળના ઉપસાગર પરથી વાતા ઈશાનકોણીય મોસમી પવનો ઋતુપરિવર્તન માટે જવાબદાર છે. મુખ્યત્વે આ પવનો વરસાદ આપે છે; આમ છતાં વિષુવવૃત્તની સમીપતાને લીધે આ દેશ ઉષ્ણતાનયનથી પણ કેટલોક વરસાદ મેળવે છે. વળી આ દેશના અસમતળ ભૂપૃષ્ઠની અસરોથી કેટલેક અંશે તાપમાન અને વરસાદના પ્રમાણમાં પણ તફાવતો સર્જાય છે.

ચાના કૃષિ-પાકથી લચી પડતો એક બગીચો

આ દેશનું સ્થાન વિષુવવૃત્તની તદ્દન નજીક હોવાથી તેની આબોહવા વિષુવવૃત્તીય આબોહવાને ઘણી રીતે મળતી આવે છે, આમ છતાં દક્ષિણ એશિયાના દેશોની જેમ તેની આબોહવા મોસમી પ્રકારની છે. પણ આ દેશનાં આકાર, સ્થાન, સમુદ્રની સમીપતા, સમુદ્રસપાટીથી ઊંચાઈ વગેરે પરિબળોને લીધે એકંદરે જોતાં ત્યાંની આબોહવા બારે માસ સમધાત, ખુશનુમા અને આરોગ્યપ્રદ રહે છે. વળી ભારતની જેમ મોસમી પવનોની ખાસિયતો શ્રીલંકાને પણ લાગુ પડે છે. મોસમી પવનો તેના સમય કરતાં સહેજ મોડા કે વહેલા વાય અથવા બંધ પડે અને તેને પરિણામે વરસાદમાં અનિયમિતતા, અવિશ્વસનીયતા અને વધુ વધઘટ પણ જોવા મળે. ભારતની જેમ શ્રીલંકાના કેટલાક પ્રદેશો દુષ્કાળ અને પૂર જેવી આફતોથી મુક્ત નથી.

દેશના કિનારાના નીચા પ્રદેશોમાં માસિક સરેરાશ તાપમાન ઊંચું હોય છે; તેમ છતાં તાપમાનમાં એકરૂપતા જોવા મળે છે. સમુદ્રસપાટીથી આશરે 7 મીટર ઊંચાઈ ધરાવતા કોલમ્બોનાં જાન્યુઆરી અને જુલાઈ માસનાં સરેરાશ તાપમાન અનુક્રમે 25.8o સે. તથા 27.5o સે. જેટલાં હોય છે. જોકે વાર્ષિક તાપમાનનો ગાળો માત્ર 1.7o સે. રહે છે. એવી જ રીતે લગભગ 1,900 મીટરની ઊંચાઈ પર આવેલા ગિરિમથક નુવારા ઇલિયાનાં જાન્યુઆરી અને મે માસનાં સરેરાશ તાપમાન અનુક્રમે 14o સે. તથા 17o સે. તેમજ વાર્ષિક તાપમાનનો ગાળો માત્ર 3o સે. જેટલો હોય છે. આમ ઊંચાં પહાડી ક્ષેત્રો પર વિહારધામો અને હવાખાવાનાં સ્થળોનો વિકાસ થયેલો જોવા મળે છે.

શ્રીલંકામાં વર્ષનો મોટાભાગનો વરસાદ મે માસના અંત ભાગથી ઑગસ્ટ કે સપ્ટેમ્બર માસ સુધીના ગાળામાં હિન્દી મહાસાગર પરથી વાતા ભેજવાળા નૈર્ઋત્યકોણીય મોસમી પવનો આપે છે. મોસમી પવનો દ્વારા પડતા ‘ભૂપૃષ્ઠના વરસાદ’(relief rain)ની સાથે સાથે કેટલાક પ્રમાણમાં ‘ઉષ્ણતાનયનનો વરસાદ’ પણ સંકળાયેલો છે, પણ તેને અલગ પાડી શકાતો નથી. દેશના પશ્ચિમ કાંઠે આવેલા કોલમ્બોનો વાર્ષિક વરસાદ 2,345 મિમી. જેટલો હોય છે, જ્યારે ઊંચાં પહાડી ક્ષેત્રોમાં 5,000 મિમી.થી વધુ વરસાદ મેળવતાં કેટલાંક સ્થાનો આવેલાં છે. તે પૈકી વટાવાલા(Watawala)નો કુલ વાર્ષિક વરસાદ 5,537 મિમી. જેટલો નોંધાયો છે. આ શ્રીલંકાનું સૌથી વધુ વરસાદ ધરાવતું સ્થળ છે.

આ ટાપુના ઈશાન ખૂણાનો પ્રદેશ વર્ષાછાયામાં આવતો હોવાથી થોડોક ઉનાળુ વરસાદ મેળવે છે, જ્યારે તેની તુલનામાં અહીં શિયાળુ વરસાદનું પ્રમાણ વિશેષ હોય છે; દા.ત., આ ટાપુના ઉત્તર છેડે આવેલા જાફનાનો કુલ વાર્ષિક વરસાદ 1,220 મિમી. જેટલો છે, પણ ઉનાળાના નૈર્ઋત્યકોણીય મોસમી પવનો દ્વારા થતા વરસાદનું પ્રમાણ માત્ર 200 મિમી. જેટલું હોય છે, જ્યારે શિયાળા દરમિયાન બંગાળના ઉપસાગર પરથી આવતા ભેજવાળા ઈશાનકોણીય મોસમી પવનો જાફનાની આસપાસના પ્રદેશમાં સારો એવો વરસાદ આપે છે. ટૂંકમાં, ઉત્તરના અને પૂર્વના મેદાન-પ્રદેશોના સરેરાશ વાર્ષિક વરસાદનું પ્રમાણ 1,900 મિમી. કરતાં ઓછું રહે છે. પૂર્વ કાંઠે આવેલા ત્રિંકોમાલી બંદરનો વાર્ષિક વરસાદ લગભગ 1,649 મિમી. છે. વધુમાં આ પ્રદેશોને વરસાદ વધુ અનિશ્ચિત અને અવિશ્વસનીય હોવાથી વહી જતા પાણીની તથા સિંચાઈની સમસ્યા માટે સારા આયોજનની જરૂરિયાત રહે છે.

શ્રીલંકાની કુદરતી વનસ્પતિમાં અનેક પ્રકારનું વૈવિધ્ય છે. એક સમયે આ ટાપુનો મોટો ભાગ સદાહરિત ઉષ્ણકટિબંધીય ગીચ જંગલોથી આચ્છાદિત હતો, પણ માનવપ્રવૃત્તિમાં વધારો થવાથી કેટલાક ભાગોમાં જંગલોનું પ્રમાણ તદ્દન ઘટી ગયેલું જણાય છે. આજે આ ટાપુના આશરે 1/5 ભાગમાં જંગલો જોવા મળે છે. ગિરિપ્રદેશના ઊંચા આર્દ્ર ભાગોમાં સદાહરિત વર્ષાજંગલો છવાયેલાં છે. તેમાં આયર્નવુડ, સાટીનવુડ, હેલ્માલીલે (Halmalille), રબર, સિંકોના, ગ્રેવિલિયા (Grevillia), ડૅડપ (dadap) તથા અન્ય વિવિધ પ્રકારનાં વૃક્ષો પુષ્કળ પ્રમાણમાં આવેલાં છે. વૃક્ષોને વેલાઓ વીંટળાતાં તેમનું પાંદડાંવાળું છત્ર વધુ ગીચ બને છે. કેટલીક જગ્યાએ પરરોહી (orchid) વનસ્પતિની જાતો પણ વૃક્ષો પર થતી જોવા મળે છે. વળી નદીઓ કે ઝરણાંના કિનારે બ્રુંસ વૃક્ષો (rhododendron) તેમજ વાંસનાં ઝુંડ અને તાડની વિવિધ જાતો થાય છે. દેશના પશ્ચિમ કિનારે ફણસનાં વૃક્ષો પુષ્કળ પ્રમાણમાં ઊગી નીકળેલાં છે. આજે બગીચાઓમાં તેની સુધારેલી જાતોનું વાવેતર થતું જોવા મળે છે. ઊંચા ડુંગરાળ પ્રદેશોમાં સમગ્ર વર્ષ દરમિયાન કાયમ હરિયાળું વાતાવરણ જળવાઈ રહે છે, એ તેની ખાસ વિશિષ્ટતા છે. આજે કેટલાક ડુંગરાળ ભાગોનાં જંગલોને સાફ કરીને તેમના સ્થાને ચા, રબર અને કોકોના બગીચા બનાવવામાં આવ્યા છે, જ્યારે કેટલાક પહાડી ઢોળાવો તથા નદીખીણવિસ્તારોનાં જંગલોને સાફ કરીને તેમના સ્થાને ડાંગરની ખેતી વિકસાવાઈ છે.

ઓછા વરસાદવાળા ભાગોમાં થોડાક જંગલવિસ્તારો છે; જેમાં સાગ, સાટીનવુડ, ઍબની, નેડુન (Nedun), પાલુ (Palu), બોરડી, બાવળ, વડ, જાંબુડો, આમલી, અરડૂસો, આંબો, નાળિયેર, મોટા તાડ (Palmyra) વગેરે વૃક્ષો જોવા મળે છે. આ ઉપરાંત અહીંના ઘાસના વિસ્તારો તથા વિવિધ પ્રકારનાં કાંટાળાં ઝાંખરાં પણ છે. પરવાળાના ખરાબાનો દરિયાકાંઠો લીલાંછમ નાળિયેરીનાં ઝુંડથી છવાયેલો છે; એટલું જ નહિ, પણ નદીનાળ અને મુખત્રિકોણ પ્રદેશના કાદવમાં વાયુશિક (Mangrove), પેન્ડાનસ (Pandanus), સ્ક્રૂ-પાઇન વગેરે વૃક્ષો ઊગેલાં છે. દેશના આંતરિક ભાગમાં આવેલાં તળાવોમાં પણ જળજ વનસ્પતિ થાય છે.

જંગલો ખાસ કરીને ઇમારતી તથા જલાઉ લાકડું પૂરું પાડે છે. વનવિભાગ દ્વારા ચાલતી વનીકરણ યોજના અન્વયે સાગ, ફણસ અને બીજાં મહત્વનાં વૃક્ષોની ખેતી (plantation) કરીને ઉત્પાદન મેળવાય છે. દેશમાં પ્લાયવુડ બનાવવાનાં કારખાનાં પણ આવેલાં છે. અહીંથી લાકડાંનાં પાટિયાની નિકાસ કરવામાં આવે છે.

પ્રાણી અને મત્સ્યસંપત્તિ : પ્રકૃતિએ અર્પેલી જીવસંપત્તિની ભેટ નષ્ટ ન થઈ જાય તે માટે શ્રીલંકાની સરકાર સજાગ છે. તેણે ત્રણ રાષ્ટ્રીય ઉદ્યાનો (National Parks) પ્રસ્થાપિત કર્યા છે : (1) અનુરાધાપુર નજીકનો વિલ્પાત્તુ (Wilpattu) રાષ્ટ્રીય ઉદ્યાન, (2) બત્તિકૅલોઆથી નૈર્ઋત્યમાં આવેલો ગાલ ઓયા રાષ્ટ્રીય ઉદ્યાન અને (3) કોલંબોથી 300 કિમી. દૂર નૈર્ઋત્ય કાંઠે આવેલો રુહુનુ અથવા યાલા (Ruhunu or Yala) રાષ્ટ્રીય ઉદ્યાન. છેલ્લાં પચાસ વર્ષથી જંગલોમાંથી પક્ષીઓ અને પ્રાણીઓનું પ્રમાણ ઘટી ગયેલું જોવા મળે છે. સરકારે તેમના શિકાર પર પ્રતિબંધ મૂક્યો છે.

શ્રીલંકામાં મળી આવતાં સસ્તન અને પૃષ્ઠવંશી પ્રાણીઓની કેટલીક જાતિઓ દક્ષિણ ભારતમાંથી મળી આવે છે; જ્યારે બાકીની જાતિઓ સ્થાનિક છે. અહીં સ્લોથ બૅર, ચિત્તા, હાથી, ચેવરોટાઇન, હરણ, વાંદરાં, સ્લેન્ડર લૉરિસ વગેરે સસ્તન પ્રાણીઓ જોવા મળે છે. સાબરાગામુવા પ્રદેશનાં જંગલોમાં ઉત્તમ પ્રકારના હાથી થાય છે. આ પ્રદેશમાં દર વર્ષે હાથીઓને પકડવા માટેનું વિશિષ્ટ આયોજન કરવામાં આવે છે. અહીંનાં મોટાભાગનાં પૃષ્ઠવંશી પ્રાણીઓ ભારતીય છે, પણ કેટલાંક (ગરોળીઓ, સાપ અને પક્ષીઓ) ઇન્ડોચાઇના અથવા તો મલાયાનાં છે. ખાસ કરીને સિલોન સાબર અને સાપની કેટલીક જાતો પૈકીની પોલોન્ગા (Polonga) એ અહીંની લાક્ષણિક જાત છે. અહીં ચામાચીડિયાની 28 જાતો જોવા મળે છે. તે પૈકી વનવાગોળ (flying fox) એ સૌથી મોટી જાત છે. અહીંનાં ભેજવાળાં જંગલોમાં વૃક્ષોનાં મૂળ તથા થડ પર મોટા પ્રમાણમાં જળો થાય છે, જે પ્રવાસીઓ માટે જોખમરૂપ છે. ઉ. ગોળાર્ધના શિયાળા વખતે અહીં યાયાવર પક્ષીઓ મોટા પ્રમાણમાં આવે છે. આશરે 120 જાતિનાં વિદેશી પક્ષીઓની નોંધ થઈ છે. ભારતીય બાજપક્ષી (Peregrine falcon) ઉત્તર શ્રીલંકામાં માળો બાંધે છે. વૃક્ષો અને છોડવાઓ પર વિવિધ પ્રકારનાં રંગબેરંગી પક્ષીઓ જોવા મળે છે, જોકે તેમાં ઘણાંખરાં ભારતીય છે અને તેમાંનાં કેટલાંક મધુર અવાજે ગાય છે. અહીં કોયલ, મોર, કાગડા, ઘુવડ, બાજ, ગરુડ, સેવન સિસ્ટર્સ, હમિંગ બર્ડ વગેરે પક્ષીઓ મહત્વનાં છે.

