શ્રી રામકૃષ્ણ જીવિતચરિત્ર

January, 2006

શ્રી રામકૃષ્ણ જીવિતચરિત્ર (1956) : શ્રી ચિરંતનાનંદ સ્વામી(જ. 1906)એ તેલુગુમાં રચેલ શ્રી રામકૃષ્ણ પરમહંસનું ચરિત્ર. આ કૃતિ માટે ચરિત્રલેખકને 1957ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. આ ગ્રંથ શ્રી રામકૃષ્ણલીલાપ્રસંગ અને શ્રી રામકૃષ્ણકથામૃત જેવા મૂળ બંગાળી સ્રોત પર તથા વિવેકાનંદ અને શ્રી રામકૃષ્ણના અન્ય શિષ્યોનાં લખાણો પર આધારિત છે. શ્રી ચિરંતનાનંદે શ્રી રામકૃષ્ણના નિકટવર્તી સાથી અને શિષ્ય સ્વામી વિજ્ઞાનાનંદ પાસેથી દીક્ષા લીધી હતી. આ ગ્રંથમાં શ્રી રામકૃષ્ણના જીવનનું નિખાલસ વૃત્તાન્ત તેમના જુદા જુદા તબક્કાઓમાં ચિત્રાંકિત કરીને તથા તેમનાં વચનો અને કાર્યો અને મહાન સંતની મૂળભૂત માનવતામાંથી પ્રગટ થતા ખાસ પસંદગીના છૂટક પ્રસંગો નિરૂપીને તે દ્વારા તેમના વ્યક્તિત્વનું દર્શન લેખકે કરાવ્યું છે.

શ્રી રામકૃષ્ણ ન તો ભગવાનનો અવતાર છે, ન અલૌકિક ચમત્કાર સર્જનાર કોઈ વ્યક્તિ. તે તો અસાધારણ સંવેદનશીલતા ધરાવતા માણસનું પ્રતિનિધિત્વ કરી શકે તેવી વ્યક્તિ માત્ર છે; જેમનામાં સૌમ્યતા, મોહકતા, નમ્રતા જેવા ગુણો રહેલા છે; જે પોતાનાં ભાઈ-ભાંડુઓ પ્રત્યે સ્નેહ અને કરુણા વરસાવે છે; જે હિંદુ સંસ્કૃતિના સાર કે પ્રતીક સમાન છે. તે એવા સમયે હિન્દુસ્તાનને-ભારતને પ્રાપ્ત થયા જ્યારે હિંદુ સંસ્કૃતિ અને હિંદુ જીવનશૈલી નિકટવર્તી સમયમાં જાણે કે કાયમ માટે લોપ પામવા તરફ ધસી રહી હોય એવી હવા વરતાતી હતી. શ્રી રામકૃષ્ણે પોતાની બહુશ્રુત પ્રતિભા દ્વારા ભક્તિ, જ્ઞાન અને આધ્યાત્મિકતા પ્રાપ્ત કરવાના તાંત્રિક માર્ગોનું વાજબીપણું પુરવાર કરી બતાવ્યું અને તેની સાથોસાથ તેમણે ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મોમાં જોવા મળતી ‘સાધના’ની યથાર્થતા પણ સિદ્ધ કરી બતાવી. આજે વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીના જમાનામાં જીવનાર સમાજ સમક્ષ શ્રી રામકૃષ્ણનો સંદેશ એ રીતે રજૂ કરાયો છે કે ધાર્મિક વિવિધતામાં એકતા જળવાય અને સમગ્ર માનવજાતિ માટે પોતાના દિલમાં દયાભાવના અને ભાઈચારો કેળવાય.

આ કૃતિ શ્રી રામકૃષ્ણના તત્વજ્ઞાનવિષયક વિચારો સ્પષ્ટ રીતે અભિવ્યક્ત કરે છે. તે તેની શ્રેષ્ઠ શૈલીને કારણે તેલુગુ સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન પામી છે.

બળદેવભાઈ કનીજિયા