શ્રીવર પેમ (. 4 જુલાઈ 1962; બાલ્ટીમોર, મૅરીલૅન્ડ, યુ.એસ.) : અમેરિકાનાં મહિલા ટેનિસખેલાડી. 1978માં 16 વર્ષની વયે યુ.એસ. ઓપનમાં ફાઇનાલિસ્ટ બનનાર સૌથી નાની વયનાં ખેલાડી તરીકે તેમણે વિક્રમ સ્થાપ્યો. કારકિર્દીના આવા છટાદાર પ્રારંભ છતાં તેઓ ગ્રૅન્ડ સ્લૅમ સિંગલ્સની ફાઇનલ સુધી પહોંચી શક્યાં નથી. જોકે ડબલ્સની રમતનાં તેઓ અગ્રણી ખેલાડી નીવડ્યાં અને 1981 અને 1989ની વચ્ચે માર્ટિના નોર્વાતિલોવા સાથે ગ્રૅન્ડ સ્લૅમનાં વિજેતા બન્યાં. (7 ઑસ્ટ્રેલિયન, 5 વિમ્બલ્ડન, 4 ફ્રેન્ચ તથા 4 યુ.એસ.) બંનેએ સાથે મળીને તેમની કારકિર્દીમાં 79 ડબલ્સ વિજયપદકોમાં વિક્રમરૂપ જીત મેળવી. 1988માં ઑલિમ્પિકમાં ટેનિસ દાખલ કરવામાં આવ્યું ત્યારે ઝિના ગૅરિસન સાથે શ્રીવર એક બીજો પણ સુવર્ણચંદ્રક જીત્યાં. 1991માં નાતાલ્યા ઝવેરેવા (યુ.એસ.એસ.આર.) સાથે યુ.એસ. વીમેન્સના ડબલ્સનાં પણ તેઓ વિજેતા બન્યાં. 1987માં સાન્ચેઝ (સ્પેન) સાથે ફ્રેન્ચ મિક્સ્ડ ડબલ્સનાં પણ તેઓ વિજેતા બન્યાં હતાં. 1992ના અંતે તેમની કારકિર્દીની કમાણી 48,70,516 ડૉલર જેટલી હતી. તેમની અસામાન્ય ઊંચાઈ(1.80 મી.)ના પરિણામે તેઓ ઉત્તમ ‘સર્વિસ’ કરી શકતાં.

મહેશ ચોકસી