શ્રીલંકામાં પાણી પર આધારિત જીવસૃદૃષ્ટિમાં મત્સ્યવર્ગ મહત્વનો છે. નદીઓ તથા સમુદ્રમાં પુષ્કળ મગરો થાય છે. વળી બતક, બગલાં, સારસ, જળકૂકડી, હંસ વગેરે જળચર પક્ષીઓનાં ટોળાં સામાન્ય છે. ભારતની જેમ આ દેશ પણ ખેતીપ્રધાન છે. અહીં ખેતીમાં ઝાઝું યાંત્રિકીકરણ થયું નથી. વળી ડુંગરાળ ભાગોમાં ચા, રબર અને કૉફી તેમજ કિનારે નાળિયેરી જેવા બાગાયતી પાકો લેવાય છે; જેમાં પશુઓની બહુ જરૂર પડતી નથી. જોકે ડાંગરની ખેતી કરવામાં વ્યાપક પ્રમાણમાં ભેંસોનો ઉપયોગ થાય છે. ભેજવાળા વિસ્તારોમાં તેમની સંખ્યા વિશેષ છે. પશ્ચિમના દેશોની સુધારેલી ઓલાદની ગાયો અહીં દૂધની કેટલીક જરૂરિયાતો પૂરી પાડે છે. આમ છતાં, પશુઓને ચરાવવા માટે ઘાસનાં મેદાનોની અછત છે, જેથી અહીં મોટા પાયા પર પશુપાલન-વ્યવસાયનો વિકાસ થયો નથી. વળી ભારતમાં દુધાળી ભેંસોની થોડાક પ્રમાણમાં આયાત કરવામાં આવે છે. શ્રીલંકાના ઓછા વરસાદવાળા શુષ્ક પ્રદેશોમાં બાવળ, બોરડી, થોર વગેરે કાંટાળાં ઝાંખરાં પર ઘેટાંબકરાંનો ઉછેર થાય છે. તેઓ વૃક્ષો અને અન્ય વનસ્પતિઓનાં પાન ખાઈને જીવે છે. આ દેશની વસ્તીનો મોટો ભાગ શાકાહારી છે અને માંસાહારી લોકોનું પ્રમાણ ઓછું છે. ભારતના લોકો જેમ માખણમાંથી બનાવેલા ઘીનો ખાવામાં ઉપયોગ કરે છે તેમ અહીંના લોકો ખાવામાં કોપરેલનો વધારે પડતો ઉપયોગ કરે છે. જરૂરિયાત મુજબ માખણના હવાચુસ્ત ડબ્બાઓની ઑસ્ટ્રેલિયાથી આયાત કરવામાં આવે છે. જોકે મોટી હૉટેલોમાં વિદેશી સહેલાણીઓ માટે માંસ, મરઘાં અને ઈંડાંની જરૂરિયાત પડે છે. અહીં મરઘાં અને ડુક્કરઉછેર પણ સારા પ્રમાણમાં કરવામાં આવે છે. વળી શ્રીલંકા ભારતમાંથી માંસ અથવા ઑસ્ટ્રેલિયામાંથી થીજવેલું માંસ તેમજ ભારત તથા માલદીવમાંથી સૂકવેલી માછલીની આયાત કરવામાં આવે છે.

આ દેશને લાંબો સમુદ્રતટ મળેલો છે. તે પૈકી ઉત્તરનો છીછરો દરિયાકાંઠો મત્સ્ય-ઉત્પાદન માટે અગત્યનો છે. આ ઉપરાંત દેશના આંતરિક ભાગોમાં આવેલી નદીઓ તથા જળાશયો પણ મત્સ્યઉદ્યોગના વિકાસનાં સમૃદ્ધ સ્થળો છે. અહીંના લોકો ખોરાકમાં મુખ્યત્વે ચોખાની સાથે માછલીનો વધુ ઉપયોગ કરે છે, જેથી વધારાનાં જરૂરી માછલાં પરદેશથી આયાત કરવાં પડે છે. અહીં સીયર (seer), હાલ્મેસા (Haalmessa), શ્રીંપ (Shrimp) વગેરે માછલીઓ તથા કરચલા, લૉબસ્ટર અને ખાવાલાયક કાચબા પકડવામાં આવે છે. કિનારા ઉપરાંત દૂરના ઊંડા દરિયામાંથી માછીમારો મત્સ્યજહાજો (ટ્રૉલર્સ) દ્વારા મુખ્યત્વે મૅકેરલ (Mackeral), વ્હાઇટિંગ (Whiting), સોલ (Sole) તથા સાર્ડિન જેવી માછલીઓ પકડે છે. નદીઓના મુખમાંથી તેમજ આંતરિક ભાગમાં આવેલાં સરોવરોમાંથી મીઠા જળનાં માછલાં મેળવાય છે, જે સ્થાનિક લોકોની જરૂરિયાતો પૂરી પાડે છે.

શ્રીલંકાની સરકારે આ ઉદ્યોગના વિકાસ માટેની સંસ્થાઓ સ્થાપી છે અને મત્સ્યબંદરોનો વિકાસ કર્યો છે. વૉજ અને પેદ્રો કિનારા પાસે માછલાં પકડવા માટે યાંત્રિક બોટો તથા ટ્રૉલરોની સગવડો છે. વળી માછલાં લાંબો સમય સુધી તાજાં રહી શકે તે માટે બંદરો પર શીતગૃહો ઊભાં કર્યાં છે. ઈ. સ. 1957માં મતવાલ (Mutwal) ખાતે મત્સ્યની આડપેદાશોને લગતું એક કારખાનું સ્થાપવામાં આવ્યું છે. ટૂંકમાં માછલાં પકડવા માટે સુધારેલી અને સંશોધિત પદ્ધતિઓ તેમજ યાંત્રિક મત્સ્યનૌકાઓનો ઉપયોગ કરવામાં આવતો હોઈ ધીમે ધીમે માછલાંનું ઉત્પાદન વધી રહ્યું છે.

મનારના અખાત પાસે મોતી મેળવવા માટે મત્સ્યસંવર્ધન થાય છે. જોકે આ પ્રવૃત્તિ સરકારહસ્તક છે. વળી પાલ્કની સામુદ્રધુનીમાંથી મોટા પાયા પર દરિયાઈ શંખ તથા અન્ય દરિયાઈ પ્રાણીઓનાં આકર્ષક કવચ મેળવવાની પ્રવૃત્તિ પણ અહીં ચાલે છે.

જમીનો, સિંચાઈ અને ખેતી : દેશના ભેજવાળા ડુંગરાળ પ્રદેશોમાં રાતી ગોરાડુ પડખાઉ (Lateritic loam) જમીનો રચાયેલી છે. આ રતાશ પડતી લોહતત્વ ધરાવતી જમીનો વાસ્તવમાં ફળદ્રૂપ નથી, પણ રબર અને ચા જેવા પાકો માટે ઉપયોગી છે. તેમાં રાસાયણિક ખાતરો નાંખવામાં આવે તો ઉત્પાદન વધારી શકાય છે. ઉત્તર, દક્ષિણ અને પૂર્વ શ્રીલંકાના સૂકા વિભાગમાં મુખ્યત્વે રતાશ પડતી બદામી રંગની અર્ધ-પડખાઉ જમીનો જોવા મળે છે. આ જમીનો ફળદ્રૂપ છે, પણ તેની સંભાળપૂર્વક જાળવણી કરવી પડે છે. મનારના દક્ષિણ-પૂર્વમાં ક્ષારયુક્ત જમીનો છે. ઉત્તરના જાફના દ્વીપકલ્પની આસપાસના પ્રસ્તર ચુનાળુ ખડકોના પ્રદેશોમાં સામાન્ય રીતે ચૂનાથી ભરપૂર એવી રાતી ગોરાડુ જમીનોનું છીછરું પડ આવેલું છે. વળી નદીઓના નીચલા ખીણપ્રદેશો અને નદીઓના વહેણની આસપાસનાં પૂરનાં મેદાનો ડાંગરની ખેતી માટેની ફળદ્રૂપ જમીનો ધરાવે છે. આ સિવાય દરિયાકાંઠાની ક્ષારીય રેતાળ જમીનો નાળિયેરીના ઉછેર માટે ઉત્તમ પુરવાર થઈ છે.

શ્રીલંકામાં જૂના સમયથી જ સિંચાઈ યોજનાઓ તૈયાર કરવામાં આવી હતી. તળાવો, સરોવરો અને નહેરોનું બાંધકામ ઈ. સ.ની શરૂઆતના સમયગાળામાં સિંહાલી રાજ્યકર્તાઓ દ્વારા થયેલું છે. તેમાંનાં મોટાભાગનાં બાંધકામો આજે પણ સારી સ્થિતિમાં છે. થોડાંક પ્રાચીન સરોવરો તથા નહેરોની સુધારણા કરીને તેનો વ્યાપક પ્રમાણમાં સિંચાઈ માટે ઉપયોગ કરવામાં આવે છે. આ દેશમાં આજે નાનાંમોટાં બધાં થઈને લગભગ 12,000 જેટલાં સિંચાઈ માટેનાં તળાવો કે સરોવરો છે. તેમાંનાં કેટલાંક તો 2,000 હેક્ટર કે તેથી વધુ ક્ષેત્રફળ રોકે છે. આ પૈકી મધ્ય શ્રીલંકામાં આવેલું કાલાવેવા (Kalawewa) સરોવર આશરે 18.13 ચોકિમી. વિસ્તારમાં પથરાયેલું છે. તેના પરની માટીની પાળ લગભગ 10 કિમી. લાંબી, 15 મીટર ઊંચી અને 6 મીટર પહોળી છે. આ સરોવરમાંથી ‘યોદા એલા નહેર’ (Yoda Ela Canal) કાઢીને તેનાં જળ છેક અનુરાધાપુર સુધી લઈ જવામાં આવ્યાં છે. આ નહેર પણ લગભગ 87 કિમી. લંબાઈ ધરાવે છે અને તેના માર્ગ વચ્ચે આવતાં લગભગ 100 જેટલાં ગ્રામસરોવરોને પાણી પૂરું પાડે છે. કાલાવેવા સરોવરનો પ્રાચીન છલતીભાગ (spill) 60 મીટર પહોળો તથા 55 મીટર ઊંચો છે, જે હાલમાં પણ સારી સ્થિતિમાં છે. જાફના દ્વીપકલ્પમાં કોઈ નદી કે ઝરણાં નહિ હોવાથી ત્યાં સિંચાઈ માટે કૂવાઓ પર આધાર રાખવો પડે છે.

આજે પૂર્વ શ્રીલંકાના ઓછા વરસાદવાળા પ્રદેશોની ખેતીલાયક પડતર જમીનોને સિંચાઈક્ષમ બનાવી, કાયમી ખેતી નીચે લાવવાની તાતી જરૂરિયાત છે. નવું વિશાળ જળાશય ધરાવતી આ પ્રદેશની ગાલ ઓયા સિંચાઈ પરિયોજના (Gal Oya Project) હાલમાં કાર્યાન્વિત છે. તે આધુનિક બહુહેતુક સિંચાઈ પરિયોજના છે. સિંચાઈ ઉપરાંત જમીનવિકાસ, પૂરનિયંત્રણ, જળવિદ્યુત અને ઉદ્યોગોનો વિકાસ કરવાના તેના અન્ય હેતુઓ છે. તેનાથી આશરે એક લાખ હેક્ટરથી વધારે જમીનવિસ્તાર આજે ફળદ્રૂપ હરિયાળાં ડાંગરનાં ખેતરોમાં રૂપાન્તરિત થયો છે. આ સિવાય મહાવેલી ગંગા સિંચાઈ પરિયોજના (76,000 હે.), વાલાવે ગંગા સિંચાઈ પરિયોજના (66,800 હે.), માલ્વાતુ ઓયા સિંચાઈ પરિયોજના (18,000 હે.), કેલાણી ગંગા સિંચાઈ પરિયોજના વગેરે પૈકીની કેટલીક સંપૂર્ણ અથવા તો અંશત: પૂર્ણ થઈ છે. આ બધી સિંચાઈ પરિયોજનાઓનો મુખ્ય હેતુ પડતર જમીનોને ખેતીયોગ્ય બનાવવાનો તેમજ તેમના દ્વારા મબલક ખેતપેદાશો મેળવવાનો છે.

ભૂમિઉપયોગિતાની દૃષ્ટિએ જોઈએ તો શ્રીલંકાના આશરે 53.8 % ભૂમિવિસ્તારમાં જંગલો અને ઝાડીઝાંખરાં; 23 % ભૂમિવિસ્તારમાં ડુંગરો, ખીણપ્રદેશો અને શહેરી વસાહતોવાળા ભાગો છવાયેલા છે; જ્યારે લગભગ 23 % ભૂમિવિસ્તાર ખેતીલાયક છે. આ ખેતીપ્રધાન દેશના ખાસ કરીને મેદાનોમાં વસવાટ કરતા લોકો ડાંગરની સ્વાવલંબી ખેતી કરીને જીવે છે. જોકે દેશની સમૃદ્ધિનો મુખ્ય આધાર ખેતપેદાશોની નિકાસ પર છે. દેશની પાયાની ત્રણ બાગાયત-ખેતપેદાશો ચા, રબર અને નાળિયેર છે. દેશની કુલ ખેતીની જમીનોના લગભગ 2/3 ભાગમાં આ ત્રણ વ્યાપારી પાકોની ખેતી થાય છે અને દેશની કુલ કમાણીનો 70 % હિસ્સો આ ત્રણ વ્યાપારી પાકોની નિકાસ દ્વારા મેળવાય છે. ટૂંકમાં, દેશનું અર્થતંત્ર બાગાયતી ખેતી પર રચાયેલું છે. બીજી બાજુએ જોઈએ તો આ દેશની વધતી જતી વસ્તી માટે ખોરાકનો પ્રશ્ન ગંભીર બન્યો છે. તેણે હજુ સુધી અનાજના ઉત્પાદન પરત્વે સ્વાવલંબન પ્રાપ્ત કર્યું નથી. આમ તેણે પરદેશથી અનાજની આયાત કરવી પડે છે.

દેશના નૈર્ઋત્ય-મધ્ય ભાગમાં ડાંગરની ખેતી વિશેષ પ્રમાણમાં થાય છે. ત્યાં સપાટ મેદાનોમાં, નદીનાં પૂરનાં મેદાનોમાં ને ડુંગરાળ ઢોળાવો પર ડાંગરનાં સીડીદાર ખેતરો આવેલાં છે. આ દેશમાં પ્રાચીન સમયથી ડાંગરની ખેતી થતી હોવાથી ખેડૂતોને ડાંગરની ખેતી કરવાનું કૌશલ્ય વારસાગત રીતે જ પ્રાપ્ત થયેલું છે. મુખ્યત્વે કૅન્ડીનો ઉચ્ચપ્રદેશ, વિશાળ સરોવરો અને પ્રાચીન નહેરો ધરાવતા વિસ્તારો તેમજ નૈર્ઋત્યનાં નીચાં મેદાનોમાં તેના વર્ષમાં બે પાકો નિયમિત રીતે લેવાય છે. ઓછો વરસાદ ધરાવતા પ્રદેશોમાં સરકારે નદીઓ પર બંધો બાંધીને બહુહેતુક સિંચાઈ પરિયોજનાઓ તૈયાર કરી છે, જેથી સેંકડો હેક્ટર ભૂમિ ડાંગરનાં હરિયાળાં ખેતરોમાં ફેરવાઈ છે. વળી ડાંગરનું ઉત્પાદન વધારવા માટે દેશની સરકાર ખેડૂતોને પ્રોત્સાહન આપે છે. સુધારેલી ખેતી-પદ્ધતિ, સુધારેલાં બિયારણો, રાસાયણિક ખાતરો, જંતુનાશક વગેરેના ઉપયોગ દ્વારા તેમજ યાંત્રિકીકરણ અપનાવીને ડાંગરનું ઉત્પાદન વધારવાના પ્રયત્નો કરી રહી છે. આ સિવાય ખેડૂતોને બજારની સગવડ, ચોખાનો સંગ્રહ અને જાળવણી, ખેતી અંગેનું માર્ગદર્શન, તગાવી અને લોનની સગવડો ઉપલબ્ધ થાય તેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

ચાની બાગાયતી ખેતી – એ આ દેશનો પ્રથમ કક્ષાનો ખેત-ઉદ્યોગ છે. ઈ. સ. 1825માં ઉચ્ચ પ્રદેશોમાં અંગ્રેજોએ કૉફીની બાગાયતનો પાયો નાંખ્યો હતો, પણ તેમાં જીવાતનો રોગ આવવાથી તેની ખેતી બંધ કરવાની ફરજ પડી અને તેને સ્થાને ચાની બાગાયતનો વિકાસ કરવામાં આવ્યો. ઈ. સ. 1887માં સૌપ્રથમ મર્યાદિત અને પ્રાયોગિક ધોરણે ચાની બાગાયતી ખેતીનો પ્રારંભ થયો. ઉત્તરોત્તર વાવેતર તથા ઉત્પાદનમાં વધારો થયો તેમજ બ્રિટિશ બજાર વધવા લાગ્યું અને ધીમે ધીમે ચાની બાગાયતી ખેતીએ દેશની પાયાની આર્થિક પ્રવૃત્તિ તરીકેનું સ્થાન હાંસલ કર્યું. આ ઉદ્યોગને રેલ અને સડકમાર્ગો તેમજ કિનારાનાં બંદરોની ઉત્તમ સગવડોનો પણ લાભ મળ્યો. આસામની જેમ અહીં પણ વ્યક્તિગત માલિકીનાં ચા-એસ્ટેટ સ્થપાયાં. વળી દક્ષિણ ભારતના કાર્યકુશળ તમિળ મજૂરોને સસ્તી મજૂરી આપીને શરૂઆતમાં અમુક સમયગાળા પૂરતું અહીં બગીચામાં બોલાવવામાં આવતા હતા, પણ તે પછી અહીં બારેય માસ મજૂરીનું કામ ચાલતું રહેતું હોવાથી કેટલાંક તમિળ કુટુંબોએ અહીં બગીચાની નજીકમાં જ રહેઠાણો બાંધી સ્થાયી વસવાટ કર્યો. આમ બગીચા-ખેતીના અનુષંગે વિશિષ્ટ તમિળ ગ્રામ-વસાહતો પ્રસ્થાપિત થઈ, જે ડુંગરાળ કૅન્ડિયન સિંહાલી ગ્રામવસાહતોથી તદ્દન નિરાળી હતી.

આ દેશમાં, ખાસ કરીને વિશાળ બગીચાઓમાં ચાનું ઉત્પાદન થાય છે. વિશ્વમાં ચાનું ઉત્પાદન કરતા દેશો પૈકી તે ભારત પછી બીજું સ્થાન ધરાવે છે અને તેનો ઉત્પાદનફાળો 20 % જેટલો છે. માત્ર ચાનો પાક તેને 55 % જેટલું વિદેશી હૂંડિયામણ કમાવી આપે છે. તેના ચાના બગીચાઓ આશરે 600થી 1,500 મી.ની ઊંચાઈ ધરાવતા પર્વતીય ઢોળાવો પર આવેલા છે, જેમાં કૅન્ડી અને હૅટ્ટન ઉચ્ચપ્રદેશ તથા મતાલે ખીણના વિસ્તારોનો સમાવેશ થાય છે. બીજી રીતે જોઈએ તો તેના 80 % ચાના બગીચા કૅન્ડી, નુવારાઇલિયા અને બદુલ્લા જિલ્લાઓમાં પ્રસરેલા છે.

ચા એ પાંદડાંનો પાક છે. સામાન્ય રીતે ચાનો છોડ છ મીટર જેટલી ઊંચાઈનો થાય છે. કૂણાં અને તાજાં પાંદડાં પુષ્કળ પ્રમાણમાં મળી શકે તે માટે તેને દોઢથી ચાર વર્ષના ગાળે ઉપરના ભાગે કાપતાં રહેવું પડે છે. ચાના છોડને અવારનવાર ઝાપટાં રૂપે પડતો વરસાદ વધુ માફક આવે છે. વળી એપ્રિલ-મે માસમાં તેને પાંદડાં વિશેષ પ્રમાણમાં ફૂટી નીકળતાં હોવાથી અને નવો ફાલ આવતો હોવાથી આ સમયે પાંદડાં ચૂંટવાનું કાર્ય પૂરજોસમાં ચાલે છે. ચાનાં પાન ચૂંટવાનું કામ કુશળ તમિળ સ્ત્રી-મજૂરો ચીવટપૂર્વક કરે છે. આ ચૂંટેલાં પાંદડાંને વિવિધ યાંત્રિક પ્રક્રિયામાંથી પસાર કરીને વિવિધ શ્રેણીની ચા બનાવીને તેને પૅક કરી બંદર સુધી પહોંચાડવામાં આવે છે. બ્રિટન તેનો મુખ્ય ગ્રાહક છે.

એશિયા ભૂમિખંડમાં સૌપ્રથમ ઈ. સ. 1876માં રબરનાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલું અને રબરનું ખરેખરું ઉત્પાદન ઈ. સ. 1900થી શરૂ થયું. ઈ. સ. 1972માં અહીં આશરે 2,66,640 હેક્ટર ભૂમિવિસ્તાર તેના વાવેતર હેઠળ હતો અને તે વર્ષે રબરનું વાર્ષિક ઉત્પાદન લગભગ 1,67,000 મૅટ્રિક ટન જેટલું હતું. વિશ્વના કુદરતી રબરના અગ્રણી ઉત્પાદક દેશોમાં તેનો ક્રમ ચોથો તેમજ ઉત્પાદન-ફાળો 5.5 % જેટલો હતો. આજે હવે રબરનાં વૃક્ષોની સુધારેલી જાતોનું વાવેતર કરવામાં આવતાં ઉત્પાદનમાં વધારો નોંધાયો છે.

દેશના નૈર્ઋત્ય ભાગમાં રબરના બગીચાઓ મુખ્યત્વે કિનારાથી માંડીને લગભગ 760 મી.થી નીચી ડુંગરાળ તળેટીના ભાગોમાં વિસ્તરેલા છે. આ સિવાય મધ્યના અને પૂર્વના ડુંગરાળ વિસ્તારોમાં પણ રબરના બગીચાઓ આવેલા છે. રબરનાં વૃક્ષોને લગભગ 2,000 મિમી.થી વધુ વરસાદવાળી ભેજયુક્ત આબોહવા માફક આવે છે. તેના બગીચાઓ કેગાલ્લા તથા કાલુતરા જિલ્લાઓમાં પ્રસરેલા છે. હવે રબરનાં વૃક્ષોની સુધારેલી જાતો, તેની યોગ્ય માવજત તેમજ કુશળ કારીગરો દ્વારા વૃક્ષના થડમાંથી લેટેક્સ કાઢવાની આધુનિક પદ્ધતિઓને લીધે રબરનું ઉત્પાદન વધ્યું છે. રબરના દરેક એસ્ટેટમાં પોતાની ફૅક્ટરી હોય છે. તેમાં જરૂરિયાત મુજબ રબરની ચાદરો બનાવવામાં આવે છે. રત્નપુરા, અહીંનું રબર-પ્રક્રિયાનું મુખ્ય કેન્દ્ર છે.

શ્રીલંકાનો ત્રીજો અને મહત્વનો રોકડિયો બાગાયતી પાક નાળિયેરી છે. વિશ્વમાં કોપરાંનું ઉત્પાદન અને નિકાસ કરનાર ફિલિપાઇન્સ અને ઇન્ડોનેશિયા જેવા આગળપડતા દેશો પછી શ્રીલંકાનું સ્થાન આવે છે. મુખ્યત્વે નાળિયેરીનાં વૃક્ષો પરથી તેનાં ફળ-નાળિયેરને ઉતારીને તેને વિવિધ ઉપયોગોમાં લેવામાં આવે છે. શ્રીલંકા સૂકાં નાળિયેર, સૂકાં કોપરાં, કોપરેલ તથા કાથીની પરદેશ નિકાસ કરે છે. ખાસ કરીને સિંહાલી લોકો પોતાની માલિકીના નાના નાના બગીચા ધરાવે છે અને ઓછા મૂડીરોકાણ તથા નહિવત્ સારસંભાળ હેઠળ હેક્ટરદીઠ વિશેષ ઉત્પાદન મેળવે છે. ટૂંકમાં, અન્ય બાગાયતી પાકોની તુલનાએ આ પાક વધુ નફાકારક છે. આજે (2006માં) દેશમાં લગભગ 4,00,000 હેક્ટર ભૂમિમાં નાળિયેરીનો ઉછેર થાય છે.

શ્રીલંકામાં થતું નાળિયેરીનું વિપુલ પાક-ઉત્પાદન

નાળિયેરીના વૃક્ષને સમુદ્રકાંઠાની ક્ષારયુક્ત રેતાળ જમીન અને દરિયાઈ ભેજવાળી આબોહવા વધુ માફક આવે છે. તેને વર્ષ દરમિયાન સમાન રીતે વહેંચાયેલો હોય તેવો આશરે 1,270થી 2,286 મિમી. જેટલો વરસાદ જરૂરી છે. આમ છતાં આવાં આવશ્યક પરિબળો ઓછાંવત્તાં હોય તોપણ કેટલાક પ્રદેશોમાં તેનું સારું ઉત્પાદન થતું જોવા મળે છે; દા.ત., ઉત્તરના જાફના દ્વીપકલ્પમાં વરસાદનું વિતરણ અવ્યવસ્થિત હોવા છતાં નાળિયેરીનો ઉત્તમ પાક લઈ શકાય છે. દેશમાં બધે જ, ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં તેનો સવિશેષ ઉછેર થાય છે. જોકે વધુ ઊંચાઈએ તેનાં ફળ નાનાં થતાં જાય છે. એટલે આ દેશમાં લગભગ 450 મી.ની ઊંચાઈ સુધી તેને સારી રીતે ઉગાડી શકાય છે. શ્રીલંકાના પશ્ચિમ કાંઠે કુરુનેગાલા, ચિલો અને નેગમ્બો શહેરોને જોડતો જે ત્રિકોણાકાર પ્રદેશ રચાય છે, તે નાળિયેરીના ઉત્પાદન માટે જાણીતો છે.

નાળિયેરી, ગ્રામલોકોની ઘણીખરી જીવનજરૂરિયાતો પૂરી પાડતી હોવાથી અહીંના લોકો માટે તે કલ્પવૃક્ષ સમાન છે. તેનાં વૃક્ષ અને ફળ(નાળિયેર)માંથી કાચલાં, કોપરું, કોપરેલ, કાથી, લાકડાં, પાંદડાં, તાડી વગેરે ચીજો પ્રાપ્ત થાય છે. વળી લીલું નાળિયેર મધુર પીણા તરીકે લેવાય છે. તેનાં ફળ પરનાં છોતરાંમાંથી કાથી-ઉદ્યોગનો વિકાસ થયો છે. તેમાંથી બનતી અનેક પ્રકારની ચીજો દેશમાં જ વપરાય છે અને તે ઉપરાંત વિદેશમાં તેમની નિકાસ કરવામાં આવે છે.

ઉપરના બાગાયતી પાકો ઉપરાંત શ્રીલંકામાં કસાવા (મૅનિઑક), કોકો, કૉફી, તજ, લવિંગ, ઇલાયચી, સિટ્રોનેલા, સોપારી, નાગરવેલનાં પાન, તમાકુ, શેરડી, કપાસ, ફળફળાદિ અને શાકભાજી વગેરે ગૌણ પાકો પણ ઉગાડવામાં આવે છે. નૈર્ઋત્યકાંઠાના ભાગોમાં નારંગી, અનેનાસ, જાંબુ, કેરી, કેળાં, દાડમ, ફણસ વગેરે ફળઝાડની વાડીઓ આવેલી છે.

ખનિજો, સંચાલનશક્તિનાં સાધનો તથા ઉદ્યોગો : કોઈ પણ દેશની આર્થિક પ્રગતિનો માપદંડ મુખ્યત્વે તે દેશમાંથી મળી આવતાં ખનિજો, સંચાલનશક્તિનાં સાધનો તેમજ ઉદ્યોગોના વિકાસ પરથી નીકળી શકે છે. આ દેશમાં ઔદ્યોગિક વિકાસ સધાય તેવાં ખનિજો બહુ જૂજ છે.

પ્રાચીન સમયથી રત્નપુરાની આસપાસનાં કાંપવાળાં નદીથાળાંમાંથી કીમતી તથા અર્ધકીમતી રત્નો મેળવવાનું કાર્ય ચાલે છે. રત્નપાષાણો ધરાવતો કાંપવાળો મરડિયો (gravel), એ અનેક ભૂસ્તરીય યુગોની પેદાશ છે. તેમાંથી માણેક (ruby) અને નીલમ (sapphire) જેવાં કીમતી રત્નો મળી આવે છે. વળી અહીં મળી આવતાં અન્ય અર્ધકીમતી રત્નોમાં પોખરાજ (topaz), યાકૂત (amethyst), ઍક્વામરીન (aquamarine), ગાર્નેટ (garnet), ઝિર્કોન (zircon), ઍલેક્ઝાન્ડ્રાઇટ (alexandrite), કૅટ્સ આઇ (cat’s eye), ચંદ્રમણિ (moonstone), એમેઝોન સ્ટોન (amazon stone) વગેરે ગણનાપાત્ર છે.

શ્રીલંકામાં રત્નો મેળવવાનું કાર્ય મુખ્યત્વે સિંહાલી લોકો સૂકી ઋતુમાં જૂની પદ્ધતિથી કરે છે, તેથી ઉત્પાદન ઓછું થાય છે. રત્નોનો વ્યાપાર અને તેનાં પાસાં પાડવાનું કાર્ય મુખ્યત્વે મૂર (moors) લોકોના હાથમાં છે. રત્નપુરામાં વ્યાપારના હેતુઓ લક્ષમાં રાખીને દર વર્ષે મેળાનું આયોજન કરવામાં આવે છે.

આ સિવાય દરિયાકાંઠા પરથી મળી આવતાં અન્ય ખનિજોમાં ઇલ્મેનાઇટ (Ilmenite), મૉનેઝાઇટ (Monazite), રૂટાઇલ (ટિટેનિયમ ડાયૉક્સાઇડ), ઝીર્કોન (ઝીર્કોનિયમ સિલિકેટ), ગાર્નેટ રેત (Garnet sand) વગેરેનો સમાવેશ થાય છે. ઇલ્મેનાઇટ ખનિજને શુદ્ધ કરવાનું એક કારખાનું ત્રિંકોમાલી બંદરથી ઉત્તરમાં આવેલા પુલ્મોદ્દાઈ (Pulmoddai) ખાતે પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે. આ સિવાય આ દેશમાં અબરખ, બૉક્સાઇટ, કેઓલિન (ચિનાઈ માટી), ચૂના-પથ્થરો વગેરે પણ થોડાક પ્રમાણમાં મેળવાય છે. વળી દરિયાકિનારે આવેલાં ખાડી-સરોવરો(lagoons)માંથી મીઠું પકવવામાં આવે છે.

આ દેશના મધ્ય અને દક્ષિણ ભાગમાં ઓછી ઊંડાઈએ લોખંડનાં ખનિજોના વિપુલ ભંડારો આવેલા છે; પણ કોલસાની અછતને કારણે લોખંડના ખાણ-ઉદ્યોગનો જોઈએ તેટલો વિકાસ થયો નથી. વળી નૈર્ઋત્ય ભાગમાં ગ્રૅફાઇટના અખૂટ ભંડારો આવેલા છે. કુરુનેગાલ્લા જિલ્લો તેનો મુખ્ય ઉત્પાદક વિસ્તાર છે. જોકે કોલમ્બો, કૅન્ડી, રત્નપુરા, કાલુતરા, ગાલ્લે વગેરે વિસ્તારોમાંથી પણ તેનું થોડાક પ્રમાણમાં ઉત્પાદન મેળવાય છે. દેશમાં તેની 44 જેટલી ખાણોનું વાર્ષિક ઉત્પાદન લગભગ 8,000 ટન જેટલું છે. વિશ્વમાં ગ્રૅફાઇટના ઉત્પાદનમાં માલાગાસી પ્રજાસત્તાક અને મેક્સિકો પછી શ્રીલંકા ત્રીજા ક્રમે આવે છે.

દેશનું દક્ષિણ-મધ્યનું પહાડી ક્ષેત્ર નૈર્ઋત્યના મોસમી પવનો દ્વારા સારો એવો વરસાદ મેળવે છે. દેશની ભૂસ્તરીય લાક્ષણિકતાઓને લીધે અહીં નદીઓ તથા ઝરણાંના માર્ગમાં લગભગ 50 કરતાં વધુ જળધોધ તથા જળપ્રપાતો રચાયા છે. તે પૈકીના કેટલાક કાયમી છે અને વિશેષ જળરાશિ ધરાવે છે. તેમના પર જળવિદ્યુત-પરિયોજનાઓ પ્રસ્થાપિત કરવામાં આવી છે. તેમાં લાક્ષાપાના (Laxapana) જળવિદ્યુત-પરિયોજના વિખ્યાત છે. વધુમાં કેટલીક જગ્યાએ જળવિદ્યુત એકમ સાથે તાપવિદ્યુત એકમ પણ પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મસ્કેલી ઓયા (Maskeli Oya) અને સામાનાલાવેવા (Samanalawewa) વિદ્યુત-પરિયોજનાઓ પણ કાર્યાન્વિત છે. આ ઉપરાંત દેશમાં અન્યત્ર આવેલી મહાવેલી ગંગા, ગાલ ઓયા, વાલાવે ગંગા જેવી નદીઓ પરની મુખ્ય બહુહેતુક સિંચાઈ-યોજનાઓ દ્વારા પણ જળવિદ્યુતનું ઉત્પાદન કરવામાં આવે છે. ખાસ કરીને કોલમ્બો, નુવારા ઇલિયા, દિયાતલાવા (Diyatalawa), નૉર્ટન બ્રિજ, બાન્દરાવેલા જેવાં નગરો તેમજ તેમની આસપાસ આવેલાં થોડાંક ગામડાંને મધ્યસ્થ પહાડી ક્ષેત્ર પરની જળવિદ્યુત-પરિયોજનાઓ દ્વારા મેળવાતી વિદ્યુતના લાભો મળે છે.

આ દેશમાં કોલસો અને પેટ્રોલિયમ જેવાં શક્તિસાધનોનો અભાવ છે. વળી લોખંડ જેવાં પાયાનાં ખનિજોના ખાણ-ઉદ્યોગનો પૂરતા પ્રમાણમાં વિકાસ થયો નહિ હોવાથી, વિશાળ પાયા પરના ઉદ્યોગોનું પ્રમાણ નહિવત્ છે. વળી દેશના અર્થતંત્રમાં ઉદ્યોગોનું સ્થાન બહુ મહત્વ ધરાવતું નથી. કુલ રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગોનો ફાળો માત્ર 10 % જેટલો છે. આ દેશ ખેતીપ્રધાન છે. તેમાં પણ બાગાયતી પાકોની ખેતી વિશેષ મહત્વ ધરાવે છે. ચા, રબર, નાળિયેર અને ડાંગર જેવી ખેતીપેદાશોને લગતા નાના અને મધ્યમ પાયા પરના ઉદ્યોગોનો વિકાસ વધુ થયો છે; જેમ કે, ચા-સંસ્કરણ-ઉદ્યોગ પહાડી ક્ષેત્રોમાં અગ્રસ્થાને છે. આ સિવાય બીજા ખેત-ઉદ્યોગોમાં કોપરેલનો ખાદ્યતેલ-ઉદ્યોગ તથા વનસ્પતિ ઘી-ઉદ્યોગ, કાથી-ઉદ્યોગ, ચોખાનો મિલ-ઉદ્યોગ તથા ડાંગરનાં છોતરાંમાંથી પૂંઠાં અને કાગળ બનાવવાનો ઉદ્યોગ, ખાંડ-ઉદ્યોગ, ટાયર તથા રબરની અન્ય ચીજવસ્તુઓને લગતા ઉદ્યોગો. આ સિવાય ગ્રામવિસ્તારોમાં અનેક પ્રકારના કુટિર-ઉદ્યોગોનો પણ વિકાસ સધાયો છે.

દેશની સરકારે ઝડપથી વધતી જતી વસ્તીને રોજગારીની તકો પૂરી પાડવાની તથા ઉદ્યોગોના વિસ્તરણ અને વૈવિધ્ય માટેની નીતિ અપનાવી, તેનું આયોજન પણ કર્યું છે. સરકાર વિદેશી મૂડીરોકાણને આવકારે છે. પાંચ વર્ષ સુધી કરમુક્તિ, જકાતમુક્તિ તથા મૂડી-રોકાણમાં કરરાહત વગેરે લાભો તેમજ કાચા માલના પુરવઠાની સગવડો મળે છે. ધાતુ, કાપડ, કાચ, વિદ્યુતયંત્રો તથા પરિવહનનાં સાધનો બનાવતા ઉદ્યોગો તેનો લાભ મેળવે છે. વળી સરકાર કાપડ, સિમેન્ટ, રબર, રાસાયણિક ખાતર, ઈંટ તેમજ છૂટક ભાગોને જોડીને મોટરકાર બનાવતા ઔદ્યોગિક એકમોને પ્રોત્સાહન આપી રહી છે. આ ઉપરાંત ખાંડ, ખનિજતેલ-શુદ્ધીકરણ, રસાયણ તેમજ કાપડ વગેરે ઉદ્યોગોનો વધુ વિકાસ થાય તે માટે વિદેશી સહાય મેળવી રહી છે. વિશાળ પાયાનાં ઔદ્યોગિક સાહસો પૈકી ઈ. સ. 1969થી રાજ્ય કૉર્પોરેશન દ્વારા સંચાલિત સાપુગાસ્કન્દા ઑઇલ-રિફાઇનરી કામ કરતી થઈ છે.

આ દેશનાં, કોલંબો, દેહીવાલા – માઉન્ટ લવિનિયા, ગાલ્લે, જાફના, ત્રિંકોમાલી, કૅન્ડી, નેગમ્બો, રત્નપુરા, નુવારા ઇલિયા, મોરાટુવા, કોટ્ટે (જયવર્ધનપુરા), કુરુનેગાલ્લા વગેરે નાનાંમોટાં નગરો વિવિધ જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતા નાના કે મધ્યમ પાયાના ઔદ્યોગિક એકમો ધરાવે છે; જે સ્થાનિક જરૂરિયાતો પૂરી પાડે છે. કોલંબો અને તેનાં પરાંવિસ્તારોમાં વનસ્પતિ ઘી, પીણાં, સાબુ, સ્ટીલનાં પતરાં અને તાર, લાકડાં અને પ્લાયવૂડ, કાગળ, રબર, પ્લાસ્ટિક, તમાકુ, ખાતરો, રસાયણો, ચામડાં, કાપડ, સિમેન્ટ, ઇજનેરી પેદાશો, ખાંડ, દૂધ, કાચ, પેટ્રોલિયમ, વિદ્યુત-સરસામાન, સિરામિક ચીજવસ્તુઓ, કાથી, બૅટરી વગેરેનું ઉત્પાદન થાય છે. આ ઉપરાંત વાહનવ્યવહારનાં યંત્રોની મરામત કરવાની કાર્યશાળાઓ (workshops) અને ઇજનેરી ઉદ્યોગો મહત્વના છે. કોલંબો નજીક એકાલા (Ekala) ઔદ્યોગિક એસ્ટેટ સ્થપાયું છે; જે અનેક પ્રકારના ઔદ્યોગિક એકમો ધરાવે છે. કૅન્ડી, ગાલ્લે, જાફના વગેરેમાં આવાં ઔદ્યોગિક એસ્ટેટ સ્થાપવાનાં ચક્રો ગતિમાન છે.

શ્રીલંકામાં કાપડ, સિમેન્ટ, કાચ, ચર્મ અને મીઠાના ઉત્પાદનને લગતા પાયાના ઉદ્યોગો પ્રસ્થાપિત થયા છે. વધુમાં સરકાર દ્વારા મત્સ્ય-ઉદ્યોગ પરત્વે વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. વળી આ દેશમાં પ્રવાસન-ઉદ્યોગનું ભાવિ અત્યંત ઉજ્જ્વળ છે. તેના વિકાસ માટે સરકારે અનેક યોજનાઓ ઘડી છે, કારણ કે તે વ્યાપારી ખેતપેદાશો પછી સૌથી વધુ વિદેશી હૂંડિયામણ રળી આપે છે. શ્રીલંકાની જૈવભૂગોળ તથા સાંસ્કૃતિક વારસો સમૃદ્ધ અને સુંદર છે. ઊંચાઈને લીધે ડુંગરાળ પ્રદેશોની આબોહવા સમગ્ર વર્ષ દરમિયાન આહ્લાદક રહે છે. વળી હરિયાળાં નાળિયેરીનાં વૃક્ષોથી સુશોભિત દરિયાકાંઠા, સુંદર પ્રાકૃતિક ભૂમિદૃશ્યો, પ્રાચીન ચિરસ્મરણીય સ્મારકો, વિલક્ષણ ઉત્સવો, અહીંના મનમોહક તથા મૈત્રીભર્યા સ્વભાવના માણસો વિદેશી સહેલાણીઓ માટે આકર્ષણરૂપ બન્યા છે. અહીંની સરકાર, વિદેશી યાત્રિકોને વિનિમય-દરમાં રાહત આપે છે, જેથી અહીં પ્રવાસીઓને રજાઓ ગાળવી, એ સાપેક્ષ રીતે પરવડે છે. ખાસ કરીને દક્ષિણ-પશ્ચિમ દરિયાકાંઠે આંતરરાષ્ટ્રીય સ્તરની ભવ્ય અને વિલાસી હૉટેલોની હારમાળા નજરે પડે છે. વધુમાં સમુદ્રકાંઠે તેમજ પહાડી વિસ્તારોમાં વિહારધામોની સુવિધાઓ છે. આ ઉપરાંત પરિવહન-સેવાઓ અને આરામગૃહોની સગવડો પણ વધારવામાં આવી છે.

પરિવહન તથા વ્યાપાર : આજે શ્રીલંકામાં સારા અને વિકસિત ભૂમિમાર્ગો (રેલ અને સડકમાર્ગો) છે, જે જાળની જેમ દેશમાં લગભગ બધે જ પથરાયેલા છે. રેલમાર્ગો તથા સડકમાર્ગોનું સંચાલન સરકારહસ્તક છે. આ દેશ કુલ 1,535 કિમી. લંબાઈના રેલમાર્ગો ધરાવે છે. તેનું સૌથી મોટું રેલમથક કોલંબો છે, જે ઉત્તર તરફ નેગમ્બો, ચિલૉ, પુત્તલામ, કુરુનેગાલ્લા, અનુરાધાપુર, મનાર અને જાફના સાથે સંકળાયેલું છે. વળી વાયવ્ય અને પૂર્વ કિનારા તરફ તે ત્રિંકોમાલી તથા બત્તિકૅલોઆને તેમજ દક્ષિણ તરફ કાલુતરા, ગાલ્લે, મતારા, હમ્બનતોતા વગેરેને સાંકળે છે. ડુંગરાળ પ્રદેશોમાં વસેલાં કૅન્ડી, મતાલે, નુવારા ઇલિયા, બદુલ્લા, રત્નપુરા વગેરે નગરો પણ રેલમાર્ગે કોલંબો સાથે સંકળાયેલાં છે.

શ્રીલંકામાં ઘણાખરા સડકમાર્ગો રેલમાર્ગોની લગભગ સમાંતરે વિસ્તરેલા છે, આમ છતાં આ બધા સડકમાર્ગો એકસરખા પ્રકારના નથી. આ દેશ આશરે 38,294 કિમી. લંબાઈના સડકમાર્ગો ધરાવે છે. તે પૈકી તેની 2/3 ભાગની સડકો ડામરની પાકી બનેલી છે. અહીં ધોરી માર્ગોની લંબાઈ 18,664 કિમી. જેટલી થવા જાય છે. દેશના પશ્ચિમના મેદાનપ્રદેશો, દક્ષિણ-મધ્યના ડુંગરાળ-વિસ્તારો તથા જાફના દ્વીપકલ્પ સડકમાર્ગોની સારી સગવડો ધરાવે છે. તેની તુલનામાં અગ્નિકિનારાના વિસ્તારો સડકપરિવહનસેવાઓથી વંચિત છે.

હિન્દી મહાસાગરમાં આવેલા તથા મોકાનું સ્થાન ધરાવતા આ દેશને જળમાર્ગોનો ઉત્તમ લાભ મળ્યો છે. આથી તેનો આયાત-નિકાસ વ્યાપાર સારો ચાલે છે. તેના પશ્ચિમ કાંઠાનું પાટનગર કોલંબો, આંતરરાષ્ટ્રીય બંદર તરીકે વિકાસ પામ્યું છે. કોલંબો દરિયાઈ માર્ગે માત્ર એશિયાના જ નહિ પણ વિશ્વના અન્ય દેશો સાથે જોડાયેલું છે. પૂર્વથી પશ્ચિમ કે પશ્ચિમથી પૂર્વ તરફ જતાં-આવતાં જહાજોને બળતણ-પાણી લેવા માટે કોલંબો બંદરે ફરજિયાત રોકાણ કરવું પડે છે. અહીં જહાજોની મરામત કરવા માટેની કાર્યશાળા પણ છે. આ દેશના પૂર્વ કિનારે ત્રિંકોમાલી તથા દક્ષિણ કાંઠે ગાલ્લે અગત્યનાં અન્ય બંદરો છે. ઉત્તમ કુદરતી બારું ધરાવતું ત્રિંકોમાલી બંદર, એ દેશના નૌસૈન્યનું વડું મથક પણ છે અને તે દેશના આયાત-નિકાસ વ્યાપારની કેટલીક સેવાઓ આપે છે. દેશના આંતરિક ભાગમાં આવેલી કેટલીક નદીઓ તથા દક્ષિણ-પશ્ચિમ કિનારા પરની આશરે 200 કિમી. લંબાઈ ધરાવતી નહેરો, જળમાર્ગ તરીકે થોડાક પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે. વળી કિનારા પરનાં નાનાંનાનાં બંદરો પણ સ્થાનિક લોકો માટે ઉપયોગી બને છે. કોલંબો પાસેનું કટ્ટુનાયકે, એ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક છે કે જ્યાં સ્થાનિક કંપની આંતરિક તથા આંતરરાષ્ટ્રીય  એમ બંને પ્રકારની હવાઈ સેવાઓ પૂરી પાડે છે. ઇન્ડિયન ઍરલાઇન્સ કૉર્પોરેશન ચેન્નાઈ, તિરુચિરાપલ્લી, તિરુવનંતપુરમથી કોલંબો વચ્ચે નિયમિત ઉડ્ડયનો યોજે છે. આ સિવાય બ્રિટિશ ઍરવેઝ; યુ.ટી.એ.; ક્વાન્ટાસ; સ્વિસ ઍર; ઍરોફલોટ; ટી. ડબ્લ્યૂ.એ.; મલેશિયન ઍરવેઝ; સિંગાપોર ઍરલાઇન્સ; પાકિસ્તાન ઇન્ટરનૅશનલ ઍરલાઇન્સ વગેરે વિદેશી વિમાની સેવાઓ અહીં ચાલે છે.

શ્રીલંકાની મુખ્ય ખેતપેદાશોમાં બાગાયતી પાકોનો ફાળો સવિશેષ છે. તેની મુખ્ય નિકાસમાં ચા (આશરે 64 %), રબર (આશરે 15 %) અને નાળિયેરીની બનાવટો તથા કોપરાં (લગભગ 12 %) છે. ખેતપેદાશો સિવાય થોડાક પ્રમાણમાં તે ગ્રૅફાઇટ, કાપડ તથા વસ્ત્રો, કીમતી અને અર્ધકીમતી રત્નોની પણ નિકાસ કરે છે. તેના નિકાસ-વ્યાપારના મુખ્ય ભાગીદારોમાં યુ.કે., ચીન, યુ.એસ., ઑસ્ટ્રેલિયા અને દ. આફ્રિકાનો સમાવેશ થાય છે. વળી તે તેની 1/4 ભાગની નિકાસો (મુખ્યત્વે ચા) યુ.કે.માં મોકલે છે તેમજ તેની સામે તે 1/6 ભાગની વસ્તુઓની આયાતો યુ.કે.માંથી મેળવે છે. ભારત અને શ્રીલંકા વચ્ચે ઘણા પ્રાચીન સમયથી વ્યાપાર ચાલે છે. ભારત વિવિધ પ્રકારનો ઉત્પાદિત માલ શ્રીલંકાને પૂરો પાડે છે. ખાસ કરીને તેમાં વાહનવ્યવહારનાં સાધનો (દા.ત., બસો વગેરે), વિદ્યુત-યંત્રો તેમજ અન્ય યાંત્રિક સામગ્રીનો સમાવેશ થાય છે. શ્રીલંકામાં વધતા જતા વસ્તીપ્રમાણને લીધે તે ચોખાની સૌથી વધુ આયાત કરે છે. આ ઉપરાંત તે ખોરાકીય ચીજવસ્તુઓ તથા પીણાં, તૈયાર માલ તથા કાચો માલ, પેટ્રોલિયમ, વિવિધ ઉપકરણો અને સાધનો, કોલસો, પરિવહનનાં સાધનો વગેરેની આયાત કરે છે. તેના આયાત-વ્યાપારના મુખ્ય ભાગીદારો યુ.કે., ચીન, યુ.એસ., ભારત, ઑસ્ટ્રેલિયા, જાપાન, પશ્ચિમ જર્મની વગેરે છે.

શ્વે ડોગોન (Shwe Dagon) પેગોડા, રંગૂન

વસ્તી અને વસાહતો : પ્રાચીન સમયમાં આ દેશમાં આદિવાસી વેદ્દા લોકો જંગલોમાં, પહાડી ક્ષેત્રોમાં તથા સમુદ્રકાંઠે વસવાટ કરતા હતા. જોકે તે સમયે તેમનું વસ્તીપ્રમાણ જૂજ હોવાનું માનવામાં આવે છે. પાછળથી અહીં સિંહાલી, તમિળ અને આરબ વેપારીઓનો કાયમી વસવાટ થયો, અને ધીમે ધીમે વસ્તીમાં વધારો થતો ગયો. અંગ્રેજકાળ દરમિયાન આ દેશમાં ચા અને રબરના બગીચાઓમાં સસ્તા અને કુશળ મજૂરો તરીકે દ. ભારતનાં તમિળ કુટુંબોનું મોટા પાયા પર સ્થળાંતર થયું. ખાસ કરીને તેમણે ડુંગરાળ ભાગોમાં સ્થિર વસવાટ કરતાં દેશની વસ્તીમાં એકાએક ઝડપી વસ્તીવધારો નોંધાયો.

આ દેશમાં ઈ. સ. 1921માં લગભગ 45 લાખ જેટલી વસ્તી હતી, તેમાં ધીમે ધીમે વધારો થતો ગયો; જેમ કે, ઈ. સ. 1946માં લગભગ 63.52 લાખ, ઈ. સ. 1953માં 81 લાખ, ઈ. સ. 1963માં 105.82 લાખ, ઈ. સ. 1971માં 127.11 લાખ અને ઈ. સ. 2001માં 189 લાખ વગેરે. વસ્તીગીચતાના સંદર્ભમાં જોઈએ તો આજે આ દેશમાં સૌથી વધુ ગીચ વસ્તી પાટનગર કોલંબો તથા તેની આસપાસના નૈર્ઋત્યકોણીય કિનારાના ભાગોમાં કેન્દ્રિત થયેલી છે. અહીં પૂરતા વરસાદ દ્વારા ફળદ્રૂપ જમીનોમાં સમૃદ્ધ ખેતી થાય છે. વધુમાં વીજળીકરણને લીધે અહીંના ગ્રામવિસ્તારોમાં કુટિરઉદ્યોગો તેમજ મોટાં નગરોમાં યંત્રઉદ્યોગો, પરિવહન, વ્યાપાર જેવી આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ થયો છે; જે અહીંની ગીચ વસ્તીને પોષવા માટે સક્ષમ છે. આ પછી મધ્યસ્થ ડુંગરાળ પ્રદેશો તથા તેની આસપાસના દક્ષિણ કિનારા સુધીના ભાગોની વસ્તીગીચતાનો ક્રમ આવે છે. દેશના બાકીના ભાગોમાં વસ્તીગીચતાનું પ્રમાણ અત્યંત ઓછું છે.

26 ડિસેમ્બર 2004ના રોજ ઇન્ડોનેશિયા તેમજ તેની પાસેના હિન્દી મહાસાગરમાં આશરે 9ના રિક્ટર પ્રમાણમાપની તીવ્રતાવાળો ભૂકંપ આવ્યો હતો અને તેનાથી ઉદ્ભવેલાં ઊંચાં ત્સુનામી દરિયાઈ મોજાંના પ્રલયથી દ. એશિયામાં આવેલા ઇન્ડોનેશિયા, થાઇલૅન્ડ, મલેશિયા, સિંગાપોર, દક્ષિણ ભારત તથા આંદામાન-નિકોબાર ટાપુઓ અને શ્રીલંકાના દરિયાકાંઠાના વિસ્તારોમાં પારાવાર નુકસાન થયું હતું. આ હોનારતમાં શ્રીલંકામાં 30,000થી વધુ વ્યક્તિઓએ જાન ગુમાવ્યા હોવાનું બહાર આવ્યું છે.

આ દેશ પચરંગી પ્રજા ધરાવે છે. તેમાં સિંહાલી, તમિળ, મૂર (Moors), બર્ઘર (Berghers), યુરોપિયન, મલય, વેદ્દા વગેરેનો સમાવેશ થાય છે. ઈ. પૂ.ની સદીઓથી રાજકુમાર વિજય અને તેના સાથીદારોએ આ દેશમાં રાજ્યસત્તા પ્રસ્થાપિત કરી, ત્યારથી સિંહાલી લોકો આ દેશમાં વહીવટી પ્રવૃત્તિ ઉપરાંત ખેતી, વ્યાપાર તથા અન્ય આર્થિક પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહ્યા છે. આજે દેશની કુલ વસ્તીના આશરે 72 % વસ્તી સિંહાલી લોકોની છે. તેઓ મુખ્યત્વે મધ્યસ્થ પહાડી પ્રદેશો તથા પશ્ચિમ અને દક્ષિણનાં મેદાનોમાં વસવાટ કરે છે. તેઓ રંગે ઘઉંવર્ણા છે અને આર્થિક રીતે સધ્ધર તથા મજબૂત છે. મોટા ભાગના સિંહાલીઓ બૌદ્ધ ધર્મ પાળે છે. આમ છતાં નૈર્ઋત્ય કિનારાનાં મેદાનોમાં વસતા કેટલાક સિંહાલીઓ યુરોપિયન અસરને લીધે રોમન કૅથલિક ધર્મને અનુસરે છે.

સદીઓ પહેલાં દક્ષિણ ભારતના રાજ્યકર્તાઓએ શ્રીલંકાના ઉત્તર ભાગમાં રાજ્યસત્તા હાંસલ કરી હતી, ત્યારથી મૂળ દ્રવિડ જાતિના શ્યામ વર્ણ ધરાવતા તમિળ લોકોએ આ દેશના જાફના દ્વીપકલ્પ અને તેના પરિસરમાં સ્થાયી વસવાટ કરેલો હતો જ. આ તમિળ લોકો ‘જાફના તમિળ’ તરીકે ઓળખાય છે. તેમની વસ્તી 15 લાખથી વધુ છે. તે પછી વીસમી સદીમાં દક્ષિણ ભારતનાં તમિળ કુટુંબોએ શ્રીલંકાના પહાડી પ્રદેશમાં આવેલા ચાના બગીચાની ગ્રામ-વસાહતોમાં સ્થાયી વસવાટ કર્યો. આ બગીચાખેતીના કામદારો ભારતીય તમિળ તરીકે ઓળખાય છે. શ્રીલંકામાં ભારતીય તમિળોની વસ્તી લગભગ 12 લાખથી વધારે છે. ઈ. સ. 1964માં ભારત અને શ્રીલંકાની સરકારો વચ્ચે થયેલા કરાર મુજબ ઈ. સ. 1981ના જુલાઈ માસ સુધીમાં બીજા 1,55,000 ભારતીયોને શ્રીલંકાનું નાગરિકત્વ અપાયું છે અને 2,71,000 ભારતીયોને પાછા ભારતમાં મોકલવામાં આવ્યા છે. હજુ અહીં આશરે 5,50,000થી વધુ ભારતીયો નાગરિકત્વ-વહોણા છે. આમ શ્રીલંકામાં ભારતીય લોકોની સમસ્યા ઘણી વિકટ છે.

લગભગ આઠમી સદીની આસપાસ શ્રીલંકાના દરિયાકાંઠાનાં ગામડાં અને શહેરોમાં વેપાર અર્થે આવીને અહીં સ્થિર થયેલા આરબ વેપારીઓના વંશજો ‘મૂર’ તરીકે ઓળખાય છે. તેઓ ઇસ્લામ ધર્મ પાળે છે અને તેમની વસ્તી આશરે 8 લાખ જેટલી છે. વળી ભારતમાંથી વ્યાપાર અર્થે અહીં વસવાટ કરતા મુસ્લિમ સ્થળાંતરવાસીઓ ‘ભારતીય મૂર’ તરીકે ઓળખાય છે. વર્ષો પહેલાં શ્રીલંકામાં આવીને સ્થિર થયેલા પોર્ટુગીઝ તથા ડચ લોકોના વંશજો ‘બર્ઘર’ તરીકે ઓળખાય છે. ખાસ કરીને નગરોમાં વસવાટ કરતા આ લોકો ખ્રિસ્તી ધર્મ પાળે છે. તેઓ મુખ્યત્વે વેપારી પેઢીઓ, બૅન્કો તેમજ વિવિધ ધંધાઓ બગીચા-સંસ્થાનોમાં ઊંચા દરજ્જાની સેવાઓ આપી રહ્યા છે. ડુંગરાળ અને જંગલવિસ્તારમાં કે દરિયાકાંઠે વસવાટ કરતા શ્રીલંકાના મૂળ વતની વેદ્દા લોકો આજે શિકાર, મચ્છીમારી કે સ્થળ બદલતી ખેતી જેવી પ્રવૃત્તિઓ કરીને જીવન ગુજારે છે. કેટલાક લોકોએ સિંહાલી અને તમિળોના રીતરિવાજો અપનાવ્યા છે. જોકે હવે ધીમે ધીમે તેમની વસ્તીમાં ઘટાડો થતો જાય છે.

ધર્મ મુજબ આ દેશનું વસ્તીવિતરણ તપાસીએ તો અહીં આશરે 67.4 % લોકો બૌદ્ધ ધર્મ પાળે છે. અન્ય ધર્મો અનુસરતા લોકોનું પ્રમાણ આ પ્રમાણે છે : હિન્દુ ધર્મ 17.6 %; ખ્રિસ્તી ધર્મ 7.7 %; ઇસ્લામ ધર્મ 7.1 % અને અન્ય 0.08 %. આ દેશની વહીવટી ભાષા સિંહાલા છે. દેશની કુલ વસ્તીના લગભગ 70 %થી વધુ લોકો બોલવા તથા લખવામાં સિંહાલા ભાષાનો ઉપયોગ કરે છે. આમ છતાં, ઈ. સ. 1966 પછી કચેરીઓમાં તમિળ ભાષાનો મર્યાદિત પ્રમાણમાં ઉપયોગ કરવાની છૂટ આપવામાં આવી છે. અહીં અંગ્રેજી ભાષાનો ઉપયોગ પણ થાય છે. જોકે શિક્ષણ માતૃભાષામાં અને નિ:શુલ્ક આપવામાં આવે છે. અહીંના લગભગ 79 % પુરુષો તથા 64 % સ્ત્રીઓ અક્ષરજ્ઞાન પામેલાં છે. અહીંની સ્ત્રીઓએ જીવનનાં વિવિધ પાસાંઓમાં પોતાનાં કદમ મિલાવ્યાં છે. ઈ. સ. 1960 પહેલાં દુનિયામાં સૌપ્રથમ વડાપ્રધાનપદે સ્ત્રી હોય એવો એકમાત્ર દેશ છે. આ દેશ ચાર યુનિવર્સિટીઓ ધરાવે છે, જે વિવિધ વિષયોનું ઉચ્ચ કક્ષાનું જ્ઞાન પીરસે છે.

આ દેશમાં ગ્રામીણ અને શહેરી વસાહતોનો ઉદ્ભવ અને વિકાસ ઘણા જૂના સમયથી થયેલા છે. આ ખેતીપ્રધાન દેશમાં 18,000 જેટલાં ગામડાં આવેલાં છે, જે જળાશયો પરથી ઉપલબ્ધ થતાં પાણી પર અવલંબિત છે. મધ્યસ્થ ડુંગરાળ ભાગોમાં ચાની બગીચાખેતીના મજૂરોની ગ્રામવસાહતો આવેલી છે. વહીવટી હેતુને અનુલક્ષીને વિવિધ સ્થળે અને સમયે તેના રાજ્યકર્તાઓએ પાટનગરો પ્રસ્થાપિત કર્યાં હતાં; એટલું જ નહિ પણ ક્રમશ: બૌદ્ધ તથા હિન્દુ ધર્મનાં યાત્રાધામો વિકાસ પામ્યાં; જે શિલ્પ-સ્થાપત્યના ઉત્તમ નમૂના છે. અહીં ઘણાં મંદિરો, ચૈત્યો, સ્તૂપો, વિહારો, ગુફાઓ વગેરે જોવાલાયક છે. યુરોપિયનોના આગમન પછી બાગાયતી ખેતીનાં સંસ્થાનોનો વિકાસ થયો તથા જળભૂમિમાર્ગી પરિવહનસેવાઓને ઉત્તેજન મળ્યું, પરિણામે અહીં શહેરી કેન્દ્રોનો ઝડપથી વિકાસ સધાયો. આજે આ દેશમાં કોલંબો, દેહિવેલા – માઉન્ટ લવિનિયા, જાફના, નેગમ્બો, ગાલ્લે, અનુરાધાપુર, પોલ્લોનારુવા, મતાલે, કૅન્ડી, ત્રિંકોમાલી, નુવારા ઇલિયા, બદુલ્લા, રત્નપુરા, મતારા, પુત્તલામ્, બત્તિકૅલોઆ, કુરુનેગાલ્લા, હૅટ્ટન, વાવુનિયા, કેગાલ્લા, મનાર વગેરે અગત્યની શહેરી વસાહતો છે.

કોલંબો દેશના પશ્ચિમ કાંઠા પર સમુદ્રસપાટીથી માત્ર 7 મીટરની ઊંચાઈએ આવેલું દેશનું સૌથી મોટું નગર તથા આંતરરાષ્ટ્રીય કૃત્રિમ બંદર છે. તેના પરાવિસ્તારોમાં વિવિધ ઉદ્યોગોનો વિકાસ થયો છે. વળી તે દેશનું પાટનગર તથા આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પણ છે. તેની પડોશમાં દક્ષિણ તરફ દેહિવેલા-માઉન્ટ લવિનિયા નામનાં જોડકાં નગરો આવેલાં છે. દેશના ઉત્તર ભાગમાં આવેલા જાફના બંદરમાં તમિળોની વસ્તી સૌથી વધારે છે. કોલંબોથી ઉત્તરના દરિયાકાંઠે આવેલા નેગમ્બો શહેરમાં રોમન કૅથલિક ધર્મ પાળતા લોકોની સંખ્યા વધારે છે. વળી તે ખ્રિસ્તી દેવળો ધરાવે છે, જેથી તેને ‘શ્રીલંકાના નાના રોમ’નું બિરુદ મળેલું છે. શ્રીલંકાના દક્ષિણકાંઠે આવેલું ગાલ્લે, એ દેશનાં મુખ્ય બંદરો પૈકીનું એક છે. મધ્યસ્થ ડુંગરાળ પ્રદેશમાં સમુદ્રસપાટીથી લગભગ 550 મીટરની ઊંચાઈએ આવેલું કૅન્ડી, એ સિંહાલી રાજાઓનું કિલ્લેબંધીવાળું છેલ્લું પાટનગર હતું. અહીં નજીકમાં જ ભગવાન બુદ્ધના દાંતના અવશેષ ધરાવતું પવિત્ર બૌદ્ધ દંતમંદિર આવેલું છે. વળી અહીં પ્રસિદ્ધ પૅરાડોનિયા વનસ્પતિ ઉદ્યાન અથવા રૉયલ બૉટનિકલ ગાર્ડન પણ આવેલો છે. આ સિવાય તે પ્રાચીન કળાકારીગરીનું કેન્દ્ર છે. આ નગરમાં દર વર્ષે દસ રાત્રિઓ દરમિયાન બૌદ્ધ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. આ સમયે વિદેશીઓની હાજરી અચૂક હોય છે.

શ્રીલંકાના પૂર્વકાંઠે સમુદ્રસપાટીથી આશરે 30 મીટરની ઊંચાઈએ આવેલું ત્રિંકોમાલી બંદર ઉત્તમ કુદરતી બારું ધરાવે છે. વળી દેશનું નૌમથક પણ છે. તેને દરિયાઈ વિહારધામ તરીકે વિકસાવવામાં આવ્યું છે. ત્રિંકોમાલીથી દક્ષિણમાં આવેલું બત્તિકૅલોઆ પણ અગત્યનું બંદર છે. કોલંબોથી પૂર્વ દિશાએ આશરે 162 કિમી. દૂર ડુંગરાળ પ્રદેશમાં સમુદ્રસપાટીથી લગભગ 1,900 મી.ની ઊંચાઈએ નુવારા ઇલિયા નામનું પ્રખ્યાત ગિરિનગર આવેલું છે, જે ‘પ્રકાશના શહેર’ તરીકે ઓળખાય છે. તેની આસપાસના આશરે 60 કિમી.ના ઘેરાવામાં ઘણાં વિહારધામો અને હોટેલોનો વિકાસ થયો છે. અહીં વિદેશી પર્યટકો રજાઓ ગાળવાનું વધુ પસંદ કરે છે. બદુલ્લા પણ ઊંચાઈએ આવેલું એક શહેર છે, જ્યાં રેલમાર્ગ 1,828 મી.ની ઊંચાઈએ પહોંચે છે. વળી તે પહાડો અને ખીણપ્રદેશોનાં સૌંદર્યસભર પ્રાકૃતિક દૃશ્યો ધરાવે છે. કોલંબોથી દક્ષિણમાં આશરે 90 કિમી. દૂર અને ઓછી ઊંચાઈની ટેકરીઓમાં રત્નપુરા શહેર વસેલું છે. તે તેની રત્નોની ખાણો, રત્નોના વ્યાપાર તથા તેના પર પહેલ પાડવાના ઉદ્યોગ માટે જાણીતું છે.

ઇતિહાસ : આ ટાપુમાં સૌપ્રથમ વસવાટ કરનારા દક્ષિણ એશિયામાંથી સ્થળાંતર કરીને આવેલા આદિવાસીઓ હતા. તેઓ પ્રોટો-ઑસ્ટ્રેલૉઇડ કુળના હતા. આશરે ઈ. પૂ.ની 5મી સદીમાં ઉત્તર ભારતમાંથી ઇન્ડો-યુરોપિયનો ત્યાં ગયા. તેઓ અગાઉના લોકો સાથે ભળી ગયા અને સિંહાલી કહેવાયા. દંતકથા મુજબ બંગાળમાંથી ગયેલા રાજકુમાર વિજયે ત્યાં શરૂઆતમાં પોતાનું રાજ્ય સ્થાપ્યું હતું. ઈ. પૂ. 5મી અને ઈ. સ.ની 10મી સદી વચ્ચેના સમયગાળામાં અનુરાધાપુર પાટનગર અને સંસ્કૃતિનું કેન્દ્ર હતું. ઈ. પૂ. 3જી સદીમાં મહાન અશોકના સૂચનથી તેનો પુત્ર મહેન્દ્ર ત્યાં ગયો અને તેણે બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો.

શ્રીલંકાના રાજા દેવાનાંપ્રિય તિસ્સે ઉત્સાહપૂર્વક બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો. તે ટાપુના મુખ્ય ધર્મ તરીકે તેનો ફેલાવો થયો. તેણે લોકોના સાંસ્કૃતિક તથા આધ્યાત્મિક જીવનને પ્રોત્સાહિત કર્યું. ત્યાંના રાજાઓએ આ ધર્મનાં મંદિરો, સ્તૂપો અને ધાર્મિક સ્મારકો બંધાવ્યાં. તેથી અનુરાધાપુર પ્રાચીન સમયનાં મહાન નગરોમાંનું એક અને બૌદ્ધ સંસ્કૃતિનું અદ્વિતીય કેન્દ્ર બન્યું. આ દરમિયાન મહાસેન, દતુસેન અને અગ્ગબોધિ નામના પ્રતાપી રાજાઓ થઈ ગયા.

દક્ષિણ ભારતમાંથી શ્રીલંકા ઉપર વારંવાર હુમલા કરવામાં આવતા. આવા એક જોરદાર હુમલામાંથી બચાવી પોતાના દેશને મુક્તિ અપાવનાર દુતુગામુનુ નામનો રાજા રાષ્ટ્રીય વીરપુરુષનું સન્માન પામ્યો હતો. 11મી સદીમાં ચોલ વંશના સમ્રાટ મહાન રાજરાજે શ્રીલંકા પર હુમલો કરી ઉત્તરના પ્રદેશો કબજે કર્યા હતા. ઈ. સ. 1070માં વિજયબાહુ રાજા બન્યો અને અનુરાધાપુરની દક્ષિણ-પૂર્વમાં (અગ્નિખૂણે) પોલોનરૂવા નામનું નવું પાટનગર વસાવ્યું. તેણે ચોલ રાજાના હુમલાખોરોને કાઢી મૂક્યા. પોલોનરૂવા કિલ્લેબંધીવાળું નગર હોવાથી, દક્ષિણ ભારતના વારંવારના હુમલાનો સામનો કરવાને સમર્થ હતું. ઈ. સ. 1151થી 1186 સુધી વિજયબાહુ અને પરાક્રમબાહુ, પ્રથમ – આ બે રાજાઓનો સમય નોંધપાત્ર ગણાય છે. પરાક્રમબાહુનો શાસનકાળ સુવર્ણયુગ ગણાય છે. તે દરમિયાન ધાર્મિક ઇમારતો બાંધવામાં આવી, નહેરો માટે તળાવો બંધાયાં અને મોટા પ્રમાણમાં દેશનો આર્થિક વિકાસ થયો. તત્કાલીન રાજાએ મ્યાનમાર (બ્રહ્મદેશ) અને દક્ષિણ ભારત પર આક્રમણો કરીને આક્રમક વિદેશનીતિ અમલમાં મૂકી હતી.

શિલ્પ-કોતરણીયુક્ત એક હિંદુમંદિર, કોલંબો

દક્ષિણ ભારતના વારંવાર હુમલાના પરિણામે થતા વિપુલ નુકસાનને લીધે સિંહાલી રાજાઓ પાટનગર પોલોનરૂવાથી દક્ષિણ અને નૈર્ઋત્ય બાજુએ વધુ સુરક્ષિત સ્થળે ખસી ગયા. 15મી સદીમાં તેઓ કોલંબો પાસે નૈર્ઋત્ય કિનારે કોટ્ટીમાં જઈને વસ્યા. 16મી સદીમાં તેમનું પાટનગર કૅન્ડી હતું.

પોર્ટુગીઝો દક્ષિણ ભારતના પશ્ચિમ કાંઠે – મલબાર કિનારે ઊતર્યા પછી 1505માં તેઓ કોલંબો આવ્યા. 16મી સદીના અંતમાં તેઓ દરિયાકિનારાના પ્રાંતોમાં સ્થાયી થયા; પરંતુ કૅન્ડી રાજ્ય જીતવામાં નિષ્ફળતા મળી. 17મી સદીમાં હોલૅન્ડના ડચ લોકોએ શ્રીલંકામાં દરિયાકિનારાના પ્રાંતો કબજે કર્યા. કૅન્ડીના રાજ્ય સાથે ડચ લોકોના સંબંધો બગડવાથી, 18મી સદીમાં કૅન્ડી રાજ્યે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મદદ માગી. અંગ્રેજોએ દરિયાકિનારાના પ્રાંતો ડચ પાસેથી લઈ લીધા. ઈ. સ. 1815માં અંગ્રેજોએ કૅન્ડીના રાજાને હરાવી શ્રીલંકામાં પોતાની સત્તા સ્થાપી.

શ્રીલંકામાં 1815થી 1948 સુધીના બ્રિટિશ યુગ દરમિયાન દેશમાં મહત્વનો આર્થિક અને સામાજિક વિકાસ થયો. આર્થિક ક્ષેત્રે ચોખાની ખેતી બદલીને કૉફી, ચા અને રબર જેવા રોકડિયા પાક માટે પ્લાન્ટેશન-પદ્ધતિ દાખલ કરવામાં આવી. દેશમાં પશ્ચિમનું શિક્ષણ, પાશ્ચાત્ય સંસ્થાઓ અને અંગ્રેજી ભાષાનો તથા ખ્રિસ્તી ધર્મનો ફેલાવો થયો. ઈ. સ. 1802માં શ્રીલંકા બ્રિટનનું સંસ્થાન બન્યું. ત્યાં 20મી સદીમાં રાષ્ટ્રવાદનો વિકાસ થયો. ભારતમાં કૉંગ્રેસની ચળવળ અને લોકોની સ્વરાજની માગણીને કારણે સરકારે બંધારણીય સુધારા આપવા વિચાર્યું. 1922થી 1924 દરમિયાન ગવર્નર મેનિંગે કેટલાક સુધારા કર્યા. તેના પરિણામે અંશત: ચૂંટાયેલી ધારાસભા અને કારોબારી સમિતિની રચના થઈ. 1930માં ડનફમોર કમિશને દેશની મુલાકાત લીધી અને પુખ્તવય-મતાધિકારના ધોરણે ધારાસભા અને સમિતિ રચવા ભલામણ કરી. 1931માં ડનફમોર-બંધારણ સ્વીકારવામાં આવ્યું અને 1946 સુધી તેનો અમલ થયો.

દ્વિતીય વિશ્વયુદ્ધના અંત પછી, બ્રિટિશ સરકારે શ્રીલંકા વાસ્તે નવું બંધારણ ઘડવા અને દેશને સ્વરાજ આપવા 1946માં સોલબરી કમિશન નીમ્યું. લોકોની માગણી સંપૂર્ણ સ્વતંત્રતાની હતી. 4 ફેબ્રુઆરી 1948ના રોજ બ્રિટિશ સરકારે લોકોના પ્રતિનિધિ ડી. એસ. સેનાનાયકને દેશના પ્રથમ વડાપ્રધાન તરીકે સત્તા સોંપી દીધી. ઈ. સ. 1948થી શ્રીલંકાએ આર્થિક વિકાસ કરવા અને દેશની જરૂરિયાત અનુસાર રાજકીય, સામાજિક અને આર્થિક પદ્ધતિઓ વિકસાવવા પ્રયાસો કર્યા. સંસદીય લોકશાહી પદ્ધતિનો અમલ કરવામાં આવ્યો. 1948થી 1970 દરમિયાન છ સરકારો સત્તા પર આવી. શ્રીલંકા ફ્રીડમ પાર્ટીના નેતા બંડારનાયકે લોકશાહી સમાજવાદ અને વિદેશનીતિમાં બિન-જોડાણવાદના કાર્યક્રમ પર 1956માં સત્તા પર આવ્યા. સપ્ટેમ્બર 1959માં તેમનું ખૂન થયા પછી તેમનાં વિધવા સિરિમાઓ બંડારનાયકે જુલાઈ 1960માં વડાપ્રધાન બન્યાં. 1965થી 1970 સુધી યુનાઇટેડ નૅશનલ પાર્ટીના ડડલી સેનાનાયકે વડાપ્રધાન રહ્યા પછી શ્રીમતી બંડારનાયકે 1977 સુધી વડાપ્રધાન તરીકે સત્તા સંભાળી. તે દરમિયાન લોકશાહી સમાજવાદને અનુરૂપ સુધારા કરવામાં આવ્યા. જુલાઈ 1977માં થયેલી સામાન્ય ચૂંટણી પછી યુનાઇટેડ નૅશનલ પાર્ટીના જે. આર. જયવર્દને સત્તા પર આવ્યા. 1972ના નવા બંધારણ મુજબ દેશનું નામ ‘રિપબ્લિક ઑવ્ શ્રીલંકા’ રાખવામાં આવ્યું. શ્રીલંકાના સિંહાલી અને તમિળ જાતિના લોકો વચ્ચે 1981માં હિંસા ફાટી નીકળી હતી. તમિળ યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટના નેતાઓએ તમિળોના અલગ પ્રદેશની માગણી કરી છે. 1978ના બંધારણીય સુધારા પ્રમાણે પ્રમુખ સરકારના વડા બન્યા. 1982માં જયવર્દને પ્રમુખપદે ચૂંટાયા. સ્વતંત્રતા મળી ત્યારથી દેશની સરકાર પર સિંહાલીઓ વર્ચસ્ ધરાવે છે. તે બાબત તમિળો માટે અસહ્ય બનવાથી 1983માં ઉત્તરના વિસ્તારોમાં તમિળ ગેરીલા અને સરકારના સિંહાલી લશ્કર વચ્ચે હિંસા ફાટી નીકળી. તે દરમિયાન હજારો લોકો માર્યા ગયા અને એક લાખ તમિળો નાસીને ભારત જતા રહ્યા. જુલાઈ 1987માં શ્રીલંકાની સરકાર અને ભારતે શાંતિ સ્થાપવાની યોજના ઘડીને તોફાનો બંધ કર્યાં. જૂન 1990માં તમિળ બળવાખોરો અને લશ્કર વચ્ચે લડાઈ થઈ તેમાં સેંકડો લોકો માર્યા ગયા. ફેબ્રુઆરી 1989માં યોજાયેલી ચૂંટણીઓમાં યુનાઇટેડ નૅશનલ પાર્ટીની જીત થઈ અને ડી. બી. વિજેતુંગે વડાપ્રધાન બન્યા.

મે 1993માં પ્રમુખ આર. પ્રેમદાસાને આત્મઘાતી બૉમ્બહુમલા દ્વારા ઉડાવી દેવામાં આવ્યા. તે પછી ડી. બી. વિજેતુંગે પ્રમુખ અને રાનિલ વિક્રમસિંઘે વડાપ્રધાન બન્યા. ઑગસ્ટ 1994માં સંસદીય ચૂંટણી યોજાઈ. તે પછી નવેમ્બર 1994માં પ્રમુખની ચૂંટણી થતાં, ચંદ્રિકા કુમારતુંગા શ્રીલંકાનાં પ્રમુખ બન્યાં; અને સિરિમાઓ બંડારનાયકને વડાપ્રધાનપદે નિયુક્ત કરવામાં આવ્યાં.

ઈ. સ. 1995થી ઉત્તરમાં વસતા તમિળ અલગતાવાદીઓ તથા સરકારના લશ્કર વચ્ચે લડાઈ ચાલતી હતી. જાન્યુઆરી 1998માં સરકારે એલ.ટી.ટી.ઈ.(લિબરેશન ટાઇગર્સ ઑવ્ તમિળ ઇલમ)ને ગેરકાયદેસર જાહેર કર્યું. મે 1998માં જાફનાનાં મેયર સરોજિની યોગેશ્વરને બૉમ્બથી ઉડાવી દેવામાં આવ્યાં. ઑગસ્ટ 1998થી આખા દેશમાં કટોકટી જાહેર કરવામાં આવી.

26 ડિસેમ્બર 2004ના રોજ ઇન્ડોનેશિયા અને તેની પાસેના હિંદી મહાસાગરમાં તીવ્ર ભૂકંપ અને સમુદ્રકંપ થયો. તેનાથી ઊંચાં પ્રલયકારી સુનામી દરિયાઈ મોજાં ઉદ્ભવ પામ્યાં; અને દક્ષિણ ભારત સહિત શ્રીલંકાના દરિયાકાંઠાના વિસ્તારોમાં તારાજી સર્જાઈ હતી. આ કુદરતી હોનારતથી શ્રીલંકામાં જાનમાલનું પુષ્કળ નુકસાન થયું. શ્રીલંકાની સરકારે ભારત સરકારની સહાય માગી અને ભારતે શક્ય તેટલી મદદ શ્રીલંકાને પૂરી પાડી.

કળા : શ્રીલંકાની ચિત્ર, શિલ્પ અને સ્થાપત્યકળાઓ : બે હજાર બસો વર્ષ પહેલાં સમ્રાટ અશોકનાં પુત્ર-પુત્રી મહેન્દ્ર અને સંઘમિત્રાએ અહીં બૌદ્ધ ધર્મનો વ્યાપક ફેલાવો કર્યો ત્યારથી આજ સુધી બૌદ્ધ ધર્મ આ દેશનો મુખ્ય ધર્મ રહ્યો છે. પ્રાચીન ભારતની આંધ્ર, ચોળ અને પાંડ્ય શિલ્પ-શૈલીઓએ તથા ચીની કળાએ પણ અહીં પ્રભાવ મૂક્યો છે.

પ્રાચીન તમિળ, ચીની, ઊડિયા અને થાઈ રાજાઓએ શ્રીલંકા પર આક્રમણો પણ કર્યાં હતાં અને તેને ગુલામ બનાવેલું. પ્રાચીન સમયમાં શ્રીલંકામાં વિશાળકાય બૌદ્ધ સ્તૂપો, વિહારો અને મહેલો બાંધવામાં આવ્યાં, જેમાંનું મોટાભાગનું આજે નષ્ટ થઈ ગયું છે. તેમાં ઉત્તમ કક્ષાનાં શિલ્પ હતાં, જેનો આજે બચેલા જૂજ નમૂના ઉપરથી અંદાજ આવે છે.

શ્રીલંકામાં બૌદ્ધ ધર્મના પ્રવેશ અગાઉ હિન્દુ અને જૈન ધર્મોનો વ્યાપક ફેલાવો હતો. એના ફળસ્વરૂપે આજે પણ શ્રીલંકામાં હિંદુ દેવદેવીની પ્રાચીન મૂર્તિઓ મળી આવે છે. દક્ષિણ શ્રીલંકાના કતારગામમાં સ્કંદકુમારની મૂર્તિ, આદમ્સ પીક ઉપર યમદેવની મૂર્તિ, ઉપરાંત શિવ, ગણેશ, કાલી અને વૈદિક દેવ વરુણની મૂર્તિઓ મળી આવી છે. પછીથી જ્યારે અહીં બૌદ્ધ ધર્મ ફેલાયો ત્યારે તેની થેરાવાડા શાખાનું પ્રભુત્વ રહ્યું. શ્રીલંકાનો વ્યવસ્થિત ઇતિહાસ તો દેવાનાંપ્રિય તિસ્સ(ઈ.પૂ. 247-207)ના રાજ્યાભિષેક પછી જ પ્રાપ્ત થાય છે.

આ સમય દરમિયાન ભારતના પ્રખ્યાત સમ્રાટ અશોકનો પુત્ર મહેન્દ્ર બૌદ્ધ ધર્મનો પ્રચાર કરવા શ્રીલંકા આવ્યો હતો. અનુગામી રાજા દુટ્ટહ ગ્રામણીએ સમગ્ર પ્રદેશમાં બૌદ્ધ ધર્મ પ્રચલિત કર્યો. તેરમી સદી સુધી શ્રીલંકાના કળાકારોને ભારતમાંથી પ્રેરણા મળતી રહી, પણ ભારતીય તમિળોનાં સતત આક્રમણો સામે અનુરાધાપુર ટકી ન શક્યું. પંદરમી સદીમાં તમિળ વર્ચસ્ સ્થપાયું. ત્યારપછી તો ઉત્તર શ્રીલંકા અને તેનાં નગરો જંગલોથી છવાઈ ગયાં.

અનુરાધાપુરનાં જંગલોમાંથી મળી આવેલો સૌથી પ્રાચીન સ્તૂપ છે થાપુરામાં. તે બે હજાર બસો વર્ષ પ્રાચીન છે. બંધાયાનાં સો વરસ બાદ સ્થાનિક રાજા દુત્તગામનીએ તેનો વિસ્તાર કરી તેને મોટું કદ આપેલું. તેનો ઘુમ્મટ મૂળમાં લાકડામાંથી બનાવેલો હોવાથી કાળક્રમે તે નાશ પામ્યો છે. આ ઊંચા સ્તૂપના ત્રણ વિભાગ છે : ત્રિમાલા, અંડ અને યદૃષ્ટિ. અનુરાધાપુરના અન્ય એક ખૂબ જ જાણીતા સ્તૂપ રુગનવેલી દાગબની રચનામાં છેલ્લા દસકાઓમાં એટલા બધા ફેરફારો થયા છે કે મૂળ સ્તૂપનો ખ્યાલ મેળવવા એની લઘુ આવૃત્તિરૂપ સ્તૂપનો આધાર લેવો પડે છે. અમરાવતીના સ્તૂપ કરતાં આ સ્તૂપનો વ્યાસ દોઢો એટલે કે 76.2 મીટર છે અને ઊંચાઈ 54 મીટર છે.

દ્વિતીય શતાબ્દીનો પ્રાચીન પેગોડા, અનુરાધાપુર

અહીંના સ્તૂપોમાં જોવા મળતી પીઠિકા ભારતમાં અમરાવતી કે નાગાર્જુનકોંડામાં જોવા મળે છે. પણ ભારતીય સ્તૂપના પાંચ આયક સ્તંભ શ્રીલંકામાં નથી. વિહારો લંબચોરસ છે. એમાં મૂળમાં ભીંતો ઈંટોની હતી અને અંદરની બાજુએ સ્તંભ હતા, એને ટેકવીને લાકડા કે પતરાની છત હતી.

અનુરાધાપુરનાં મંદિરોના સ્તંભોમાં જોવા મળતી શ્રીલંકાની શૈલીની વિશિષ્ટતા રૂપે ઉપરના ચોરસ કે અષ્ટકોણી ભાગોની નીચે સિંહોના ગળામાં પુષ્પમાળાઓ જોવા મળે છે. અહીંની ખૂબ જ જાણીતી ઇમારત લોહપ્રસાદનો આજે તો પાયો જ બચ્યો છે. નવ માળની આ ઇમારતનું બાંધકામ લાકડાનું હતું, પણ એમાં કીમતી ધાતુઓ અને હાથીદાંતનું જડતર હતું.

પછીથી જીર્ણોદ્ધાર કરીને અહીં પાંચ માળ ઊભા કરાયા હતા. આનો થોડો ખ્યાલ ભારતના મામલ્લપુરના ‘ધર્મરાજ રથ’ પરથી આવી શકે છે, કારણ કે ખડકમાંથી કોતરી કાઢેલા નાનકડા મંદિર ધર્મરાજ રથને આદર્શ નમૂનારૂપ ગણી આ ઇમારત બની હતી. ઈસવીસનની શરૂઆતની સદીઓમાં શ્રીલંકા અને ચીન વચ્ચે સંબંધો હતા. શ્રીલંકામાંથી ચીન ગયેલી બૌદ્ધ પ્રતિમાઓએ છઠ્ઠા ચીની રાજવંશની શિલ્પકળાને પ્રભાવિત કરી હોવાનું મનાય છે.

રુગનવેલી દાગબમાંની યોગમુદ્રાવાળી બૌદ્ધ પ્રતિમાઓ કળાદૃષ્ટિએ વધુ મહત્વની છે. આમાં વપરાયેલા દાણાદાર પથ્થરને કારણે અલંકરણને ઝાઝો અવકાશ મળ્યો નથી, પણ એના આકાર અને વિશાળતાને કારણે પ્રભાવશાળી અને ગૌરવપૂર્ણ લાગે છે. અનુરાધાપુરની આસનસ્થ બુદ્ધની પ્રતિમા આનો ઉત્તમ નમૂનો છે. સમૃદ્ધિ અને સૌભાગ્યના પ્રતીકસમા કુંભ લઈને આવતા નાગદેવતાની પ્રતિમાઓ અનુરાધાપુરની આસપાસ મળી આવી છે.

સુશોભનના સંદર્ભે તે ભારતની ગુપ્તકાલીન બોધિસત્વની પ્રતિમાઓને મળતી આવે છે. અહીંનાં મંદિરોનાં ગર્ભગૃહનાં પ્રવેશદ્વારે અર્ધચંદ્રાકાર ઉંબરાઓમાં સારનાથના અશોકસ્તંભની જેમ સિંહ, આખલા અને હાથીની હારમાળાઓ જોવા મળે છે.

છઠ્ઠી સદી પહેલાંની ચિત્રકળાના કોઈ નમૂના મળ્યા નથી, પણ અનુમાન કરી શકાય કે ચિત્રપરંપરા પણ શિલ્પસ્થાપત્ય જેટલી જ જૂની હશે. કશ્યપ રાજાના શાસનકાળ (511-529) દરમિયાન સિગિરિયામાં કમરથી નીચેના ભાગે વાદળોથી ઢંકાઈ ગઈ હોય એવી અપ્સરાઓનાં ભીંતચિત્રોમાં અહીં અજંતાની સીધી અસર જોઈ શકાય છે. તેમાં ખુલ્લાં સ્તનમંડળ ધરાવતી રૂપાળી યુવતીઓના ચહેરા પર મોહક સ્મિત જોવા મળે છે.

રાજકીય ઊથલપાથલોને કારણે આઠમીથી તેરમી સદી સુધી શ્રીલંકાનું પાટનગર પોલોન્નારુવા રહ્યું. ઈશાન વિસ્તારનાં ગાઢ જંગલોમાં તોપાવેવાના રાતાં કમળથી આચ્છાદિત સુંદર સરોવર પાસે સ્થાપત્યના જૂના અવશેષો છે. સિંહલ વંશના છેલ્લા મહાન રાજા પરાક્રમબાહુના સમય(116-497)માં કળાને પુષ્કળ ઉત્તેજન મળ્યું હતું.

તોપાવેવા સરોવર પાસેની એક પ્રતિમા આ રાજાની મનાય છે. વિશાળ દાઢીવાળા આ રાજાના હાથમાં ધૂંસરી છે, આ પ્રતિમા જાણે હમણાં જ ડગલું ભરશે તેવી જીવંત લાગે છે.

પોલોન્નારુવાનાં શિવમંદિરો અગિયારમી સદીનાં દક્ષિણ ભારતીય ચોળ મંદિરોની યાદ અપાવે છે. અહીંથી તાંજોર-શૈલીની સુંદર કાંસ્ય પ્રતિમાઓ મળી આવી છે. સિંહલ અને ભારતીય ધાતુકામના ઉત્તમ નમૂનારૂપ પટ્ટિણી દેવીની પિત્તળની પ્રતિમા સિગિરિયાનાં ભીંતચિત્રોની અપ્સરા સાથે સામ્ય ધરાવે છે.

આ ઉપરાંત હાથીદાંત પર કોતરકામની કળા પણ સત્તરમી સદી સુધી સારી રીતે સચવાઈ હતી. સોનાચાંદી જેવી કીમતી ધાતુઓની કોતરણીમાં સિંહલ કલાકારો નિપુણ હતા. કાંસાના દીપ પ્રાચીન રોમન આકારોની યાદ અપાવે છે; તો કેટલાક દીપ કંબોડિયાનાં કમળદીપોની યાદ અપાવે છે.

ભગવાન બુદ્ધનાં પૂર્ણમૂર્ત શિલ્પો શ્રીલંકાની શિલ્પકળાના શ્રેષ્ઠ નમૂના છે. ચોથી સદીથી બારમી સદી સુધીમાં કંડારેલી આ મૂર્તિઓમાં ભારતની ગુપ્તકાલીન મૂર્તિઓના જેવો ત્રિભંગ જોવા મળતો નથી, પણ ટટ્ટાર-અક્કડ અદા જોવા મળે છે. આમાં સૌથી વધુ વિરાટ અને પ્રભાવક છે આવુકાનામાં એક જ ખડકમાંથી કોતરેલી 14.02 મીટર (46 ફૂટ) ઊંચી પૂર્ણમૂર્ત બુદ્ધ પ્રતિમા. પર્વતોની ઊંચી ભેખડો ઉપર અર્ધમૂર્ત બુદ્ધ-પ્રતિમાઓ પણ કંડારી હતી. આવી રીતે ખડકને અઢેલીને ઊભેલી બુદ્ધ-પ્રતિમાઓમાં બુદુરુવેગાલાની બુદ્ધ-પ્રતિમા શ્રેષ્ઠ છે. મુખ ઉપર શાંત ભાવ સાથે તે બંને હાથે ‘વિતર્ક’ મુદ્રામાં વાર્તાલાપ કરતી નજરે પડે છે. ઉપરાંત બોધિસત્વો, અવલોકિતેશ્વર અને અમિતાભની મૂર્તિઓ પણ કંડારાઈ. સાસેરુવામાં 3.6 મીટર ઊંચી બુદ્ધ-પ્રતિમા છે.

જળક્રીડા કરતા હાથીઓના ઝુંડને ઇસુરુમુનિમાં ખડકોમાંથી જીવંત જણાય તેવા કંડારાયા છે. તિસાવેલા સરોવરની બાજુમાં આવેલા આ મહાકાય શિલ્પ ઉપર ‘ગંગાવતરણ’ જેવા ભારતના પલ્લવ શિલ્પની અસર છે. શ્રીલંકાનાં અંતિમ સુંદર સ્થાપત્યોમાં કૅન્ડી ખાતેનું બૌદ્ધ દંતમંદિર શ્રેષ્ઠ ગણી શકાય.

બિજલ પરમાર

જયકુમાર ર. શુક્લ

અમિતાભ મડિયા